નિર્મલા પુતુલ, ઝારખંડની એક કવિયત્રી / એક્ટિવિસ્ટ છે. તેના કાવ્યસંગ્રહો ‘नगाड़े की तरह बजते शब्द’ તથા ‘अपने घर की तलाश में’ છે. તેમની કવિતાઓ અનુવાદ અંગ્રેજી / મરાઠી / ઉર્દૂ / ઉડિયા / કન્નડ / નાગપુરી / પંજાબી / નેપાળી થયાં છે. નિર્મલાને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે.
આજની કવિયત્રીઓ જે કાંઈ કવિતા લખે છે એમાં સંવેદનો સાવ બદલાઈ ગયાં છે. નિર્મલા પુતુલનું આ કાવ્ય, તમે એન્જોય કરો :
પપ્પા,
તમે મને એટલે દૂર નહીં પરણાવતા કે
જ્યાં તમારે મને મળવા આવવું હોય તો
ઘરની ગાયો-બકરિયું વેચવી પડે.
પપ્પા,
તમે મને એવા ગામમાં નહીં પરણાવતા
જ્યાં માણસ કરતાં ઈશ્વરની સંખ્યા વધારે હોય !
જ્યાં જંગલ, નદી અને પહાડો ન હોય
એવા સ્થળે મારાં લગ્ન કરતા નહીં.
એ ઘર સાથે મારો સંબંધ ક્યારે ય જોડતા નહીં
કે જ્યાં ફળિયું ન હોય !
કૂકડાની બાંગથી જ્યાં સવાર ન પડતી હોય,
સાંજે પાછલા વરંડામાંથી ડૂબતો
સૂરજ ન દેખાતો હોય.
એવા ઘરમાં મારે ક્યારે ય જવું નથી.
મારા માટે એવો વર શોધતા નહીં કે જે
કાહિલ હોય, નક્કામો હોય.
મેળામાંથી છોકરિયુંને ઉઠાવી જવામાં
હોશિયાર હોય.
જે વાત વાતમાં લાઠી દંડાની વાત કરે,
તીર અને કુહાડી ઊંચકીને ફરતો હોય.
મારે એવું સૌભાગ્ય નથી જોઈતું, પપ્પા …
પપ્પા,
તમે મારો હાથ એવા માણસના હાથમાં
આપતા જ નહીં
કે જેણે પોતાના હાથથી એકેય વૃક્ષ
વાવીને ઉછેર્યું નથી.
જો તમારે મને પરણાવવી હોય તો
એવા ગામમાં પરણાવજો
કે જ્યાં સવારે જઈને પગપાળા
ઘેર આવી શકાય !
[સૌજન્ય : કવિ અનિલ જોશી, 27 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર