Opinion Magazine
Number of visits: 9506299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને રાષ્ટ્રપિતા ગણવાના ઠાગાઠૈયા

હરિ દેસાઈ|Gandhiana|21 November 2015

રાષ્ટૃીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું

ભારતને અહિંસાના માર્ગે આઝાદી અપાવવાનું ઐતિહાસિક કામ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં થતાં એમને રાષ્ટ્રપિતા ગણાવવાની પ્રચલિત પરંપરા છે. તેનાથી વિપરીત દેશના વર્તમાન ભાજપી શાસકો અને એમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપરાંત સહોદર સંગઠનો ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધવામાં સંકોચ અનુભવે છે અને એટલે જ સંઘના કોઈ કાર્યક્રમમાં ગાંધીજીની તસવીર મૂકાય તો એ ન્યૂઝ બને છે. ગાંધીહત્યાનો આરોપ વીર સાવરકરના જૂથની સાથે જ સંઘ પરિવાર ઉપર પણ આવ્યો હતો. દેશના ગૃહમંત્રી તરીકે સરદાર પટેલે એના પર બંધી લગાવી અને ઊઠાવી હતી, પણ ગાંધીહત્યા સુધીના ઝેરી પ્રચારનું વાતાવરણ તૈયાર કરવામાં સંઘનો હાથ હતો, એ વાત છેલ્લે સુધી સરદારે પોતાના પત્રોમાં સ્વીકારી હતી. તેમને એ વાતનું પણ દુ:ખ હતું કે ગાંધીજીની હત્યા થઈ ત્યારે સંઘ પરિવારના લોકોએ મીઠાઈ વહેંચીને તેનો આનંદ મનાવ્યો હતો. (‘આરએસએસ બીજાં ઘણા પાપ અને ગુનાઓ માટે નિ:શંકપણે જવાબદાર છે, પણ આ પાપ (હત્યા) માટે નહીં’, વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર સરદારનો 27 ફેબ્રુઆરી, 1948નો પત્ર)

સંઘ પરિવારની પ્રચલિત માન્યતા એવી છે કે આ દેશ કાંઈ ગાંધીએ સર્જ્યો નથી. એનો પાંચહજાર વર્ષ પુરાણો ઇતિહાસ છે. સંઘનિષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2015ના રોજ કોંગ્રેસી શાસકોની પરંપરા જાળવતાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર આદર વ્યક્ત કરવા ગયા. ઉપરાંત ટ્વિટ કરીને પણ મહાત્માને શત શત વંદન કર્યાં. ઝારખંડના દુમકામાં પણ એમણે મહાત્મા ગાંધી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો, પરંતુ એમની વડાપ્રધાન તરીકેની વેબસાઇટ પર મૂકાયેલાં વ્યાખ્યાન કે ટ્વિટમાં ગાંધીજયંતીએ ક્યાં ય એમણે ‘રાષ્ટ્રપિતા’ શબ્દપ્રયોગ કરવાનું ટાળ્યું છે. એ જુદી વાત છે કે સરકારી પ્રસાર માધ્યમોએ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપિતાને અંજલિ અર્પવામાં આવી, એવા સમાચાર પ્રસારિત કર્યા હોય, પણ સ્વયં વડાપ્રધાને સ્વયંસેવક તરીકેની શિસ્ત જાળવીને કે અજાણતાં ગત 2 ઑક્ટોબરે મહાત્મા ગાંધી માટે ક્યાં ય રાષ્ટ્રપિતા જેવો શબ્દપ્રયોગ કર્યો નથી.

મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રીય ફલક પર ઉપસેલા લોકમાન્ય બાળગંગાધર ટિળકનું 1 ઓગષ્ટ 1920ના રોજ નિધન થતાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય ચળવળમાં એમના ખાલીપાને મહાત્મા ગાંધીએ ભરવાની કોશિશ કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની 1925માં સ્થાપના કરનાર અને ક્રાંતિકારી માર્ગે આઝાદી મેળવવાના આકાંક્ષી ડૉ. કેશવ બલિરામ હેડગેવાર જેવા સ્વઘોષિત ટિળકવાદીઓને ગાંધીજીનું નેતૃત્વ કઠ્યું હતું. એમણે તો પાંડિચેરી જઈને મહર્ષિ અરવિંદ(પૂર્વાશ્રમમાં ક્રાંતિકારી અને બોમ્બ સંસ્કૃિતના સમર્થક એવા પ્રા. અરવિંદ ઘોષ)ને નાગપુરમાં 1920માં મળનારી કોંગ્રેસનું અધ્યક્ષપદ સ્વીકારવા વિનવણી પણ કરી જોઈ હતી. અરવિંદે નન્નો ભણ્યો એ પછી કોંગ્રેસમાં છવાતા ગયેલા સત્યાગ્રહ અને અહિંસાના પ્રણેતા મહાત્મા ગાંધીનું નેતૃત્વ એમણે નાછૂટકે સ્વીકારવું પડ્યું હતું. કોંગ્રેસમાં ગાંધીયુગ બેઠો એટલે ટિળકવાદીએ પોતાને બાજુએ હડસેલાયેલા સમજવા માંડ્યા.

સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવલકર (ગુરુજી) ગાંધીહત્યા પછી 1952માં પણ સાવરકર સાથે પુણેમાં એકમંચ પર આવીને ગાંધીજીની રાષ્ટ્રપિતા ગણાવવાની બાબતમાં ખુલ્લી અસંમતિ વ્યક્ત કરતા જણાયા હતા. 1961માં સંઘના રાજકીય ફરજંદ જનસંઘના નેતા અને સંઘના પ્રચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પણ ‘ગાંધીજી પ્રત્યે તમામ પ્રકારનો આદર ખરો, પરંતુ આપણે તેમને રાષ્ટ્રપિતા કહેવાનું તો માંડી વાળવું કે બંધ કરવું જોઈએ’ એવું જણાવ્યું હતું. આ હકીકત ‘ધ આરએસએસ ઍન્ડ ધ બીજેપી : અ ડિવિઝન ઑફ લેબર’માં એ. જી. નૂરાની જેવા વિદ્વાન અભ્યાસી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ નોંધી છે. ભાજપના અધ્યક્ષ રહેલા નેતા લાલકૃષ્ણ આડવાણી પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા માનવાનો સાફ ઇનકાર કરી રહ્યાનું ટાઇમ્સ ઑફ ઈન્ડિયા 17 ઑક્ટોબર 1980ના અંકમાં તેઓ જણાવે છે. આમ છતાં મુંબઈના વાંદરા રેકલેમેશનમાં સમતાનગર ઊભું કરીને યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના 1980ના સ્થાપના અધિવેશનમાં સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી અને આડવાણી જોડીએ ‘ગાંધીવાદી સમાજવાદ’ને સ્વીકારવાની રજૂઆત કરી ત્યારે એનો વિરોધ કરનાર માત્ર રાજમાતા વિજયારાજે સિંધિયા અને ભૈરોંસિંહ શેખાવત જ હતા. એ અધિવેશન કવર કરનાર આ લેખકે એ વેળા રાજમાતા અને ભૈરોંસિંહના વિસ્તૃત વિરોધ-ઈન્ટરવ્યુ પણ કર્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના સંબંધોને સંઘ તરફથી નકારવામાં આવ્યા છે. એમણે 1934માં સંઘ છોડીને હિંદુ મહાસભા સાથે જોડાવાનું પસંદ કર્યું હોવાનું કહી હાથ ખંખેરવાનો પ્રસાય થયો છે. સંઘના સરસંઘચાલક રહેલા પ્રા. રજ્જુ ભૈયાએ ‘આઉટલુક’ની મુલાકાતમાં નથુરામ ગોડસેને કોંગ્રેસી ગણાવવાની કોશિશ કરી હતી. એમ તો સંઘના સંસ્થાપક ડૉક્ટરજી પણ કોંગ્રેસી જ હતા! જો કે મુંબઈમાં ગોપાલ ગોડસે (નથુરામના લઘુબંધુ) સાથેની આ લેખકની ચર્ચા કે તેમણે ઈન્ડિયન ઍક્સપ્રેસને આપેલી મુલાકાતમાં પણ છેલ્લે સુધી ગોડસે પરિવારને સંઘ સાથે સંબંધ જળવાયાનું ભારપૂર્વક સ્પષ્ટ કર્યું હતું. એટલું જ નહીં, ગોપાલ ગોડસે ઘણી વાર સંઘસંચાલિત ’હિંદુસ્તાન સમાચાર’ સંસ્થાની મુંબઈ સ્થિત કચેરીની સ્વજનભાવે 1977-81 દરમિયાન મુલાકાત પણ લેતા રહ્યા હતા. તેઓ પોતાને સંઘના સ્વયંસેવક ગણાવવામાં ગર્વની અનુભૂતિ કરતા હતા. 1965માં જેલમાંથી છૂટેલા ગોપાલરાવનું 2005માં નિધન થયું હતું. પ્રદીપ દળવી લિખિત અને વિનય આપ્ટે દિગ્દર્શિત ‘મી નથુરામ ગોડસે બોલતોય’ નાટક મહારાષ્ટ્રમાં ખૂબ ગાજતું રહ્યું છે.

મહાત્માને સંઘની પ્રાર્થનામાં ‘પ્રાત:સ્મરણીય’ ગણાવાયા છતાં આરએસએસની ગાંધીજી ભણીની દુર્ભાવના અનેક વાર સંઘ પરિવારના સંગઠનોમાં પ્રગટતી રહી છે. 1965માં દિલ્હી મ્યુિનસિપલ કૉર્પોરેશનમાં સંઘ સંલગ્ન નગરસેવકોએ એક ઠરાવમાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા ગણાવવા સામ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના વર્તમાન સાંસદ સાક્ષી મહારાજ મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેને ‘દેશભક્ત’ ગણાવે છે, તો વિશ્વ હિંદુ પરિષદનાં સાધ્વી પ્રાચી આર્ય મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવવા સામે ખુલ્લો વિરોધ કરે છે. સંઘ પરિવારમાંથી ક્યારેક માગ ઊઠે છે કે મહાત્મા ગાંધીને બદલે સરદાર પટેલને રાષ્ટ્રપિતા જાહેર કરો. કારણ? સરદાર જ વર્તમાન ભારતના સાચા શિલ્પી હતા. માયાવતીની બહુજન સમાજ પાર્ટીની વેબસાઇટ રાષ્ટ્રપિતા તરીકે ડૉ. ભીમરાવ આંબેડકરને  જાહેર કરે છે. રાષ્ટ્રપિતા તરીકે ક્યારેક સાવકર તો ક્યારેક સુભાષચંદ્ર બોઝને જાહેર કરવાની ઊઠતી માંગ પાછળ મતનું રાજકારાણ જોવા મળે છે.

એકંદરે મહાત્મા ગાંધીની છબીને ધૂમિલ કરવાના ચોફેરથી પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે વડાપ્રધાને મૂકપ્રેક્ષક બનીને આવી ચર્ચાને મોકળાશ બક્ષવાની જરૂર નથી. આવી રાષ્ટ્રભંજક પ્રવૃત્તિને રોકવા તેમણે દેશવાસીઓને ખરા અર્થમાં અપીલ કરવાની જરૂર છે.

સૌજન્ય : ‘ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, 21 અૉક્ટોબર 2015  

Loading

21 November 2015 admin
← સમાન શિક્ષણ : મંઝિલ ઘણી દૂર છે
શા માટે ઓછામાં ઓછું (મિનિમમ) વેતન મળવું જોઈએ તેમ જ આઠ કલાકનો દિવસ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved