“નેહા શું કરે છો?”
નેહાના મોબાઇલ પર રેખાનો ફરી મેસેજ આવ્યો. “નેહા,શું કરે છો? બહુ કામમાં લાગે છો?”
નેહાએ મેસેજ વાંચી રેખાને ફોન કર્યો, “વળી, શું કરવાનું હોય? તને તો ખબર છે આઠમી માર્ચે વીમન્સ ડે છે. તે દિવસે પતિદેવે આપણને કંઈક ગિફ્ટ તો આપવી પડે ને, એટલે ગિફ્ટમાં કેટલી કિંમતનો અને કેવો ડ્રેસ લઉં એ વિચારણામાં છું. મેં તો રમેશને કહી દીધું છે કે આ વખતે મારે અમારી વીમન્સ ડેની પાર્ટીમાં વટ પાડી દેવો છે. એટલે હું તો મોંઘો ડ્રેસ ખરીદવાની છું. તારે તારામાં જ્યાં કરકસર કરવી ત્યાં કરજે. હું મારામાં જરા પણ કરકસર ચલાવી નહીં લઉં. તું તારી વ્યવસ્થામાં રહેજે.”
“નેહા, તું ખરેખર નસીબદાર છો. મારે તો એકલાએ જ મારી ખરીદી કરવા જવાનું ને વળી મને તો ખરીદીનું બજેટ આપે તેમાં જ ખરીદી કરવાની હોય. નેહા, મને એક વાત ન સમજાઈ; તે રમેશને તેના ખર્ચામાં કરકસર કરવાનું કહ્યું; તો શું રમેશને આપણી જેમ પાર્ટી કરવાનો, પિકનિક પર જવાનો, નાસ્તા-પાણી કરવાનો કે પછી સોફ્ટડ્રિંક્સનો શોખ છે?”
“ના ના મારો રમેશ તો એકદમ સીધી લાઈનનો છે. તેના કોઈ ખોટા ખર્ચા જ નથી.”
“નેહા, તો તે રમેશભાઈને શેની કરકસર કરવાનું કહ્યું? રમેશભાઈનો કોઈ ખોટો ખર્ચો જ નથી તો કરકસર ક્યાં કરશે?”
નેહાએ કહ્યું, “જવા દે ને એ વાત. આપણી માગણી માટે મનાવવા માટે આવું કહેવું પડે; તેને સારું લાગે. બાકી મને પણ ખબર છે કે તેણે કાપ મૂકવો પડે એવો કોઈ ખર્ચ કરવાની ટેવ જ નથી.”
રેખાએ પૂછ્યું, “રમેશને સારું લાગે કે ખરાબ?” નેહાએ કોઈ જવાબ ન આપ્યો વાતને બીજે પાટે ચડાવી દીધી.
“રેખા, રશ્મિનો ફોન આવે છે; હું પછી તારી સાથે વાત કરું છું. પણ તું વીમન્સ ડેની તૈયારી શરૂ કરી દે જે. જરા વધારે લાડ કરીને, રોમેન્ટિક મૂડ બનાવીને ખરીદી માટે તગડું બજેટ પાસ કરવી લેજે. તારે આપણી કળાનો ઉપયોગ કરતા શીખવું જોઈએ; એ કળાથી ધાર્યું કામ કરાવી શકાય છે.”
“બોલ રશ્મિ, બધાં સાથે વાત થઈ ગઈ? તે બધાંને કહી દીધું ને કે વીમન્સ ડેની આ વખતે આપણે શાનદાર રીતે ઉજવણી કરવી છે. આખા ય વરસમાં આપણા નામનો તો આ એક જ દિવસ આવે છે. આપણે તેનો ભરપૂર લાભ લેવો છે. મને કહે, બધાંએ શું શું કહ્યું.”
“નેહા, આમ તો બધાં સાથે વાત થઈ ગઈ છે. વિભાનો ફોન લાગતો નથી. મેં તેને મેસેજ કર્યો છે જવાબની રાહ જોઉં છું.”
“રોમા કહેતી હતી કે મારે થોડીક તકલીફ થાય એવું છે. મેં મારા સાસુ, સસરાને ક્યાં ય બહાર કે દેવ-દર્શને પણ જવા નથી દીધાં. એ લોકોએ ઘણી વખત ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હું તે લોકોની વાતને આ ઘડપણમાં પડો-આખડો તો હાથ-પગ ભાંગે એમ કહીને વાતને ટાળી દેતી હતી. મારા સાસુ-સસરા દ્વારકાધીશના ભક્ત છે. અત્યારે પરાણે એ લોકો દ્વારકાધીશના દર્શને જવા તૈયાર થયા છે. એમના પ્રોગ્રામ પર મારો આવવાનો આધાર છે. લગભગ તો હું નહીં આવી શકું.”
“અનિતાએ તો ના કહી; તેનાં સાસુની તબિયત બરોબર નથી અને ડોક્ટરને બતાવવા જવા માટેની વાત કરતી હતી.”
“એ તો છે જ વેવલી. ક્યારે ય ક્યાં ય આવતી નથી.”
“ના નેહા, અનિતા વેવલી નથી. આપણે વીમન્સ ડે સેલિબ્રેટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ. અનિતાના સાસુ પણ એક વુમન છે. શું એ વૃદ્ધ થયાં એટલે વુમનની ગણતરીમાં નહીં આવે? ચોક્કસ આવશે અને એટલે જ અનિતા તેની સાસુનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને વીમન્સ ડે સેલિબ્રેટ કરે છે તો તેમાં ખોટું શું છે? આમ તો આપણે પણ અનિતાની જેમ વિચારવું જોઈએ.”
“ઓહ! સારું સારું; બીજી સહેલીઓ શું કહે છે એ વાત કર ને? એ લોકોને પણ કોઈને કોઈ પ્રશ્ન હશે જ?”
“હા નેહા, બધાં લોકોને સામાન્ય રીતે સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો હોય જ છે, પણ કોઈ અનિતાની જેમ કુટુંબને પ્રાધાન્ય આપીને રોજ વીમન્સ ડે છે એમ માનીને સેલિબ્રેટ કરે છે અને કોઈ વીમન્સ ડે વરસમાં એક જ દિવસ સેલિબ્રેટ કરવાનો હોય છે એમ માનીને વીમન્સ ડેને પ્રાધાન્ય આપે છે અને તે પ્રમાણે નિર્ણય કરે છે. દરેકને પોતપોતાની વિચારસરણી હોય છે.”
“રાગિણીની વાત અલગ છે. તેના પતિની ઓફિસમાં વીમન્સ ડેને દિવસે, ઓફિસની બધી વીમન્સ, વીમન્સ ડે ઓફિસમાં જ સેલિબ્રેટ કરવાની છે. એટલે તેના પતિ સાથે ઓફિસે જવાની છે અને જવું પણ જોઈએ. પતિ સાથે વીમન્સ ડે સેલિબ્રેટ કરવા મળતો હોય તો એ તક જતી ન કરાય.”
અંતે નેહાએ પૂછ્યું, “ટૂંકમાં કહેને આપણા વીમન્સ ડે સેલિબ્રેશનમાં કેટલાં ભેગાં થવાનાં છીએ?”
“આશરે ત્રીસેક તો ખરા જ.”
“બસ તો ચાલ વીમન્સ ડેનાં સેલિબ્રેશનની તૈયારીમાં લાગી જઈએ.”
આખરે જેની આતુરતાથી બધી સહેલીઓ રાહ જોઈ રહી હતી એ વીમન્સ ડે આવી પહોંચ્યો. બધી સહેલીઓએ ભેગી થઈને ખૂબ મસ્તી મજાક અને ખાણીપીણીથી વીમન્સ ડેને સેલિબ્રેટ કર્યો. અચાનક નેહાએ રેખાને પૂછ્યું, “રેખા, વિભા કેમ નથી દેખાતી? તેનો કોઈ ફોન કે મેસેજ હતો? કે પછી તેણે કોઈ જવાબ જ નહોતો આપ્યો?”
“ના અત્યાર સુધી તો તેનો કોઈ જવાબ નથી આવ્યો. અત્યારે આવ્યો હોય તો જોઈ લઉ. નેહા, વિભાએ આપણા માટે એક વીડિયો અને મેસેજ મોકલ્યો છે.”
“આજે વીમન્સ ડેને દિવસે ભેગી થયેલી બધી સહેલીઓને વીમન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સાથેના વીડિયોમાં મને આજે જિલ્લાકક્ષાની સ્વિમિંગની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયાનું સર્ટિફિકેટ માનનીય કલેક્ટરસાહેબને હસ્તે મળી રહ્યું છે, એ તમે જોઈ શકશો. તમને મારી સ્વિમર તરીકેની પહેચાન પહેલી વખત મળે છે. આજે પૂરી હકીકત તમને જણાવી દઉં.”
“હું શાળા કક્ષા અને કોલેજ કક્ષાએ તેમ જ સ્ટેટ કક્ષાએ સ્વિમિંગમાં ઘણી વખત પ્રથમ ક્રમાંક મેળવતી અને મહદ્ અંશે પ્રથમ રહેતી. લગ્ન પછી મેં કુટુમ્બને પ્રાધાન્ય આપ્યું. આ વાતની શુભમને ખબર હતી પણ તેણે શું કરવું એ મારી પર છોડ્યું હતું. આ બાબતે અમારી વચ્ચે ચર્ચા નહિવત થતી હતી. શુભમને ખબર હતી કે હું કુટુંબને વિશેષ પ્રાધાન્ય આપું છું. શુભમે મને ક્યારે ય કોઈ બાબતે દબાણ કર્યું નથી. મારી ઈચ્છાનું હંમેશાં માન રાખ્યું છે.”
“શુભમને ખબર હતી કે વીમન્સ ડેને દિવસે જિલ્લા કક્ષાની વીમન્સ સ્વિમિંગ સ્પર્ધા છે. સ્પર્ધામાં તેણે મને પૂછ્યા વગર મારું નામ રજીસ્ટર કરવી દીધું હતું. અઠવાડિયા પહેલાં શુભમે મને વાત કરી. હું તો આ વાતથી ગભરાઈ ગઈ કે પ્રેક્ટિસ વગર હું સ્પર્ધામાં શું કરીશ. મેં શુભમને સ્પર્ધામાં ભાગ લેવાની ના કહી. પણ શુભમને વિશ્વાસ હતો કે મારે થોડીક પ્રેક્ટિસની જરૂર છે. હવે શુભમની ઈચ્છાનું માન રાખવાનો મારો વારો હતો.”
“મેં એક અઠવાડિયું સ્વિમિંગની પ્રેક્ટિસ કરી. શુભમ મારી સાથે ને સાથે જ હતો અને મારો આત્મવિશ્વાસ વધાર તો રહેતો હતો. ….. જેનું પરિણામ તમારી સામે છે. આજે મારી જિંદગીની બેસ્ટ ગિફ્ટ શુભમે મને વીમન્સ ડે ને દિવસે આપી છે. તમને સમજીને તમારી આંતરિક શક્તિ જો તમારો લાઈફ પાર્ટનર બહાર લાવે તો તેનાથી મોટી ગિફ્ટ બીજી કઈ હોય શકે? આજે હું, ખૂબ જ ખુશ છું કે વીમન્સ ડેને દિવસે મને મારી જિંદગીની અમૂલ્ય ભેટ મળી છે.”
વીમન્સ ડેની પાર્ટીમાં સોપો પડી ગયો હતો. બધાંએ વિભા વીડિયો અને મેસેજ દ્વારા શું કહેવા માગે છે તેનો અર્થ પોતપોતાની રીતે તારવ્યો કે બીજી સહેલીઓ જે ગેરહાજર રહીને છે તેણે પણ પોતાની પસંદગીની ગીફ્ટ મેળવી લીધી છે.
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com