
રાજ ગોસ્વામી
કોઈ ફિલ્મને લઈને જ્યારે બહુ ટીકા-ટિપ્પણ થાય, તેના વિરોધમાં અને તરફેણમાં ચર્ચાઓ થાય, તો માનવું કે એ ફિલ્મમાં કોઈ અગત્યનો મુદ્દો છેડવામાં આવ્યો હશે. એવું ત્યારે થાય જ્યારે ફિલ્મ મનોરંજન માટે નહીં, પણ એક સામાજિક સંદેશ માટે બનાવામાં આવી હોય.
અત્યારે આવી જ એક ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મનું નામ છે ‘મિસિસ’ છે અને તેમાં એક પુરુષસત્તાક પરિવારમાં પરણીને આવેલી સ્ત્રી રિચા(સાન્યા મલ્હોત્રા)ની મહત્ત્વાકાંક્ષાઓ, કેવી રીતે ઘરના પુરુષો(પતિ અને સસરા)ની સેવામાં “શહીદ” થઇ જાય છે તેની વાર્તા છે.
આ ફિલ્મ આમ તો “સ્ત્રીની ફિલ્મ” લાગે છે. તેના મુખ્ય કિરદારમાં સ્ત્રી છે અને તેનું શીર્ષક પણ “મિસિસ” છે. ઉપરાંત, ફિલ્મની વાર્તાને પણ તેના મુખ્ય કિરદારની દૃષ્ટિએ પેશ કરવામાં આવી છે. વાસ્તવમાં આ પુરુષોની ફિલ્મ છે. આ ફિલ્મ પુરુષોએ જોવી જોઈએ. પરિવારોમાં પુરુષોની સત્તા હોય છે અને તેનાથી ઘરની સ્ત્રીઓ કેવી (જાણતાં કે અજાણતાં) અન્યાય થઇ જાય તેનાથી પુરુષોએ સભાન રહેવું જરૂરી છે.
પુરુષોના એક સંગઠને આ ફિલ્મ પર ટોક્સિક ફેમિનિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. પુરુષોના અધિકારોની સંસ્થા સેવ ઇન્ડિયન ફેમિલી ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે,
‘પુરુષો રેલવે સ્ટેશનો પર, બાંધકામનાં સ્થળો, પોલીસ સ્ટેશનોમાં, ફેક્ટરીઓમાં 8-9 કલાક કામ કરે છે. તેમાં, એક સુખી યુવતી રસોઈ બનાવતી વખતે, વાસણો અને કપડાં ધોતી વખતે અને તેના સસરાની સેવા કરતી વખતે સતામણી અનુભવે છે. મહિલાઓને એવું લાગે છે કે કામ કરવું એટલે એરકંડિશન્ડ ઓફિસોમાં બેસવું. તે કન્સ્ટ્રકશન સાઈટ કે રેલવે સાઈટ પર કામ કરવાને કામ માનતી નથી.’
જો કે, આ ફિલ્મને ચાહવા વાળા પણ ઓછા નથી. તેમણે આ વિરોધને વ્યર્થ ગણાવ્યો છે. એક ચાહકે પુરુષ સંગઠનને જવાબ આપ્યો હતો, ‘વાસ્તવિક જીવનમાં તેની કોઈ અસર તો પડવાની નથી, પછી તમને આ ફિલ્મથી આટલો ડર કેમ લાગે છે? અર્જુન રેડ્ડી જેવી હિંસક ફિલ્મોની વાત આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફિલ્મો વાસ્તવિક જીવનમાં કોઈને અસર કરતી નથી. કલા એ કલા છે, દરેકને કલા બનાવવાની સ્વતંત્રતા છે. તો પછી ‘મિસિસ’માં શું ખોટું છે?’
કશું ખોટું નથી. આપણા સમાજની વિડંબના એ છે કે એક છોકરી પરણીને ઘરમાં આવે છે ત્યારે સાસરિયાઓને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. તેઓ તેને એક માણસને બદલે એક મશીન સમજતાં હોય છે, જેણે દરેક કામ પરફેકટ રીતે કરવાનું હોય છે. આ વાત અસાધારણ નથી. ભારતમાં આજે પણ અનેક સાસરિયાંમાં વહુઓ સાથે આવો જ વ્યવહાર થાય છે. ભારતમાં સ્ત્રીઓના મોટાભાગના આપધાત પાછળ સાસરિયાંનું દુઃખ હોય છે.
‘મિસિસ”માં સાન્યા મલ્હોત્રાનું પાત્ર રિચાને એરેન્જ લગ્ન પછી લગ્નની, સંબંધોની અને સામાજિક-પારિવારિક અપેક્ષાઓ સાથે સંઘર્ષ કરતી બતાવવામાં આવી છે. લગ્ન પછી તેની રાત અને દિવસ પતિ અને પરિવારની સંભાળ રાખવામાં જાય છે.
મૂળ આ મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ ફિલ્મની હિદી રીમેક છે. આ નામ સૂચક છે. ફિલ્મમાં, રિચા સવારે 4 વાગ્યે ઊઠે છે અને અડધો દિવસ રસોડામાં વિતાવે છે. એ પછી પણ તેને ખબર નથી કે તે ક્યારે પગ વાળીને બેસશે કારણ કે ત્યાં સુધીમાં તો સાંજના ખાવાની તૈયારીનો સમય થઇ ગયો હોય છે. એમાં ને એમાં રાતના 12 વાગી જાય છે. ટૂંકમાં, રિચાનો આખો સમય રસોડામાં જ પૂરો થાય છે. આટલાં કામ પછી પણ, સાસરિયાં તેના કામમાંથી ફોતરાં કાઢતાં રહે છે, તે છોગામાં.
આ વાર્તા માત્ર રિચાની જ નથી, પરંતુ તેની સાસુ અને માની પણ છે. સાસુ, જેની પાસે અર્થશાસ્ત્રની ડિગ્રી છે, તેનો દિવસ તેના પતિનાં પગરખાં બહાર કાઢી રાખવા અને બેડ પર તેમનાં કપડાં તૈયાર રાખવાથી શરૂ થાય છે. સાસુના પતિ અને પુત્રને થાળીમાં ગરમ ફુલ્કા રોટલી જ ભાવતી હોય છે, કેસરોલમાં મુકેલી રોટલી નહીં. એટલે સાસુની સાથે વહુએ પણ આ શીખી લેવાનું હોય છે.
રિચા નાનપણથી ડાન્સની શોખીન છે. તેની એક ડાન્સ ટીમ પણ છે. ઇન ફેક્ટ, ફિલ્મની શરૂઆત તેના ડાન્સથી જ થાય છે. તે પછી તેનાં લગ્ન થઇ જાય છે. સાસરીમાં ગોઠવાયાં પછી, નવી રીત રસમો શીખ્યાં પછી, આખા દિવસના ઢસડબોળા પછી બપોરે સમય કાઢીને રિચા ડાન્સ કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે તેનો પતિ દિવાકર રિચાની ખોડ કાઢતાં કહે છે પણ ખરો કે, ‘ડાન્સ તે વળી કોઈ કામ છે? તારે તો તારી માની જેમ સરસ ખાવાનું બનાવતાં આવડવું જોઈએ.’
પત્નીની માતાનો દાખલો આપતો આ દિવાકર, ડાઈનિંગ ટેબલ પર રિચાનાં કામમાં ખોડ કાઢતા બીજા એક દૃશ્યમાં કહે છે, ‘પાપાને પથ્થર પર લસોટેલી ચટણી ભાવે છે. તેઓ માને છે કે પથ્થર પર ચટણી લસોટાય છે, મિક્સીમાં ચટણી કપાય છે. લસોટેલી ચટણીનો સ્વાદ અલગ હોય છે.’
આમાં ભાવાર્થ એ પણ છે કે વહુ બનીને આવેલી રિચા સાસરિયાના પથ્થરમાં ચટણીની જેમ પીસાઈ રહી છે, અને છતાં મેણું તો એવું મારવામાં આવે છે કે તને કંઈ આવડતું નથી. એક દૃશ્યમાં દિવાકર તેને કહે છે પણ ખરો, ‘તારા આખા શરીરમાંથી રસોઈની ગંધ આવે છે.’
આ ફિલ્મ દર્શાવે છે કે મહિલાઓ પર ઘરેલું જવાબદારીઓનો બોજો નાખીને તેમને સીમિત કરી દેવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે મહિલાઓ આ પરંપરાગત જવાબદારીઓ કરતાં ઘણી વધારે સક્ષમ છે. રિચાનું પાત્ર એ વાતનું પ્રતીક છે કે મહિલાઓ પાસે તેમનાં સપનાં સાકાર કરવાની શક્તિ હોય છે.
ફિલ્મ એ ભ્રમ તોડવાનો પ્રયાસ કરે છે કે ગૃહિણી મહત્ત્વાકાંક્ષી નથી હોતી અને તેના જીવનનો એક માત્ર હેતુ ઘરનું કામ કરવાનો અને પરિવારની જરૂરિયાતોને સાચવવાનો છે. આ ફિલ્મ શીખવે છે કે ફરજો નિભાવવાની સાથે સાથે મહિલાઓએ પોતાની જરૂરિયાતો અને ખાસ તો આત્મસન્માનની અવગણના ન કરવી જોઈએ. જ્યારે મહિલાઓ પોતાને મહત્ત્વ આપે છે, ત્યારે તેઓ સમાજની અપેક્ષાઓથી આગળ વધી શકે છે અને વધુ સંતુલિત અને સુખી જીવન જીવી શકે છે.
આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે પરંપરા અને આધુનિકતા વચ્ચેના સંઘર્ષમાં મહિલાઓ સૌથી વધુ પીડાય છે. જ્યારે અપર્ણા(રિચાની સાસુ)ને તેની ગર્ભવતી પુત્રી થોડા દિવસો આરામ કરવા માટે તેના સાસરે બોલાવે છે, ત્યારે પણ તે ઘરના કામથી છુટકારો મેળવી શકતી નથી. આ ફિલ્મ સુક્ષ્મ દૃશ્યો દ્વારા ઊંડા સામાજિક મુદ્દાઓને બહાર લાવે છે અને પ્રશ્ન ઉઠાવે છે કે ઘરની મહિલાઓને ક્યારે ય રજા કેમ નથી મળતી.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર