
હેમંતકુમાર શાહ
ગુજરાતના ભૂતપૂર્વ IGP રમેશ સવાણીના સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના વિવિધ ફાંટાઓની વિચારહીનતા અને તેમના અતાર્કિક વ્યવહારો વિશેના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન પ્રસંગે આપેલા પ્રવચનના મુખ્ય મુદ્દા :
[1] દુનિયામાં આઠ અબજની વસ્તીમાં 4.0થી 7.5 કરોડ નાસ્તિક હોવાનો અને 110 કરોડ બિન-ધાર્મિક હોવાનો અંદાજ છે. આ બધા લોકો શાંતિથી જીવે છે અને તેમને પોતાની જિંદગીમાં કોઈ પણ ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું જરૂરી લાગતું નથી.
[2] ભારતમાં 2011ની વસ્તી ગણતરી સમયે 36 લાખથી વધુ ધર્મસ્થાનો છે. સરેરાશ શાળાઓ અને દવાખાનાં કરતાં ધર્મસ્થાનો વધારે છે. ખરેખર શાની વધારે જરૂર છે?
[3] ડેન્માર્કના ઓગણીસમી સદીના મોટા દાર્શનિક સોરેન કિર્કગાર્ડ કહે છે કે, “કોઈ ભ્રમનો તેના પર સીધો હુમલો કરીને નાશ કરી શકાતો નથી. માત્ર પરોક્ષ માર્ગોએ જ તે દૂર કરી શકાય છે.” પરંતુ ભ્રમને બદલે વિભ્રમ હોય તો શું? સાપ હોય અને દોરડું દેખાય એને ભ્રમ કહેવાય, પણ કશું હોય જ નહિ અને છતાં દોરડું દેખાય એને વિભ્રમ કહેવાય. ઈશ્વર આવો એક વિભ્રમ છે અને તેને નામે નર્યો ધંધો ચાલે છે.
[4] ઓસ્ટ્રિયાના મહાન દાર્શનિક કાર્લ પોપર દ્વારા falsificationનો સિદ્ધાંત અપાયો છે. એ સિદ્ધાંત એમ કહે છે કે જે વિજ્ઞાનને આધારે આજે કહેવાય છે તે કાલે ખોટું સાબિત થઈ શકે છે. એટલે જ એ વિજ્ઞાન છે. પણ જ્યાં શ્રદ્ધા છે ત્યાં સાચાખોટાનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. ત્યાં તો ભગવાન છે જ એમ માની લેવાનું છે, એમાં એ હોવાની સાબિતીની કોઈ જરૂર છે જ નહિ. વિજ્ઞાનની ખૂબી એ છે કે તેમાં તમે માનો કે ન માનો, પણ એ સાચું જ હોય છે. જેમ કે, પૃથ્વી ફરે છે એવું તમે માનો કે ન માનો એનાથી શો ફેર પડે છે? એ તો ફરે જ છે.
[5] સાહિત્યમાં મધ્યકાળમાં ભક્તિયુગ ચાલેલો. આજે આપણે રાજકારણમાં ભક્તિયુગનો અનુભવ કરી રહ્યા છીએ. રાજ્યમાં ભક્તિ આવે તો એ તાનાશાહી તરફ લઈ જાય. રાષ્ટ્રભક્તિને નામે બધું બહુ ચાલે છે અને એની સામે સાવધાન રહેવાની જરૂર છે. વિખ્યાત અંગ્રેજ સાહિત્યકાર સેમ્યુઅલ જ્હોનસન એમ કહે છે કે, “રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનો છેલ્લો આશરો હોય છે.”
[6] ધર્મસત્તા, અર્થસત્તા અને રાજસત્તાનું કોકટેલ થઈ ગયું છે, અને ખતરનાક મિશ્રણની સામાન્ય લોકોને કશી ગતાગમ પડતી ના હોય એવું લાગે છે.
[7] ઢગલાબંધ મનગઢંત વાતો બધા ધર્મોનાં શાસ્ત્રોમાં લખેલી છે. જેમ કે, બ્રહ્માના શરીરના જુદા જુદા ભાગોમાંથી ચાર વર્ણો પેદા થયા! એને નામે ધર્મો અને સંપ્રદાયોના ઠેકેદારો પોતાનો ધંધો ચલાવે છે. અને જ્યાં ધંધો હોય ત્યાં નફો હોય જ.
[8] ધર્મો અને સંપ્રદાયોની દગાખોરી અને છેતરપિંડી જગજાહેર છે. એમના ઠેકેદારો લાગે છે માયાળુ પણ હોય છે માયાવી ! મરિચ મૃગ માયાવી હતું કે જેણે ભગવાન રામને છેતર્યા હતા. એટલે આ માયાવી ઠેકેદારોથી ચેતવા જેવું છે. એ ઠેકેદારોના ટેકેદારો ખરા ધર્મનું સત્યાનાશ વાળે છે.
[9] ઈશ્વરમાં શ્રદ્ધા એક બાબત છે અને અંધશ્રદ્ધા બીજી બાબત છે. રોજ સવારસાંજ પ્રાર્થના કરનારા મહાત્મા ગાંધી કોઈ દહાડો મંદિરમાં ગયા હોવાનું જાણમાં આવ્યું નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને એક પત્રકારે ઈશ્વરના અસ્તિત્વ વિષે સવાલ પૂછેલો ત્યારે તેમણે કહેલું કે, “મેં અણુમાં જે શક્તિ છે તે શોધી કાઢી, પણ એ શક્તિ એમાં ક્યાંથી આવી એની ખબર નથી.” આ બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા છે અને એને વિશે સૌએ સમજવાની જરૂર છે. એવી શ્રદ્ધા વિનાની અંધશ્રદ્ધા એ નર્યું તરકટ છે.
[10] હિંદુ ધર્મમાં ચાર્વાક દર્શન છે અને તે એમ કહે છે કે ભગવાન છે જ નહિ, જે છે તે અહીં જ, આ જ જિંદગી છે. જન્મ પહેલાં અને મૃત્યુ પછી કશું હોવાની કલ્પના તદ્દન વાહિયાત છે. આ તર્કને સમજવાની જરૂર છે. પૂર્વજન્મમાં તમે ખિસકોલી હતા અને બહુ પાપ કરેલાં એટલે તમે અત્યારે ગરીબ છો, એમ કહેવું અને સ્વીકારવું એ સીધેસીધો અન્યાય છે.
[9 ફેબ્રુઆરી 2025]
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર