
રમેશ સવાણી
પત્રકારનું શું મહત્ત્વ છે તે અંગે એક કથા છે. એક પત્રકારનું મૃત્યુ થતાં તેનો જીવ પહોંચ્યો સ્વર્ગના દ્વારે. દ્વારપાળે ઝાટકીને કહી દીધું કે ‘મહાશય ! તમારા માટે અહીં દ્વાર બંધ છે !’ પત્રકાર ગાંઠે તેવો ન હતો, એ પહોંચ્યો નરકના દ્વારે. દ્વારપાળ કહે : ‘મહાશય, અહીં પણ તમારા માટે જગ્યા નથી !’ એ પત્રકાર એવો હતો જેણે રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓની રીમાન્ડ લીધી હતી. તે મૂંઝાયો નહીં. તેણે આજુબાજુ નજર કરી. ત્યાં એક અલગ નિર્જન ટાપુ હતો. પત્રકારનો જીવ ત્યાં પહોંચ્યો અને છાપખાનું ઊભું કરી અખબાર શરૂ કર્યું. એક મહિનામાં તેને સ્વર્ગના અને નરકના મફત આજીવન પાસ મળી ગયાં !
પત્રકારત્વમાં ગ્લેમર છે. લોકો પત્રકારને માનપાન આપે છે. રાજકીય / ધાર્મિક / સામાજિક નેતાઓ પત્રકારને સાચવે છે. પરંતુ આ પ્રકારનું માન પ્રાપ્ત કરવા પરિશ્રમ કરવો પડે, ત્યાગ કરવો પડે. પત્રકારત્વ બે પ્રકારનું છે : સામાજિક અને અસામાજિક ! સામાજિક પત્રકારત્વ સમાજને / લોકોને / માનવમૂલ્યોને પ્રતિબદ્ધ હોય છે. અસામાજિક પત્રકારત્વ તોડ-પાણીનું હોય છે. તેને ‘યલો જર્નાલિઝમ’ પણ કહેવાય છે. તેમાં બ્લેક મેઈલનું તત્ત્વ વધુ હોય છે. પોલીસ લોકો પાસેથી તોડ કરે છે, પત્રકાર પોલીસનો તોડ કરે છે ! તમારે નક્કી કરવાનું છે કે સામાજિક પત્રકાર બનવું છે કે અસામાજિક? તમારે સુધીર ચૌધરી / મહેશ લાંગા / સૌરભ શાહની જેમ જેલમાં જવું છે કે પ્રશાંત દયાળની જેમ સત્યનિષ્ઠ પત્રકારત્વ કરવું છે?
પત્રકારત્વ એક વ્યવસાય છે. દરેક વ્યવસાય માટે આચારસંહિતા જરૂરી છે. આચારસંહિતા એટલે શું કરવું અને શું ન કરવું? શું સાચું અને શું ખોટું? દરેકને નૈતિક બંધન હોય છે. સાધ્ય જ નહીં સાધનશુદ્ધિ પણ હોવી જોઈએ.
જો કે પત્રકારો માટે કોઈ લેખિત આચારસંહિતા નથી. આવી લેખિત આચારસંહિતાની જરૂર પણ નથી. વાંચક / શ્રાતાઓનું હિત જોવું પડે. સત્યનું રક્ષણ કરવું પડે. અમેરિકામાં પત્રકારોએ મળીને આચારસંહિતા ઘડી કાઢી છે, તેની વિગત બ્રુસ સ્વાઈને ‘રીપોર્ટર્સ એથિક્સ’ પુસ્તકમાં આપી છે.
પત્રકાર ધારે તો આગ લગાડી શકે છે અને આગ ઠારી શકે છે. પત્રકાર ધારે તો ન્યાય અપાવી શકે છે. તટસ્થતા ભ્રામક છે. તટસ્થતા એ સત્ય આચરણમાંથી છટકવાની છટકબારી છે. તટસ્થતા નહીં, સત્યનિષ્ઠા. સિદ્ધાંતનિષ્ઠા વિનાની સ્વતંત્રતા અર્થહીન છે. નિરંકુશ ધોધ વિનાશ સર્જે છે.
કરસનદાસ મૂળજી સત્યનિષ્ઠ પત્રકાર હતો. 22 એપ્રિલ 1862ના રોજ, મહારાજ લાઈબલ કેસમાં ચૂકાદો આપતા જજ સર જોસેફ આર્નોલ્ડે લખ્યું હતું : “A public journalist is a public teacher ! To expose and denounce evil and barbarous practices, to attack usages and customs inconsistent with moral purity and social progress, is one of its highest, its most imperative duties. પત્રકાર તો જાહેર શિક્ષક છે ! દુષ્ટ અને અસંસ્કારી પ્રથાઓનો પર્દાફાશ કરવો અને તેની નિંદા કરવી, નૈતિક શુદ્ધતા અને સામાજિક પ્રગતિ સાથે અસંગત ઉપયોગો અને રિવાજો પર હુમલો કરવો; તે તેની સર્વોચ્ચ, સૌથી આવશ્યક ફરજોમાંની એક છે.”
દરેક પત્રકારે યાદ રાખવાનું છે કે ‘પત્રકારે માણસ મટી જવાનું નથી ! આમાં દુનિયાની સઘળી આચારસંહિતા આવી ગઈ !
ક્રાઈમ રીપોર્ટિંગ એટલે? પોલીસ કાર્યવાહી / અદાલતની કાર્યવાહીનું રીપોર્ટિંગ. આમાં શું તકેદારી રાખવી જોઈએ?
[1] કાયદાઓનું ધ્યાન રાખવાનું છે. બાળ ગુનેગારો / સગીરના નામ જાહેર કરવાના નથી. યૌન શોષણના કેસમાં પીડિતાનું નામ /ઓળખ જાહેર કરવાનું નથી.
[2] પીડિતો સાથે માનવીય વ્યવહાર કરવાનો છે. માનવ ગૌરવ જાળવવાનું છે. પીડિતનો વિશ્વાસ જીતવાનો છે.
[3] ગુનાની મોડસ ઓપરેન્ડી / ગુનાનો મોટિવ / ગુના પહેલાનું વર્તન અને ગુના પછીનું વર્તન / ઓળખ પરેડ / ચાર્જશીટ / કોર્ટના આદેશો વગેરેની સમજણ હોવી જોઈએ.
[4] સંશયની સાધના કરવી પડે. આંખ કાન ઉઘાડા રાખવા પડે. Nose for the News-સમાચાર સૂંઘવાની કળા વિકસિત કરવી પડે.
[5] પત્રકારત્વના 7 C’s યાદ રાખો : Clear, Concise, Concrete, Correct, Coherent, Complete, and Courteous – સ્પષ્ટ, સંક્ષિપ્ત, નક્કર, સાચો, સુસંગત, સંપૂર્ણ અને નમ્ર.
[6] વાંચકો શું જાણવા ઈચ્છે તે સઘળા મુદ્દાઓ આવરી લેવા પડે. મોં-માથા વગરનું રીપોર્ટિંગ વેઠ કહેવાય. એક વખત રીપોર્ટને રસ્તામાં સાંભળ્યું કે તિલક ગુજરી ગયા ! રીપોર્ટર પરત ફર્યો. ફ્રન્ટ પેજ પર આઠ કોલમમાં તિલકના મૃત્યુના સમાચાર છાપી નાખ્યા ! એ પછી તિલક 15 દિવસ સુધી જીવતા રહ્યા હતા ! ચોક્કસાઈ રાખવી પડે. અનુમાન ન ચાલે.
[7] સ્રોતની ગોપનીયતા જાળવવી પડે.
[8] પક્ષપાત નહીં. સિલેક્ટિવ રિપોર્ટિંગ નહીં. સત્યને વળગી રહેવું. સત્યની જાણ કરો તો બદનક્ષી ન થાય.
[9] સરકાર પોતાને દેશ માને છે. એટલે રાજદ્રોહનું શસ્ત્ર પત્રકાર સામે ઉપાડે છે. UAPA-Unlawful Activities (Prevention) Act, 1967માં ફિટ કરે છે. એટલે ખોટી માહિતીથી ચેતો. બાઈટ લો. રીપોર્ટને આધારભૂત બનાવો.
[10] ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે હિંમતની / સાહસની જરૂર પડે. એક્ટિવિસ્ટ, વ્હિસલ બ્લોઅરનો વિશ્વાસ સંપાદન કરવો પડે.
[11] વિવેક જાળવો : કુટણખાનાનું રીપોર્ટિંગ એની ગાઈડ ન બનવી જોઈએ !
[નવજીવન પત્રકારત્વ સ્કૂલ, 25 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર