
રમેશ ઓઝા
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વારંવાર કેન્દ્ર સરકારને યાદ દેવડાવે છે કે બંગલાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા વિષે કાંઈક કરો. બીજા દેશની બાબતમાં દરમિયાનગીરી કરવાનો રાજ્ય સરકારનો અખત્યાર નથી, આ કેન્દ્ર સરકારનો વિષય છે અને તેણે ભૂમિકા લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જો બંગલાદેશમાં હિંદુઓની સુરક્ષાની વ્યવસ્થા ભારત સરકાર કરી શકે એમ ન હોય તો બંગલાદેશના હિંદુ શરણાર્થીઓને સમાવવા પશ્ચિમ બંગાળ તૈયાર છે. માટે વડા પ્રધાને ખુદે અને નહીં તો કમ સે કમ વિદેશ પ્રધાને બોલવું જોઈએ. પ્લીઝ કશુંક કરો. બંગલાદેશમાં હિંદુઓ અદ્ધર જીવે જીવે છે. તેમણે પ્રસિદ્ધ મણિપુર-મૌનની પણ યાદ અપાવી હતી.
જ્યારે તમે જેમાં રમમાણ રહેતા હોય ત્યારે તેની યાદ અપાવવામાં આવે એ સ્વાભાવિક છે. હિન્દુત્વવાદીઓ અતીત અને શૌર્યમાં રમમાણ રહે છે. ચોવીસે કલાક તેઓ અતીતમાં જીવે છે અને ‘બીજાને’ લલકારે છે. આ તેમનો સ્થાયીભાવ છે. ફલાણાઓએ ભૂતકાળમાં ફલાણી ફલાણી ભૂલો કરી જેની હિંદુઓ કિંમત ચૂકવે છે. પણ કશો વાંધો નહીં, અમે બેઠા છીએ હવે કોઈ હિંદુઓનો વાળ પણ વાંકો નહીં કરી શકે. લઘુમતી કોમે લાડ લડાવનારા સત્તાભૂખ્યા અને નમાલા લોકોનો યુગ પૂરો થયો. અમે દુ:શ્મન સાથે આંખમાં આંખ મેળવીને વાત કરવાની ક્ષમતા ધરાવીએ છીએ, અમે હિંદુહિતને ભૂલીને દુ:શ્મન સાથે બિરિયાની ખાનારા કાયર અને દેશદ્રોહી નથી. આમ હિન્દુઓના ગૌરવશાળી અતીતની અને પ્રસંગોપાત બીજા દ્વારા દુભાવવામાં આવેલા રાંકડા હિન્દુઓના અતીતની વાત તમે સાંભળી હશે અને હવે કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે એવા શૌર્યની વાતો પણ તમે સાંભળી હશે. દેખીતી રીતે મમતા બેનર્જી લાગ જોઇને તેમને તેની યાદ અપાવે છે.
ગયા ઓગસ્ટ મહિનામાં બંગલાદેશમાં પ્રજાએ (મુખ્યત્વે યુવાઓએ) બળવો કર્યો અને બંગલાદેશમાંથી વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને નાસી જવું પડ્યું ત્યારથી બંગલાદેશમાં વસતા હિંદુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. હમણાં થોડા દિવસથી તેમાં વધારો થઈ રહ્યો છે અને એ વધારો ચિંતાજનક છે. આ બાજુ ભારત સરકાર નિષ્ક્રિય છે, નિષ્ક્રિય કરતાં પણ હતપ્રભ છે, શું કરવું તે તેને સમજાતું નથી. હોંકારાપડકારા કરવાથી સત્તા સુધી પહોંચી શકાય ખરું, શાસન નથી થતું. ચીન, પાકિસ્તાન, નેપાળ, માલદીવ અને હવે બંગલાદેશે આ બતાવી આપ્યું છે. બંગલાદેશ કહે છે કે શેખ હસીનાને ભારત સરકાર આશ્રય આપી રહી છે એટલે લોકો નારાજ છે અને હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. શેખ હસીના બંગલાદેશના ગુનેગાર છે અને ભારત સરકારે અમને સોંપી દેવા જોઈએ. ભારત સરકાર એ પણ કરી શકે એમ નથી. નથી શેખ હસીનાને બીજો કોઈ દેશ આશ્રય આપતો. ભારતની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી છે. રહી વાત બંગલાદેશમાં વસતા હિંદુઓની તો ભારત સરકાર કશું જ કરી શકતી નથી. જો બંગલાદેશ અને નેપાળ સામે હિન્દુત્વવાદીઓ કશું ન કરી શકતા હોય તો ચીન તો મહાસત્તા છે. માટે મમતા બેનર્જી ચાહી કરીને યાદ દેવડાવે છે કે હિંદુઓને બચાવીને ઇતિહાસ બદલવાનો તેમ જ ખમીર બતાવવાનો અવસર આવ્યો છે તો બતાવો.
પહેલાં થોડી અતીતની વાત. ૧૫મી એપ્રિલ ૧૯૪૬ના રોજ કોલકત્તા નજીક તારકેશ્વરમાં હિંદુ મહાસભાની બેઠક મળી હતી અને તેમાં ઠરાવ કરીને બંગાળના વિભાજન અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર હિંદુ મહાસભાના અધ્યક્ષ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીને આપવામાં આવ્યો હતો. એ અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકર હાજર હતા. મે મહિનામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખ્યો હતો કે ભારતનું વિભાજન થાય કે ન થાય, પણ બંગાળનું વિભાજન થવું જોઈએ. હિંદુઓ અને હિંદુ બહુમતી વિસ્તારો પર મુસલમાનો રાજ કરે એ અમને સ્વીકાર્ય નથી. પણ મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં હિંદુ વસે છે તેનું શું? તેમની સંખ્યા લગભગ ૨૫ ટકાની હતી, ઓછી નહોતી. દર ચોથો હિંદુ મુસ્લિમ બહુમતી વિસ્તારમાં વસતો હતો. પણ તેની તેમને ચિંતા નહોતી. જો કે ચિંતા તો મુસ્લિમ લીગને પણ નહોતી. બહુમતી હિંદુ વિસ્તારોમાં એટલા જ પ્રમાણમાં એટલે કે ૨૫ ટકા મુસલમાનો રહેતા હતા.
ભારતનું વિભાજન થાય કે ન થાય, બંગાળનું વિભાજન થવું જોઈએ એવી માગણી કરતી વખતે તેમણે પૂર્વ બંગાળ(અત્યારના બંગલાદેશ)માં વસતા હિંદુઓની ચિંતા કરી નહોતી. તેમને એટલી પણ સમજ નહોતી અથવા ચિંતા નહોતી કે પૂર્વ પાકિસ્તાનમાં વસતા ૨૫ ટકા હિંદુઓનું જીવન અસુરક્ષિત થઈ જશે. એટલે તો પૂર્વ બંગાળમાં નોઆખલીમાં લઘુમતી હિંદુઓનો નરસંહાર થયો ત્યારે હિંદુઓને બચાવવા માત્ર ગાંધીજી ગયા હતા જેને તેઓ કાયર તરીકે ઓળખાવે છે. એક પણ હિન્દુત્વવાદી નોઆખલી ગયો નહોતો. લોર્ડ માઉન્ટબેટનનું પ્રસિદ્ધ કથન યાદ હશે. તેમણે કહ્યું હતું કે પૂર્વના મોરચે માત્ર એક વ્યક્તિની બટાલિયને શાંતિ સ્થાપી છે. અતીતની હજુ એક વાત. સુભાષચંદ્ર બોઝના ભાઈ સરતચન્દ્ર બોઝ અને શહીદ સુહરાવર્દીએ પ્રસ્તાવ રાખ્યો હતો કે પશ્ચિમે પાકિસ્તાનની જેમ પૂર્વે જો સંયુક્ત બંગાળને સ્વતંત્ર દેશ તરીકે સ્થાપવામાં આવે તો અમે એટલે કે બંગાળી હિંદુ અને બંગાળી મુસલમાન સાથે રહેવા તૈયાર છીએ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ તે પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, ટૂંકમાં ભારતનું વિભાજન થાય કે ન થાય અમને બંગાળનું વિભાજન થવું જોઈએ છે. એટલું જ નહીં, અમને સ્વતંત્ર બંગાળ પણ નથી જોઈતું, કારણ કે તેમાં સહિયારાપણાની શરત છે અને અમારે સાથે મુસલમાનો સાથે રહેવું નથી.
આ ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘ(અત્યારનો ભા.જ.પ.)ના સ્થાપક અધ્યક્ષ હતા અને અત્યારે હિન્દુત્વવાદીઓ બંગલાદેશમાં હિંદુઓની અવસ્થા જોઇને રુદન કરે છે, પણ કશું જ કરી શકતા નથી. ૧૯૪૭માં હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ લીગીઓએ જે તે કોમના બહુમતી વિસ્તારોમાં ત્યાં વસતી લઘુમતી કોમનું શું થશે એ વિષે વિચાર કર્યો હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. જો હિંદુ કે મુસ્લિમ બહુમતી કોમે પોતાને ત્યાંની લઘુમતી કોમને સતાવી ન હોત તો આજના દિવસ જોવા ન મળ્યા હોત. આજે પણ મુસલમાનોને સતાવતી વખતે હિન્દુત્વવાદીઓ વિચારતા નથી કે પડોશી દેશમાં લઘુમતી હિંદુઓનું શું થશે અને પાકિસ્તાનમાં અને બંગલાદેશમાં હિંદુઓને સતાવતી વખતે કોમવાદી મુસ્લિમ વિચારતા નથી કે ભારતમાં વસતા મુસલમાનોનું શું થશે!
અને થોડી વાત શૌર્યની. છે કોઈ વિકલ્પ ભારતના શાસકો પાસે? વિકલ્પ એક જ છે, બંગલાદેશની સરકારને સમજાવવાનો. સમજે નહીં તો વિશ્વમત કેળવવાનો. દબાવ લાવવાનો. પણ સમસ્યા એ છે કે વિશ્વદેશો ભારતના હિન્દુત્વવાદી શાસકોને તેમનાં મુસ્લિમ વિરોધી વલણની અને બુલડોઝર પોલીસીની યાદ અપાવે અને તે પાલવે એમ નથી. સામે બંગલાદેશના શાસકોને પણ હિંદુ વિરોધી વલણનાં પરિણામે ભારતમાં મુસલમાનોનું શું થશે તેની કોઈ ચિંતા નથી.
આ સત્તાનો ખેલ છે જેમાં હિંદુઓ અને મુસલમાનો પ્યાદાં માત્ર છે.