ટેક્સી માફિયા, રિયલ એસ્ટેટ, ગીચતા અને ગંદકી જેવી સમસ્યાઓના પડકાર ઝીલતું ગોઆ રાજકારણ અને વહીવટી તંત્રના સહિયારા પ્રવાસોથી બચી શકે છે

ચિરંતના ભટ્ટ
મુંબઈગરાં હોય કે ગુજરાતની જનતા હોય, દરેકે લાઈફમાં ઓછામાં ઓછો એકવાર તો ગોઆ જવાનો પ્લાન બનાવ્યો જ હોય. નવી પેઢી માટે તો ફેસ્ટિવલ્સ અને કોન્સર્ટનું સરનામું પણ ગોઆ છે. ઓલ્ડ ગોઆ અને ન્યુ ગોઆ અને વિદેશીઓ જ્યાં મોટી સંખ્યામાં જોવા મળે એવા બીચિઝના નામથી માંડીને હેરિટેજ આર્કિટેક્ચર જેવું કેટલું બધું લોકોને કડકડાટ યાદ હોય છે. 1961માં ગોઆ, દીવ અને દમણની સાથે યુનિયન ટેરિટરી જાહેર થયું અને 1987માં તેને સ્ટેટહુડ – રાજ્યનો દરજ્જો મળ્યો. પ્રદેશ અનુસાર ભારતના સૌથી નાના રાજ્યની ખાસિયતો વિશે તો તમે જાણતા જ હશો. ફિલ્મોમાં પણ ગોઆને સારી પેઠે એક્સપ્લોર કરાયું છે, રોમાન્સ માટે, દોસ્તી માટે અને મર્ડર મિસ્ટ્રી માટે પણ. ગોઆની આટલી લાંબી ચર્ચા એટલા માટે કારણ કે બે-ત્રણ અઠવાડિયાથી ગોઆ સતત ચર્ચાતું રહ્યું છે. ગોઆનું અર્થતંત્ર સહેલાણીઓ પર ચાલે છે. ટુરિઝમ એટલે ગોઆના અર્થતંત્રની કરોડરજ્જુ પણ આજકાલ ગોઆ લોકોના લિસ્ટમાંથી ગાયબ થઇ રહ્યું છે અને આ ચર્ચા X – પહેલાં ટ્વિટર તરીકે ઓળખાતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી એક પોસ્ટને પગલે છેડાઇ.
વિદેશી પ્રવાસીઓની ઘટતી સંખ્યા
ગોઆ વિદેશીઓ માટે પણ નંબર વન ટુરિસ્ટ સ્પોટ રહ્યું છે પણ છેલ્લા કેટલાક વખતથી, ખાસ કરીને કોવિડ-19 રોગચાળા પછી વિદેશી પ્રવાસીઓની સંખ્યા ગોઆમાં નોંધપાત્ર રીતે ઘટી છે. રામાનુજ મુખર્જી, એક આંત્રપ્રિન્યોર છે જેમણે થોડા દિવસો પહેલાં એક ટ્વિટ કર્યું. આ ટ્વિટ અનુસાર ગોઆમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા જે 2019માં 9.4 લાખ હતી તે ઘટીને 2023માં 4.03 લાખ થઇ ગઇ છે. તેમના મતે રશિયા અને બ્રિટનના જે પ્રવાસીઓ ગોઆ આવતા તેઓ હવે શ્રીલંકા જવાનું પસંદ કરે છે. વળી મુખર્જીએ તો પોતે આંકડા એક એનાલિટિક્સ કંપની – CEIC – પાસેથી લીધા હોવાનો દાવો કર્યો અને લખ્યું કે સરકારે ટુરિઝમ ક્ષેત્રમાં સુધારા કરવાની તાતી જરૂર છે. ગણતરીનાં વર્ષોમાં ગોઆમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 60 ટકા જેટલી ઘટી છે, ખાસ કરીને 2022ની સાલમાં વિદેશી પ્રવાસીઓની સંખ્ય 2019ની સરખાણીએ 82 ટકા ઘટી. આ ટ્વીટ વાઇરલ થયું અને પછી ગોઆ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે તો આ યુઝર સામે ફરિયાદ પણ નોંધી. પણજીના સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ટ્વિટનો દાવો અને આંકડા ખોટા છે, જેને કારણે ગોઆ રાજ્યની છાપ ખરડાય છે એટલે આ યુઝર સામે પગલાં લેવાવા જોઇએ. જો કે યુઝરે ફરી પોસ્ટ કરીને એમ કહેલું કે, ‘માની લઈએ કે મને મળેલા આંકડા ખોટા હોય પણ આ પોસ્ટ વાઇરલ એટલે થઇ કારણ કે લોકોએ ગોઆમાં પોતાને થયેલા અનુભવો સોશ્યલ મીડિયા પર વહેંચ્યા. લોકોએ ગોઆ અંગેની પોતાની દુભાયેલી લાગણીઓ ઠાલવી.’
ટેક્સી માફિયાઓની દાદાગીરી
ગોઆ જનારા ભારતીય પ્રવાસીઓ તો કોરોનાકાળ પછી પાછા ફર્યા છે પણ જે સમસ્યાઓને કારણે વિદેશીઓ ગોઆ આવવાનું ઘટાડી રહ્યા છે, એ સમસ્યાઓ થોડા વખત પછી ભારતીય પ્રવાસીઓને પણ નડી શકે છે. પહેલાં તો ગોઆમાં સમસ્યાઓ શું છે એ સમજીએ. ગોઆમાં સૌથી મોટી સમસ્યા છે ‘ટેક્સી માફિયા’ની. ત્યાં તમને ઓલા કે ઉબર જેવી સેવાઓ નહીં મળે. મોટા ભાગે ટેક્સી બિઝનેસ માથાભારે જૂથો ચલાવે છે અને તેમણે માત્ર પ્રવાસીઓ જ નહીં પણ સ્થાનિક લોકોને પણ સારી પેઠે દાબમાં રાખ્યા છે કે પજવ્યા છે. ઇજારાશાહી હોય ત્યાં આવી સમસ્યા થાય જ. તેમના બળને લીધે ઓલા – ઉબર જેવી સેવાઓ ગોઆમાં ચાલુ નથી થઇ શકી. ગોઆના ટેક્સી ઑપરેટર્સ તેમના ઊંચા દર, મિટર વગરની કાર્સ અને સરકારી નિયમોને નહીં અનુસરવા માટે જાણીતા છે. વળી જો કોઇએ ભાવ-તાલ કરવાની કોશિશ કરી તો તોછડાઇથી ના પાડી દેવાની ઘટનાઓ પણ પ્રવાસીઓ સાથે બની છે. કોઈએ ટ્વિટર પર આ પોસ્ટને પગલે પોતાનો અનુભવ શૅર કરતાં લખ્યું હતું કે, ‘એકવાર અમે ગોઆમાં એક વિદેશીને અમારી કારમાં લિફ્ટ આપી. કોઇ ટેક્સીવાળાએ અમને રોકીને તેને ઉતારી દેવા કહ્યું અને ધમકી આપી કે જો એમ નહીં કરીએ તો એ અમારી કાર તોડી નાખશે. ગોઆ ટુરિઝમ બગડ્યું છે તેનું કારણ ટેક્સી માફિયાનો વહેવાર છે. પુષ્કર કે ઉદયપુરમાં અમારે આવી સ્થિતિ ક્યારે ય નથી વેઠવી પડી.’ અન્ય એક યુઝરે પણ લખ્યું કે તે પોતાના એક વિદેશીને લેવા એરપોર્ટ ગયો હતો અને તેની સાથે એક ભારતીય મિત્ર પણ હતો. એક ટેક્સીવાળાએ જ્યારે આ લોકોને પેલા યુઝરની અંગત કારમાં જોયા તો તેણે એમને રોકીને બબાલ કરી, થોડીવારમાં ત્યાં બીજા દસ ટેક્સીવાળા આવી ગયા જે બધા તેમને મારવા તૈયાર હતા. હવે ટુરિસ્ટ હોટસ્પોટ ગણાતા સ્થળે આવું થતું હોય તો કેવી રીતે ચાલે? ગોઆને મોટાભાગના નકારાત્મક રિવ્યુઝ ટેક્સી માફિયાઓને કારણે જ મળ્યા છે. વળી કાર્સ ઝડપથી મળે નહીં અથવા તગડી કિંમતો પણ વિચાર્યા વગર ચુકવવી પડે તો ક્યાં સુધી કોઇ પ્રવાસીઓ આવા શોષણને તાબે થાય. પ્રવાસીઓને માટે સફરની યાદો મીઠી હોય એ જરૂરી છે, ડર અને ખર્ચાના બોજ વાળી યાદો આપનારા ગોઆને પોતાની યાદીમાંથી તેઓ બિંધાસ્ત બાદ કરવા માંડે એમાં કંઇ ખોટું નથી.
સલામતીના પ્રશ્નો
અહીં વાત માત્ર પ્રવાસીઓ ઘટવાની નથી. આપણા દરેકના મનમાં ગોઆની એક છબી છે, બિંધાસ્ત, હિપ્પી કલ્ચરને આવકારતું સ્થળ, જેની ગ્લોબલ અપીલ જબ્બર રહી છે. પણ આપણે ગોઆમાં થયેલી હત્યાઓ અને અપહરણના કિસ્સાઓથી અજાણ નથી. ગોઆમાં જ મહિલા પ્રવાસીઓને માટે ખાસ પિંક ફોર્સની જાહેરાત કરાઇ છે જે તેમની સલામતી અને બીચ વિજીલ – દરિયા કાંઠેની ચોકીદારીનું ધ્યાન રાખે છે. આ કરવું પડે એ જ બતાડે છે કે ગોઆમાં સલામતીને નામે ગોટાળા છે. ગોઆમાં બબ્બે એરપોર્ટ છે તેની ના નહીં પણ શહેરમાં જો માળાખાંકીય સુવિધાઓ પૂરતી ન હોય તો તેનો પણ કોઇ અર્થ નથી.
રાજકારણ અને રિયલ એસ્ટેટ
વળી ગોઆને કેન્દ્રમાં રાખીને ખેલાતું રાજકારણ પણ કમ નથી. ત્યાંના રસ્તાઓ, ગોઆ પોલીસ દ્વારા બહારની ગાડીઓને કરાતી હેરાનગતિ, ટ્રાફિક જામ વગેરે અંગે કાઁગ્રેસના નેતાઓએ પૂરતો દેકારો કર્યો છે. વળી ગોઆની હરિયાળી જમીન પર રિયલ એસ્ટેટની પકડ પણ જામી છે. મિલકતના ભાવ સો ટકા કરતાં ઉપર પહોંચ્યા છે. જાણે ત્યાં વિશેષ રીતે મોઘવારીએ પગ માંડ્યો હોય એવું લાગે છે. ગોઆમાં ટાઉન અને કન્ટ્રી એક્ટમાં ફેરબદલ કરીને પેડી ફિલ્ડ અને જંગલોને સુરક્ષિત રાખનારા ઝોનિંગ કાયદાઓની ઉપરવટ જઇ જમીનનો ધાર્યો ઉપયોગ કરાયો છે. આ એક પ્રકારનું દબાણ છે, જે માત્ર જમીન માત્ર પર નહીં ગોઆની સંસ્કૃતિ પર પણ દબાણ કહી શકાય કારણ કે તે ગીચતા, ઘોંઘાટ અને ગોઆની સ્કાયલાઇન પર અસર કરે છે. ગોઆ ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ વચ્ચેનો સંઘર્ષ પણ એક પાસું છે જે ગોઆની ઓળખ બદલી રહ્યું છે.
ગીચતા અને ગંદકી
એક સમયે કાલનગુટ જેવા વિસ્તારો ખૂબ પૉપ્યુલર હતા ત્યાં પણ હવે ગીચતા, લિટરિંગ જેવા પ્રશ્નો છે. મોટાભાગના દરિયા કિનારાઓ પર ગંદકીનો મુદ્દો તો રેતીમાં ફસાયેલી પ્લાસ્ટિકની કોથળી જેવો છે. ગોઆમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને મામલે પણ કોઇ વ્યવસ્થિત તંત્ર નથી કારણ કે ટેક્સી માફિયાઓ ત્યાં પણ સમસ્યાઓ ખડી કરે છે. ગોઆમાં તંત્ર એળે જતું હોય ત્યારે આસપાસના દેશોમાં વિઝા-ફ્રી ટ્રાવેલ, વેલ્યુ ફોર મની, જેવા અનુભવોને ભારતીય અને બિન-ભારતીય બન્ને પ્રકારના પ્રવાસીઓ પસંદ કરે તે સ્વાભાવિક છે. વળી, મૉલદિવ્ઝ કે થાઇલેન્ડ જેવી ચોખ્ખાઇ ગોઆમાં હવે નથી જોવા મળતી.
ગોઆના હિપ્પીઓ અને રશિયન પ્રવાસીઓ જે મોટી સંખ્યામાં ગોઆમાં જોવા મળતા તેઓ કંઇ બહુ ખર્ચો કરીને લક્ઝરીમાં રહેનારા લોકો નહોતા. આજે બ્રિટિશ પેન્શનર્સ જે ત્યાં આવે છે તે પણ તગડાં બજેટ પર નથી આવતા. ભારતીયો માટે ગોઆ કાયમી સ્થળ નથી અને માટે તેમને ગોઆમાં પૈસા ખર્ચતા બહુ તકલીફ નથી પડતી. દક્ષિણ ગોઆમાં મોંઘા દાટ બૂટિક્સમાં તવંગરોની પત્નીઓના જ ક્રેડિટકાર્ડ્ઝ વપરાતા હોય છે. પરંતુ શું આટલો ખર્ચ કરી શકનારા ભારતીય પ્રવાસીઓનો ગોઆ પ્રેમ લાંબો ટકશે? જો તેમને પણ સ્થાનિક ગીચતા, ગંદકી અને ઇજારાશાહીને કારણે કરાતી દાદાગીરી સાથે લાંબો સમય માથા ફોડવાના આવશે તો એ તો એ પણ બીજા ટુરિસ્ટ ડેસ્ટિનેશનની પસંદગી કરતા વાર નહીં લગાડે.
બાય ધી વેઃ
સરસ મજાનું સ્થાપત્ય, નાની મોટી ગલીઓ, દરિયા કાંઠા અને એક રિલેક્સ વાઇબ આપતી આ એક સમયની પોર્ટુગિઝ કૉલોનીના બોહો કલ્ચરને પાછું લાવવા માટે સ્પર્ધાત્મક અભિગમની જરૂર છે. ગોઆ ક્યારે ય આઉટ ઑફ ટ્રેન્ડ નહીં જાય એમ માની લેવાની ભૂલ ન થવી જોઇએ. ટુરિઝમ એક સર્વિસ સેક્ટર છે – સર્વિસ એટલે સેવા – અને માટે જ તેમાં મર્યાદા જળવાય તે જરૂરી છે તે ભાવ-તાલની હોય કે પછી સામી વ્યક્તિ સાથેના વહેવારની હોય. ગોઆના તંત્રએ પોતાની સંસ્કૃતિને પ્રાથમિકતા આપવી જોઇએ નહીં કે નફાને અને પ્રવાસીઓને આકર્ષનારી દરેક બાબતને ગણતરીમાં લઇને વહીવટ સંભાળવો જોઇએ. ગોઆ હજી સાવ હાંસિયામાં નથી ધકેલાયું ત્યારે સમયસૂચકતા વાપરીને ગોઆનો ખોવાઇ રહેલો ચાર્મ સચવાઇ જાય તે માટે અનિવાર્ય પગલાં લેવાય તો ઠીક છે, નહીંતર પછી ગો ગોઆ ગોન થતાં વાર નહીં લાગે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2024