
નેહા શાહ
કોઈ પણ કાયદાના ઉપયોગ અને દુરપયોગની ચર્ચા થવી એ આમ તો સમાજની તંદુરસ્તી માટે જરૂરી છે. પણ, બેંગ્લોર સ્થિત ૩૪ વર્ષના અતુલ સુભાષની દુ:ખદ આત્મહત્યા પછી ભારતના મીડિયા પર ચર્ચા એ તો સ્ત્રી વિરુદ્ધ પુરુષનું રૂપ લીધું છે! અતુલે એની પત્ની તરફથી થતી હેરાનગતિથી થાકીને અંતિમ પગલું લીધું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચામાં સ્ત્રીને રક્ષણ આપતા કાયદાને ‘પુરુષ-વિરોધી’નું બિરુદ આપવામાં આવ્યું. આ ચર્ચા સાંભળી લઈએ તો એવું લાગવા માંડે કે જાણે, સમાજના સત્તાના સમીકરણ બદલાઈ ગયા હોય ! પુરુષો જાણે સ્ત્રીઓના હાથે પ્રતાડિત જાતિ બની ગઈ હોય! દેશભરની સ્ત્રીઓ લાલચુ બની ગઈ હોય અને પતિઓને રંજાડી તેની સંપત્તિ હડપી લેવાના પેંતરા જાણે રોજીંદી વાત બની ગઈ હોય ! આઈ.પી.સી. ૪૯૮ (સ્ત્રીને પતિ તેમ જ સાસરિયા દ્વારા આચરવામાં આવતી ક્રુરતા સામે રક્ષણ આપે છે) અને દહેજ પ્રતિબંધ કરતો કાયદા તો જાણે કુટુંબ વ્યવસ્થાના તાણાવાણા તોડી નાખશે એવા ભયંકર હથિયાર જેવા લાગવા લાગે! પુરુષોના અધિકારની માંગ સાથે રસ્તા પર દેખાવો પણ થયા! ‘નિર્દોષ પતિ’ઓને બચાવવા માટે કાયદામાં સુધારા કરવાની જાહેર હિતની અરજી પણ થઇ ગઈ. અને ‘પુરુષ બચાઓ’ અને ‘કુટુંબ બચાઓ’ જેવા અભિયાન શરૂ થઇ ગયા.
શું ખરેખર સમાજમાં ૧૮૦ ડિગ્રીનું પરિવર્તન આવ્યું છે? શું દહેજ પ્રથાનું દૂષણ આપણા સમાજમાંથી નાબૂદ થઇ ગયું છે? જવાબ છે – ના. દહેજ વિરોધી કાયદો ભલે ને છેક ૧૯૬૧માં આવ્યો, પણ આજ સુધી દહેજની માંગણી એક યા બીજી રીતે ચાલુ જ છે અને એ સાથે સ્ત્રીઓનું પ્રતાડન પણ ચાલુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે આજે પણ સરેરાશ દિવસના ૧૮થી ૨૦ સ્ત્રીઓના દહેજ સંબંધી હિંસાને કારણે અપમૃત્યુ થાય છે. દહેજ ઉપરાંત બીજાં અનેક કારણો સર સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી રહે છે. રાષ્ટ્રીય આરોગ્ય સર્વે મુજબ ૩૨ ટકા પરિણીત સ્ત્રીઓ ઘરેલું હિંસાનો સામનો કરે છે. જેમાંની ૮૭ ટકા ક્યારે ય કોઈ મદદ માટે પ્રયત્ન કરતી જ નથી. તે હિંસાને પોતાનું નસીબ સમજીને સહન કર્યે જતી હોય છે! એનો મતલબ એ થયો કે ઘરેલું હિંસાના જે કિસ્સા બહાર આવે છે એ તો હિમશીલાની બહાર દેખાતી ટોચ જેટલાં જ છે. આ સંજોગોમાં ઘરેલું હિંસા અને એ માટે જવાબદાર કારણો સામે લડવા માટે ઘડાયેલા કાયદાની ખૂબ જરૂર છે.
મહિલાઓ સાથે કામ કરનાર સ્વૈચ્છિક સંસ્થાના અનુભવ એવું બતાવે છે કે ઘરેલું હિંસાના અનેક પ્રકાર છે. ઘણી વાર એવું બનતી હોય છે કે જ્યારે મહિલા આવી હિંસા સામે ફરિયાદ નોધાવે ત્યારે પોલીસ એને ‘દહેજ સંબંધિત હિંસા’ની કલમ લગાવી કેસ નોંધે તો કોર્ટમાં એ કેસ ટકી શકતો નથી, કારણ કે દરેક હિંસા પાછળ દહેજ જ કારણ હોય એ જરૂરી નથી. જ્યારે કોર્ટ આ કેસને બરતરફ કરે તો એનું અર્થઘટન એવું થાય કે પુરુષને ફસાવવા એના વિરુદ્ધ દહેજ વિરોધી કાયદાનો ઉપયોગ કરાયો. હકીકતમાં આવા કેસમાં ફરિયાદ નોંધનાર પોલીસની કાચી સમજ અને બેદરકારી વધુ કારણભૂત હોય છે. શક્ય છે કે તેઓ ફરિયાદી મહિલાનો કેસ મજબૂત બનાવવા કડક કલમનો ઉપયોગ કરતા હોય પણ એના પરિણામે મહિલાને ન્યાય નથી મળતો તેમ જ સમાજમાં મહિલા વિરુદ્ધ માહોલ ઊભું થાય એ વધારાનું. આ ઉપરાંત, કાયદાની કડક જોગવાઈઓ પોલીસ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકો માટે લાંચ-રુશ્વત માટેનું મોટું બહાનું બની રહે છે. અતુલ સુભાષે પણ આ મુદ્દો એની સ્યુસાઈડ નોટમાં લખી છે. તો ચર્ચાનાં કેન્દ્રમાં કાયદાના અમલ તેમ જ ભ્રષ્ટ તંત્ર હોવા જોઈએ, નહીં કે કાયદાને ‘સ્ત્રી વિરુદ્ધ પુરુષ’ ચીતરતા પ્રયાસ. કાયદાના દુરુપયોગની સામે અલબત્ત પગલાં લેવાવા જોઈએ. પણ, છૂટા છવાયા કિસ્સા અને સામાજિક ધોરણ વચ્ચે વિવેક ભેદ કરવો પડે. દુર્ભાગ્યે ‘કુટુંબ બચાવો’ જેવા અભિયાન આ જટિલતામાં પડતા નથી, અને કાયદાનાં દુરુપયોગનો ઉકેલ કાયદો બદલવામાં શોધે છે. અને આજનું મીડિયાને પણ સનસનાટી ઊભી કરવામાં વધુ રસ છે.
આમ કહેવાનો મતલબ અતુલ સુભાષ જેવા કિસ્સાની ગંભીરતા ઓછી આંકવાનો બિલકુલ નથી. કારણ કે પુરુષોમાં આત્મહત્યાના વધેલા કિસ્સા ચિંતાનું કારણ છે, જેમાં કૌટુંબિક કંકાસ પણ એક મહત્ત્વનું કારણ છે. અહીં એ નોંધવું જરૂરી છે કંકાસ પાછળનું એક મોટું કારણ યોગ્ય રોજગારનો અભાવ હોય છે. એટલે એને માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનાં પ્રશ્ન તરીકે જોઈ શકાય નહિ. સામાજિક અને આર્થિક માળખાંને પણ સમજવું પડે. જ્યારે સમાજિક ધોરણો કમાવાની જવાબદારી પુરુષના ખભે નાખે છે, ત્યારે સામાજિક અપેક્ષાઓ પૂરી નહિ કરી શકવાનું દબાણ એના મન પર હોવાનું જોવામાં આવ્યું છે. સામાજિક મૂલ્યોનો શિકાર માત્ર સ્ત્રી જ નહિ પણ પુરુષો પણ છે. જો એ સમજીશું તો સામાજિક વ્યવસ્થાને બદલવા તરફ વધુ ધ્યાન આપી શકીશું. નહીંતર, સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈમાં જ અટવાયેલા રહીશું.
સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર