
સુમન શાહ
અમેરિકામાં સામાન્ય ચીજવસ્તુઓનો મોટો અને સામાન્યપણે સસ્તો ગણાતો સ્ટોર Walmart એક જ શ્હૅરમાં કે બીજાં શ્હૅરોમાં બધે એકસરખો જ જોવા મળે. Starbucks-ની કૉફીમાં કે Subway-ની સૅન્ડવિચમાં ક્યાંયે ફર્ક ન પડે. બધાને ખબર જ હોય કે Pizza Hut-ને ઑર્ડર કરેલો પિઝ્ઝા એ જ સાઇઝમાં મળવાનો છે અને એ જ સ્વાદ આપવાનો છે. ઘર-સમ્બન્ધી હજ્જારો ચીજોનો સ્ટોર Home Depot, દવાઓ માટેના સ્ટોર્સ CVS કે Walgreens કે એવી કોઈપણ chain રંગરૂપ કે દેખાવે એકસરખી જ જોવા મળે. બધી જ School-buses પીળા રંગની જ હોય.
અમેરિકામાં હરેક અગવડનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે શોધાય. નાનાં સુખોની સગવડો ઊભી કરવામાં આ પ્રજા પાછી પાની ન કરે. આમ તો સામાન્ય મૅટ, સમજો પગલૂછણિયું, પણ ઘર બ્હાર પગ મૂકતાં પહેલાં તમે ભૂલો નહીં એ માટે એ પર છાપ્યું હોય, KEYS PHONE WALLET.
નાગરિક-જીવનમાં પણ સર્વત્ર સરખી શિસ્ત જોવા મળે. પોસ્ટઑફિસમાં કે બૅન્કમાં સૌ દિલથી કામ કરતાં લાગે. ગ્રાહકો પણ લાઇનમાં શાન્તિથી ઊભાં હોય. આપણી અડોશપડોશના ઘરનાં બારી-બારણાં કામ પૂરતાં જ ખૂલે, બાકી, બંધનાં બંધ! વગેરે વગેરે.
અલબત્ત, બધી વખતે ધૉરણો નથી સચવાતાં, ઘણી વાર ખાસ્સી અણસરખાઈ પણ જોવા મળે છે. ધૉરણમાં નાનકડી કમી જોવા મળે તો પણ સરેરાશ અમેરિકન તો ચૅંકાઇ જતો હોય છે, કોઈ કોઈ તો એવા કે જાહેરમાં ફજેતો કરે, રીપોર્ટ લખે, ફરિયાદ કરે, ખંચકાય નહીં.
તેમછતાં, એક સર્વસામાન્ય છાપ એ પડે છે કે standardization — બધું ધોરણસરનું હોય, એ અમેરિકાની વિશેષતા છે.
પરન્તુ દેશમાં, અમદાવાદ વડોદરા કે સૂરતમાં જુદું જ જોવા મળે. એ શ્હૅરોમાં કે મુમ્બઇ જેવાં મહાનગરોમાં chains શરૂ થઈ છે, પણ દુકાનદાર અને ઘરાક વચ્ચેનો જમાનાજૂનો ખટમીઠો સમ્બન્ધ એ-નો-એ જ રહ્યો છે. દવાની નાની દુકાને કે અનાજકરિયાણાની મોટી દુકાને પણ બધાં થોડાક આઘાંપાછાં કે અડીને જૂથમાં ઊભાં હોય. ‘મારે જરા ઉતાવળ છે’ કહીને તમારી પાછળનું જન આગળ આવી જાય. ‘એમની મૅટર પહેલી પતાવી દઉં’ કરતીક સરકારી ક્લાર્કબેન તમારા પછીનાને આગળ બોલાવી લે. તમે વાંધો ઉઠાવો તો ક્હૅ – ‘સાએબ! એમ જો લાઇન સાચવવા જઈએ ને, તો કામો પતે જ નહીં, સાંજ પડી જાય.’ જો કે, કેટલાક ઑફિસકામો માટે લોકો હવે લાઇનમાં ઊભા રહેવાનું શીખ્યા છે.
પણ કોઈ કોઈ સ્કૂલના સીધા નિયન્ત્રણ હેઠળની બસો બરાબર, બાકી બધી ખાનગી વૅનમાં છોકરાંને ઘુસાડી દીધાં હોય છે. સોસાયટીઓનો કચરો લઈ જનારા મ્યુનિસિપલ ખટારાઓમાં કર્મચારીઓ કચરા વચ્ચે આરામથી ઊભાં હોય છે, કશાં જ સૅફ્ટિ મેજર્સ વિના! લગભગ બધી સોસાયટીની મીટિન્ગોમાં ચર્ચાઓ ઘાંટાઘાંટીએ પ્હૉંચી જતી હોય છે. અગવડો વધતી જાય, સગવડો બાબતે ખૅંચાખૅંચી. દરેક સોસાયટીમાં નિવૃત્ત ડોસાઓના અડ્ડા નક્કી હોય છે, અને ત્યાં બેઠા બેઠા તેઓ મોટે મોટેથી બોલીને રાજકારણના ખાં હોય એમ ગપસપ અને વાતોની ચટણી વાટતા હોય છે.
ટૂંકમાં, એકસરખાઈને સ્થાને અણસરખાઈ જોવા મળે, જેને વિદ્વાનો વિવિધતા કહે છે, એટલું જ નહીં, ‘ભારત તો વિવિધતામાં એકતા’-નો દેશ છે એમ ગાઈવગાડીને કહેતા હોય છે. એક બૌદ્ધિકે મને જુદું કહ્યું, ‘વરસોથી બધું આમ જ ચાલે છે, ને બધાંને ફાવી ગયું છે – it’s a system! વાંધો શું છે? મેં કહ્યું, ‘બરાબર, વાંધો કશો નથી – you are right.’
પણ ધીમે ધીમે મને એ વિચાર આવવા લાગ્યો કે, સાલું સાચું છે, વાંધો શું છે -? એ પણ સિસ્ટમ છે, તો આ પણ સિસ્ટમ છે. It’s the system that works! ભારતમાં, અલગ અલગ જરૂરિયાતો, ફર્ક, તફાવત, જુદાપણું, નિયમો વિશેની બેપરવાઇ અને વ્યક્તિની મરજી જ સર્વોપરી – પ્રકારનાં બધાં જ તત્ત્વોનો લગભગ બધાં જ તન્ત્રોમાં સમાવેશ થયેલો છે. એટલે, સર્વસામાન્યપણે કહી શકાય કે diversification — બધું વિધ વિધનું હોય, એ ભારતની વિશેષતા છે.
અમેરિકામાં નવાં નવાં પ્હૉંચી ગયેલાં આપણા ગુજરાતી ભાઈ-બહેનો રસ્તા પર જતી અને આવતી કારોની હારો જોઈને અને માણસ કે અન્ય પ્રાણી ન જોઈને ઠીક ઠીક એવો બળાપો વ્યક્ત કરતાં હોય છે – આ તે કંઈ દેશ છે! માણસનું મૉં ય જોવા ન મળે! બારી ખુલ્લી રાખવામાં ધૉળિયાંનું શું લૂંટાઇ જાય છે! ભારત પ્હૉંચી ગયેલા અમેરિકનને બધે ગંદકી, અવ્યવસ્થા અને તન્ત્રોની ખામીઓ જ દેખાય. સ્ટેશનો, જાહેર માર્ગો અને સાર્વજનિક જગ્યાઓ પર કૂતરાં કે ગાયો કે બકરાં જેવાં પ્રાણીઓ ભેગાં અસંખ્ય લોકોને જોઈને એ જરૂર બબડવાનો – increadible India!
પણ નવી પેઢીનાં યુવક-યુવતીઓનો દુનિયાને અવલોકવાનો પરિપ્રેક્ષ્ય જ બદલાઈ ગયો છે. કોઈપણ દેશની વિશેષતાને માપદણ્ડ બનાવીને તેઓ, આ પ્રજા ચડિયાતી ને આ ઊતરતી છે, એવાં વિધાનો નહીં કરે. એટલે લગી કે મોદી કે ટ્રમ્પ જે કરે છે તેની તેઓ સીધી ટીકાટિપ્પણી નહીં કરે, જે કંઈ થઈ રહ્યું હોય તેને ધીરજથી નીરખશે, ને પૂછવામાં ન આવે ત્યાંલગી પોતાનું મન્તવ્ય જણાવશે નહીં.
એમને સામ્પ્રત વિશ્વ ‘ઓકે’ લાગે છે – ભારત પ્રગતિના પન્થે છે, અમેરિકન સિસ્ટમ્સ પર્ફૅક્ટ છે, ગ્લોબલાઇઝેશન, જીઓપોલિટિક્સ કે AI -પાવર્ડ ટૅક્નોલૉજિ પોતપોતાની જગ્યાએ બરાબર છે. તમે પૂછો તો એટલે લગી કહેશે કે ઇઝરાઈલ-પૅલેસ્ટાઇન જેવા મધ્યપૂર્વના દેશોની તેમ જ રશિયા-યુક્રેઇન જેવા યુરપીય દેશોની યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ સહજ છે કેમ કે એ પૂર્વકાલીન ઇતિહાસોનું અનિવાર્ય પરિણામ છે.
એમના એ પરિપ્રેક્ષ્યમાં તફાવતોનો સ્વીકાર છે. એમાં સંસ્કૃતિઓની વિભિનન્તાનો મહિમા છે. તેઓની માન્યતા છે કે વિશ્વકલ્યાણ માટેના એકવચનીય અભિગમો તો જ નભશે જો બહુવચનીય અભિગમો અપનાવાશે. અમેરિકા આમ છે – ભારત આમ છે – વિશ્વ આવું છે, તો તેઓ એ જુદાઈને વધાવી લેશે. તેઓમાં વર્તમાનને જેમ છે એમ અપનાવી લેવાનું ધૈર્ય છે – take things as they are એમનો ધ્યાનમન્ત્ર છે.
એટલે તેઓ પૉઝિટિવ વધારે અને જજમૅન્ટલ ઓછાં છે. આમ થવું જોઈએ, હોવું જોઈએ, પ્રકારે આદર્શોની ખાલી ઘોષણાઓ કરવામાં નથી માનતાં, પણ તેઓ માને છે કે ચળવળ ચલાવવાથી, સરઘસો કાઢવાથી કે અમુક પત્રકારોની જેમ બૂમબરાડા કરવાથી, સરકારો નથી બદલાતી; સરકારોને બદલે છે અર્થતન્ત્ર અને અર્થતન્ત્રનાં નિયામક તત્ત્વો – વિજ્ઞાન, ટૅક્નોલૉજિ અને મહાઉદ્યોગપતિઓ. એટલે, દરેક દેશ માટે, સરવાળે, તેઓ જેને અનિવાર્ય જરૂરત કહે છે, તે છે કેળવણીવિષયક વિકાસની!
આ પરિપ્રેક્ષ્યનું મુખ્ય પરિબળ તો કેળવણીક્ષેત્રે બૌદ્ધિક ભૂમિકાનાં સત્યો શિરમોર લક્ષ્ય મનાવા લાગ્યાં છે તે, અને યુવા પેઢી માટે વધી રહેલા આન્તરવિદ્યાકીય વિનિમયો છે. ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયાએ જન્માવેલી જાગૃતિની પણ એમાં મહત્ ભૂમિકા છે.
અલબત્ત, પક્ષપાતી માનસિકતા, દૂષિત પૂર્વગ્રહો અને સ્થિતસ્ય સમર્થન કરનારી જડ તત્સમ વૃત્તિ હજી જીવન્ત છે; હજી અસમાનતા, હજી લિન્ગ વંશ કે વર્ણના ભેદ નેસ્તનાબૂદ નથી થયા; તેમછતાં, આજનો માણસ યુવા પેઢીની આ દૃષ્ટિમતિથી વિશ્વને જોવાની ટેવ પાડે, તો કંઈ નહીં તો વિચારવાની ચીલાચાલુ ઘરેડોથી તો મુક્ત થઈ જ શકે!
= = =
(04Jan25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર