Opinion Magazine
Number of visits: 9448784
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસુંધરાની વાણી : એક વિરલ અનુભવ

રમજાન હસણિયા|Opinion - Opinion|8 November 2024

રમજાન હસણિયા

કુદરત આપણા પર જુદી જુદી રીતે મહેરબાન થઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં મબલક ઈનામોથી નવાજી દેતી હોય છે. આમ તો પળેપળ એની કૃપા વરસતી અનુભવું છું. પણ ગત વર્ષે  ડિસેમ્બર ૧-૨-૩ના તો એ ધોધમાર વરસેલી ! 

મારા મનમાં છેલ્લાં આઠેક વર્ષોથી એક સપનું વાવ્યું હતું ને સમયાંતરે એને આશાનું પાણી પાઈ જીવતું રાખ્યું હતું. સપનું એવું હતું કે એકાદ વખત શબનમબહેન વિરમાણી ને ધ્રુવદાદાનો કાર્યક્રમ રાપરમાં ગોઠવવો છે. ધડ માથા વગરના ગાંડાં ઘેલાં સપનાંઓ હું રાપરના સ્વજનોને કીધા કરતો, બધાનો હોંકારો પણ મળતો પણ કાંઈ થયું ન્હોતું. પણ દર વખતે કુદરત તો એ અરજી સાંભળતી હશે એટલે એણે અચાનક પોતાના ચક્રો ગતિમાન કર્યા. ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા અમે ઉનાળામાં કાર્યકર મિત્રોની એક ઘડતર શિબિર રતનપર ખડીર ખાતે ગોઠવેલી. એમાં તાલીમ આપવા માટે ખાસ ઢેઢૂકીથી ચૈતન્યભાઈ ભટ્ટ અને સોનલબહેન ભટ્ટ આવેલાં. એક સાંજે ત્યાંના સ્થાનિક કલાકારોની ભજનવાણી ગોઠવેલી જેમાં બધાને બહુ મજા પડેલી. અમારા સૌની આટલી રુચિ જોઈ કદાચ ચૈતન્યભાઈએ કહ્યું હશે કે, ‘જો તમને અનુકૂળ હોય તો આ વખતે તમારે ત્યાં વસુંધરાની વાણીનું આયોજન થઈ શકે.’ હું તો સાંભળીને મનોમન નાચી ઉઠેલો. મજા એ વાતે આવી કે ગ્રામ સ્વરાજ સંઘના મંત્રી દિનેશભાઈ સંઘવીને આ વાતમાં રસ પડ્યો. એમણે કહ્યું કે ‘તો કરીએ આપણે.’ મેં તરત મારો સુર પુરાવ્યો. પણ હજુ ધ્રુવ ભટ્ટ સાથે વાત કરવાની બાકી હતી. ચૈતન્યભાઈ ને દિનેશભાઈએ વાત કરી ને બધું વિધાયક રીતે ગોઠવાતું ગયું. ધ્રુવદાદાએ કેટલીક સ્પષ્ટતા કરી કે, ‘આ કોઈ ભાષણનો કાર્યક્રમ નથી, કોઈને બોલવા નહિ આપી શકીએ, કોઈના સન્માન નહિ કરી શકીએ. કોઈ પૈસા ઉડાવીને ઘોર નહિ કરે. શક્ય હોય ત્યાં સુધી બધા ગામડામાં રહેશે. એવું એવું થોડું .. અમારે તો બધી જ શરતો કબૂલ મંજૂર હતી. એમાં થનાર ખર્ચ માટેની થોડી ગોઠવણ પણ સ્વજનોની મદદથી થઈ ગઈ. ને તારીખ પણ કુદરતી એવી નક્કી થઈ જેમાં છેલ્લે દિવસે મારો જન્મદિવસ આવતો હોય. જાણે કુદરતે આ આખો કાર્યક્રમ મને ભેટ રૂપે ન આપ્યો હોય ! 

ને પછી શરૂ થઈ અમારી તડામાર તૈયારીઓ …. રજિસ્ટ્રેશન માટેની લિંક તૈયાર થઈને બધાને ફરતી થઈ. દેશના જુદા જુદા ખૂણેથી લોકોના ફોર્મ ભરાતા ગયા. ગામો નક્કી કરવા મિટિંગ કરી. હું સૌથી નાનું બાળ પણ બધા મોટેરા મારો અભિપ્રાય માંગે. મેં તો સહજભાવે કહ્યું કે, ‘સંસ્થાના સંસ્થાપક બાપુજી એટલે કે મણિભાઈ સંઘવીનું મૂળ ગામ ફતેહગઢ અને મોસાળનું ગામ ગેડી જો લેવાય તો સારું.’ બધાએ તરત હામી ભરી. બીજાં ગામોમાં સુવઈ, સેલારી, વગેરે વિચાર્યાં. આ તો અમે વિચાર્યું પણ ગામલોકો કેટલા તૈયાર છે એ પણ જોવું પડે. એટલે વિચારેલા ગામોમાં ગ્રામજનો સાથે બેઠક ગોઠવી. સુવઈ ગામના વાડીલાલભાઈ સાવલાએ તો તરત હા પાડી દીધી ને કહ્યું કે, ‘આવીને જગ્યા જોઈ જાઓ ને કેમ કરવું એની સૂચનાઓ આપી જાઓ.’ ગેડી ગામના દિવાનસિંહ વાઘેલા સાથે વાત થઈ ને એમણે પણ તરત હા પાડી. અમે એ પહેલાં ત્યાં એક પૂનમસભા કરેલી એમાં ગામનો માહોલ ખ્યાલ આવી ગયેલો. બીજો મોટો ફાયદો એ હતો કે આ ગામમાં અમારા ઘણા વિદ્યાર્થીઓ રહે એટલે મોટું હનુમાનમંડળ સેવામાં હાજર હતું.  સેલારીમાં કોઈ કારણસર અનુકૂળ ન આવ્યું ને અમે ફતેહગઢમાં રાત્રિરોકાણ માટે વિચારતા થયા. અમારા એક નાનકડા વિદ્યાર્થી અરવિંદ પ્રજાપતિએ બહુ મોટી ભૂમિકા ભજવી. એમને કાને વાત નાખી ને એમણે ગામના એકાદ બે અગ્રણીઓ સાથે વાત કરી મને નંબર આપ્યા. મેં આખો કાર્યક્રમ વિગતે કહ્યો તો ત્યાંના યુવાન અગ્રણી દામજીભાઈ દરજીએ પોતાના સમાજમાં કથા હોવા છતાં રસ દાખવ્યો ને ગામના આગેવાનો સાથે મિટિંગ ગોઠવી આપી. આ મુલાકાતમાં  દિનેશભાઈ સંઘવીના આગળનાં કામોની સુવાસ કામે લાગી. એમના મિત્ર અંબાવીભાઈનો ઉત્સાહ ઉછળતો હતો ને ગામના પૂર્વ સરપંચ ભીમાભાઈ ને બીજા આગેવાનોએ પણ એક હાકલે હા પાડી. હજુ એક દિવસની સવાર ગોઠવવાની હતી. મૂળ બાલાસરના મિત્ર પારસભાઈ દવેને વાત કરી. એમણે ગામલોકો સાથે વાત કરી મુલાકાત કરાવી આપી. એક ચાની હોટલે અમે મળ્યા ને એ લોકો પણ તૈયાર થઈ ગયા. 

