Opinion Magazine
Number of visits: 9484566
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોષણ અને રક્ષણની કુનેહ હાંસલ કરી લીધી છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|22 September 2015

ઘણી વાર એવું બને કે તમને જ્યારે પોષણ અને રક્ષણની તરકીબ આવડી જાય ત્યારે કંઈ પણ કર્યા વગર કે કોઈ મોટા ઉદ્દેશ વગર વિકસતા જવાય છે. અન્ય ધર્મીઓનાં ઘરોમાં ડોકિયાં કરવાથી અને ભય બતાવવાથી પોષણ મળી રહે છે અને રક્ષણ માટે સલામત અંતર રાખવામાં આવે છે. છેલ્લા નવ દાયકામાં એવું એક પણ આંદોલન કે મુદ્દો બતાવો જે સંઘે ઉઠાવ્યો હોય કે સંઘે ભાગ લીધો હોય ને એને ચરમસીમાએ પહોંચાડ્યો હોય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે તો એના માટેની સામગ્રી ક્યાં છે? જે લોકો સો વર્ષ પછીનો એજન્ડા સેટ કરી શકતા હોય, નવ દાયકા સુધી એજન્ડા છુપાવી શકતા હોય અને વિશ્વનું કદાચ સૌથી મોટું અપારદર્શક જાળું રચી શકતા હોય એ લોકો કેટલા જિનિયસ હોવા જોઈએ. આવા જિનિયસ માણસોને હિન્દુ રાષ્ટ્રનું દર્શન વિકસાવવામાં, એને માટેની સામગ્રી શોધવામાં, એનો વિનિયોગ કરવામાં, એને લોકો સુધી પહોંચાડવામાં અને એને લોકોની સ્વીકૃતિ અપાવવામાં સફળતા ન મળે એવું બને?

તો પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તાકાતનું રહસ્ય શું છે? ગયા અઠવાડિયે આ પ્રશ્ન સાથે લેખનો ઉપસંહાર કર્યો હતો. સામે પક્ષે સંઘનો નવ દાયકાનો અનુભવ બુદ્ધિદરિદ્રતાનો છે.

એસ.એચ. દેશપાંડે નામના મોટા કૃષિઅર્થશાસ્ત્રી હતા. ઍકૅડેમિક વર્લ્ડમાં આજે પણ તેમનું નામ આદરપૂર્વક લેવાય છે. એસ.એચ. દેશપાંડે તેમની તરુણાવસ્થાથી લઈને યુવાવસ્થા દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા. એ આઝાદી પહેલાંનાં અને આઝાદી પછીનાં તરતનાં વર્ષો હતાં. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિતાવેલાં વર્ષોનો અનુભવ લખ્યો છે જે પુસ્તક ‘સંઘા ચે દિવસ’ નામે મરાઠીમાં ઉપલબ્ધ છે. ભારતનાં અને પોતાની જિંદગીનાં નિર્ણાયક વર્ષોનો પૂરો એક દાયકો તેમણે સંઘને આપ્યો હતો અને છેવટે નિરાશ થઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જવાનું બંધ કર્યું હતું.

તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંઘ શા માટે? એવો પ્રશ્ન તરુણોના અને યુવકોના મનમાં થવો સ્વાભાવિક હતો અને તેઓ જ્યારે આવો પ્રશ્ન પૂછતા હતા ત્યારે તેમને કોઈ સંતોષકારક ઉત્તર આપવામાં આવતો નહોતો. પહેલાં કહેવામાં આવતું હતું કે અહિંસાવાદી કાયર બુઢ્ઢાના નેતૃત્વમાં ભારતને આઝાદી મળવાની નથી એટલે આઝાદી માટેની આખરી લડાઈ સંઘે જ લડવાની છે. એ પછી સ્વયંસેવકોને સલાહ આપવામાં આવતી હતી કે તેમણે આડીઅવળી શંકાઓ કર્યા વિના સરસંઘચાલકના આદેશનું પાલન કરવું જોઈએ. અત્યારે પહેલું કામ હિન્દુઓને સંગઠિત કરવાનું છે. હિન્દુઓ સંગઠિત થશે એટલે આઝાદી તો ચુટકી વગાડતાં મળી જશે. એ પછી જ્યારે કાયર બુઢ્ઢાને કારણે ભારતને આઝાદી મળી ગઈ ત્યારે સ્વયંસેવકો પૂછવા લાગ્યા કે આઝાદી તો મળી ગઈ હવે સંઘે શું કરવાનું છે? એસ.એચ. દેશપાંડે લખે છે કે આ પ્રશ્નનો પણ કોઈ સંતોષકારક ઉત્તર આપવામાં આવતો નહોતો. હિન્દુ રાષ્ટ્રની રચના કરવાની છે એટલે હિન્દુઓને સંગઠિત કરવાના છે એટલે આડાઅવળા પ્રશ્નો પૂછીને શક્તિનો વ્યય ન કરો અને બીજા સ્વયંસેવકોના મનમાં શંકા પેદા ન કરો એવી સલાહ પ્રશ્નો પૂછનારા સ્વયંસેવકોને આપવામાં આવતી હતી. વારુ, હિન્દુ રાષ્ટ્ર કેવું હશે અને એને માટે અમારે કેવી તૈયારી કરવાની છે એવા પ્રશ્નના ઉત્તરમાં માત્ર એક જ જવાબ આપવામાં આવતો હતો : હિન્દુઓને સંગઠિત કરો અને સંઘમાં લઈ આવો.

આ ૧૯૪૦થી ૧૯૫૦નાં વર્ષોની વાત છે. ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં જો કોઈ એક દશક સૌથી વધુ નિર્ણાયક સાબિત થયો હોય તો એ ૧૯૪૦નો દાયકો છે. અત્યારના ભારતનું ભવિષ્ય અને અત્યારના ભારતનો ચહેરો એ દશકમાં નક્કી થયો હતો. માત્ર ભારત શા માટે, આખા વિશ્વ માટે ૧૯૪૦નો દાયકો નિર્ણાયક સાબિત થયો હતો. એ દાયકામાં બીજું વિશ્વયુદ્ધ થયું હતું જેમાં જગત ફાસીવાદ અને ખુલ્લા સમાજ વચ્ચે વહેંચાઈ ગયું હતું અને જગતના પ્રત્યેક માનવીએ અને દેશે બેમાંથી એકની પસંદગી કરવાની હતી. યુદ્ધ પછી વિશ્વ સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચે વહેંચાઈ ગયું હતું અને જગતના પ્રત્યેક માનવીએ અને દેશે કોઈ એકની પસંદગી કરવાની હતી. એ દાયકામાં ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અભૂતપૂર્વ કોમી વિભાજન થયું હતું જેમાં ભારતના પ્રત્યેક નાગરિકે અને ભારત સરકારે સેક્યુલર રહેવું કે કોમી એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. એ દશકમાં અત્યારના ભારતનો ઘાટ ઘડનારું બંધારણ ઘડાઈ રહ્યું હતું જેમાં પરંપરા અને આધુનિકતા વચ્ચે ભારતના પ્રત્યેક નાગરિકે અને રાજ્યે પસંદગી કરવાની હતી. પસંદગી પરંપરા અને આધુનિકતાના સ્વરૂપ વિશેની અને પ્રમાણ વિશેની એમ બન્ને હતી. કેટલું આધુનિક બનવું અને કેટલું પરંપરાગત રહેવું એ નક્કી કરવાનું હતું. એ દશકમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક અર્થવ્યવસ્થા વિશે નિર્ણય લેવાનો હતો. એ દશકમાં અંગ્રેજી, હિન્દી, હિન્દુસ્તાની અને પ્રાદેશિક ભાષાઓ વિશે નિર્ણય લેવાના હતા. એ દશકમાં વર્ણવ્યવસ્થાને કારણે જેમને અન્યાય થયો છે તેમને કઈ રીતે ન્યાય આપવો અને ન્યાયનું સ્વરૂપ શું હોવું જોઈએ એ વિશે નિર્ણય લેવાનો હતો.

આગળ કહ્યું એમ ભારતનું ભવિષ્ય અને ભારતનો ચહેરો ૧૯૪૦ના દાયકામાં નક્કી થવાનાં હતાં. કલ્પના કરો કે એ દાયકો કેટલો નિર્ણાયક હશે. દેશની સામે જ્યારે કેટલાક વિકલ્પોમાંથી ચોક્કસ નિર્ણયો લેવાના હતા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે કંઈ જ કહેવાનું કે કરવાનું નહોતું એનું આશ્ચર્ય થાય છે. સ્વયંસેવકોને માત્ર એક જ સલાહ આપવામાં આવતી હતી કે શંકા ન કરો અને સંગઠન રચો. શેને માટે સંગઠન જ્યારે તમારી આટલા મહત્વપૂર્ણ દાયકામાં ઉપસ્થિત થયેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો વિશે કોઈ ભૂમિકા જ નહોતી. ઊલટું તેઓ જે માનતા હતા એનાથી વિરુદ્ધ વર્તતા હતા અથવા મૂંગા રહેતા હતા. જેમ કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સહાનુભૂતિ હિટલર અને મુસોલિની માટે હતી, પરંતુ ટેકો અંગ્રેજોને આપ્યો હતો અને ૧૯૪૨ની લડતનો વિરોધ કર્યો હતો. તેમની સહાનુભૂતિ ગ્રામીણ અર્થતંત્ર માટેની હતી, પરંતુ ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પનાને ટેકો નહોતો આપ્યો. તેમનો પક્ષપાત પરંપરા માટેનો હતો, પરંતુ ખોંખારો ખાઈને બોલવાની હિંમત ક્યારે ય કરી નહોતી.

એસ.એચ. દેશપાંડેની જેમ સંઘના બીજા એક સ્વયંસેવક સંજીવ કેલકરે આને લૉસ્ટ યર્સ ઑફ ધ RSS તરીકે ઓળખાવ્યાં છે. આ નામનું તેમનું પુસ્તક છે જેમાં તેમણે કહ્યું છે કે ૧૯૪૦માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારના અવસાન પછી સંઘની ધુરા ગોલવલકર ગુરુજીના હાથમાં આવી હતી અને તેઓ નિર્ણાયક વર્ષોમાં નિર્ણાયક પ્રશ્ને નિર્ણય લેવાનું અને બોલવાનું તો બાજુએ રહ્યું, એ વિશે વિચારવાની કે ચર્ચા કરવાની વાતને પણ પ્રોત્સાહન નહોતા આપતા. સલાહ માત્ર એક જ આપવામાં આવતી હતી : પ્રશ્નો નહીં પૂછવાના, શંકાઓ નહીં કરવાની, સરસંઘચાલકના આદેશોનું પાલન કરવાનું અને હિન્દુઓને સંગઠિત કરવાના. સંજીવ કેળકર કહે છે કે ગોલવલકર ગુરુજીએ જો ચર્ચાને પ્રોત્સાહન આપ્યું હોત અને ભૂમિકા લીધી હોત તો એ નિર્ણાયક વર્ષોમાં સંઘનું દર્શન વિકસી શક્યું હોત. અંતે ચર્ચા, ચોક્કસ ભૂમિકા અને કૃતિ વિના કોઈ દર્શન વિકસતું નથી. હિન્દુ રાષ્ટ્રની એક કલ્પના છે, પરંતુ એનું કોઈ દર્શન સંઘ પાસે નથી અને એને માટેની સામગ્રી તો મુદ્દલ નથી.

ગોલવલકર ગુરુજીએ જો કે આવો એક પ્રયાસ કર્યો હતો. ૧૯૩૯માં તેમના નામે એક અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું હતું જેનું ર્શીષક હતું ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં એમ.એસ. ગોલવલકરનું લેખક તરીકે નામ છે અને એમાં કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું નથી કે પુસ્તકમાં પ્રકાશિત વિચારો કોઈ બીજાના છે અને તેમણે તો માત્ર એનું સંકલન કર્યું છે. ઊલટું પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે પોતે આ પુસ્તકના લેખક હોવાનો દાવો કર્યો છે. બન્યું એવું કે પુસ્તક પ્રકાશિત થતાંની સાથે જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને ફાસીવાદનો પુરસ્કાર કરતું આ પુસ્તક સંઘને મોંઘું પડવા લાગ્યું. ગોલવલકર ગુરુજીનાં ગાત્રો ઢીલાં થવા માંડ્યાં એટલે તેમણે જાહેર કર્યું કે એ પુસ્તક તો વી.ડી. સાવરકરના ભાઈ જી.ડી. સાવરકરના ‘રાષ્ટ્રમીમાંસા’નો મુક્ત અનુવાદ છે અને તેઓ એના લેખક નથી. હવે તો અનેક દાયકાઓથી સંઘ એ પુસ્તક પ્રકાશિત કરતું નથી અને ગોલવલકર ગુરુજીને ‘વી ઑર અવર નેશનહુડ ડિફાઇન્ડ’ના લેખક તરીકે ઓળખાવતો નથી. એ વાત ખરી છે કે એ રાષ્ટ્રમીમાંસાનો અનુવાદ છે, પરંતુ ગુરુજીએ પહેલી આવૃત્તિમાં મૂળ લેખકનો નામોલ્લેખ કરવા જેટલું પણ સૌજન્ય બતાવ્યું નથી. એ હતી તો તફડંચી, પરંતુ તફડંચી મોંઘી પડતાં મૂળ લેખકના ખોળામાં એને પધરાવી દેવામાં આવ્યું હતું.

બસ, અત્યાર સુધીમાં માત્ર એક પ્રયાસ કોઈકના ઉછીના લીધેલા વિચારો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ એની કસૂવાવડ થઈ ગઈ હતી. સવાલ એ છે કે સાવરકરનું હિન્દુત્વ પરવડે એમ નહોતું કે સ્વીકાર્ય નહોતું તો ગાંધીજીનું નરવું ઉદારમતવાદી હિન્દુત્વ સ્વીકારવું જોઈતું હતું અને એ પણ જો સ્વીકાર્ય નહોતું તો કોઈક વચ્ચેની ભૂમિ શોધવી જોઈતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એ પછીથી આવો કોઈ પ્રયાસ કર્યો જ નથી.

બને છે એવું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શા માટે અને હિન્દુ રાષ્ટ્ર એટલે શું એ પ્રશ્નો અંગે સંઘના નેતાઓ કોઈ ખુલાસાઓ કરતા નથી એટલે સેક્યુલર લોકતંત્રમાં માનનારાઓ એમ માને છે કે સંઘનો કોઈક હિડન એજન્ડા છે, કોઈ મોટી યોજના માટે તૈયારી ચાલી રહી છે, તેમણે પ્રચંડ સંગઠન બાંધ્યું છે અને એની કાર્યશૈલી ગોપિત છે, તેમને જ્યારે લોકસભામાં બેતૃતીયાંશ બહુમતી મળશે ત્યારે ખરો એજન્ડા શું છે એ બહાર આવશે. મને એમ લાગે છે કે સંઘ પાસે હિન્દુત્વનું કોઈ દર્શન નથી અને દર્શન નથી એટલે કોઈ કાર્યક્રમ, કોઈ એજન્ડા પણ નથી.

ઘણી વાર એવું બને કે તમને જ્યારે પોષણ અને રક્ષણની તરકીબ આવડી જાય ત્યારે કંઈ પણ કર્યા વગર કે કોઈ મોટા ઉદ્દેશ વગર વિકસતા જવાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોષણ અને રક્ષણની કુનેહ હાંસલ કરી લીધી છે. અન્ય ધર્મીઓનાં ઘરોમાં ડોકિયાં કરવાથી અને ભય બતાવવાથી પોષણ મળી રહે છે અને રક્ષણ માટે સલામત અંતર રાખવામાં આવે છે. છેલ્લા નવ દાયકામાં એવું એક પણ આંદોલન કે મુદ્દો બતાવો જે સંઘે ઉઠાવ્યો હોય કે સંઘે ભાગ લીધો હોય અને એને ચરમસીમાએ પહોંચાડ્યો હોય. અયોધ્યા, ગોહત્યા, કાશ્મીર, કૉમન સિવિલ કોડ, સ્વદેશી, ભ્રષ્ટાચાર વગેરેમાંથી એવો એક પણ મુદ્દો બતાવો જેમાં સંઘે પૂરી તાકાત લગાડી હોય કે લોહી વહાવ્યું હોય. નેવું વર્ષમાં નવ શહીદો સંઘે પેદા નથી કર્યા, જ્યારે ગાંધીજીના અહિંસક આંદોલનમાં સેંકડો લોકો શહીદ થયા હતા. વિશ્વનું સૌથી મોટું સંગઠન શું ન કરી શકે? ૧૯૭૪-’૭૫ના બિહાર આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાગ લીધો હતો. જેવી ઇમર્જન્સી આવી કે તરત સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે ઇન્દિરા ગાંધીને પત્ર લખીને તેમના નેતૃત્વનાં વખાણ કર્યા હતાં. બિહાર આંદોલનમાં સંઘની ભૂમિકા માત્ર સહાનુભૂતિની હતી, સક્રિય ટેકાની નહોતી એવો ખુલાસો કર્યા પછી દેવરસે ઇન્દિરા ગાંધીને ઑફર કરી હતી કે સંઘ વડાં પ્રધાનના ૨૦ મુદ્દાના કાર્યક્રમમાં મદદ કરવા તૈયાર છે. ટૂંકમાં; કારસો આવે ત્યારે બચી નીકળવાનું, કારણ કે હિન્દુઓનું સંગઠન બાંધવાનું છે.

તો પોષણની અને રક્ષણની તરકીબ સંઘે હસ્તગત કરી લીધી છે. આમાં તેમને કૉન્ગ્રેસના વીતેલા યુગના કેટલાક નેતાઓએ મદદ પણ કરી હતી. મુસ્લિમ કોમવાદ અને ઈસાઈ વટાળપ્રવૃત્તિ સામે હિન્દુઓનો પણ થોડો ગણગણાટ કાને પડવો જોઈએ એટલે સંઘને રક્ષણ મળતું રહ્યું છે. આપણે રહ્યા ખાદી પહેરનારા કૉન્ગ્રેસી, ગાંધીનું નામ જપનારા. પાછા શાસકો અને કાયદાના રાજના સોગંદ લેનારા એટલે આપણે હિન્દુ કોમવાદી ગણગણાટ કરીએ તો ભૂંડા લાગીએ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તેમને ખપ હતો. ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો એનું આ કારણ હતું.

તો વાતનો સાર એટલો કે સાધારણ મેધા ધરાવનારા પહેલવાનની માફક આજે ૯૦ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હૃષ્ટપુક્ટ પણ દર્શન અને દિશા વિનાનું સંગઠન બની ગયો છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2015

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-20092015-11

Loading

22 September 2015 admin
← ભારતમાં રમાય છે ઓળખ અથડામણોનું રાજકારણ
અહિંસાનો હિંસાચાર : મારું સત્ય અને તમારું સત્ય →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved