—1—
પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુ કુમાર રાજઘાટ-દિલ્હીથી લઈ મુંબઈની તલોજા જેલ સુધીની સાયકલ યાત્રા કરી રહ્યા છે, તે દરમિયાન તેઓ 15 નવેમ્બર 2024ના રોજ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ વિચારપ્રેરક ઈન્ટરવ્યૂ દરેક આદિવાસી / દલિત / OBC / જાગૃત નાગરિકોએ સાંભળવાની / સમજવાની જરૂર છે. આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો જોઈએ :
જ્યોત્સના : “હિમાંશુજી, આ સાયકલ યાત્રાનો હેતુ શું છે?”
હિમાંશુકુમાર : “હું સામાજિક / માનવ અધિકાર કાર્યકર્તા છું. મેં મારું જીવન આદિવાસીઓની સેવામાં ગાળ્યું છે. સામાજિક ન્યાયના મુદ્દા પર / જાતિવાદના વિરોધમાં / રાજકીય કારણોસર જેમને જેલમાં પૂરેલ છે તેમના માટે કામ કરું છું. આ બધાં મુદ્દાઓ લઈને 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીજીની સમાધિ રાજઘાટ-દિલ્હીથી સાયકલ યાત્રા શરૂ કરી છે અને નવી મુંબઈમાં તલોજા જેલ છે, જ્યાં સામાજિક / રાજકીય / સાંસ્કૃતિક કાર્યકર્તાઓને ખોટા કેસોમાં જેલમાં પૂરેલ છે, ભીમા કોરેગાંવ કેસમાં ફસાવ્યા છે, તેમાં દલિત એક્ટિવિસ્ટ છે, માનવ અધિકાર વકીલ છે, પત્રકાર છે, સામાજિક કાર્યકર્તા છે. ત્યાં આ યાત્રા જશે.”
જ્યોત્સના : “હમણાં જ સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર ફટકાર લગાવી છે. શું સૌથી પહેલાં બુલડોઝર એક્શન આપની પર લેવાયેલ?”
હિમાંશુકુમાર : “2005માં છત્તીસગઢમાં BJP સરકાર હતી. તે સમયે 650 આદિવાસી ગામોમાં સરકારે આગ લગાડી હતી. આદિવાસીઓના ઘરોને સળગાવ્યા. આદિવાસીઓની હત્યાઓ કરવામાં આવી. આદિવાસી મહિલાઓ પર સુરક્ષા દળો દ્વારા બળાત્કાર થયાં. તે અભિયાનનું નામ સલવા જુડૂમ હતું. અમે અદાલતો / મીડિયા સમક્ષ અવાજ ઊઠાવ્યો. અમારી સાથીદાર નંદિની સુંદર સુપ્રીમ કોર્ટ ગઈ. સુપ્રીમ કોર્ટે 2007માં આદેશ કર્યો કે જે પોલીસ / સુરક્ષા દળોએ આવા કૃત્ય કર્યા છે તેની સામે FIR કરો. દરેક ગામ ફરી વસાવો. દરેકને વળતર આપો. પણ સરકારે કંઈ ન કર્યું. 2011માં સુપ્રીમ કોર્ટે સલવા જુડૂમને ગેરબંધારણીય ઘોષિત કર્યું. આ વિરોધના કારણે 2009માં BJP સરકારે અમારા 18 વરસ જૂના, 16 એકરના ગાંધીવાદી આશ્રમ પર બુલડોઝર ફેરવી દીધું ! અમારી ડિસ્પેન્સરી / લાઈબ્રેરી / ટ્રેનિંગ સેન્ટર / રહેણાંક / ઓફિસ બધું જ તોડી નાખ્યું.”
જ્યોત્સના : “હાલ બટેંગે તો કટેંગેનો નેરેટિવ ચાલી રહ્યો છે. શું આપને લાગે છે કે હિન્દુ ખતરામાં છે?”
હિમાંશુકુમાર : “BJP, RSSનું બાળક છે. RSSનો હેતુ એ છે કે ભારતમાં જે પરંપરાગત શાસક વર્ગ રહ્યો છે, જે પરિશ્રમથી દૂર રહેલ છે, જેમણે પોતાની ઊંચી જાતિ ઘોષિત કરેલ છે, જે બીજાની મહેનત પર અમીર બનતા રહ્યા, જેમની પાસે રાજકીય સત્તા પણ રહી, તેમનું બનેલું સંગઠન છે, જે હંમેશાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માંગે છે. RSS/BJP ક્યારે ય ન ઈચ્છે કે સમાજમાં સમાનતા આવે, આર્થિક ન્યાય આવે, સામાજિક અને રાજકીય ન્યાય આવે. એટલે તે હંમેશાં સમાજને એ રીતે તોડે છે, જેથી સમાજ અંદરોઅંદર લડતો રહે, અને ક્યારેક સમાનતા / ન્યાય તરફ સમાજનું ધ્યાન ન જાય. એટલે હંમેશાં હિન્દુઓને મુસ્લિમો સામે, જાતિઓને જાતિઓ સામે, મહિલાઓ સામે પુરુષોને ઊભા કરે છે. BJPના IT Cellના સવારમાં જ મેસેજ આવી જાય છે કે સમાનતાની વાત કરનારી મહિલાઓ ખરાબ છે. તે પુરુષોને મહિલાઓ સામે ઊભા કરે છે. Ambedkariteને / સામાજિક ન્યાયની વાત કરનારાને ગંદી ગાળો આપે છે, જે જાતિવાદ સામે કામ કરે છે તે હિન્દુધર્મના વિરોધી છે. હિંદુઓને મુસ્લિમોથી ડરાવે છે. મુસ્લિમો વસ્તી વધારી રહ્યા છે તેવો જૂઠો નેરેટિવ ચલાવે છે. RSS નફરતની રાજનીતિ કરે છે. એ ઈચ્છે છે કે યુવાનો દંગાઈ બની જાય. નફરતમાં ડૂબી જાય. જેથી તે ક્રિટિકલ થિંકિંગ ન કરી શકે. સરકારને સવાલ ન કરે. આ રીતે સરકાર પૂંજીવાદ / સાંપ્રદાયિકતા / ફાસીવાદ માટે કામ કરે છે. હિંદુ ખતરાઓ નથી, એમની પાર્ટી ખતરામાં છે ! RSS/BJP જેને હિન્દુ કહે છે, તેમની પર એટેક કરે છે. કોરોના-લોકડાઉન સમયે મોટા પૂંજીપતિઓનાં દબાણના કારણે વડા પ્રધાને ટ્રેનો કેન્સલ કરાવેલ, જેથી મજદૂર જતાં ન રહે. જેથી મજૂરોને હજાર-હજાર કિલોમીટર ચાલતા જવું પડેલ. કેટલાંયનો જીવ ગયો. શું એ મજદૂર હિન્દુ ન હતા? કોર્પોરેટ કંપનીઓના હિતમાં, કિસાનો વિરુદ્ધના ત્રણ કાનૂન લાવ્યા, એક વરસ સુધી આંદોલન ચાલ્યું, 700 કિસાનોના જીવ ગયા, શું તે હિન્દુ ન હતા? રોડ પર ખીલા નાખ્યા જેથી કિસાન આગળ જઈ ન શકે, શું તેઓ હિન્દુ ન હતા? મજૂરોના અધિકારો ખતમ કરી નાખ્યા છે. પહેલાં 8 કલાકની શિફ્ટ હતી હવે 12 કલાકની શિફ્ટ કરી નાખી ! પણ પગાર ન વધ્યો. લઘુતમ વેતન ચૂકવાતું નથી. શું મજૂરો હિન્દુ નથી? મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમાં BJP નેતાઓ સંડોવાયેલા છે. પીડિતાને ઘસડવામાં આવે છે, તેમના પરિવારના સભ્યની હત્યા થાય છે. કુલદીપસિંહ સેંગર / ચિન્મયાનંદ / બ્રિજભૂષણ સિંહનો શિકાર બનેલ મહિલાઓ હિન્દુ ન હતી? મહિલા પહેલવાનોને રોડ પર ઢસડવામાં આવી, શું તે હિન્દુ ન હતી? એક તરફ હિન્દુઓને કચડી રહ્યા છે, તેમના અધિકારો છીનવી રહ્યા છે, ગરીબીમાં ધકેલી રહ્યા છે, તેમને લૂંટી રહ્યા છે અને બીજી તરફ કહે છે કે હિન્દુ ખતરામાં છે ! આ તો છળકપટવાળું સ્લોગન છે. ખોટાં કામો / બેરોજગારી / મોંઘવારી / ભ્રષ્ટાચારથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ છે.”
—2—
‘તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !’
જ્યોત્સના : “ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?”
હિમાંશુકુમાર : “જૂઓ, ભવિષ્ય ક્યારે ય ખરાબ ન હોય. ભવિષ્ય હંમેશાં સારું હોય છે. રોજ નવાં બાળકોનો જન્મ થાય છે. બાળકોને જિંદગી જોઈએ. બાળકોને ભોજન / કપડાં જોઈએ. પ્રેમ કરવા લાયક માહોલ જોઈએ. આ લોકો તો પ્રેમના દુ:શ્મન છે. શાંતિના દુ:શ્મન છે. હિન્દુ-મુસ્લિમ અથવા એક જાતિનાં છોકરાં-છોકરી બીજી જાતિનાં છોકરાં-છોકરીથી પ્રેમ કરે તો હત્યા કરાવી દે છે. નવી પેઢીને પ્રેમ કરવાનો માહોલ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તે હંમેશાં એવી દુનિયા બનાવવાની કોશિશ કરશે. પરંતુ RSS/BJPના લોકો આવું ઈચ્છતા નથી. થોડા દિવસનો તેમનો ખેલ છે. નફરત લાંબો સમય ટકતી નથી. અલ્લાહબાદમાં યુવાનો BJP સરકારની લાઠીઓ ખાય છે, ડરતા નથી અને વિરોધ કરે છે. યુવાનો / નવી પેઢી નફરતને રિજેક્ટ કરશે. એટલે ભવિષ્ય સારું છે. મને લાગે છે કે આપણે સૌએ યુવાનોને સાચી દિશા બતાવતા રહેવું પડશે, ક્રિટિકલ થિંકિંગ માટે પ્રેરિત કરતા રહેવું પડશે. તેમની સાથે લગાતાર સંવાદ કરતા રહેવો પડશે. સ્કૂલ-કોલેજમાં જઈને તેમની સાથે વાત કરવી જોઈએ. સાંપ્રદાયિકતાનું ઝેર BJP IT Cell દ્વારા WhatsApp પર લગાતાર ફેલાવવામાં આવી રહ્યું છે, એટલે યુવાનોને સાચી વાત કહેતી રહેવી પડશે. જેથી આ સાંપ્રદાયિકતા અને આર્થિક લૂંટનું ષડયંત્ર છે, તેને જલદી ખતમ કરી શકીએ.”
જ્યોત્સના : “નવી પેઢીને પણ ધર્મ / જાતિ / હિન્દુત્વના નશાના ઈન્જેક્શન અપાઈ રહ્યા છે. શું નફરત મૂળ સુધી પહોંચી ગઈ હોય એવું નથી લાગતું?”
હિમાંશુકુમાર : “બિલકુલ. અમારા પરિવારમાં બહેનો છે / કઝીન છે, તેઓ પણ જાતિવાદી / સાંપ્રદાયિક / નફરતવાળી વાતો કરે છે. મેસેજ ફોરવર્ડ કરે છે. હું જ્યારે તેમની સાથે સમાનતાની / નૈતિકતાની વાત કરું તો મને WhatsApp ગૃપમાંથી દૂર કરી દે છે. અમને કહેવામાં આવે છે કે તમે અર્બન નક્સલ છો, દેશ વિરોધી છો, હિન્દુધર્મ વિરોધી છો. આવો માહોલ તો છે જ. પણ આપણે તેનો સામનો કરવો પડશે. લડવું પડશે અને સુધારો કરવો પડશે.”
જ્યોત્સના : “શું હિન્દુરાષ્ટ્ર બનશે? જો બને તો મહિલાઓ / યુવાનો / દલિતો / આદિવાસીઓની શું ભૂમિકા રહેશે?”

હિમાંશુ કુમાર
હિમાંશુકુમાર : “હિન્દુરાષ્ટ્રની સંભાવના નથી. ભારતનું બંધારણ એની મંજૂરી આપતું નથી. એક તરફ કોઈ ખાલિસ્તાનની વાત કરે તો સરકાર તેને જેલમાં પૂરે છે. બીજી તરફ કોઈ હિન્દુરાષ્ટ્રની વાત કઈ રીતે કરી શકે? હિન્દુરાષ્ટ્રની વાત પણ ખાલિસ્તાની વાત જેટલી જ ગેરકાનૂની વાત છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કરેલ છે. પરંતુ BJPના મોટામોટા નેતાઓ મંચ પરથી હિન્દુરાષ્ટ્રની ઘોષણા કરે છે. તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. તે ચિંતાજનક / આપત્તિજનક બાબત છે. દલિતો હિન્દુરાષ્ટ્રની વાત કરે છે. પરંતુ હિન્દુધર્મમાં જાતિ છે. કોઈ હિન્દુ એવો નથી કે તેની કોઈ જાતિ ન હોય. જાતિ કાં તો નીચી હશે કે કાં તો ઊંચી હોય ! કોઈ બે જાતિ સમાન / સરખી નથી. હિન્દુનો અર્થ એ થાય કે તેમાં ઊંચનીચ છે, ભેદભાવ છે. નફરત છે. દલિતો સાથે ભેદભાવ કરવામાં આવે છે, નફરત કરવામાં આવે છે. એટલે જો દલિતો પોતાના પ્રત્યે ભેદભાવ / નફરત ચાલુ રાખવા ઈચ્છતા હોય તો મને લાગે છે કે તેમને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે ! દલિતોને આજે પણ ભાડે મકાન મળતું નથી. ઊંચી જાતિના લોકોની વચ્ચે આજે પણ મિલકત ખરીદી શકતા નથી. આદિવાસીઓની હાલત પણ આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુ માટે જમીન લેવામાં આવી, તે તડવી આદિવાસીઓની હતી. પહેલા તો તેમની વચ્ચે ધર્મ ઘૂસાડવામાં આવ્યો. પછી તેમને કહેવામાં આવ્યું કે ‘તમે આદિવાસી નથી, હિન્દુ છો ! હિન્દુ ધર્મ ખતરામાં છે ! ધર્મની રક્ષા માત્ર BJP કરી શકે છે !’ એટલે BJP સરકારે તેમની જમીન લઈ લીધી તો આદિવાસી વિરોધ કરી શક્યા નહીં ! આદિવાસીઓએ માન્યું કે આ તો આપણા ધર્મની રક્ષા કરનાર પાર્ટી છે ! અને જમીન જતી રહી ! આમ ધર્મનો ઉપયોગ આદિવાસીઓ સામે થયો. આદિવાસીઓનો ધર્મ તો ખૂબ સારો છે. એ સમાનતા આધારિત છે. તે પ્રકૃતિનું સન્માન કરે છે. જેને હિન્દુધર્મ કહેવામાં આવે છે તે વાસ્તવમાં બ્રાહ્મણધર્મ છે. તેમાં જાતિવાદ છે, ભેદભાવ છે, ઊંચનીચ છે. આદિવાસી સમાનતાનો ધર્મ છોડીને ઊંચનીચવાળા ધર્મમાં શા માટે જઈ રહ્યા છે? ત્યાં તો તેમને નીચ સમજવામાં આવે છે !”
જ્યોત્સના : “મહિલાઓને હિન્દુ કોડથી શું હક્કો મળ્યા તેની ખબર નથી, પણ તેમને વ્રતકથાઓની ખબર છે. કથાકારો / બાબાઓ સામે શ્રોતા તરીકે મહિલાઓ વધુ હોય છે. જો મહિલાઓને પોતાના ભવિષ્યની ચિંતા ન હોય તો આ કામ મુશ્કેલ નથી લાગતું?”
હિમાંશુકુમાર : “આપણે મહિલાઓને દોષ આપી શકીએ નહીં. તેમને સદીઓ સુધી શિક્ષણથી વંચિત રાખવામાં આવી. બીજું તે પિતૃસત્તાકની પકડમાં છે. પિતૃસત્તાક સાથે એડજસ્ટ કરીને પોતાનું અસ્તિત્વ બચાવે છે. પોતા માટે જગ્યા બનાવી શકે છે, એવું એને લાગે છે. એને લાગે છે તે પિતૃસત્તાક સામે લડી નહીં શકે, વિદ્રોહ નહીં કરી શકે. જે રીતે દલિતો ભેદભાવવાળા ધર્મને મહત્ત્વ આપે છે તેવી સ્થિતિ મહિલાઓની પણ છે. પરંતુ જેમ જેમ એમની વચ્ચે વધુ કામ કરીશું, સાચી જાણકારી આપીશું તેમ તેમ પિતૃસત્તાકને સમજશે. પિતૃસત્તાક સામેના મહિલા આંદોલનને વેગ મળશે. અને મહિલાઓની હાલત બદલાશે.”
જ્યોત્સના : “ગુજરાતના આદિવાસી / દલિતોને શું સંદેશ આપવા ઈચ્છો છો?”
હિમાંશુકુમાર : “હું કહેવા ઈચ્છું છું કે આદિવાસીઓની જળ / જંગલ / જમીન ખતરામાં છે. એટલે તેમની પ્રથમ જવાબદારી છે કે જળ / જંગલ / જમીન બચાવે. દલિતોએ સામાનતા / ગૌરવ મળે તેવા સમાજ નિર્માણ માટે કામ કરવું પડશે. આદિવાસી / દલિત / OBCનું આરક્ષણ ખતમ થઈ રહ્યું છે. ‘Not found suitable’ કહીને ઊંચી જાતિને ગોઠવવામાં આવે છે. ખાનગીકરણ વધી રહ્યું છે, પ્રાઈવેટ સેક્ટરમાં આરક્ષણ હોતું નથી. ધીરે ધીરે આદિવાસી / દલિત / OBC આરક્ષણ ખતમ કરવામાં આવી રહ્યું છે. નોકરીઓ છીનવાઈ રહી છે. દલિત / આદિવાસી / OBCમાં ભયાનક બેરોજગારી ફેલાયેલી છે. એક તરફ તેમનું આરક્ષણ હિન્દુત્વવાદીઓ ખતમ કરી રહ્યા છે. બીજી બાજુ તેઓ કહે છે કે આપણો ધર્મ ખતરામાં છે અને તમે એના માટે લડો ! આ ષડયંત્રકારી સ્થિતિ છે. એટલે આદિવાસી / દલિત / OBCએ અનામત બચાવવાની છે, પોતાની સામાજિક / આર્થિક / રાજકીય સ્થિતિ સુધારવાની છે. તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !”
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર