
રવીન્દ્ર પારેખ
રવિવારે વિન્ટેજ વેટરન્સમાં શ્યામ બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’ જોઈ. સ્મિતા પાટિલની જન્મતારીખ 17 ઓક્ટોબરે નજીકમાં જ ગઈ એટલે આ લખવું પ્રસ્તુત થશે.
સ્ત્રીઓનું ફિલ્મોમાં કામ કરવું તિરસ્કારથી જોવાતું હતું, એ જમાનામાં હંસા વાડકર 13 વર્ષની ઉંમરે મરાઠી અને હિન્દી ભાષામાં બનેલી ફિલ્મ ‘વિજયાચી લગને’(1936)માં હિરોઈન બનેલી. તેણે ફિલ્મમાં કામ કરવું ન હતું, પણ પછી ફિલ્મોમાં જ ખપી ગયા જેવું થયું. 24 જાન્યુઆરી, 1923માં મુંબઇમાં જન્મેલી રતન સલગાઉંકર પાછળથી હંસા વાડકર તરીકે ઓળખાઈ. તેની મા સરસ્વતી દેવદાસીની દીકરી હતી ને બાપ ભાલચંદ્ર સલગાઉંકરની મા અને નાની દરબારમાં ગાનારીઓ હતી. તેનો બાપ શરાબી હતો એ સ્થિતિમાં રતનનું ભણવાનું છૂટી ગયું. આવામાં ભાઈને ભણવાનો વાંધો નથી આવતો, પણ બહેનનો ભોગ લેવાય છે …
રતનના બાપની એક બહેન માસ્ટર વિનાયકને પરણેલી. આ વિનાયક તે ફિલ્મ અભિનેત્રી નંદાના પિતા. બીજી બે બહેનો કેસર અને ઇન્દિરા ફિલ્મોમાં કામ કરતી. અલબત્ત ! અટક વાડકર રાખીને ! રતનની નાની ઉંમરે આવતા, મહિનાના અઢીસો રૂપિયા ભાઈને કડવા નથી લાગતા, પણ ફિલ્મોનો વાંધો તો તેને હતો જ ! એટલે રતન, હંસા બની ને તેણે અટક વાડકર અપનાવી. હંસાએ ફિલ્મોમાં કામ નહોતું કરવું, પણ તેની ફિલ્મો ચાલી નીકળી. બોમ્બે ટોકીઝ, પ્રભાત ફિલ્મ, વ્હી. શાંતરામની કંપનીમાં કામ કરતાં કરતાં ફિલ્મો જ તેની કારકિર્દી થઈ ગઈ. પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સંત સખુ’ બહુ જ પ્રશંસા પામી. અનંત માને દિગ્દર્શિત ફિલ્મ ‘સાંગતે ઐકા’ ફિલ્મ તમાશા પરથી 1939માં બની ને તે પુનામાં જ સવાસોથી વધુ અઠવાડિયા ચાલી. આ ઉપરાંત નોંધપાત્ર ફિલ્મોમાં ‘દુર્ગા’, ‘અપના પરાયા’. ‘રામશાસ્ત્રી’, ‘નવ જીવન’, ‘આઝાદ’, ‘સંત જનાબાઈ’, ‘રામ જોશી’ , ‘પુઢચે પાઉલ’, ‘ધર્મકન્યા’ વગેરે ગણાવી શકાય. મહિલાઓ દબાઈ-ચંપાઈને રહેતી હતી એ જમાનામાં હંસા વાડકર આધુનિક અભિનેત્રી તરીકે જાણીતી થઈ.

હંસા વાડકર
ફિલ્મોમાં હંસાને ભારે સફળતા મળી, પણ જિંદગીમાં એટલી જ નિષ્ફળતાઓ પણ મળી. 15 વર્ષની ઉંમરે 10 વર્ષ મોટા જગન્નાથ બંદરકર સાથે તેનાં લગ્ન થયાં. લગ્ન જીવન સફળ ન થયું – એમાં અન્ય ફિલ્મી હીરો સાથેના હંસાના સંબંધો અંગે પતિનો શંકાશીલ સ્વભાવ ભાગ ભજવી ગયો. તે એ હદ સુધી કે તેની સગી દીકરીને પણ તેને મળવા દેવાતી ન હતી. નાટકમાં, ફિલ્મોમાં કામ અપાવવાને બહાને પતિ જગન્નાથે તેને ખૂબ ફસાવી. 15 વર્ષની હંસાને તેણે ગર્ભવતી કરી એટલે કુટુંબની મરજી વિરુદ્ધ હંસાએ તેની સાથે પરણવું પડ્યું. પોતાના ધંધામાં જગન્નાથ નિષ્ફળ જતાં તે હંસાનો બિઝનેસ મેનેજર બની ગયો. પતિના શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસથી છૂટવા હંસા શરાબની લતે ચડે છે. એક વાર જાગે છે તો તે પોતાને અજાણ્યા પુરુષની ત્રીજી પત્ની તરીકે જુએ છે જે તેને ગુલામની જેમ રાખે છે ને ત્યાંથી તે પતિની મદદથી છૂટે છે. ફરિયાદ કરવા મેજિસ્ટ્રેટ પાસે જાય છે તો તે લાગ જોઈને હંસા પર બળાત્કાર કરે છે. તેણે ગૃહિણીની જિંદગી જીવવી હતી, પણ તેનો પતિ તેને ફિલ્મો તરફ જ ધકેલતો રહ્યો. તેણે ઘરને બદલે હોટેલમાં રહેવું પડે છે. 1971માં 48 વર્ષની ટૂંકી જિંદગીથી ત્રાસીને હંસા દુનિયાથી વિદાય લે છે.
અનેક સંઘર્ષ અને પીડાને વાચા આપતી આત્મકથા હંસાએ ‘સાંગત્યે ઐકા’ મરાઠીમાં લખી. 1966માં ‘માણૂસ’ નામના મરાઠી સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈને 1970માં તે પુસ્તક તરીકે બહાર આવી ત્યારે તેણે ખાસી ચર્ચા જગાવેલી. એ આત્મકથા પર આધારિત એક ફિલ્મ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલે ‘ભૂમિકા’ બનાવી. આ અદ્દભુત ફિલ્મને અનેક એવોર્ડસ મળ્યા ને તેની હિરોઈન સ્મિતા પાટિલને 1977નો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. અમોલ પાલેકર, અનંત નાગ, કુલભૂષણ ખરબંદા, નસીરુદ્દીન શાહ, સુલભા દેશપાંડે, દીના પાઠક જેવાં કલાકારોના અદ્દભુત અભિનયથી ઓપતી આ ફિલ્મનું સંગીત વનરાજ ભાટિયાનું હતું. ‘મંથન’માં ‘મેરો ગામ કાંઠા પારે…’માં ઉત્તર ગુજરાતની જે મહેક અનુભવાય છે એવી જ સુગંધ મરાઠી લાવણીમાં પણ વનરાજ ભાટિયા ફેલાવી શકે છે. ફોટોગ્રાફી ગોવિંદ નિહલાનીની હતી, જેમણે પછી સ્વતંત્ર રીતે ‘આક્રોશ’, ’અર્ધસત્ય’ જેવી ફિલ્મો બનાવી. પાત્રોની ઉંમર વચ્ચેનો તફાવત, સ્મૃતિનો કૌટુંબિક ગામઠી માહોલ અને તેની સાથે વર્તમાનનો શહેરી રંગીન લિબાસ વિરોધાવવા ફિલ્મમાં ફોટોગ્રાફીનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ભૂતકાળની ઉદાસ સ્મૃતિઓ બ્લેક એન્ડ વ્હાઇટમાં અને વર્તમાનની પીડાના વિવિધ રંગો ઉપસાવવા રંગીન ફોટોગ્રાફીનો સહેતુક ઉપયોગ ‘ભૂમિકા’માં થયો છે. સ્ક્રિપ્ટ ગિરીશ કરનાર્ડ, સત્યદેવ દુબે અને શ્યામ બેનેગલની હતી. સંવાદો સત્યદેવ દુબેના હતા, તેમાં વળી સ્ક્રિપ્ટ એટલી ટાઈટ હતી કે ઉત્તમ ફિલ્મ નીપજીને જ રહે. સ્ક્રિપ્ટ માટે પણ આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો. આ ફિલ્મને શિકાગો ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગોલ્ડ પ્લેક’ એવોર્ડ પણ મળેલો.
ફિલ્મ ઉત્તમ કેવી કેવી રીતે કરી શકાય તેનો આ ફિલ્મ ઉત્તમ નમૂનો છે. અમોલ પાલેકરની તમામ ભૂમિકાઓમાં આ યાદગાર ભૂમિકા છે. આમ તો તે હસમુખ, ભોળા નાયકની ભૂમિકાઓથી પ્રેક્ષકોને પરિચિત, પણ આમાં તે શઠ, આક્રમક, શંકાશીલ અને ગણતરીબાજ પતિની ભૂમિકામાં છે. સ્મિતા અને અમોલ સામસામે આવે છે તો બંનેની આંખો જ ધારદાર સંવાદનું કામ કરે છે.

સ્મિતા પાટિલ
ફિલ્મમાં બે પ્રવાહ છે. એક વર્તમાનનો ને બીજો વીતેલા સમયનો ! બંને વચ્ચે દાયકાઓનું અંતર છે. નાનકડી ઉષા (સ્મિતા) અને કેશવ(અમોલ)નું સાંગીતિક ઘરાનામાં વીતતું જીવન બહુ અસરકારક રીતે બતાવાયું છે. એમાં ઉષા તો બીજી બાળકી બને છે, પણ તેનાથી ઉંમરમાં મોટો કેશવ તો અમોલ જ બતાવાયો છે. એ અભિનય વડે ઉંમરનો જે તફાવત ઊભો કરે છે તે કાબિલે દાદ છે. ફ્લેશબેકનો અમોલ અને વર્તમાનનો અમોલ જુદા જ અનુભવાય છે. આ ભેદ ઉપસાવવામાં ફોટોગ્રાફી મહત્ત્વનો ભાગ ભજવે છે. જેમણે શ્યામ બેનેગલની ફિલ્મ મંથન’ જોઈ છે એમને ખ્યાલ હશે કે ગામના સરપંચ તરીકે એક આંખ મીંચીને બોલતો કુલભૂષણ ખરબંદા અને ‘ભૂમિકા’ના સેટ પર લીલા નાળિયેરની મલાઈ ખાતો હરિલાલ (ખરબંદા) સાવ ભિન્ન જણાશે.
એ ખરું કે હંસા વાડકરે તેના સમયમાં ઘણી પડકારજનક ભૂમિકાઓ કરી, પણ સ્મિતા પાટિલ માટે ઉષા કે ઉર્વશી તરીકે વધારે પડકારો ઝીલવાના હતા. તેણે ફિલ્મ અભિનેત્રી ઉર્વશી તરીકે જુદી જુદી બ્લેકએન્ડ વ્હાઇટ અને રંગીન ફિલ્મોની અનેક ભૂમિકાઓ ભજવવાની હતી, એટલું જ નહીં, અભિનય દ્વારા ભૂમિકાઓ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરવાનો હતો. એ સાથે જ ભૂતકાળ અને વર્તમાનની કૌટુંબિક જિંદગીમાં ઊભી થયેલી કડવાશને પણ તીવ્રતાથી પ્રગટ કરવાની હતી. હંસા/ઉષા/ઉર્વશીની વ્યથા એ છે કે તેણે જે નહોતું કરવું એ જ કરવાનું આવ્યું ને ખુમારી એ હતી કે તેણે કરવું છે તે જ તે કરશે. આ સંઘર્ષ જિંદગી ખાઈ જનારો હોય છે.
નાની હતી ત્યારે ઉષાએ કેશવને પરણવું ન હતું ને માને ત્યારે વાંધો ન હતો. ઉષા ફિલ્મોમાં કમાતી થાય છે તો મા શાંતાબાઈ(સુલભા દેશપાંડે)નું મન ફરી જાય છે ને તે કેશવને ન પરણવાનું ઉષાને કહે છે. ઉષા માને સંભળાવે પણ છે કે કેશવે મદદ કરી ત્યારે તો કૈં ન બોલી. તેણે પરણવું પડે છે, કારણ કેશવે તેને ગર્ભવતી કરી છે. તેણે ફિલ્મો નથી કરવી ને પતિ કેશવ તેને પૂછ્યા વગર જ ઉષા/ઉર્વશી ફિલ્મો કરશે એવું કમિટ કરી આવે છે. ઉષાએ સાથી અભિનેતા રાજન (અનંત નાગ) સાથે કામ નથી કરવું ને પતિ તેની સાથે જ કામ કરવાની યોજના કરી શકે છે. વિધિની વક્રતા એ છે કે પતિ સાથે ઝઘડો કરીને ઘર છોડતી ઉષાએ જવું તો રાજનને આશરે જ પડે છે. એ પણ વિચિત્ર છે કે ધનાઢ્ય (અમરીશપુરી)ની ત્રીજી પત્ની બનેલી ઉષાએ તેની કેદમાંથી છૂટવા પત્ર લખીને જાણ તો પતિને જ કરવી પડે છે. આવા અનેક વિરોધાભાસોને સ્મિતા પાટિલે જીવી-જીરવી બતાવ્યા છે. સ્મિતા ઉત્તમ અભિનેત્રી હતી ને તે પણ હંસા વાડકરની જેમ જ નાની ઉંમરમાં ગુજરી ગઈ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી શિવાજીરાવ પાટિલની દીકરી સ્મિતાનો જન્મ 1955માં પુનામાં થયો અને મૃત્યુ 1986માં મુંબઇમાં થયું. જોવાની ખૂબી એ છે કે અભિનયની કોઈ પણ તાલીમ લીધા વગર જ તે ઉત્તમ અભિનેત્રી પુરવાર થઈ હતી. શ્યામ બેનેગલે જ તેને અભિનયની પહેલી તક ‘ચરણદાસ ચોર’માં આપી. અભિનય તો તેણે 12 વર્ષ જ કર્યો, પણ એટલા ઓછા સમયમાં તેણે 66 ફિલ્મો કરી. ભૂમિકા ઉપરાંત ‘ચક્ર’, ‘મંથન’ અને મરાઠી ફિલ્મ ‘ઉંબરઠા’ માટે તેને અભિનયના રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા. તેને પદ્મશ્રી સન્માન પણ મળ્યું.
31 વર્ષની ટૂંકી જિંદગીમાં દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવું ઓછું બને. સ્મિતાએ અભિનય દ્વારા એવી સ્ત્રીને ફિલ્મી પડદે પ્રસ્તુત કરી જે શોષિત અને પીડિત તો છે જ, પણ એ મામલે તે વેઠ્યા નથી કરતી, અપેક્ષિત પરિણામ માટે મથે પણ છે. હંસા વાડકરને નિમિત્તે સ્મિતા પાટિલના સર્વોત્તમ અને સર્વાંગી અભિનયનો પરિચય ’ભૂમિકા’માં પ્રેક્ષકોને મળ્યો એ નાનીસૂની વાત નથી, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 નવેમ્બર 2024