હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક સ્ત્રીબોધ
૧૮૫૭ના વરસની ત્રણ યાદગાર ઘટનાઓ કઈ? ઘણાખરાને પહેલી ઘટના તો તરત યાદ આવશે : અંગ્રેજો જેને સિપાઈઓનો બળવો કહેતા અને આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ તેની શરૂઆત ૧૮૫૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયેલી. જેઓ શિક્ષણ સાથે સંકળાયેલા હશે તેમને બીજી ઘટના પણ યાદ આવશે : યુનિવર્સીટી ઓફ બોમ્બેની સ્થાપના. પણ ત્રીજી ઘટના? આજે ભાગ્યે જ કોઈને યાદ આવશે. કારણ તવારીખમાં, ઇતિહાસની ઝીણી ઝીણી વિગતોમાં આપણને ઝાઝો રસ નથી. આપણને તો ગમે છે ‘ભવ્ય ભૂતકાળ’નાં ગુણગાન ગાવાનું. તો ત્રીજી ઘટના તે એ કે ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે મુંબઈથી શરૂ થયું ગુજરાતી માસિક ‘સ્ત્રીબોધ.’
પહેલો અંક, જાન્યુઆરી ૧૮૫૭
હા જી. અમને ખબર છે. ઘણા વાચકો મનમાં, અને કેટલાક તો મોટેથી પણ, બોલશે : ‘લ્યો! આ તો ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર! અને પાછું નામ તો જુઓ : ‘સ્ત્રીબોધ.’ હા, એ હતું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું ગુજરાતી માસિક. એ હતું સ્ત્રીઓ માટેનું આખા હિન્દુસ્તાનનું પહેલવહેલું માસિક. (એક આડવાત : થોડા દિવસ પહેલાં એક મિત્રે પૂછેલું કે તમે મોટે ભાગે ‘ભારત’ને બદલે ‘હિન્દુસ્તાન’ કેમ લખો છો? જવાબ : કારણ રાજકીય ભૂગોળની દૃષ્ટિએ આજના ભારત કરતાં ૧૯૪૭ પહેલાંનું ‘હિન્દુસ્તાન’ ઘણું મોટું હતું. એ વખતે તેમાં આજના પાકિસ્તાન, બાંગલા દેશ, બ્રહ્મ દેશ, સિલોન, નેપાળ, ભૂતાન, વગેરે દેશોનો પણ સમાવેશ થતો હતો. અરે, વચમાં થોડા દાયકા તો એડન પણ મુંબઈ ઈલાકાનો એક ભાગ હતું. તો મહેરબાન કદરદાન વાચક બહેનો, મુંબઈથી ગુજરાતીમાં પ્રગટ થયેલું માસિક ‘સ્ત્રીબોધ’ તે આખા હિન્દુસ્તાનનું સ્ત્રીઓ માટેનું પહેલવહેલું માસિક.
પારસી કન્યા શાળા, ૧૮૭૦
બીજાં અનેક ક્ષેત્રોની જેમ આ ‘ચોપાનિયું’ (એ વખતે સામયિક માટે વપરાતો શબ્દ) પ્રગટ કરવાની પહેલ પણ મુંબઈના પારસી બિરાદરોએ કરી હતી. ૧૯મી સદીમાં સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂઆતમાં તો મુખ્યત્ત્વે પુરુષો પૂરતી જ મર્યાદિત રહી હતી. પણ ચાણાક પારસીઓની નજરમાં એ વાત તરત આવી ગઈ કે સુધારાની પ્રવૃત્તિમાં સ્ત્રીઓને પણ નહિ સમાવી લઈએ તો એ પ્રવૃત્તિ બહુ ઊંડાં મૂળ નાખી નહિ શકે. અને સ્ત્રીઓને સમાવવા માટેનું પહેલું પગથિયું તે છોકરીઓને ભણાવવી-ગણાવવી. એટલે મુંબઈ શહેરમાં – અને બીજે પણ – કન્યા કેળવણીમાં પહેલ પારસીઓએ કરી. પણ ભણ્યા પછી, કદાચ ઘર-સંસાર માંડ્યા પછી – છોકરીઓની કેળવણીને કાટ ન લાગે તે માટે શું કરવું? તેમને ગમે, તેમને ઉપયોગી થાય, તેમને માર્ગદર્શન મળી રહે એવું વાંચવાનું સતત આપતા રહેવું. તો એ માટે શરૂ કર્યું માસિક ‘સ્ત્રીબોધ.’
એ શરૂ કરવા માટે પહેલાં તો એક મંડળી સ્થાપી. તેના સભ્યો હતા ડોસાભાઈ ફરામજી કામાજી, ખુરશેદજી નસરવાનજી કામાજી, સોરાબજી શાપુરજી બંગાળી, અને બેહરામજી ખરશેદજી ગાંધી. પહેલા સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા અને પછી જજ નાનાભાઈ હરિદાસ. જરા વિચાર કરો : એ વખતે દેશમાં માંડ એક ટકો સ્ત્રીઓ સાધારણ વાંચી-લખી શકતી. દેશમાં નહોતી વીજળી આવી. વાહન વ્યવહાર અને સંદેશ વ્યવહારનાં સાધનો બહુ જ ટાંચાં. ગુજરાતી ભાષાનું પહેલ વહેલું સામયિક ‘વિદ્યાસાગર’ ૧૮૪૦માં પ્રગટ થયેલું. તે પછી બીજાં બે-ત્રણ ‘ચોપાનિયાં’ પણ શરૂ થયેલાં. એવે વખતે ફક્ત સ્ત્રીઓ માટેનું માસિક? નફાનો તો વિચાર પણ થાય તેમ નહોતું. પણ ખોટ જાય એ ભરપાઈ કેમ કરી કરવી? ડોસાભાઈ ફરામજી કામાજી આગળ આવ્યા. કહે : ‘ખોટની ચિંતા ન કરો. આ ચોપાનિયું ચલાવવા માટે પહેલાં બે વરસ સુધી હું દર વરસે ૧,૨૦૦ રૂપિયા આપીશ.’ હા જી. તમે કહેશો કે અરે રે! એમાં તે કઈ મોટી ધાડ મારી! પણ સાહેબ, એ વરસ હતું ૧૮૫૭નું, જ્યારે દેશમાં એક તોલો સોનાનો ભાવ હતો (આજના) રૂપિયા ૧૯. એટલે કે લગભગ ૬૩ તોલા સોનું ખરીદી શકાય એટલી રકમ દર વરસે થઈ.
અને ૧૮૫૭ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સ્ત્રીબોધ’નો પહેલો અંક બહાર પડ્યો. લખાણનાં વીસ પાનાં. ઉપરાંત ચિત્રોનાં પાનાં. બધાં ચિત્રો લંડનમાં છપાવતા. બને તેટલી વધુ સ્ત્રીઓ સુધી પહોંચી શકાય એ હેતુથી એક વરસનું લવાજમ રાખેલું એક રૂપિયો! પહેલા અંકની ૧,૧૦૦ નકલ છાપીને મફત મોકલેલી. સાથે જણાવેલું કે જો લવાજમ ભરવા ન માગતા હો તો તમારે ખર્ચે આ અંક પાછો મોકલશો! જે લોકો નકલ પાછી નહિ મોકલે તેમને ગ્રાહક ગણી લેવામાં આવશે અને તેમણે એક રૂપિયો મોકલી દેવો. લવાજમ બીજા અંકથી શરૂ થયેલું ગણાશે. પહેલા અંકના દિબાચા(પ્રસ્તાવના)માં કહ્યું હતું કે આ ચોપાનિયું વાંચનારીઓને લાયકનું તથા દિલપસંદ કરવા સારુ તેમાં જ્ઞાનનો વધારો કરનારી તથા નિર્દોષ રમૂજ આપનારી બાબતો સાદી ભાષામાં અને કવિતોમાં લખવામાં આવશે અને તે બધું વધુ સારી રીતે સમજ પાડવા સારુ તેમની સાથે કેટલાંક અચ્છાં ચિત્રો દર વખત આ ચોપાનિયામાં દાખલ કરવામાં આવશે. અને તેને શોભીતું તથા સદ્દગુણો વધારનારું કરવાને મહેનતની કશી કસર કરવામાં આવશે નહિ. અંકમાં છેલ્લે કવિ દલપતરામે ‘સ્ત્રીબોધ’ માટે ખાસ લખેલાં ગરબા/ગરબી છાપ્યાં છે. દલપતરામે એક ગરબીમાં પારસીઓ માટે કહ્યું છે : ‘એ તો હેમ જડેલા હીરા છે.’
પહેલા વરસના છેલ્લા અંકમાં આખા વરસનો હિસાબ છાપ્યો છે. લવાજમની આવક ૧,૧૯૭ રૂપિયા અને વાર્ષિક દાનની રકમ ૧,૨૦૦ રૂપિયા. તેની સામે વાર્ષિક કુલ ખરચ ૨,૦૨૨ રૂપિયા, ૧૩ આના, એક પાઈ. (એ વખતે દેશમાં રૂપિયા, આના, પાઈનું ચલણ હતું.) પહેલાં બે વરસ તો આ રીતે ગાડું ગબડ્યું. પણ ત્રીજા વરસથી દાનની રકમ બંધ થઈ. પહેલા અંકથી જ ‘સ્ત્રીબોધ’ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છપાતું હતું. ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબના ત્રણ દીકરાઓએ આ પ્રેસ શરૂ કર્યું હતું. આ પ્રેસના માલિકોને ‘સ્ત્રીબોધ’ સોંપી દેવાનું (વેચી દેવાનું નહિ) નક્કી થયું. તંત્રીઓ બદલાતા રહ્યા. ચોપાનિયું ચાલતું રહ્યું. પણ રગશિયા ગાડાની જેમ.
કેખુશરો કાબરાજી
એમાં નવું જોમ આવ્યું જ્યારે પ્રખ્યાત પત્રકાર, નાટ્યકાર, લેખક, સમાજ સુધારક, કેખુશરો કાબરાજી (૧૮૪૨-૧૯૦૪) ૧૮૬૩માં તેના તંત્રી બન્યા ત્યારથી. વચમાં થોડાં વરસ બાદ કરતાં જિંદગીના અંત સુધી તેઓ ‘સ્ત્રીબોધ’ના તંત્રી રહ્યા. કાબરાજીના અવસાન પછી તેમનાં દીકરી શીરીન, પછી કાબરાજીનાં પુત્રવધૂ પૂતળીબાઈ, અને પછી તેમનાં દીકરી જરબાનુ તંત્રી બન્યાં. કાબરાજીએ વાચન સામગ્રી અને ચિત્રોનું વૈવિધ્ય પુષ્કળ વધાર્યું. નવી નવી ‘બાબતો’ છાપી. આજે તો કોઈ સામયિક કે અખબારને ધારાવાહિક નવલકથા વગર ચાલતું નથી. આ રીતે ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કાબરાજીએ કરી. ૧૨૦ પ્રકરણની તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ સુધી ‘સ્ત્રીબોધ’માં છપાઈ. તેમની છેલ્લી ધારાવાહિક નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં છપાઈ. તેમનું જોઈને ધીમે ધીમે બીજાં સામયિકો અને અખબારોએ પણ ધારાવાહિક નવલકથા છાપવાનું શરૂ કર્યું.
બાથા હાઈસ્કૂલ, પાંચગણી
૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”
પૂતળીબાઈએ તેમના જમાનાથી આગળનાં ગણાય એવાં બીજાં કામ પણ કર્યાં છે. તેની વાત આવતા શનિવારે, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 માર્ચ 2025