પહેલી તારીખે સવારે બધા નીલપર આવે, બપોરના ભોજન પછી ગેડી જાય, રાતે ગેડી સભા થાય, ત્યાં સૌ લોકોના ઘરે રાત્રિરોકાણ કરે. ત્યાંથી બીજે દિવસે સવારે બધા બાલાસર જાય. ત્યાંનાં શાળાનાં બાળકો ને ગ્રામજનો વચ્ચે કાર્યક્રમ થાય. બપોરનું ભોજન સમૂહમાં લઈ સૌ ફતેહગઢ જાય. ત્યાં સભા ને રાત્રિ રોકાણ ને ત્રીજા દિવસની સવારે સુવઈ કાર્યક્રમ કરી, જમીને સૌ નીલપર પરત આવે. રાત્રિ કાર્યક્રમ થાય ને ચોથીની સવારે સૌ પોતપોતાના ગંતવ્ય ભણી જાય એવું નક્કી થયું. દરેક ગામના લોકોનો ઉત્સાહ અમારું બળ વધારી રહ્યું હતું. પછી તો વ્યવસ્થાઓ માટે મુલાકાત થતી રહી ને પ્રેમ વધતો ગયો. કોઈને ત્યાં ચાહથી અપાતી ચા તો કોઈને ત્યાં ભાણે બેસીને લેવાતું ભોજન. પોતપોતાનાં કામોની વ્યસ્તતાઓ વચ્ચે આયોજન માટે સ્થળ પસંદગી, સફાઈ, ભોજન, રાત્રિરોકાણ કરાવવા માટે તૈયાર થતા લોકોની યાદી બનાવવી. એમને ત્યાં ઇન્ડિયન ટોયલેટ છે કે વેસ્ટર્ન ત્યાં સુધીના સવાલો ભાઈ અબ્દુલે તૈયાર કરેલ ગૂગલ ફોર્મમાં પૂછી લીધેલા જેથી સૌને અનુકૂળ હોય ત્યાં ઉતારી શકાય. આવનાર બધા સાથે વાત કરી ગામડાંમાં અનુકૂળતા છે એવી વાત કરી તો હોટેલમાં રહેવાવાળાઓએ પણ ગામડાંમાં જ રોકાવાનું નક્કી કર્યું. આ બધામાં કુદરત પ્રતિક્ષણ સાથે હતી. સુદામાચરિત્રમાં ગરીબીનું કારણ સમજાવતાં સુદામાએ પત્નીને કહેલું કે, બધું ક્યાંથી સરખું હોય, આપણે ‘હરિ નથી અનુકૂળ.’ અહીં સૌથી મોટું સુખ એ હતું કે હરિ એકદમ અનુકૂળ હતા. આમ તો એ જ બધું ગોઠવી રહ્યાં હતાં. અમે તો એમની પૂતડીઓ બની આમ તેમ નાચી રહ્યાં હતાં.

શબનમ વીરમાણી

દિવસો નજીક આવતા ગયા. આવનાર સહસાધકોનું વોટ્સએપ ગ્રૂપ બનાવી એમની સાથે સંવાદ શરૂ કર્યો. અણદીઠા લોકો સાથે મૈત્રીનો એક મીઠડો તંતુ ગૂંથાતો ગયો. ભાષા, પ્રદેશ, ધર્મ વગેરેના ભેદ સહજ ઓગળતા ગયા. વળી દિનેશભાઈની રાહબરીમાં મિટિંગ્સ ગોઠવાતી રહી ને સૌને પોતપોતાની જવાબદારીઓ સોંપાતી રહી. આખરે ૩૦મી નવેમ્બરની સવાર પડી. આજે ધ્રુવદાદા, શબનમબહેન વિરમાણી ને રાજસ્થાનનાં લોકગાયિકા ગવરાદેવી આવી જવાના હતાં. ધ્રુવદાદા તો આપણા ઘરે જ રોકવાના હતા ને શબનમબહેન આપણા ઘરની બરોબર સામે. હરખ હૈયે સમાતો ન્હોતો. વિજયભાઈ ઝાટિયા આગલા દિવસે આવી ગયેલા. છેલ્લી ઘડીએ થયેલા ફેરફારો ને વ્યવસ્થાઓમાં અમે એવા મશગૂલ હતા કે સમય ક્યાં જઈ રહ્યો હતો એનું પણ ભાન ન્હોતું. બધા મિત્રોને તેઓ કયા ગામમાં કોને ત્યાં રોકવાના છે એમના નામ નંબર સહિત બધું આપી દેવાનું હતું. એની સાવ છેલ્લી ગોઠવણ કરી રહ્યાં હતાં ત્યાં ધ્રુવદાદા ને શબનમબહેન પધાર્યાં. ધ્રુવદાદાને તો જોઈને વ્હાલ આવે એવા ને શબનમબહેન તો પ્રભાવિત થઈ જવાય એવાં ઊંચાં, ગોરા અસલ પંજાબણ લેડી. સાથે શ્રીપર્ણાબહેન ને અન્ય પણ આવ્યાં. દીકરીઓ અક્ષા, મુસ્કાન ને રુહાનીએ સૌને કુમકુમ તિલકથી આવકાર્યાં. રાત સુધી થોડા થોડા અવનવા લોક આવતા ગયા ને ગોઠવાતા ગયા. 

