 આજકાલ વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.

ડિજિટલ ઇન્ડિયાની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે એક નામ દિમાગમાં ઝળક્યા વિના રહેતું નથી. આ નામ છે – એલ્વિન ટોફલર. ગુજરાતના કેટલાક સુજ્ઞ વાચકોએ કાન્તિ શાહ દ્વારા અનુવાદિત અને યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ પુસ્તક 'ત્રીજું મોજું' વાંચ્યું હશે. એલ્વિન ટોફલરને આજે યાદ કરવાનું બીજું નિમિત્ત છે, તેમનો બર્થ-ડે. ૪ ઓક્ટોબર, ૧૯૨૮માં જન્મેલા એલ્વિન ટોફલરનો આજે ૮૭મો જન્મ દિવસ છે. ન્યૂ યોર્કમાં જન્મેલા અમેરિકાના આ લેખક, પત્રકાર અને બિઝનેસ સલાહકાર આખી દુનિયામાં વિશ્વના સૌથી વિખ્યાત ફ્યુચરોલોજિસ્ટ તરીકે જાણીતા છે. બિઝનેસ લીડર્સમાં સૌથી વધારે પ્રભાવી અવાજ અને અસર ધરાવતા લોકોમાં બિલ ગેટ્સ અને પીટર એફ. ડ્રકર પછી ટોફલર ત્રીજા ક્રમે આવે છે. એક વિશ્વસ્તરીય સામયિકે ટોચના ૫૦ બિઝનેસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તેમને આઠમો ક્રમાંક આપ્યો હતો. કારકિર્દીના પ્રારંભિક ગાળામાં ટોફલરે વિશ્વવિખ્યાત 'ફોર્ચ્યુન' મેગેઝિનના એડિટર તરીકે કેટલાંક વર્ષો કામ કર્યું હતું. એલ્વિને આઈ.બી.એમ., ઝેરોક્ષ, એ.ટી. એન્ડ ટી. જેવી માંધાતા કંપનીઓમાં વ્યૂહાત્મક સલાહકાર તરીકે ફરજ નિભાવી છે. એલ્વિન ટોફલરે કોર્પોરેટ ગૃહો ઉપરાંત એન.જી.ઓ. અને જુદા જુદા દેશોની સરકારોના સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ અમેરિકન વિચારકનો આધુનિક ચીનને સાકાર કરવામાં ફાળો આપનારા ૫૦ વિદેશી લોકોમાં પણ સમાવેશ થાય છે.
એલ્વિન ટોફલરે 'ધ થર્ડ વેવ', 'ફ્યુચર શોક' અને 'પાવરશિફ્ટ' જેવાં ચર્ચિત પુસ્તકો આપ્યાં છે. ટોફલરે પોતાની પત્ની હૈદી સાથે પણ 'રિવોલ્યુશનરી વેલ્થ', 'વોર એન્ડ એન્ટિ-વોર' તથા 'ક્રિએટિંગ અ ન્યૂ સિવિલાઇઝેશન' જેવાં પુસ્તકો આપ્યાં છે, જેમાં નવા જમાના અંગેના અનુમાન અને અપેક્ષા વ્યક્ત થયાં છે. ટોફલર ખાસ કરીને ડિજિટલ રિવોલ્યુશન, કમ્યૂિનકેશન રિવોલ્યુશન અને ટેક્નોલોજીકલ સિંગ્યુલારિટીની તેમણે કરેલી ચર્ચા માટે વિશ્વભરમાં જાણીતા છે.
આપણે સૌ ડિજિટલાઇઝેશન માટે ઉત્સાહી છીએ ત્યારે ડિજિટલાઇઝ્ડ વિશ્વની કલ્પના કરવા ઉપરાંત તેને આવકારનારા ટોફલરે શબ્દો ચોર્યા વિના કબૂલેલું છે કે ડિજિટલ રિવોલ્યુશન થવાને લીધે લોકોની એકાગ્રતા અને ધ્યાન પહેલાં જેવા સતેજ નથી રહ્યાં. જો કે, ડિજિટલ ક્રાંતિને કારણે તેમને આશા છે કે માનવ સભ્યતાનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. હેન્રી ડેવિડ થોરોએ 'વોલ્ડન' નામના પુસ્તકમાં સચોટ સવાલ ઉઠાવેલો કે શિકાર યુગમાં માણસે પેટ ભરવા માટે જેટલા કલાકો ગાળવા પડતાં તેટલા જ કલાકો આજે પણ ગાળવા પડતા હોય તો માનવ સભ્યતા વિકાસ પામી છે, એવું કઈ રીતે કહી શકાય? ખરેખર આજે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોએ માનવીનાં અનેક કાર્યો આસાન કર્યા હોવા છતાં આપણે એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા ઊભી કરી છે કે એકવીસમી સદીમાં પણ નોકરીની લાંબી સિફ્ટ ઉપરાંત બે-ત્રણ કલાક તો ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરની આવન-જાવનમાં જ નીકળી જતા હોય છે. પણ, ટોફલર ધારે છે કે "આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેક્ટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઈ જશે. તેમના મતે નવલા સ્વરૂપે ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત ગૃહઉદ્યોગોનો જમાનો શરૂ થશે. વાહનવ્યવસ્થા પરનો બોજ ઘટશે. આવનજાવનની રોજિંદી તાણ ઘટશે અને પરિવારજીવન પર તેની રૂડી અસર પડશે." આજે કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટના સમયમાં સ્થળ (ઓફિસ)નું મહત્ત્વ ઘટાડી શકાય છે, પરંતુ સંસ્થાઓ અને સ્થાપિત હિતો એ દિશામાં વિચારતાં હોય એવું હાલ તો જણાતું નથી.
ટોફલરના એક ધારદાર વિચાર સાથે લેખ પૂર્ણ કરીએ, "સમાજને એવા લોકોની જરૂર છે, જે વૃદ્ધજનો અને કઈ રીતે અનુકંપાશીલ તથા પ્રામાણિક બનવું એ જાણનારાની પૂરતી કાળજી લે. સમાજને એવા લોકોની જરૂર છે, જેઓ હોસ્પિટલોમાં સેવાકાર્યો કરે. સમાજને એ તમામ પ્રકારનાં કૌશલ્યોની જરૂર હોય છે, જે માત્ર ચિંતનાત્મક જ નહિ, પણ સંવેદના અને સદ્દભાવથી સભર હોય. તમે માત્ર માહિતી અને કમ્પ્યૂટર્સ થકી સમાજ ન ચલાવી શકો."
e.mail : divyeshcv@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 04 અૉક્ટોબર 2015