“બુદ્ધિપ્રકાશ જુન ૧૮૫૫ : અમારા વાચનારાઓને બહુ ખુશીથી ખબર આપીયે છિયે જે કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈને વરનાક્યુલર સોસાયટીનાં આશીશ્ટેંટ સેક્રીટેરી તથા બુદ્ધિપ્રકાશ ચોપાનીયાના એડીટર ઠરાવા છે.” (અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે)
“બુદ્ધિપ્રકાશ માર્ચ ૧૮૭૯ : કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ : એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ.વ. સોસાયાટીના આસિષ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું ખેદ સહીત જાહેર કરું છુ.”– મહીપતરામ રૂપરામ, ઓનરરી સેક્રેટરી”
એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ સાથેનો દલપતરામનો સંબંધ લગભગ ૨૪ વરસનો. અલબત્ત, આ સમયગાળામાં એક યા બીજા કારણસર તેમની જવાબદારી બીજા કોઈએ કામચલાઉ ધોરણે સંભાળી હોય એવું ચારેક વખત બન્યું છે.
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ
અગાઉ વિદ્યોત્તેજક સભાએ ૧૮૫૦માં શરૂ કરેલું ‘બુદ્ધિપ્રકાશ’ દલપતરામ જોડાયા તે પહેલાં ૧૮૫૪ના માર્ચથી સોસાયટીએ પોતાને હસ્તક લીધું હતું. એ વખતે દલપતરામ સોસાયટી સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા, એટલે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ કરવામાં તેમનો ફાળો નહિવત. બલકે સોસાયાટીએ ‘બુદ્ધિપ્રકાશ’ પોતાના હાથમાં લીધું એ વખતે દલપતરામ અમદાવાદમાં જ નહોતા. ‘રાસમાળા’નું પુસ્તક લખવા માટે નોકરીમાંથી ત્રણેક વરસની રજા લઈ ગ્રેટ બ્રિટન જવાનું ફાર્બસે ઠરાવ્યું. ત્યાં સુધી દલપતરામ સોસાયટીની નહિ, ફાર્બસની અંગત નોકરીમાં હતા. પોતે ગયા પછી દલપતરામ નોકરી વિનાના ન થઈ જાય એટલે ફાર્બસે તેમને સાદરાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં દલપતરામ અમદાવાદ છોડી આ સરકારી નોકરીમાં જોડાયા. એટલે ‘બુદ્ધિપ્રકાશ’ના નવાવતાર વખતે દલપતરામ તેની સાથે સંકળાયેલા હોય એ શક્ય જ નથી.
પણ સારા પગાર અને બીજા લાભોવાળી સરકારી નોકરી છોડી ફાર્બસ અને કર્ટિસના આગ્રહથી ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી દલપતરામ સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા અને ૧૮૫૫ના જુલાઈ અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી બન્યા. એ અંકના પહેલા પાના પર છપાયેલા નિવેદનમાં દલપતરામે લખ્યું : “હવેથી સોસાઈટી તરફથી ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનીયાં(માં) જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા હશે. તો મારી મહેનત સાંમું જોઈને મહેરબાની કરીનેં આ ચોપાનીયું ખુબ દિલ લગાડીનેં તમારે વાંચવું. નેં બીજાઓને વાંચી સંભળાવવું ને જે રીતે એ ચોપાનીયાંનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઈએ, કે જેથી આપણા દેશનું કલ્યાણ થાય. લોકોની બુદ્ધિનો વધારો થાય. એ કામ મોટા પરોપકારનું છે.”
તંત્રી તરીકે જોડાયા તે અંકમાં પ્રગટ થયેલું દલપતરામનું નિવેદન
તે પછી તેમણે વાચકો માટે છ સૂચના લખી છે તેમાં પાંચમી આ પ્રમાણે છે : “આ ચોપાનીયામાં કોઈ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમો ખુશી છો તો પછી તેવી બાબતો વીશેષ લખીશું. જે તે બાબત તમને મુદ્દલ પસંદ ન પડે તો તે પણ લખી જણાવશો તો તે વીશે વીચાર કરીશું.” પત્રકારત્વનો અગાઉનો અનુભવ નહીં. હોય પણ ક્યાંથી? છેક ૧૮૪૫ સુધી એક સુરતને બાદ કરતાં હાલના ગુજરાત રાજ્યના વિસ્તારમાં એક પણ છાપખાનું જ નહોતું. એટલે સામયિકો પ્રગટ કઈ રીતે થાય? દલપતરામને નવી કેળવણીનો સ્પર્શ મુદ્દલ નહિ એટલે અંગ્રેજીની જાણકારી જરા ય નહિ. અને છતાં કેવળ આપસૂઝથી આ વાક્યો લખાયાં છે. અખબાર કે સામયિકના વાચકનો feed back મેળવીને તેને ભાગીદાર બનાવવાની જરૂર આજના કરતાં પણ નવયુગના મંડાણના એ જમાનામાં ઘણી વધારે હતી, અને એ વાત દલપતરામે સહજ સ્ફુરણાથી સ્વીકારી અને જાહેર કરી હતી.
દલપતરામે પોતાના તંત્રીપણા નીચેના પહેલા જ અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ને એક નવું ફોકસ આપ્યું. જુલાઈ ૧૮૫૫ના અંકમાં જ ‘ચોપાનીયું વાંચવાથી ફાયદા વીશે’ નામના લેખમાં લખે છે: “સ્વદેશનો સુધારો થવાનો ઊપાય આવાં ચોપાનીયાં પ્રગટ કરવાં એથી જ મળી આવશે. દેશનો સુધારો એટલે એ કે જેવા વિલાયતના લોકો વિદ્યા તથા હુનરમાં કુશલ છે, ને એક સંપથી મળીને હરેક કામ કરે છે, તેમ જ આપણા દેશના રાજા તથા પ્રજા એવા સુધરેલા થાય, ને આબરૂ, ધન તથા વિદ્યાનો વધારો કરીને તેનો ઊપભોગ સારી રીતે કરે એવું થાય એનું નામ સુધારો કહેવાય.” અલબત્ત, ‘સુધારા’ની આ વ્યાખ્યા કામચલાઉ અને વ્યવહારુ – પ્રોવિઝનલ અને પ્રેક્ટિકલ – છે.
તેમની એ વખતની વિચારણા કૈંક આવી છે : સુધારો એ મુખ્ય ઉદ્દેશ. તેની સીડીનાં પગથિયાં ત્રણ : વિદ્યા, હુન્નર, અને સંપ. અને તે માટેનો આદર્શ તે વિલાયતના લોકો. પરિણામે ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદનમાં પણ સુધારો કેન્દ્રમાં, અને તેની આસપાસનાં ત્રણ વર્તુળ તે વિદ્યા, હુન્નર, અને સંપ. અને આ માટે આદર્શ વિલાયતના લોકો. એ જ અંકમાં દલપતરામ વણમાગી કબૂલાત લખી આપે છે : “આપણા દેશના સુધારા વિશે મહારા તનમનધનથી હું ખુબ મેહેનત લેવા ચાહું છુ.”
અને પછીનાં વરસોમાં દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ને અજવાળવા ખરેખર ખૂબ મહેનત કરી છે. ખૂણેખાંચરેથી એ જમાનામાં માહિતી એકઠી કરીને વાચકો સામે મૂકી છે. અને એ માહિતી, કે સુધારાની વાત, બને તેટલી આકર્ષક રીતે, મનોરંજક રીતે પોતાનાં અને બીજાનાં લખાણો દ્વારા રજૂ કરી છે. વાચકો સુધી પહોંચવા માટેનાં તેમના હાથમાં લેખો ઉપરાંત બીજાં બે સાધન : કવિતા અને વારતા. કવિતા મોટે ભાગે પોતે રચેલી. મધ્યકાલીન પરંપરાને અનુસરીને છેલ્લી પંક્તિમાં પોતાના નામની છાપ મૂકતા એટલે ઓળખવી સહેલ. પણ ૧૯મી સદીનાં બીજાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ ઘણાં ખરાં લખાણો લેખકના નામ વગર છપાતાં. એટલે એ કોનાં લખેલાં એ આજે કળવું મુશ્કેલ. પણ જેને આપણે ભલે ટૂંકી વાર્તા ન કહીએ, પણ તેની પ્રોટોટાઈપ તો કહી જ શકીએ એવી ઘણી કૃતિઓ ૧૯મી સદીના ‘બુદ્ધિપ્રકાશ’ના અંકોમાં જોવા મળે જ છે, અને તે બધી નહિ તો તેમાંની ઘણી દલપતરામે લખેલી છે. પણ આમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? કારણ આવી વારતાઓ માટે દલપતરામે જે ઘાટ અપનાવ્યો છે તેમાં કથા અને સંવાદ ઉપરાંત આરંભે અને અંતે પદ્યની પંક્તિઓ મૂકે છે, અને અંતની પંક્તિમાં પોતાના નામની છાપ મૂકે છે. એટલે આવી વારતાઓનું કર્તૃત્ત્વ તો દલપતરામનું જ.
દલપતરામની મુખ્ય ઓળખાણ કવીશ્વર તરીકેની. એટલે તેમનાં ગદ્ય લખાણો તરફ થોડું ઓછું ધ્યાન અપાયું છે. તેમની કવિતાનો સંગ્રહ દલપતકાવ્ય (ભાગ ૧, ૧૮૭૯) દલપતરામની હયાતીમાં પ્રગટ થયો. ભલે આંખની તકલીફને કારણે તેમણે પોતે સંપાદન ન કર્યું, પણ તેમની રોજિંદી દેખરેખ નીચે સંપાદનનું કામ તેમના અંતેવાસી બુલાખીદાસ કાળીદાસે કર્યું. કવિ નાનાલાલ કહે છે : “બુલાખીદાસ એટલે પ્રજ્ઞાચક્ષુ દલપતવ્યાસજીના લહિયા ગણેશજી. બાર વર્ષના હતા ત્યારથી દલપતરામ કને રહ્યા હતા.” પણ ગદ્ય લખાણોની બાબતમાં આમ ન બન્યું. ભૂત નિબંધ, કથનસપ્તશતી, લક્ષ્મી નાટક, મિથ્યાભિમાન, જેવી અગાઉ સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રગટ થયેલી ગદ્ય કૃતિઓમાંથી કેટલીક ફરી ફરી છપાતી રહી. પણ દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ માટે વિપુલ પ્રમાણમાં અને વૈવિધ્યસભર જે ગદ્ય લખ્યું તે પાછળથી ગ્રંથસ્થ થયું નહિ. ૧૯૯૯માં ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ ભાગ બહાર પડ્યા તેમાંના ચોથા અને પાંચમા ભાગમાં પણ મુખ્યત્ત્વે તેમનાં સ્વતંત્ર ગદ્ય પુસ્તકો જ સમાવાયાં. ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલાં ગદ્ય લખાણોમાંથી તો થોડાં જ તેમાં સમાવાયાં.
આજ સુધી અગ્રંથસ્થ રહેલાં દલપતરામનાં આવાં ગદ્ય લખાણો વહેલી તકે ગ્રંથસ્થ કરી લેવાં જોઈએ એવું મારું સૂચન ગુજરાત વિદ્યાસભાએ સ્વીકાર્યું અને તેનું સંપાદન કરવાનું કામ મને સોંપ્યું. એ વખતે મનમાં હતું કે ૨૫૦-૩૦૦ પાનાંનું પુસ્તક થઈ શકશે. પણ આરંભથી ૧૯૦૦ સુધીની ‘બુદ્ધિપ્રકાશ’ની ફાઈલો જેમ જેમ ઉથલાવતો ગયો તેમ તેમ આશ્ચર્ય અને આનંદનો અનુભવ થયો. ઓછામાં ઓછાં ૫૦૦-૬૦૦ પાનાં જેટલાં એવાં ગદ્ય લખાણો જોવા મળ્યાં જે આજ સુધી ગ્રંથસ્થ થયાં નથી. અગાઉ દલપત ગ્રંથાવલિમાં ગદ્ય લખાણો છાપતી વખતે મૂળની જોડણી બદલીને ‘સાર્થ’ પ્રમાણેની કરી નાખી છે. પણ આ સંપાદનમાં મૂળની ભાષા-જોડણી બદલ્યા વગર ગદ્ય લખાણો છાપવાનું નક્કી કર્યું છે અને નવજીવન મુદ્રણાલયમાં કામ શરૂ પણ થઈ ગયું છે. પ્રકાશક, મુદ્રક તથા સંપાદક, વહેલી તકે આ પુસ્તક પ્રગટ કરવા તત્પર છે.
‘બુદ્ધિપ્રકાશ’ના પાછલા પૂંઠા પર દલપતરામ વિશેની મૃત્યુ નોંધ
ફરી દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ વિષે થોડી વાત. ૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે દલપતરામનું અવસાન થયું. ત્યારે ‘બુદ્ધિપ્રકાશ’નો એપ્રિલ અંક તો તૈયાર થઈ ગયો હોય. એટલે તેમના અવસાન અંગેની નોંધ એપ્રિલ ૧૮૯૮ના અંકના ચોથા કવર પર છપાઈ છે તેમાં બીજી વિગતો ઉપરાંત લખ્યું છે : “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને અને આ ચોપાનીયાને જન્મ આપી તેનો ઉત્કર્ષ કરનાર તે જ ગૃહસ્થ હતા. માટે તેમના સ્વર્ગવાસથી ગુજરાતને ઘણી રીતની ખોટ પડી છે. આ ચોપાનીયું છપાઈ રહ્યા પછી આ ખબર મળવાથી તેમના વિષે સવિસ્તર હકીકત આવતા અંકમાં આપવામાં આવશે.” પણ પછી મે અંકમાં જીવરામ અજરામરગોર તથા બાઈ એસ્તર ખીમચંદનાં અંજલી કાવ્યો છાપ્યાં છે, પણ અગાઉની જાહેરાત પ્રમાણે ‘સવિસ્તર હકીકત’ જોવા મળતી નથી. પછીના અંકોમાં પણ નહિ!
લગભગ અઢી દાયકા સુધી સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ સાથે સંકળાયેલા દલપતરામને ‘બુદ્ધિપ્રકાશ’માં સોસાયટીના કોઈ હોદ્દેદારે અંજલી આપી નથી એ જોઈ નવાઈ લાગે, રંજ પણ થાય. કવિ નાનાલાલના ‘કવીશ્વર દલપતરામ’ પુસ્તકનો ત્રીજો ભાગ વાંચતાં આ વાતનો ખુલાસો મળી રહે છે. નાનાલાલ કહે છે : “દલપતરામે સ્થાપવામાં માટી પૂરેલી, મરતી જીવાડેલી, ને વર્ષોભર તનમનથી સેવેલી ત્યહારની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો અવગ્રાહી વિવેકભાવ એક અદ્ભુત નીવડ્યો. … સોસાયટીના સર્ટિફિકેટથી દલપતરામ સજીવન ન્હોતા થવાના, જો કે દલપત સર્ટિફિકેટે સોસાયટી તો સજીવન થઈ છે. લાક્ખો ને કરોડો શબ્દ જેણે ‘બુદ્ધિપ્રકાશ’માં લખ્યા ને સોસાયટીને સમર્પ્યા એમના જીવનપ્રસંગોનો એક હરફ ‘બુદ્ધિપ્રકાશ’ બોલ્યું નહિ કે સોસાયટીને સાંભર્યો નહિ … પ્રકૃતિવશાત્ થયેલી એ વિધિયોગની ભૂલ ઉચ્ચારે છે કે ‘હીણી અસૂયા’ ભરેલાં નગુણાઓ દલપત સોસાયટીના તંત્રના ત્યાહરે તંત્રવાહકો થઈ પડ્યાં હતાં.” છેક ૧૯૨૦માં દલપતરામની જન્મશતાબ્દીને ટાણે પણ ‘બુદ્ધિપ્રકાશ’ના જાન્યુઆરી અંકમાં દલપતરામ વિષે એક અક્ષર પણ જોવા મળતો નથી.
ગુજરાત દલપતરામને મુખ્યત્વે ‘કવીશ્વર’ તરીકે ઓળખે છે. અને તેમાં કશું ખોટું નથી જ. પણ તેમને હાથે વૈવિધ્યસભર ગદ્યનું જે ખેડાણ થયું છે તે પણ માતબર છે. આપણે તેના તરફ જોઈએ તેટલું ધ્યાન આપ્યું નથી એટલે ગદ્યકાર દલપતરામની છબી જોઈએ તેટલી નીખરી ઊઠી નથી. અને જે જમાનામાં ‘ચોપાનિયું’ પોતે જ એક નવી નવાઈની જણસ હતું એ જમાનામાં દલપતરામે લગભગ ૨૪ વરસ સુધી આજના ગુજરાતના પહેલા ‘ચોપાનિયા’નું એક માળીની જેમ જતન કર્યું એ પણ કાંઈ નાની સૂની વાત નથી.*
_________________________________________________
* ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’(આજની ‘ગુજરાત વિદ્યાસભા’)ને ૧૭૫ વરસ પૂરાં થયાં, તે નિમિત્તે, વિદ્યાસભા અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીએ 15 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈમાં યોજેલા કાર્યક્રમ ‘અવિરત વિદ્યાજ્ઞાન યાત્રા : ૧૭૫ વર્ષ’માં રજૂ કરેલું વક્તવ્ય, થોડા સુધારા-વધારા સાથે. ચિત્રો “બુદ્ધિપ્રકાશ”માં છપાયા નથી. અહીં ઉમેર્યાં છે.
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; જાન્યુઆરી 2025