ધ્રુવ ભટ્ટ

કોકિલાબહેન વ્યાસ

પહેલી ડિસેમ્બર ૨૦૨૩નો સૂરજ આખરે ઊગ્યો. દેશના ખૂણે ખૂણેથી લોકો આવતા ગયા. કેટલાંક છેલ્લી ઘડીએ ન આવ્યા તો કેટલાંક છેલ્લી ઘડીએ ઉમેરાયા. સૂરજના કુમળા કિરણો ચોતરફ રેલાઈ રહ્યા હતા ને ત્યાં વહેતો થયો શબનમ વિરમાણીજીનો અંતરના ઊંડાણમાંથી આવતો ઘૂંટાયેલો ધ્વનિ. હાથમાં એકતારો લઈ બંધ આંખો સાથે ગાતાં શબનમજીની આસપાસ લોકો ગોઠવાતાં ગયાં ને સહજ શબદની સરવાણી વહેતી થઈ. તેઓ જાણે ભાવસમાધિમાં લીન હોય તેમ ગાઈ રહ્યાં હતાં. અમે તો એમને જોવાં ને સાંભળવાનું સહિયારું સુખ માણી રહ્યાં હતાં. એમાં ભળ્યા અમારાં મોંઘીમા. એમણે કબીરસાહેબનું એક પદ ગાયું ને ત્યાં તો ભળ્યા ગવરાદેવીજી. એંસી ઉપરની આયુમાં ગવરાદેવીના અવાજની બુલંદી સૌને અભિભૂત કરી ગયેલી. આગલી રાતે જ્યારે તેઓ ગાડીમાંથી ઉતરેલાં ત્યારે બીજા કલાકારોના ચહેરે થાક હતો પણ આ માવડી તો અખંડ લ્હેરમાં મોજું કરતાં હતાં. મારી પીઠ પર એક સાથે પાંચ સાત ધબ્બાના રૂપમાં સ્નેહ વરસાવી દીધેલો. ટક ટક ટક ટક કરતાં જે ગાય કે આપણા સાત પેઢીથી સુતેલા આત્માને જગાડી દે. શબનમબહેનનો મધુર રણકાર, ગવરાદેવીનો પહાડી અવાજ ને એમાં ભળ્યું બંગાળના બાઉલનું નૃત્ય અને ગાન. ધ્રુવદાદાએ અલપ ઝલપ થોડી વાત કરી. કોકિલાબહેન વ્યાસે મધુર કંઠે કાવ્યગાન કર્યું ને આમ બેઠાં અમારી વસુંધરાની વાણીના શ્રી ગણેશજી !

શિયાળો બેસી ગયેલો. દિવસો નાના ને રાત મોટી થતી જતી હતી. એટલે બપોરનું ભોજન લઈને સૌ સાથીઓને ગેડી તરફ મોકલવાની વ્યવસ્થા ગોઠવી હતી. ગાઈડની ગરજ સારે એવા વિજયભાઈ ઝાટિયા સેવામાં હાજર હતા. વિરાટનગરી કહેવાતું ગેડી ગામ બતાવવા તેઓ સૌને લઈને ચાલ્યા. મારે સૌથી છેલ્લી ગાડીમાં જવાનું હતું. ટોયલેટ માટેની ખુરશીઓ તુફાનમાં મુકાવી ખૂટતું જે કાંઈ હોય તે લઈને અમે ગેડી જવા નીકળ્યા. ગામના ચોકમાં જઈને ઊભા રહ્યા તો હજુ સફાઈ બાકી હતી. ગામલોકોએ સફાઈ કરાવેલી પણ ગામનો મુખ્ય ચોક હોઈ અવરજવર પણ વધુ થાય ને કચરો પણ. બાજુમાં જ અબ્દુલનું ઘર. જાવેદ પાસે થોડી સાવરણી મંગાવી ને નિયામત અને હું માથું નીચું કરીને મંડ્યા ચોક વાળવા. જાહેરમાં અમને સફાઈ કરતા જોઈ ઘણાને આશ્ચર્ય થયું, પણ પછી તો તેઓ પણ સફાઈમાં જોડાઈ ગયા ને થોડીવારમાં તો આખો જબરદસ્ત મોટો ચોક (વથાણ) સાફ થઈ ગયો. ઈશ્વરભાઈ પરમારે મંડપની સરસ વ્યવસ્થા સંભાળેલી. મંડપ બંધાઈ જતાં મોંઘીમાએ જીવનભર ભરેલ ભરતના જાત-જાતના ને ભાત-ભાતના તોરણ, ટોડલિયા, પંખા વગેરે કાર્યક્રમમાં મંચ સુશોભન માટે આપેલાં, જેનાથી મંચની શોભા અનેકગણી વધી ગઈ. બધા કાર્યક્રમમાં એમના આ ભરતકામથી શોભી ઊઠતું. અંધારા ધીરે ધીરે આકાશેથી ઉતરીને અમારી આસપાસ ગોઠવાઈ ગયા. બધા સહસાધકો પોતપોતાના ઠેકાણે જઈ રહ્યા હતા. ‘હાલો આપણા ઘરે .. વાળુ તૈયાર જ છે..’ કહેતા ગ્રામજનો બધાને પોતાના ઘરે લઈ જઈ રહ્યા હતા. વિજયભાઈએ હિંગળાજધામ અને બીજી મહત્ત્વની જગ્યાઓની સરસ મુલાકાત કરાવેલી. ચોકમાં મેળા જેવો માહોલ બની ગયેલો. એકબીજાથી અજાણ્યા લોકો એકબીજા પર પ્રેમ વરસાવી રહ્યા હતા. એ જ તો હતી વાણીની એક ફળશ્રુતિ !

શબનમ વીરમાણી

વાળુ કરીને પરવારીને જ્યાં રોકાયા હતા એમના સહિત સૌ ફરી ચોકમાં આવી ગયા. તકતો ગોઠવાઈ ગયેલો. લોકોની આવ વધતી જતી હતી. જોતજોતામાં ત્રણેક હજાર લોકો ભેગા થઈ ગયા ને રેલાયા વાણીના સુર. સૌપ્રથમ શબનમ વિરમાણીજીએ મંગલાચરણ કર્યું. કોઈપણ પ્રકારના ઉપચાર વગર શબનમબહેનની ભીતર ઘૂંટાયેલો રણકાર એવો તો રેલાયો કે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. ‘તેરી કાયાનગર કા કૌન ઘણી મારગમાં લૂંટે પાંચ જણી’ જાજો જાજો રે જેવા એક પછી એક પદ તેઓ ગાતા ગયા ને માથે થાળી ફેરવી લો એટલા બધા લોકો ભાવભેર એ વાણીને ભીતર ઘૂંટડે ઘૂંટડે ઉતારતા ગયા. એમણે માહોલ બાંધીને ગવરાદેવીની મંડળીને મંચ સોંપ્યો. નીચી દડીના ગોરા ગોરા પ્રજ્ઞાચક્ષુ માડી ગવરાદેવીએ પોતાના પહાડી અવાજમાં ‘ભજન રો ગુડક રહ્યો ગાડો .. ‘ એ જાણીતું ભજન ઉપાડ્યું ને બધા એમની સાથે ઝૂમી ઉઠ્યા. એમનો જોશ અને ઉત્સાહ વાણીને ઉર્જાવંત બનાવી રહ્યો હતો. એક પછી એક ઉત્તમ ભજન તેઓ ગાતા ગયા ને થોડી ઘડીઓ માટે રાજસ્થાન ગેડીમાં ખેંચાઈ આવ્યું. લોકવાણીની એક જબરદસ્ત તાકાત છે એ સૌએ અનુભવી. ને હવે વારો હતો લક્ષ્મણદાસજી અને સાથી બાઉલ મિત્રોનો .. પગમાં ઝાંઝર જેવું કંઈક, હાથમાં વાદ્ય લઈ નાચતાં નાચતાં ગાવાનું જ્યારે આરંભાયું કે આખી સભા એમની સાથે ઝૂમી ઊઠી. આછા ભગવા વસ્ત્રોમાં માથા પર ચંદનના તિલકથી શોભતા એ ત્રણ બાઉલ હજુ આંખમાં જ વસેલા છે. બંગાળના બાઉલ એટલે પોતાની ભાષામાં જ ગાય, સમજાય કાંઈ નહિ ને છતાં પણ પમાય. સંગીત શબ્દોને ગૌણ બનાવી દે એનો અનુભવ આ ક્ષણે થયો. અમે પણ એમની સાથે નાચ્યાં. એકસાથે કબીર, ગોરખનાથ, મીરાં, બાઉલ બધાને સાંભળી મન તરબતર થઈ ગયું. અમને તો ગમે જ પણ સૌથી મહત્ત્વની વાત એ હતી કે ગામડાંના લોકોએ વાણીને તંતોતંત ઝીલી. ભીતર ભજનનો નાદ લઈ સૌ પોતપોતાના ઉતારે ગયા. કાળા ડિબાંગ આકાશમાં ચમકતાં અસંખ્ય તારાઓની નીચે  કોઈએ ભૂંગામાં તો કોઈએ આંગણામાં તો કોઈએ છતવાળા મકાનમાં રાતવાસો કર્યો. ગ્રામજીવનનો આ અનુભવ બધાને માટે યાદગાર બની રહ્યો. 

બીજા દિવસે સવારે યજમાનના ઘરે ચા પાણી કરીને સૌ ફરી ચોકમાં ભેગા થયા. ‘આવજો .. આવજો ..’ના આદાન-પ્રદાન પછી સૌ બાલાસર ભણી રવાના થયા. વાગડના સીમાડાને ખૂંદતાં ખૂંદતા અમે બાલાસર પહોંચ્યા. આ તકનો લાભ લઈ ભાઈ પારસ દવે અને એમના મિત્રોએ ધ્રુવદાદાના હસ્તે ગ્રંથમંદિરનું ઉદ્ઘાટન કરાવ્યું. અમે બધા કાર્યક્રમ સ્થળે થોડા વહેલા પહોંચ્યા. વિદ્યાર્થી મિત્રો આવી ગયેલા એટલે શિયાળાની ઠંડી દૂર કરવા ને ઉમંગની ઉર્જા ભરવા અમે સૌ ગરબે ઘૂમ્યા. જે જે આવતું ગયું તે અમારી સાથે જોડાતું ગયું. બધાને એક કરવા કેટકેટલાં નુસખા આપણી સંસ્કૃતિએ આપણને આપ્યાં છે, નહિ ! ગરબાની મોજ માણ્યા પછી સૌ મંડપમાં ગોઠવાયા ને ફરી રેલાયા વાણીના સુર. સુસવાટા મારતા પવનની વચ્ચે ગુંજી ઊઠી વસુંધરાની વાણી. ત્રણેય સાધક ગાયકોએ અલૌકિક રંગત જમાવી. કોઈ નાચ્યું તો કોઈ ભીંની આંખે ધ્યાનસ્થ રહ્યું. ધ્રુવદાદાએ પોતાની એક કવિતાનું ગાન કર્યું ને જલસો પડી ગયો. ગ્રામજનો, બાળકો પણ અમારી સાથે આનંદમાં જોડાયા. કાર્યક્રમ સ્થળે જ સમૂહ ભોજનની વ્યવસ્થા મુક્તાબહેને ગોઠવેલી. અમારા જ એક વિદ્યાર્થીના બાપુજીએ ભાવભેર બનાવેલી રસોઈ સૌને પીરસી. સમૂહ ભોજનનો આનંદ લઈ અમે ફતેહગઢના રસ્તે પડ્યા. બાલાસર અને ફતેહગઢ વચ્ચે આવતા વ્રજવાણીધામના સૌને દર્શન કરાવવાના ભાવ હતા જે કુદરતે ફળીભૂત કર્યા. એક પાછળ એક ગાડી ચાલવા લાગી જાણે આધુનિક વણઝાર ! વરસે તો વાગડ ભલો એ ન્યાયે સારા વરસાદના પગલે શોભતું વાગડ આંખમાં ભરતાં સૌ આગળ ચાલ્યા. વ્રજવાણી ગામમાં દૂર સુધી ભરાયેલાં પાણીનું સૌંદર્ય માણી સૌ ઐતિહાસિક વ્રજવાણીધામમાં પ્રવેશ્યા. જ્યાં સાતવીસું એટલે કે એકસો ચાળીસ આહિરાણીઓ ઢોલના તાલે સતી થયેલી એમના પાળિયાનાં દર્શન કર્યા. ચાનો પ્રસાદ લીધો ને ત્યાંના એક ભાઈએ રાસ રમવાની અનુકૂળતા કરી આપી એટલે સૌએ ગરબા રમી સતીઓની વંદના કરી. ત્યાંથી આગળ જતાં આખે રસ્તે અમે ગાડીમાં પણ જાતજાતના ભજન ગાતા રહ્યા. બહારથી આવેલા મિત્રો પાસેથી ઘણા નવા ભજન આમ સહજ શિખાઈ ગયા. કુદરતી ત્યારે ફ્લેમિંગોની કચ્છ આવવાની સિઝન હતી એટલે ફતેહગઢ પહોંચતાં પહેલાં સૌએ ફ્લેમિંગો દર્શન કર્યું ને આખરે જમાદાર ફતેહમામદના નામ સાથે જોડાયેલા ગામ ફતેહગઢમાં સૌ પહોંચ્યા. 

વળી નવા યજમાનો મહેમાનોને આવકારવા તત્પર બની ઊભા હતા. ‘હાલો આપણે ઘરે હાલો .. હજુ તો ઘણી જગ્યા છે .. બધા અગાઉથી ગોઠવી રાખેલું એ મુજબ યજમાનને ત્યાં રોકવા ગયા. છેલ્લી ઘડીએ ન આવેલા મિત્રોના યજમાન બીજા બધાને કહેતા હતા કે, ‘આપણે ત્યાં આવો. આપણે ત્યાં આવો.’ એવા કેટલાક ઘરે અમે ગયા ને એમને રાજી કર્યા. ગોધુલી ટાણું ને ગામડું  આ બેનો સુભગ સમન્વય થયેલો એ કાળખંડ સૌએ પોતપોતાની રીતે માણ્યો. વળી અંધારું ઊતરતાં અંતરમાં અજવાળું કરતી વાણી સાંભળવા સૌ પંચાયતના ચોકમાં એકઠા થયા. આગળના ક્રમ મુજબ જ વાણીના સુર રેલાયા. ફતેહગઢમાં કબીરસાહેબના માર્ગે ચાલનાર મોટો વર્ગ હોવાથી એમની આંખમાં જુદા જ પ્રકારનો ચમકારો અનુભવાતો હતો. શબનમબહેને થોડા પદ ગાઈ આગળના મિત્રોને જગ્યા આપી. પણ ગામના લોકોને ધ્રો ન થયો. અમીનો ધ્રો થાય ? એમણે જે ભજનોની ફરમાઈશ કરી એ સાંભળી શબનમબહેન પણ રાજી થઈ ગયાં ને બીજીવાર ગાવાં બેઠાં. એમની બરોબર સામે બેસી વહેતી આંખે મેં એ વાણીનું આકંઠ પાન કર્યું !  ગવરાદેવી અને લક્ષ્મણદાસજીએ જુદા જ પ્રકારના ભાવલોકનું નિર્માણ કર્યું. નાતજાતના ભેદ સહજ ઓગળી ગયા ને સૌ થોડી ઘડીઓ માટે પણ એક થઈ ગયા ! એકરસ બનેલા સૌ સાધકો પોતપોતાના યજમાન સાથે એમના ઘરે રોકવા ગયા ને એમ અમારો બીજો દિવસ આનંદભેર સંકેલાયો.

ત્રીજા દિવસની મંગળ પ્રભાતનું આછું અંધારું વધારે આછું થઈ રહ્યું હતું એવી વેળાએ અમે જાગી ગયા. એક ઘરે અમે દસેક જણ રોકાયેલા. સિરામણ કરીને ફરી પંચાયત ચોકમાં અમે ભેગા થયા ને વાટ પકડી સુવઈની. 

સુવઈ ગામમાં પહોંચ્યા ત્યાં તો ઉત્સાહી વાડીલાલભાઈ સાવલા અને એમની આખી ટીમે વાજતે ગાજતે સામૈયા કર્યાં. ભરત ભરેલા જાતજાતના અને ભાતભાતના રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ દીકરીઓએ માથે ઘડી લઈ સૌનું અંતરથી પરંપરાગત સ્વાગત કર્યું. બધા નાચતાં ગાતાં કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. સરસ મજાના સજાવેલા મંચ પર શબનમબહેન ગોઠવાયાં ને ફરી ગુંજી ઊઠી મધુર સરવાણી. ધ્રુવદાદાની કવિતાનું ગાન કરવાની ફરમાઈશ આવી. દાદાએ થોડી વાત કરી ને ગીતનો આનંદ સૌએ લીધો. ગવરાદેવીનાં ભજનોએ રંગત જમાવી ને બાઉલ બંદાઓ નાચ્યા, ગાયા ને સૌને નચાવ્યા. આ દિવસે ખાસ લીલાધરભાઈ ગડા ‘અધા’, સુષ્માબહેન આયંગર વગેરે આવેલાં. એમને સૌને મળવાની પણ એટલી જ મજા પડી. વાડીલાલભાઈ ગામના શેઠ કહેવાય. એમના તરફથી સૌને મિષ્ટ ભોજન પ્રેમથી પીરસવામાં આવ્યું. મોટી જનમેદનીએ પ્રેમથી ભોજન લીધું ને છેલ્લી સાંજના કાર્યક્રમ માટે સૌ નીલપર ભણી રવાના થયા …

નીલપર સોનટેકરીથી આરંભાયેલી યાત્રા ત્યાં જ અલ્પવિરામ લેવાની હતી. સાંજે એક અનૌપચારિક બેઠક મળી જેમાં બધાએ પોતપોતાનો ભાવ વ્યક્ત કર્યો. બધાના પ્રતિભાવો ને સૂચનો ધ્યાને લઈ અમે પાછા રાત્રિકાર્યક્રમ માટે સજ્જ થયા. સોનટેકરીના રમણીય પરિસરમાં રાતે ફરી મહેફિલ મંડાણી. ગંગાસતીના પદ, દાદાની રચના શબનમબહેનના મુખે સાંભળી સૌ ભાવવિભોર થયા. રાપર આસપાસના લોકો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં જોડાયા. ચંદ્ર તારાની સાક્ષીએ ગવાતી આ વાણી ભીતર સોંસરવી ઊતરી જતી હતી. ઠંડીમાં બે ત્રણ સ્વેટર પહેરેલા ધ્રુવદાદાનું માથું આનંદમાં ધૂણી રહે એ જોવું એ પણ એક લ્હાવો. ત્રણેય મંડળીઓએ બહુ ભાવપૂર્વક ગાન કરી યાત્રાને એક યાદગાર વિરામ આપ્યો. સંસ્થા તરફથી ભાવવંદના કરવામાં આવી. શબનમબહેન સુષ્માબહેન સાથે ભુજ જવાનીકળવાના હતાં એટલે હું આવજો કરવા ગયો. એમણે મારા આશ્ચર્ય વચ્ચે મને પંજાબી જપ્પી આપી. હું તો ધન્ય  ધન્ય બની ગયો. પહેલી જ મુલાકાત હોવા છતાં સુષ્માબહેન પણ ભેટી પડ્યાં. મારા જન્મદિવસની કુદરતે આપેલી ભેટ જ સમજું છું આ સઘળી.  બીજા દિવસે સવારે એક પછી એક બધાએ વિદાય લીધી.

ધ્રુવદાદા ત્રણ દિવસ આપણી સાથે આપણા ઘરે જ રહ્યા એ તો જીવનનો લ્હાવો જ. એમના વિશે વધુ લખીશ તો કદાચ એમને નહિ ગમે પણ ખરે જ હું હજુ એના આનંદમાંથી બહાર નથી આવ્યો. દાદાની સહજતા, સરળતા, ઉદારતા ને બીજું ઘણું ઘણું સ્પર્શી ગયું. 

ત્રણ દિવસમાં જાણે હું તો કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયેલો. સઘળી  વ્યવસ્થાઓ એટલી સહજ ગોઠવાઈ ગઈ કે કોઈ વિશેષ જહેમત લેવી જ ન પડી. કુંવરબાઈ ખાલી હાથે મામેરું કરવા આવેલા બાપને  કુંવરબાઈ કહે છે કે, ‘બાપુજી કેમ કરીને આ લાખેણું મામેરું પુરાશે ?’ ત્યારે એને નિશ્ચિન્ત કરતા નરસિંહ બોલ્યા કે ‘મામેરું કરશે શ્રી હરિ ..’ આ કવિતા આ અનુભવે વધુ સમજાઈ. હરિએ જ સઘળું પોતાના માથે લઈ અમને સૌને નિરાંત કરી દીધી. કોઈને કાંઈ મુશ્કેલી ન થઈ. ક્યાં ય કોઈ વિઘ્ન ન આવ્યું, કોઈ માંદુ ન પડ્યું કે ન કોઈ અન્ય તકલીફ પડી. કોઈને કશી સૂચના ન આપવી પડી. કોઈનું મન ન કચવાયું. આ સઘળી હરિકૃપા જ નહિ તો બીજું શું ?

વસુંધરાની વાણીના મારા અંગત અનુભવની તો કથા થઈ શકે એમ નથી. પ્રેમ, મૈત્રી, સદ્દભાવ આદિની વાતો કર્યા વગર એ બધાનો પ્રસાર કરતી આ વાણી સદાય ગુંજતી રહો .. સદાય ગુંજતી રહો … બસ … સદાય ગુંજતી રહો …

સૌજન્ય : રમજાન હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

8 November 2024 Vipool Kalyani
← हिन्दू त्योहारों के बहाने हिंसा और नफरत फ़ैलाने की कोशिश
સરકાર અને મહાકાય કંપનીઓનું મેચ ફિક્સિંગ : ડર અને આઝાદી વચ્ચે પસંદગીનો સવાલ  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved