સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો.

ચિરંતના ભટ્ટ
કિસ્સો 1 – જાન્યુઆરી 2024માં સેલિબ્રિટી ઇન્ફ્લુએન્સર અંકુશ બહુગુણા ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીનો શિકાર બન્યો. છેતરનારાઓએ પોતાની જાતને મુંબઈ પોલીસ અને સી.બી.આઈ.ના માણસ ગણાવીને અંકુશ પર મની લોન્ડરિંગ અને નાર્કોટિક્સના આરોપ મુક્યા. ફોન પર ચાલી રહેલી આ વાતચીતમાં ખોટા કૉલર આઇ.ડી., નકલી અરેસ્ટ વૉરન્ટ અને જેની સાથે ચેડાં કરાયેલા હોય એવા વીડિયો કૉલ્સનો ઉપયોગ કરાયો અને 40 કલાક સુધી અંકુશ બહુગુણા આ કૉલ્સના ચક્રવ્યૂહમાં ફસાયેલો રહ્યો. તે કોઇનો પણ સંપર્ક કરી શકે તેમ પણ નહોતું. તેને પરેશાન કરનારાઓના કહ્યે તેણે તેના મિત્રો અને પરિવારને “આઇ એમ ઓકે”ના મેસેજ કર્યા, પણ અંતે એક મિત્રને શંકા જતા તેણે સાચી પોલીસનો સંપર્ક કર્યો. ચાળીસ કલાક પછી અંકુશ આ હેરાનગતીમાંથી મુક્ત થયો. તેણે પોતાની સાથે જે થયું તેને વિશે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
કિસ્સો 2 – નવી મુંબઈ નેરુળની રહેવાસી મેડિકલ કૉલેજમાં પ્રાધ્યાપક એવી એક મહિલા ડૉક્ટર સાથે હજી ગણતરીના દિવસો પહેલાં ડિજિટલ અરેસ્ટની ઘટના બની. વળી આ ઘટના થોડા કલાકો નહીં પણ લગભગ એક મહિનો ચાલી. 14મી જાન્યુઆરીએ પોતે ઇન્કમ ટેક્સ અધિકારી હોવાનો દાવો કરનાર માણસે તેમનો સંપર્ક કરી તેણે રૂપિયા 8 લાખની કર ચૂકવણી ન કરી હોવાનો આક્ષેપ કર્યો. સ્વાભાવિક છે કે મહિલાએ આ વાત નકારી કારણ કે એવું કંઇ હતું નહીં. તેને તથા કથિત રીતે દિલ્હીના કોઇ વરિષ્ઠ અધિકારી સાથે વાત કરવાની ફરજ પડાઇ અને એ ફોન કૉલ પર તેને ડિજિટલ અરેસ્ટમાં લઇ પોતે જેમ કહે તેમ કરવા કહ્યું. તેની બચત, ફિક્સ ડિપોઝિટ વગેરેની વિગતો તેની પાસે બળજબરીથી કઢાવીને તેને 1 કરોડ 81 લાખ ચૂકવવાની ફરજ પાડવામાં આવી, તે પણ એમ કહીને કે તપાસ પછી પૈસા તેને પાછા મળી જશે. ડરના માર્યે પૈસા આપી દીધા પછી જ્યારે મહિલાએ કોઇ સગાં સાથે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપીંડી થઇ છે અને બાદમાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરીને કેસ દાખલ કરાવ્યો.
કિસ્સો 3 – વર્ધમાન જૂથના ચેરમેન એસ.પી. ઓસવાલ જે 82 વર્ષના છે તેમને એમ કહીને બે જણાએ સંપર્ક કર્યો કે તેઓ એક મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટની ઓનલાઇન સુનાવણીની વાત કરી, તેમને તેમાં જોડાવા ફરજ પાડી. કોઇ માણસે પોતે જસ્ટિસ ચંદ્રચુડ હોવાનો દાવો કર્યો અને તપાસના ભાગ રૂપે તેમને 8,30,000 ડૉલર્સ જમા કરવા કહેવાયું. કોઇ સિક્રેટ સુપરવિઝન ખાતામાં તેમણે એ પૈસા જમા કર્યા અને બાદમાં તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે દાળમાં કાળું છે, ત્યારે પોલીસનો સંપર્ક કર્યો. ભારતમાં થયેલા ડિજિટલ અરેસ્ટના અનેક કેસિઝમાંથી ઓસવાલનો કેસ સૌથી હાઇ પ્રોફાઇલ છે. છેલ્લી અપડેટ અનુસાર પોલીસે 6,00,000 ડૉલર્સ પાછા મેળવ્યા છે. આ કિસ્સામાં સ્કાઇપ એકાઉન્ટનો ઉપયોગ કરીને છેતરપીંડી કરાઇ હતી.
ડિજિટલ અરેસ્ટ શબ્દ હવે નવો નથી. અનેક કિસ્સા બન્યા છે, સરકાર દરેક ફોન કૉલમાં રિંગ વાગે તે પહેલાં સૂચના પણ આપે છે કે પોલીસ કે ન્યાયાધીશ કે તપાસ અધિકારી હોવાનો દાવો કરનારા લોકોની વાતમાં ન ફસાવું પણ છતાં ડિજિટલ અરેસ્ટના કિસ્સા બને છે. લોકોના ડર પર ખેલ ખેલનારા આ ધુતારાઓને પકડવા સરળ નથી. પણ સાવચેતીથી આ ચક્રવ્યૂહથી બચી શકાય છે.
સૌથી પહેલો ડિજિટલ અરેસ્ટનો કેસ 2019માં યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો. આ કિસ્સામાં કૌભાંડીઓએ પોતાની જાતને યુ.એસ. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનના અધિકારી ગણાવી એક બે રાજ્યો નહીં પણ દેશ આખામાં અલગ અલગ લોકોને ટાર્ગેટ કર્યા હતા. આમાં શિકાર બનેલા લોકોને એમ કહેવાતું હતું કે તેમનું નામ વાપરીને ડ્રગ્ઝનો વેપલો કરાયો છે અને તેમની ધરપકડ ટાળવા માટે તેમણે પૈસા ચુકવવા પડશે. ખોટા ફોન નંબર અને અધિકારીઓ જેવી ભાષા વાપરી કૌભાંડીઓએ લોકોને ફસાવ્યા હતા. વૈશ્વિક સ્તરે ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સનો વ્યાપ વધ્યો છે. કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમમાં પણ આવી છેતરપીંડીના અનેક કિસ્સા બહાર આવ્યા છે.
આપણે ત્યાં ભારતમાં ડિજિટલ પેમેન્ટનું તંત્ર બહુ વિકસ્યું છે. વિદેશથી આવનારાઓ પણ આપણા જી-પેની શૈલીથી પ્રભાવિત થાય છે. પણ કમનસીબે આ આધુનિકતા ડિજિટલ કૌભાંડીઓ માટે સ્વર્ગ બની ગઇ છે અને આપણો દેશ આવી છેતરપીંડીના વ્યાપનો સાક્ષી બની રહ્યો છે. ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર અનુસાર ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ અરેસ્ટના કેસિઝ ધડાધડ વધી રહ્યા છે. 2022માં આખા દેશમાં ડિજિટલ એરેસ્ટના લગભગ દસ હજાર કેસ થયા અને તેનો ભોગ બનેલાઓને કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો. મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકમાં ડિજિટલ અરેસ્ટના સૌથી વધુ કેસિઝ નોંધાયા છે. વિકસિત રાજ્યોમાં જ્યાં શહેરીકરણ વધારે છે ત્યાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ પણ વધારે થતો હોય અને માટે જ અહીં ધુતારાઓને મોકળાશ મળી જાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોના ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સાઇબર ક્રાઇમની સંખ્યામાં 300 ટકા વધારો થયો છે જેમાં ડિજિટલ અરેસ્ટના કૌભાંડ વધી રહ્યા છે.
ડિજિટલ પેમેન્ટ્સના મામલે ભારત વૈશ્વિક સ્તરે આગળ આવ્યો છે કારણ કે આપણી પાસે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ – યુ.પી.આઇ., એટલે કે આધાર નંબરને કારણે થતા નાણાંની લેવડ-દેવડનું તંત્ર બહુ સારી પેઠે વિકસ્યું છે. આપણી સરકારે કૅશ-લૅસ ઇકોનોમીને આગળ વધારી. આ તંત્ર ચીન અને અમેરિકા કરતાં પણ સારી રીતે વિકસ્યું અને અન્ય રાષ્ટ્રો માટે આપણી આ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા એક દાખલો બની. જો કે આ ડિજિટલ ક્રાંતિએ સાઇબર ક્રાઇમને પણ માર્ગ કરી આપ્યો. ઝડપ, સરળતા અને ઓળખ છતી ન થવી – આ ત્રણ આપણી ડિજિટલ ક્રાંતિના વિશેષ પાસાં બન્યાં તો આ જ કારણો તેની સંવેદનશીલતા પણ બન્યા. આ પાસાંને આધારે જ ધુતારાઓએ લોકોને લપેટમાં લેવાનું શરૂ કર્યું. આપણે ત્યાં સરળતા વધતી પણ સલામતીમાં છીંડા રહી ગયા જેને કારણે ડિજિટલ ધુતારાઓ કોઇપણ નિશાની છોડ્યા વિના ઉચાપત કરી શકે છે. વળી એવું પણ નથી કે અલ્પ શિક્ષિત કે અશિક્ષિત લોકો તેનો ભોગ બને છે, જે ઉપરના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. જે દેશમાં 750 મિલિયન સ્માર્ટ ફોન યુઝર્સ હોય ત્યાં ડિજિટલ કૌભાંડીઓને કેટલું મોટું મેદાન મળી જાય તેનો અંદાજો લગાડવો મુશ્કેલ નથી. આપણે ત્યાં સાઇબર સિક્યોરિટિને લગતું તંત્ર હજી એટલું પાકટ નથી. કડક ધારાધોરણો ન હોવાથી પણ સાઇબર ક્રિમિનલ્સની દાંડાઇ ઝડપથી નથી પકડી શકાતી. આપણે ત્યાં કહેવત છે કે, “જે જાય દરબાર તેનાં જાય ઘરબાર” – આવામાં વર્દી, યુનિફોર્મથી અને ન્યાય તંત્રની માથાકૂટથી બચવા માંગતા લોકો પોતાના પર કોઇપણ આક્ષેપ મુકાય તો વિચારવા નથી બેસતાં કે આ ખોટું પણ હોઇ શકે છે.
ટુ ફેક્ટર ઑથેન્ટિકેશન ન હોવું, અજાણી વ્યક્તિઓ સાથે થતા ટ્રાન્ઝેક્શન્સ વગેરે આ કાવતરાંઓનો ભોગ બનનારાઓને લાચાર બનાવી દે છે. એકવાર પૈસા તમારા ખાતામાંથી ગયા એટલે બસ પતી ગયું, એ પાછા મળશે જ એવી કોઇ ખાતરી નથી હોતી. વળી આ પૈસા પડાવનારાઓ પણ જેને ફસાવે તેની પાસેથી એક કરતાં વધુ ખાતાંઓમાં પૈસાની હેરફેર કરાવે, એટલું જ નહીં પણ બહુ જલદી આ પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી દેવાય છે. સાઇબર પોલીસ કમિશનરેટે ગયા વર્ષે, 2024માં, ડિજિટલ અરેસ્ટ છેતરપીંડીમાં 882.35 ટકા વધારો થયો હોવાનું નોંધ્યું હતું. 2023માં કેસિઝનો આંકડો 102 હતો તો ગયા વર્ષે આંકડો 1,002 કેસિઝનો હતો. અંદાજે 120 કરોડથી વધારે રૂપિયા લોકોએ આવી છેતરપીંડીમાં ખોયા જ્યારે 2023માં આ રકમ 6 કરોડ 20 લાખની આસપાસ હતી.
ધુતારાઓ મોટેભાગે પોતે CBI, RBI, EDના અધિકારી કે પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે. ફસાવનારાઓને કહેવાય છે કે તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે અથવા તેમની કોઇ સંવેદનશીલ માહિતી જાહેર થઇ જશે. ખોટા ફોન નંબર, ઇમેઇલ્સ અને વેબસાઇટ્સનો પણ ઉપયોગ કરાય છે. ભારતીય ન્યાય સંહિતામાં ડિજિટલ અરેસ્ટને લગતા કોઇ ચોક્કસ કાયદા નથી પણ છેતરપીંડી, ખંડણી, આઇડેન્ટિટી થેફ્ટ વગેરેને લગતી સજા છે જેમાં 3 વર્ષથી લઇને દસ વર્ષ સુધીની જેલ અને દંડ સામેલ છે. સરકારે અત્યાર સુધી 1,700થી વધુ સ્કાઇપ એકાઉન્ટ અને 59,000થી વધુ વૉટ્સએપ એકાઉન્ટ બ્લૉક કર્યા છે. ભારતીય નંબરો પરથી આવતા આંતરરાષ્ટ્રીય કૉલ્સ રોક્યા છે. સાઇબર ફ્રોડનું ઝડપી રિપોર્ટિંગ કરીને લગભગ રૂ. 3,431 કરોડની ચોરી અટકાવી છે. આ ઉપરાંત સતત ટેલિકોમ પ્રતિબંધ, કાયદાને લગતી તાલીમ અને જાગૃતિ અભિયાન ચલાવીને સરકાર પ્રયત્નશીલ છે કે લોકો આવા કૌભાંડોમાં ન ફસાય.
બાય ધી વેઃ
લોભીઆ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત તો છે જ પણ અહીં તો લોભીઆ ન હોવા છતાં ય ધુતારાઓના પેટ ભરાય છે. પોતાની છબી જાહેરમાં ન ખરડાય તેનો ડર અથવા તો પોતાને લગતી કોઇપણ માહિતી, તે આધાર કાર્ડનો નંબર હોય કે પાન કાર્ડનો નંબર હોય તે છતી થઇ જશે તો લુંટાઇ જશેનો ભય લોકોને આ કૌભાંડોનો ભોગ બનાવે છે. આપણે ત્યાં તંત્ર તો ખડું થઇ ગયું પણ સલામતીને મામલે આપણે પાછા પડ્યા અને હવે જે જાગૃતિ આવી છે તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે. કમનસીબે છેતરપીંડી કરનારાઓ માળા તંત્ર સાબદું થાય તે પહેલાં ખેલ કરી જાય છે. લોકોમાં સાઇબર ક્રાઇમને મામલે જાગૃતિ ફેલાય તે તો જરૂરી છે જ પણ આંતરરાષ્ટ્રીય કાયદા વધારે મજબૂત બને તે પણ બહુ અનિવાર્ય છે. આપણું ન્યાય તંત્ર વધુ અપડેટેડ થાય અને ડિજિટલ અરેસ્ટને લગતા કાયદા ઘડવામાં ઝડપ કરશે તો ડિજિટલ અરેસ્ટના ગુનાઓ અટકશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 23 ફેબ્રુઆરી 2025