Opinion Magazine
Number of visits: 9483064
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરુણ-રમૂજી ઘટનાક્રમોનો સિલસિલો

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|3 November 2015

સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી કોંગ્રેસ-ભા.જ.પ.ની જેમ ગરિમા નેવે મૂકીને બાખડી રહ્યાં છે

ધારો કે હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ અત્યારે જીવતો હોત તો? એણે કહ્યું હોત કે બીજા વિશ્વયુદ્ધ પછી હિટલર સૌથી વધારે પ્રમાણમાં અસહિષ્ણુતાનો – અપપ્રચારનો ભોગ બન્યો. એ તો કલ્પના થઈ, પણ વડાપ્રધાનની છબીના રક્ષામંત્રીની બિનસત્તાવાર ભૂમિકા ભજવતા દેશના નાણાંમંત્રી અરુણ જેટલીએ ખરેખર કહ્યું કે ૨૦૦૨ પછી નરેન્દ્ર મોદી સૌથી વધુ પ્રમાણમાં બૌદ્ધિકોની અસહિષ્ણુતાનો ભોગ બન્યા છે. જેટલીની ગોબેલ્સ સાથે ને મોદીની હિટલર સાથે સરખામણી અપ્રસ્તુત છે અને એવો આશય પણ નથી. જે મુદ્દો છે તે આટલો : ખંજર ભી ઉનકે જખ્મરસીદોંમેં મિલ ગયા / વો ભી લહુ લગાકે શહીદોંમે મિલ ગયા. (ઘા કરનાર ખંજર પણ લોહી લગાડીને શહીદમાં ખપવા ચાલ્યું) મતલબ, અસહિષ્ણુતાના રાજકારણના પ્રવર્તકો અને ચીઅરલીડરો પોતે અસહિષ્ણુતાનો સૌથી વધુ પ્રમાણમાં ભોગ બન્યાની ફરિયાદ કરે ત્યારે કરુણ -રમૂજી સ્થિતિ સર્જાય છે.

જેમની રાષ્ટ્રવાદની વ્યાખ્યા જ અસહિષ્ણુતાનો પર્યાય છે,  જે શાંતિપૂર્ણ સહઅસ્તિત્ત્વને સ્યુડો-સેક્યુલારિઝમ તરીકે ખપાવવામાં રચ્યાપચ્યા રહે છે, તેમના માટે અસહિષ્ણુતા તલવાર પણ છે ને ઢાલ પણ. પોતાનું જૂથ સાતત્યપૂર્વકની – વિચારધારાપ્રેરિત અસહિષ્ણુતાની ઉઘાડી તલવારો લઇને આતંક મચાવતું હોય ત્યારે તેમને કશું કહેવાનું નથી, પરંતુ એ જ અસહિષ્ણુતાની આકરી ટીકા થાય ત્યારે અચાનક તેમને યાદ આવે છે કે ‘ઓહો, આવી ટીકા તો બૌદ્ધિક અસહિષ્ણુતા કહેવાય. તે (આપણી સામે થતી હોવાથી) કેમ સહન થાય?’ લોકપ્રિય ઇતિહાસોમાં ઓછી જાણીતી હકીકત છે કે ઝાંસીનાં રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સમક્ષ અરજી અને વિનવણીઓ સહિતના બધા વિકલ્પ અજમાવી જોયા હતાં. તેમ છતાં, અંગ્રેજોએ તેમના દત્તક પુત્રને વારસ તરીકે મંજૂર ન જ રાખ્યો.

બીજો કોઈ વિકલ્પ ન રહેતાં અને અંગ્રેજો સામે લડવાની ફરજ પડતાં લક્ષ્મીબાઈ લડ્યાં, સુભદ્રાકુમારીની જાણીતી પંક્તિ પ્રમાણે, ‘ખૂબ’ લડ્યાં અને યોગ્ય રીતે જ ઇતિહાસમાં અમર થયાં. તેમના એકંદર મૂલ્યાંકનમાં આ બધું આવે, પણ ‘૧૮૫૭નો સંગ્રામ થયો ત્યાર પહેલાં અંગ્રેજોના અત્યાચાર તો ચાલુ જ હતા. એ વખતે તમે ક્યાં ગયાં હતાં ?’ એવું પૂછીને તેમની લડાઈનું મૂલ્ય ઘટાડી શકાય? સંગ્રામ પહેલાં નાનાસાહેબ પેશ્વા અંગ્રેજો સાથે ઘણું હળતાભળતા હતા. તેમને પાર્ટીઓ આપતા હતા. તેમને સંગ્રામમાં જોડાવાપણું લાગ્યું કે તેની ફરજ પડી, ત્યાર પછી નાનાસાહેબને એવું પૂછી શકાય કે ‘અત્યાર સુધી અંગ્રેજોએ આટલા અત્યાચારો કર્યા, ત્યારે તમે ક્યાં ગયા હતા? અને હવે અચાનક કેમ જાગી ઉઠ્યા?’ અગાઉ લખ્યું હતું તેમ, ભાજપનું એકેય પાપ મૌલિક નથી અને કોંગ્રેસના લાંબા શાસનમાં એ બધાં પાપ સ્વરૂપાંતરે – પ્રકારાંતરે થઈ ચૂક્યાં છે.

એ વખતે બૌદ્ધિકોએ આટલો અસરકારક વિરોધ ન કર્યો હોય, તો સાવ ચૂપ પણ રહ્યા ન હતા. હવે જુદા જુદા ક્ષેત્રના લોકોને અસહિષ્ણુતાના વાતાવરણ અંગે બોલવાપણું લાગ્યું છે. અગાઉની યાદીમાં ગુલઝાર, એડમિરલ રામદાસ પછી નારાયણમૂર્તિ, કિરણ મઝુમદાર – શો, ઝુબિન મહેતા અને રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન જેવાં નામ ઉમેરાયાં છે. આ બધાને પડેલો — અને સરકારને આકરો લાગેલો — વાંધો અસહિષ્ણુતાના છૂટાછવાયા બનાવો પ્રત્યે નહીં, પણ એ અંગે સરકારના મોળા અને મેળાપીપણાની છાપ આપે એવા મૌન વલણ સામે હોય એમ લાગે છે. સરકાર અને તેમના સત્તાવાર, ભાડૂતી કે માનદ્દ પ્રતિનિધિઓ કેટકેટલા લોકોની દેશભક્તિનાં પ્રમાણપત્રો ફાડ્યા કરશે? અને આવાં પ્રમાણપત્રો ફાડવાની તેમની પોતાની લાયકાતનું પ્રમાણપત્ર કોણ આપશે? કોંગ્રેસના દંભી સેક્યુલરિઝમની વાજબી ટીકા કરનારા ભાજપ એન્ડ પરિવારના દંભી, કોમવાદી રાષ્ટ્રવાદના ખોળામાં જઈને બેસી જાય અને એનો તેમને અહેસાસ પણ ન રહે, એ સ્થિતિ કરુણ-રમૂજી નથી?

બિહારની ચૂંટણીમાં નીતિશકુમારના કોઈ તાંત્રિક સાથેના મેળાપનો વીડિયો ફરતો થયો. તેની ટીકા વડાપ્રધાને ચૂંટણીપ્રચાર દરમિયાન કરી — કેમ જાણે, પોતે રેશનાલિસ્ટનું ખોળિયું હોય. ગુજરાતમાં તેમના મુખ્ય મંત્રીપદ દરમિયાન આસારામ જેવા લોકો કેવા ફૂલ્યાફાલ્યા અને આશ્રમમાં બાળકોની હત્યાના મામલે પ્રબળ લોકવિરોધ પછી પણ મુખ્ય મંત્રી તરીકે મોદીનું વલણ કેવું હતું એ જાણીતું છે. ગયા વર્ષે અમદાવાદમાં યોજાયેલા પુસ્તકમેળામાં આસારામના સ્ટોલમાં મુકાયેલા સ્ક્રીન પર, મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આસારામની સભામાં કરેલાં ઉચ્ચારણ વાગતાં હતાં. તેના થકી આસારામના ટેકેદારો દ્વારા અપાતો સંદેશો હતો : ‘જુઓ, નરેન્દ્ર મોદી પણ આસારામને માને છે.’ એ જ મોદી હવે તાંત્રિકના મુદ્દે નીતિશકુમારની ટીકા કરે ત્યારે દયા તો બિહારની જનતાની ખાવાની થાય કે તેની પાસે આવા જ બે વિકલ્પ છે.

દેશમાં ચોતરફ અસહિષ્ણુતાના વ્યાપક મુદ્દાને લઈને બૌદ્ધિકો સરેઆમ, અભૂતપૂર્વ રીતે કચવાટની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી વચ્ચે કંઈક ભળતો કકળાટ ચાલી રહ્યો છે. મૂળ અને ન્યાયી સવાલ સરકારે સ્થાપેલી, ઉમાશંકર-‘દર્શક’ના પ્રયાસથી સ્વાયત્ત બનેલી અને વર્ષોથી સ્વાયત્તતા ગુમાવી બેઠેલી સાહિત્ય અકાદમીનો હતો. લોકશાહી સંસ્થા માટે સ્વાયત્તતા આવશ્યક-અનિવાર્ય ગણાય, પણ એ પૂરતી છે? લોકશાહી એટલે ફક્ત ચૂંટણીશાહી? અને સ્વાયત્તતા – ચૂંટણી જેવી બાબતો આખરી સાધ્ય છે કે પછી સાહિત્યના કામને વધુ વેગ આપવાનું-સાહિત્યને વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચાડવાનું સાધન? — આવા, સ્વાયત્તતા જેટલું જ મહત્ત્વ ધરાવતા સવાલ ઘણે અંશે ગૌણ બન્યા.

રાજ્યની અકાદમીના સરકારનિયુક્ત વડાએ સાહિત્યજગતનાં મોટાં નામોને અકાદમીની માર્ગદર્શક સમિતિમાં નીમીને બુંદથી બિગડી હોજથી સુધારવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટ સંચાલિત અને ચૂંટણીથી હોદ્દેદારો નીમતી સાહિત્ય પરિષદ થોડાં વર્ષ પહેલાં અકાદમીની સ્વાયત્તતાના ટેકામાં ઠરાવ પસાર કરી ચૂકી હતી, પરંતુ આ વખતે પરિષદે એવું આત્યંતિક વલણ લીધું કે અકાદમીની માર્ગદર્શક સમિતિમાં હોય એવા લોકો પરિષદના હોદ્દે રહી શકે નહીં. આ નિર્ણયમાં સિદ્ધાંતની ઓછી અને વ્યક્તિગત હિસાબકિતાબની ગંધ વધારે આવે છે. (પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ પ્રકારના સત્તાવાર ઠરાવ માટે જરૂરી ઔપચારિક વિધિઓ પણ પૂરી કરવામાં આવી નથી.)

પરિષદ અને અકાદમી બન્ને સાહિત્યસંસ્થાઓ ગુજરાતી સાહિત્યના પ્રચારપ્રસારને લગતાં કામની અને તેની ગુણવત્તાની ચિંતા કરવાને બદલે, કોંગ્રેસ-ભા.જ.પ.ના અંદાજમાં, ગરિમા નેવે મૂકીને બાખડી રહી છે. બે ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ વચ્ચેના સંઘર્ષમાં સાહિત્ય પરિષદ, અકાદમી અને લોકો ગૌણ બની ગયાં હોય તથા સન્માન્ય નામો તેમનાં હાથા બન્યાં હોય, એવી પણ છાપ પડે છે.

દેશભરમાં અસહિષ્ણુતા વિરુદ્ધ અવાજ વ્યક્ત થઈ રહ્યો હોય, ત્યારે ગુજરાતની બે પ્રમુખ સાહિત્યસંસ્થાઓ અને સાહિત્યકારો અંદરોઅંદર અસહિષ્ણુતાપૂર્વક લડતા હોય એ જોણું કરુણ રમૂજીથી વિશેષ લાગતું નથી.

સૌજન્ય : ‘સ્વાયત્તતા અને સહિષ્ણુતા’, “દિવ્ય ભાસ્કર”, 03 નવેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/ABH-tragic-and-funny-event-sequence-streak-in-gujarat-and-india-by-urvish-kothari-5158569-NOR.html

Loading

3 November 2015 admin
← ‘સરસ્વતીચંદ્ર’નો અનુવાદ: ૧૨૮ વર્ષ પછી થયેલું મહાકાર્ય
જ્યારે નાગરિકત્વ સમજવા ‘માય ફ્રેન્ડ બરાક’ એક સાહિત્યકાર પાસે જાય છે →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved