
રાજ ગોસ્વામી
અંગ્રેજીમાં એક (મૂળ ફ્રેંચ) શબ્દ પ્રચલિત છે; દેજા વુ. તેનો અર્થ થાય છે ‘અગાઉ જોયેલું.’ તમે કોઈ નવી જગ્યાએ ગયા હો, અથવા કોઈ ફીલિંગનો અનુભવ કરો અથવા કોઈ વાત સાંભળો, તો તમને એવું લાગે કે તમારી સાથે આવું અગાઉ પણ થઇ ચુક્યું છે. 16મી તારીખે, શનિવારે, એક સમાચાર સાંભળ્યા કે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજના ચાઈલ્ડ વોર્ડમાં ભીષણ આગ લાગવાથી દસ નવજાત શિશુઓ બળીને ભડથું થઇ ગયાં છે, ત્યારે ‘દેજા વુ’નો અહેસાસ થયો.
કેવી કમનસીબી છે કે ભારતમાં ‘આવું તો રોજ થાય છે’ની લાગણી સાથે આપણે રાબેતા મુજબના કામમાં પરોવાઈ જઈએ છીએ. હજુ થોડાં વર્ષો પહેલાં જ, સારવાર અને સુવિધાઓના અભાવે કોરોનામાં લાખો લોકોને ગુમાવ્યા હોવા છતાં, આપણે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં સુધારો નથી કરી શકતા તે કેવી લાચારી છે!
હજુ આ વર્ષે જ, મે મહિનામાં, દિલ્હીની એક બાળ હોસ્પિટલમાં આગ લાગતાં 7 નવજાત બાળકો બળી ગયાં હતાં અને 12ને બચાવી લેવાયાં હતાં. તેના આગલા જ દિવસે, રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં આગ લાગતાં 9 બાળકો સહિત 33 લોકોના જીવ ગયા હતા. 2011માં, કોલકત્તાની એમરી હોસ્પિટલમાં આવી જ એક આગમાં 93 લોકો સ્વાહા થઇ ગયા હતા.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસીન એન્ડ પબ્લિક હેલ્થના એક અભ્યાસ પ્રમાણે, 2010થી 2019 વચ્ચે, 100થી વધુ બેડ ધરાવતાં સ્વાસ્થ્ય સંસ્થાનોમાં મોટી આગ લાગવાની 33 ઘટનાઓ બની હતી. તેમાં 78 ટકા કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કીટથી આગ લાગી હતી અને તેમાં ય મોટા ભાગની શોર્ટ સર્કીટ એર કંડિશનરમાં થઇ હતી. 19 દુર્ધટનામાં જ ફાયર ફાઈટિંગ સિસ્ટમ જોવા મળી હતી. 10 કિસ્સાઓમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ બહાર આગ લાગી હતી. 72 ટકા આગ રાતે 8થી સવારના 7 વચ્ચે લાગી હતી.
આ અહેવાલના એક સહ-લેખક અને અમદાવાદની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજમાં કોમ્યુનિટી મેડિસિનના એસોસિએટ પ્રોફેસર ડૉ. રશ્મિ શર્માએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો આગ સલામતીના નિયમોનું સૌથી ગંભીર ઉલ્લંઘન કરે છે, “2011થી મેં જે 19 આગની ઘટનાઓનો અભ્યાસ કર્યો છે, તેમાંથી 90% સરકારી હોસ્પિટલોમાં થઈ હતી.”
‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નો એક તાજો અહેવાલ કહે છે કે એકલા દિલ્હીમાં જ 2021 અને 2022માં, હોસ્પિટલોમાં આગ લાગવાની 66 ઘટનાઓ બની છે. એક અન્ય અહેવાલ કહે છે કે ભારતમાં 2020 પછી હોસ્પિટલોમાં લાગેલી આગમાં 120 લોકોનાં મૃત્યુ થયાં છે.
દેશમાં, જેટલી પણ સાર્વજનિક સેવાઓ અને સુવિધાઓ છે તેમાંથી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સૌથી વધુ નિર્ણાયક હોય છે કારણ કે તેમાં બીમાર, વૃદ્ધ અને અપંગ લોકો ભરતી હોય છે, જેમને સંકટમાં બચવા માટે બાહ્ય મદદની જરૂર હોય છે.
1950 પહેલાં, ભારતીય હોસ્પિટલોમાં કોઈ ઓટોમેટિક ફાયર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવતી નહોતી. મોટા ભાગના વિકાસશીલ દેશોમાં ત્યારે આગથી બચવા કરતાં બીમારીથી બચવાની પ્રાથમિકતા હતી, પરંતુ હોસ્પિટલોમાં, ખાસ કરીને બહુમાળી હોસ્પિટલોમાં આગના કારણે જાનહાનિ થવાની ઘટનાઓ સામે આવતાં, હોસ્પિટલોમાં આગના અકસ્માતોને ઘટાડવાની વ્યવસ્થાઓ અને માર્ગદર્શિકાઓ પર ધ્યાન આપવાનું શરૂ થયું હતું. તેમ છતાં, સમગ્ર ભારતમાં હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓ અવારનવાર બનતી જ રહી છે.
તેમાંથી એક જ વાત સાબિત થાય છે; ભારતમાં, સલામતીની દૃષ્ટિએ હોસ્પિટલો આજે પણ જોખમી છે. આટલાં વર્ષોના અનુભવો પછી પણ આપણે કોઈ બોધપાઠ લઇ શક્યા નથી. જે જગ્યાએ માણસોનાં સ્વાસ્થ્યની સૌથી વધુ સંભાળ રાખવાની ગેરંટી હોય છે, ત્યાં જ જો અચનાક મરી જવાની સંભવાના માથા પર ઝળુંબતી હોય, તો એના માટે એક જ શબ્દ છે : રામ ભરોસે. ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર રામ ભરોસે ચાલે છે. આને આ તો ખાલી આગથી મૃત્યુની જ વાત છે. દેશની હોસ્પિટલોના રોજના ઘોરણે કેટલા લોકો ક્યાં કારણોથી મરે છે તેનો તો કોઈ હિસાબ નથી.
ભારતમાં ઝડપથી વિકસી રહેલું ખાનગી સ્પેશિયાલિટી ક્ષેત્ર પોતાને ‘આધુનિક’ અને ‘હાઇ-ટેક’ તરીકે રજૂ કરે છે અને ‘વિશ્વ કક્ષાની’ સારવારને નામે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને આકર્ષે છે. હોસ્પિટલોના ‘ધંધાકરણ’થી સાર્વજનિક સ્વાસ્થ્ય સંસ્થાઓએ ઉચાળા ભરી લીધા છે અને દેશની એક મોટી વસ્તીને મોંઘી કોર્પોરેટ હોસ્પિટલોનાં શરણે ધકેલી દીધી છે.
‘વિશ્વ કક્ષાનું’ વાતાવરણ ઊભું કરવાનો દાવો કરતી આ હોસ્પિટલો જો કે ‘વિશ્વ કક્ષા’ની સલામતી નથી. કરુણતા એ છે કે જે જગ્યાએ રોજે રોજ સૌથી વધુ જીવન સમાપ્ત થાય છે, તેને ન તો આપત્તિ તરીકે જોવામાં આવે છે કે ન તો કટોકટી તરીકે.
દાખલા તરીકે, કેટલી હોસ્પિટલો ચેપ ના ફેલાય તે માટે કડક પગલાં ભરે છે? આપણને ખબર પણ નથી કે આપણા ઘર-પરિવાર, સમાજમાં ઘણા શક્તિશાળી ચેપ હોસ્પિટલોમાંથી આવેલા હોય છે. આ એન્ટિબાયોટિક પ્રતિકાર ધરાવતા ચેપ ત્યાં દાખલ થયેલા દર્દીઓ હોસ્પિટલના વાતાવરણમાંથી મેળવે છે.
આ સમસ્યાને સરળ અને અસરકારક ચેપ નિયંત્રણ પ્રોટોકોલ દ્વારા અટકાવી શકાય તેમ છે. આમાં આરોગ્ય સેવા કરતા કર્મચારીઓ દ્વારા ફરજિયાત હાથ ધોવાની પ્રથાઓ, યોગ્ય વેન્ટિલેશન, કચરાનો નિકાલ, નિયમિત સાફ-સફાઈ અને એન્ટિબાયોટિક પ્રોટોકોલ જેવાં પગલાં સામેલ છે. ભારતની મોટા ભાગની ખાનગી હોસ્પિટલોએ હજુ સુધી આ પદ્ધતિઓ અપનાવી નથી.
વીમા ક્ષેત્રના દબાણને કારણે ‘માન્યતા’ મેળવવાના દબાણના કારણે અમુક હોસ્પિટલો દેખાવ ખાતર આ બધું અનુસરતી હોવાનો દાવો કરતી હોય છે, પણ તેમાં ય કેન્દ્રમાં દર્દીઓનાં જીવન નથી હોતાં. અમુક લોકો માટે આ કોઈ સમસ્યાને સંપૂર્ણપણે અવગણે છે.
આ જ કારણ છે કે સામાન્ય લોકોની વાતચીતોમાં તમને એવું સાંભળવા મળતું હોય છે કે ભારતમાં લોકોની જિંદગી સસ્તી છે. અર્થશાસ્ત્રની ભાષામાં, દુર્લભ વસ્તુનું મૂલ્ય સામાન્ય રીતે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુ કરતાં વધુ હોય છે. એટલા માટે કોલસા કરતાં હીરો વધુ મૂલ્યવાન હોય છે.
આ વાત ચીજવસ્તુઓ ઉપરાંત માનવ જીવનને પણ લાગુ પડે છે. આપણે દુનિયાનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છીએ અને આપણે હજુ પૂરી રીતે વિકસિત પણ થયા નથી. એટલે આપણું ધ્યાન દેશની જરૂરિયાતો તેમ જ મૂડી પેદા કરવા પર છે. વિકસિત દેશોની માફક આપણે માનવ જીવનની સલામતીને પ્રાથમિકતા બનાવવાની સ્થિતિમાં નથી.
આ કારણથી છાસવારે દુર્ઘટનાઓમાં પાંચ-પચીસ લોકો મરી જાય, તો થોડા દિવસના ‘ઘોંઘાટ’ સિવાય કોઈનું એ રૂંવાડું પણ ફરકતું નથી. આ દેશની પબ્લિક સિસ્ટમ અસંવેદનશીલ છે. તમને યાદ હોય તો, કોરોનામાં લાખો લોકોના મોત બદલ ‘સિસ્ટમ’ને જવાબદાર ઠેરવવામાં આવી હતી. પછી શું થયું? સિસ્ટમમાં જાગૃતિ આવી, એમાં સુધાર આવ્યો?
ભારતમાં લોકોની જિંદગી, ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલની પ્રસિદ્ધ કૃતિ ‘એનિમલ ફાર્મ’ની યાદ અપાવે છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘તમામ જાનવરો સમાન છે, પરંતુ અમુક જાનવરો બીજાઓની તુલનામાં અધિક સમાન છે.’
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 24 નવેમ્બર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર