રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો, જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે, પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.

ચિરંતના ભટ્ટ
મૌનની મક્કમતા શું હોય એ સમજવા માટે ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહની કારકિર્દી, કામગીરીની શૈલી અને વહેવાર જોવા રહ્યાં. ભારતીય અર્થતંત્રના ઘડતરમાં તેમના સિંહફાળાની યાદી અર્થશાસ્ત્રીની ત્રિરાશીને ચકરાવે ચઢાવી દે તેવી હતી તેમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. 92 વર્ષની વયે કથળતાં સ્વાસ્થ્યને કારણે તેમનું 26 ડિસેમ્બરે દિલ્હીમાં સારવાર દરમિયાન નિધન થયું. વડા પ્રધાન પદે હતા અને છેલ્લી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા ત્યારે 3 જાન્યુઆરી 2014ના રોજ તેમણે કંઇક આવું કહ્યું હતું કે, “હું પ્રામાણિકપણે માનું છું કે અત્યારના મીડિયા અને સંસદભવનના વિરોધપક્ષો કરતાં ઇતિહાસ મારા પ્રત્યે વધુ દયાળુ હશે.” તેમણે આમ કહી ઉમેર્યું હતું કે, “સરકારના કેબિનેટ તંત્રમાં જે પણ થતું હોય તેની વિગતો હું બહાર ન પાડી શકું. અત્યારના સંજોગો અને એક ગઠબંધનના આધારે ઘડાયેલી નીતિને કારણે જે ફરજ પડતી હોય તે તમામને ગણતરીમાં રાખીને મેં મારાથી બનતું શ્રેષ્ઠ કર્યું છે.”
પંજાબના નાનકડા ગામડામાં ધૂળિયા રસ્તા, પાણીની તંગી, અગવડો વચ્ચે પસાર થયેલું બાળપણ અને પછી ત્યાંથી વિશ્વનાં શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનોના વર્ગ ખંડો, રિસર્ચ, શિક્ષણ, આર્થિક નીતિનું સુકાન અને અંતે વડા પ્રધાન પદ સુધીની સફર – આટલા શબ્દોમાં ડૉ. મનમોહન સિંહનો પ્રોફેશનલ રેઝ્યુમેને વર્ણવવાથી મોટો અન્યાય બીજો કોઇ ન હોઈ શકે. પરંતુ આ તેમની વ્યવસાયિક ઉપલબ્ધિઓ અને ઉપાધિઓની વાત કરવાનો વખત નથી. એક સમયે જેમના વિશે ‘સાઇલન્ટ પી.એમ.’ના ટેગને લઈને બેફામ વાણીવિલાસ કરાયો હતો, આવો વાણી વિલાસ કરનારી એકેએક વ્યક્તિ સારી પેઠે જાણે છે કે તેમણે ભારતના અર્થતંત્રને એવા સમયે બેઠું કર્યું અને વૈશ્વિક ફલક પર પગ માંડતું કર્યું જ્યારે એવી શક્યતાઓની કલ્પના પણ અશક્ય હતી. રાજકીય અવકાશ જેમાં આકરું રાજકારણ હતું, ટીકાઓ હતી એ બધાંની વચ્ચે તેમણે પોતાનાં કામનો એવો પ્રભાવ ખડો કર્યો જેનાથી આપણા આખા દેશને એક માર્ગ મળ્યો. તેઓ વિચારક નહોતા પણ કર્મઠ હતા, મોટી વાતો કરવી એક ચીજ છે પણ નક્કર અમલીકરણ કરી બતાડવું એ જ ખરું કૌશલ્ય છે.
પી.વી. નરસિંહા રાવ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે નાણાં મંત્રી ડૉ. મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકીને ભારતના અર્થતંત્રને ધરમૂળથી બદલ્યું. લાઇસન્સ રાજના રહ્યા સહ્યા કાંગરા આ સાથે ખરી ગયા અને ભારતની સમાજવાદ લક્ષી આર્થિક નીતિઓ ફ્રી માર્કેટમાં વહેતી થઇ. ભારતની એક રાષ્ટ્ર તરીકેની મહત્ત્વાકાંક્ષા વધી. આજે જે વિદેશી નીતિઓ પર અત્યારની સરકાર ડગલાં ભરી રહી છે તેનો પાયો અને શરૂઆત તો ડૉ. મનમોહન સિંહને કારણે જ નંખાયો હતો. ભારતને વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બનાવવાનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જ જાય છે. તેઓ પહેલા એવા ભારતીય ટેક્નોક્રેટ હતા જે રાજકીય વિશ્વમાં ટોચે પહોંચ્યા હતા. કાઁગ્રેસ કેન્દ્રમાં હોય ત્યારે ગાંધી-નહેરુ પરિવારના ન હોય પણ વડા પ્રધાન પદ સૌથી લાંબો સમય સફળતાથી જેમણે સંભાળ્યું હોય તે વ્યક્તિ એટલે ડૉ. મનમોહન સિંહ.
ડૉ. મનમોહન સિંહ રાજકારણમાં સૌથી પહેલાં તો નાણાં મંત્રી તરીકે આવ્યા. આર.બી.આઈ.ના પૂર્વ ગવર્નર આઇ.જી. પટેલે જ્યારે એ પદ સ્વીકારવાની ના પાડી તેની પછી ડૉ. મનમોહન સિંહના ભાગે એ દેશનું નાણા મંત્રાલય આવ્યું. 1991માં નેધરલેન્ડ્ઝમાં કોન્ફરન્સ અટેન્ડ કર્યા પછી દિલ્હી પાછા ફરેલા ડૉ. મનમોહન સિંહને પી.વી. નરસિંહા રાવની વિશ્વાસુ વ્યક્તિનો ફોન આવ્યો. એ ફોન કૉલથી ભારતના આર્થિક ભવિષ્યમાં બદલાવ આવવાની શરૂઆત થઇ. કાઁગ્રેસના આંતરીક અને બાહ્ય આકરા પ્રહારોની વચ્ચે કામ શરૂ થયું. અર્થતંત્ર ખાડે ગયું હતું, ફોરેક્સ રિઝર્વ માત્ર 2,500 કરોડ રૂપિયે આવીને અટકેલું જેનાથી માંડ બે અઠવાડિયાની આયાત મેનેજ થાય એવું હતું, વૈશ્વિક બેંકોએ ભારતને લોન આપવાની ના પાડી દીધેલી અને ફુગાવો તો ન પૂછો વાત. આજે પાકિસ્તાનની જે વલે છે આપણે પણ લગભગ એવી હાલત થવાના આરે જ હતા. પણ ડૉ. મનમોહન સિંહને કારણે ભારત લાઇસન્સ રાજને આવજો કહી શક્યો. જે માણસને રાજકારણ સાથે લેવાદેવા જ નહોતાં તેણે નાણાં મંત્રીનં પદ સંભાળ્યું અને મહિનામાં તો પેહલું બજેટ જાહેર કર્યું. નવી ઔદ્યોગિક નીતિ, રૂપિયાનું મૂલ્ય પગલાંવાર ઘટાડવું, ઉદારીકરણ અપનાવવું, સેબીની સ્થાપના કરીને નવા ફેરફારો કરવાની દિશામાં કામ થયું. ડૉ. મનમોહન સિંહનું પહેલું બજેટ નાણાંકીય મજબૂતાઈ ખડી કરવા પર કેન્દ્રિત કરાયું અને નકામા ખર્ચ અટકાવાયા.
2004માં સોનિયા ગાંધીએ યુ.પી.એ. સરકારમાં વડા પ્રધાન પદ નકાર્યું અને પસંદગીનો કળશ ડૉ. મનમોહન સિંહ પર ઢોળાયો. તેમની સાફ છબી, શાલીનતા અને વહીવટી અનુભવને કારણે તેમને આ પદ માટે પસંદ કરાયા હતા તે સાહજિક હતું. એક અભિપ્રાય અનુસાર સોનિયા ગાંધી પાસે પ્રણબ મુખર્જી કે અર્જુન સિંહ જેવા રાજકારણીઓનો વિકલ્પ પણ હતો, છતાં પણ ડૉ. મનમોહન સિંહ એક એવી પ્રતિભા હતા જે કાઁગ્રેસના અન્ય પ્રમુખ ચહેરાઓને અવગણીને શાસન ન કરત, તેમને સાથે રાખીને કામ કરત. ડૉ. મનમોહન સિંહને રાજકારણનું કે સત્તાનું ઘેલું નહોતું. તેમને માટે સાફ વહીવટ અનિવાર્ય હતો અને માટે જ સોનિયા ગાંધીની સામે નહીં પણ સાથે રહીને રાજકીય સત્તા જરૂર પડે ત્યારે વહેંચીને કામ કરવાની વ્યવહારુતા તેમનામાં હતી.
ડૉ. મનમોહન સિંહને વિરોધ કરવામાં રસ નહોતો, તેમને ખબર હતી કે વડા પ્રધાન પદની ગરિમા જળવાય એ રીતે દેશના હિતમાં કામ કરવું જ તેમનું લક્ષ્ય છે. તે પોતાના લક્ષ્ય પરથી ચળ્યા નહીં. લોકોએ તેમના અને સોનિયા ગાંધી વચ્ચેના સંઘર્ષોને ઉછાળવાનો પ્રયાસ કર્યો, પણ તમામ સંજોગોમાં તેમણે શાલીનતા ન છોડી. આટલા વિરોધ અને ગરમા-ગરમી વચ્ચે તેમણે ઇન્ડિયા-યુ.એસ. સિવિલ ન્યુક્લિયર ડીલ જે રીતે પાર પાડી તેને જેટલી દાદા આપીએ એટલી ઓછી છે. કાઁગ્રેસના અન્ય મોટાં માથાઓને ખાતરી નહોતી કે એ પાર પડશે કે કેમ, વળી ડાબેરીઓ પણ ન્યુક્લિઅર ડીલના વિરોધમાં હતા. આ છતાં પણ વડા પ્રધાન તરીકે તેમને જે રાષ્ટ્રના ફાયદામાં લાગ્યું તે તેમણે કર્યું જ. 2007-8ની વૈશ્વિક મંદીમાં ભારતને ઓછામાં ઓછી અસર થાય તેની તકેદારી રાખવાની જવાબદારી પણ તેમણે ખૂબ સારી પેઠે ઉપાડી. કમનસીબે યુ.પી.એ.-2નું પડી ભાંગવું, સાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની ઝાળ, વળી નરેન્દ્ર મોદી હેઠળ ભા.જ.પા.નું મોટા થવું, એન.ડી.એ.નું ગઠબંધન વગેરે કાઁગ્રેસને નબળું પાડતું ગયું. 2014માં સત્તા પલટો થયો. કાઁગ્રેસ છેલ્લે કેન્દ્રમાં હતી ત્યારે તેનો રાજકીય શાસકીય અધિકૃત ચહેરો એટલે ડૉ. મનમોહન સિંહ.
એ સ્વીકારવું રહ્યું કે ડૉ. મનમોહન સિંહની સિદ્ધિઓ તેમના અનુગામીઓ માટે રસ્તા મોકળા કરતી ગઈ છે. તેમના જેવા કુશાગ્ર બુદ્ધિવાળા રાજકારણીઓ હવે મળવા મુશ્કેલ છે. તેમના જેટલા શૈક્ષણિક લાયકાત ધરાવતા રાજકરાણીઓ પણ આંગળીને વેઢે ગણાય એમ છે. તેમના કામ વિશે ઘણું લખાયું છે, લખાતું રહેશે. સાથે તેમની નમ્રતાઓના કિસ્સા પણ ચર્ચાતા રહેશે. તેઓ સમાનતામાં માનતા. કેટલા ય લોકો એવા છે જેમની જિંદગીમાં તેઓ નોકરીને અલવિદા કહી બિઝનેસ કરવાનું વિચાર્યું તેનો શ્રેય તેઓ ડૉ. મનમોહન સિંહની આર્થિક નીતિઓના સુધારાઓને આપે છે.
એક અત્યંત ધારદાર અર્થશાસ્ત્રી જેમણે આર્થિક રીતે ઉદારમતવાદી ભારત દેશ કેવો હોઈ શકે તેની કલ્પના કરી અને તે મહત્ત્વાકાંક્ષાને સાકાર પણ કરી તેમને ગુમાવવું દેશ માટે એક બહુ મોટી ખોટ છે. તેમને ગઠબંધનની સરકારનું રાજકારણ અને વિરોધ પક્ષોનો અસહકાર નડ્યો પણ છતાં ય તેમણે નેશલન ફૂડ સિક્યોરિટી એક્ટ, નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ જેવા કાયદા પસાર કર્યા અને આંતરિયાળ ભારત સુધી પહોંચ્યા. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ પણ તેમની સરકારમાં અમલમાં આવ્યો, જનતાના હાથમાં સરકારની ચકાસણી કરવાનું આવું શસ્ત્ર આપવાની હિંમત એક સાફ રાજકારણી જ કરી શકે જેને પોતાન કામ પર પૂરેપૂરી આસ્થા હોય. 21મી સદીમાં યુ.એસ.-ભારતના સંબંધો સૌથી ચાવીરૂપ વૈશ્વિક સંબંધ રહ્યા છે અને તેને સ્થિરતા આપવાનું શ્રેય ડૉ. મનમોહન સિંહને જ આપવું રહ્યું.
મૃદુ અવાજમાં વાત કરનાર મનમોહન સિંહ આકરા સવાલોના જવાબ પણ શાલીનતાથી જ આપતા રહ્યા. તેમની સાથે મોન્ટેક સિંહ અહલુવાલિયાથી માંડીને રઘુરામ રાજન જેવા ધારદાર કૌશલ્ય ધરાવનારા લોકો જોડાયા કારણ કે એક બૌદ્ધિક રીતે સબળ વ્યક્તિ જ આ પ્રકારની આવડતને આવકારીને તેનો ખરો ઉપયોગ કરી શકે છે. આટલું બધું કામ કરનારા મનમોહન સિંહને તેમની સરકારી બી.એમ.ડબ્લ્યુ. લક્ઝરી કાર કરતાં પોતના નાનકડી મારુતી 800 વાપરવાનું માફક આવતું – આ સાદગીનું પિષ્ટપેષણ પણ ન હોય કારણ કે એ જ તેમના વ્યક્તિત્વની ઓળખ હતી.
બાય ધી વેઃ
અસાધારણ વિકાસનાં વર્ષોમાં ભારતનું સુકાન સંભાળનારા ડૉ. મનમોહન સિંહ ગંભીરતાને વરેલા નહોતા. લોકસભામાં ચર્ચાઓ દરમિયાન ગાલિબ, અલ્લામા ઇકબાલના શેર ટાંકીને તંગ સંજોગોમાં માહોલ બદલવાની આવડત પણ ડૉ. મનમોહન સિંહમાં હતી. તેમણે સુષ્મા સ્વરાજ સાથેના સંવાદમાં ટાંક્યું હતું, “માના તેરી દીદ કે કાબિલ નહીં હું હૈં, તૂ મેરા શૌક દેખ, મિરા ઇંતિઝાર દેખ.” તેમના મૌન અંગે સતત ટીકાનો વરસાદ થતો હતો અને કૉલ બ્લોક ફાળવણીના ભ્રષ્ટાચારના આરોપ મુકાયા હતા ત્યરે સંસંદની બહાર મીડિયામાં તેમણે મૌન પર ટોણા મારનારાને જવાબમાં કહ્યું હતું, “હઝારોં જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરુ રખી.” સુષ્મા સ્વરાજ સાથેની અન્ય એક ચર્ચામાં ગાલિબનો શેર ટાંક્યો હતો, ‘હમ કો ઉનસે હૈ વફા કી ઉમ્મીદ, જો નહીં જાનતે વફા ક્યા હૈ.’ આવી અદાથી રાજકારણ ખેલનારા રાજકારણીઓ હવે ક્યાં? આવી વ્યક્તિના જવાથી એક ઉચ્ચ કક્ષાના દૌર અને માહોલનું બળ ઓછું થતું જાય તેવી લાગણી થતી રહે. “ક્લાસ” અને “માસ”નો તફાવત ઓછા શબ્દોમાં જાણવો હોય તો ડૉ. મનમોહન સિંહ જેવા રાજકારણીની જિંદગીને જાણવાની, તેમને સમજવાની અને શક્ય હોય તો થોડે ઘણે અંશે વહેવારમાં ઉતારવાની કોશિશ કરવી જોઇએ. ધુધવતા જળમાં ખડકનું મૌન ધારણ કરી અચળ રહેવું સરળ નથી જ હોતું પણ રહી શકાય છે તે આપણને ડૉ. મનમોહન સિંહ જેવી વ્યક્તિઓ શીખવી જાય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 ડિસેમ્બર 2024