
રવીન્દ્ર પારેખ
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ત્રણ મહત્ત્વના ચુકાદા આપ્યા, જેમાંનો એક એ છે કે સુપ્રીમે, યુ.પી. બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટને માન્ય રાખીને સ્પષ્ટ કર્યું છે કે યુપીમાં 16,000 મદરેસાઓમાં ભણતા 17 લાખ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં મોકલવામાં નહીં આવે. સાથે જ સુપ્રીમે એ પણ જણાવ્યું છે કે મદરેસા એકટની જોગવાઇઓ મૂળભૂત અધિકારો કે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી. જો કે, સુપ્રીમ કોર્ટે એ જોગવાઈ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પી.જી. અને સંશોધનનો અભ્યાસક્રમ નક્કી કરવાનો અધિકાર હતો. એ અધિકાર મદરેસા બોર્ડને રહેશે નહીં ને તે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસક્રમ કે પુસ્તકો નક્કી કરી શકશે નહીં. આ પ્રતિબંધ અનેક શંકા-કુશંકાઓનું નિવારણ કરે એવો છે.
22 માર્ચ, 2024ને રોજ હાઇકોર્ટની લખનૌ બેન્ચે મદરેસાને ગેરબંધારણીય જાહેર કરી હતી અને યુ.પી. સરકારને મદરેસાનાં બાળકોને સરકારી શાળાઓમાં મોકલવા જણાવ્યું હતું. એની સામે સુપ્રીમે રોકડું કર્યું છે કે મદરેસાનાં વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં મોકલવાનો નિર્દેશ યોગ્ય નથી. દેશમાં ધાર્મિક શિક્ષણ ક્યારે ય અભિશાપ રહ્યું નથી. આ મદરેસા અધિનિયમ ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન કરે છે એમ કહેવું યોગ્ય નથી. આમાં યુ.પી. સરકારનો પોતાનો તર્ક છે, પણ અત્યારે તો સુપ્રીમે મદરેસા એક્ટને માન્ય રાખ્યો છે, એટલે એ ચુકાદાને જ માન્ય રાખવો ઘટે.
બીજો ચુકાદો ‘બુલડોઝર ન્યાય’ની વિરુદ્ધનો છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં 2019માં કોઈ પણ નોટિસ વગર બુલડોઝર ફેરવી દેવાની રાજ્ય સરકારની કાર્યવાહી સામે સુપ્રીમે ભારે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું છે કે આમ રાતોરાત કોઈના પણ ઘર પર બુલડોઝર ફેરવી ન શકાય. અરાજકતાનું આ સૌથી ગંભીર ઉદાહરણ છે. તમે જેમનું વારસાઈ મકાન તોડ્યું છે તે મનોજ ટિબરેવાલને વચગાળાની રાહત તરીકે 25 લાખનું વળતર આપો. સરકારનું કહેવું એમ હતું કે રસ્તો પહોળો કરવા બુલડોઝર ફેરવાયું હતું, તો મુખ્ય ન્યાયમૂર્તિનું કહેવું હતું કે એ બધું બરાબર, પણ એ માટે કોઈ નોટિસ અપાઈ નથી કે ઘર ખાલી કરવાની કોઈ તક અપાઈ નથી ને કાર્યવાહી દરમિયાન જે સામાન તૂટયો તેની ભરપાઈ કેવી રીતે થશે તેની પણ કોઈ વાત નથી. વળી જેટલા વિસ્તાર પૂરતું દબાણ હતું, એટલો ભાગ તોડવાને બદલે આખું મકાન ધ્વસ્ત કરવાની જરૂર કેમ પડી એનો કોઈ જવાબ નથી. ટૂંકમાં, આ મામલે ઘટતી કાર્યવાહી થઈ નથી. સરકારનું આ મનસ્વી અને અત્યાચારી વલણ છે. સરકારે 123 મકાનો એ રીતે તોડ્યાં તો સુપ્રીમનો સોંસરો સવાલ એ હતો કે એ બધાં મકાનો ગેરકાયદે હતાં એનો પુરાવો છે? જે મકાન તોડવામાં આવ્યું, તે 1960થી ત્યાં છે, તો અત્યાર સુધી સરકારને ખબર જ ન પડી કે મકાન ગેરકાયદે છે?
બુલડોઝર ન્યાયનો પવન બીજા રાજ્યોમાં પણ ફૂંકાયો હતો ને એવા ન્યાયની હવા કોઈ ફેશનની જેમ ફેલાઈ હતી, પણ સુપ્રીમે યુ.પી. સરકારને એક મહિનામાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની તાકીદ કરી છે. સાથે જ તમામ રાજ્યોને તોડફોડ માટેનાં દિશા નિર્દેશોનું પાલન કરવા પણ જણાવાયું છે. એ ખરું કે ગેરકાયદે બાંધકામો માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા સરકારો મુક્ત છે, પણ તોડફોડ અંગે આપવામાં આવેલા દિશા નિર્દેશોનું ચુસ્તપણે પાલન થાય એ પણ જોવાનું રહે જ છે. ગેરકાયદે બાંધકામોનો બચાવ ન જ હોય, પણ કાયદેસર બાંધકામોને વેઠવું પડે એ પણ બરાબર નથી.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને અધિકારીઓને આ જ મુદ્દે હાઇકોર્ટે એવી નોટિસ પાઠવી છે કે તેમણે કોઈ પણ નોટિસ આપ્યા વગર ઉધના ઝોન વડોદમાં વર્ષોથી રહેતા પરિવારને ઘરની બહાર કાઢી, સામાન બહાર ફેંકી દઈ ડિમોલિશન કરી નાખ્યું હતું. વધુ સુનાવણી તો 19 નવેમ્બરે થશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બુલડોઝર ફેરવી દેવાની ઘટનાઓ બની છે. એ સ્થિતિમાં સુપ્રીમનો ચુકાદો શકવર્તી સાબિત થાય તો નવાઈ નહીં.
ઉપલા બંને ચુકાદાઓ યુ.પી.ની સરકાર સંદર્ભે અપાયા છે, પણ તેનો પ્રભાવ અન્ય રાજ્યો સુધી પણ વિસ્તરી શકે એમ છે. ત્રીજો ચુકાદો કેન્દ્ર સરકાર સંદર્ભે છે ને તેની અસર વધુ વ્યાપક હોઈ શકે છે. આમ તો આ ત્રણે ચુકાદાઓ સ્થળ સંદર્ભે છે. ત્રીજો ચુકાદો બંધારણને આગળ કરીને કોઈ પણ સરકાર જનહિતને નામે ખાનગી મિલકત પોતાના કબજામાં લઈ શકે કે કેમ એની વાત કરે છે. સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિને જનહિતને નામે કબજે લઈ શકે, એવું અગાઉના ચુકાદામાં હતું, પણ એ ચુકાદો મુખ્ય ન્યાયમૂર્તિની વડપણ હેઠળની બેન્ચે પલટાવ્યો છે. એ ખરું કે સરકારો કેટલાક કિસ્સાઓમાં ખાનગી સંપત્તિઓ માટે દાવો કરી શકે, પણ દરેક ખાનગી સંપત્તિ માટે દાવો કરીને સરકાર તે સંપત્તિ આંચકી શકે નહીં એવું સુપ્રીમના આ ચુકાદામાં છે.
સુપ્રીમના 9 ન્યાયમૂર્તિઓની પીઠે 7 વિરુદ્ધ 2ની બહુમતીથી ચુકાદો આપ્યો છે. એમાં એક ન્યાયમૂર્તિ ધુલિયા આ ચુકાદાની વિરુદ્ધ હતા ને બીજા એક ન્યાયમૂર્તિ નાગરત્ના મુખ્ય ચુકાદા સાથે સંમત હતા, પણ કેટલાક મુદ્દે અસંમત હતા. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે એ જણાવ્યું કે બહુમતીએ 1978ના જસ્ટિસ કૃષ્ણા ઐયરના ચુકાદાને રદ્દ ઠેરવ્યો છે, જેમાં જણાવાયું હતું કે જનહિત માટે સરકાર કોઇ પણ ખાનગી સંપત્તિ પોતાના કબજામાં લઈ શકે છે. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે જણાવ્યું કે એ ચુકાદામાં ત્રુટિ હતી. એ ચુકાદો ખાનગી મિલકત પર સરકારનાં નિયંત્રણની તરફેણ કરતો હતો. એ ખરું કે જૂનું શાસન આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતું, પણ છેલ્લા ત્રણેક દાયકામાં ગતિશીલ આર્થિક નીતિથી ભારત ઝડપી અર્થવ્યવસ્થા બન્યું છે. આ ચુકાદા પછી સરકાર રિવ્યૂમાં જાય તો તેણે નવી પીઠનો સામનો કરવાનો થશે, કારણ મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવાના છે.
આ ચુકાદાના કેટલાંક પાસાંઓ વિચારવા જેવાં છે. આ ચુકાદો સરકારના અધિકારોને નિયંત્રિત કરે છે. એ ખરું કે કોર્ટનું કામ આર્થિક નીતિઓ નક્કી કરવાનું નથી, પણ એ જોવાનું છે કે દેશમાં એક આર્થિક લોકતંત્ર સક્રિય હોય. ખાનગી સંપત્તિઓ ભૌતિક સંસાધનો નથી અને તેને આધારે સરકાર બળજબરીથી તેનો કબજો લઈ શકે નહીં. બંધારણની કલમ 39(બી) સામુદાયિક સંપત્તિને જાહેર હિતોમાં વિતરણની વાત કરે છે. એનો અર્થ એવો નથી કે બધી જ ખાનગી સંપત્તિઓ સામુદાયિક સંપત્તિ તરીકે જોઈ શકાય. આ સંદર્ભે મુખ્ય ન્યાયમૂર્તિએ વધુ ફોડ પાડતા જણાવ્યું છે કે ખાનગી સંપત્તિ સાથે સંકળાયેલી 16 અરજીઓ પર સુપ્રીમે ચુકાદો આપ્યો છે. આ ચુકાદો ઐતિહાસિક જ નથી, સમાજવાદી વિચારને તેણે આયનો પણ બતાવ્યો છે. સુપ્રીમનો આ ચુકાદો સમાજવાદી અને વામપંથી વિચારકોને આંચકો આપનારો પણ છે, જે એમ માને છે કે ગરીબી અને અસમાનતા ત્યારે જ દૂર થઈ શકે જો સરકાર સંપત્તિનું વિતરણ કરવામાં સક્ષમ હોય અને એને એ અધિકાર હોય કે તે કોઇની પણ સંપત્તિ કબજે લઈ શકે છે.
પોતાના ચુકાદાથી સુપ્રીમે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય શાસન વ્યવસ્થામાં સમાજવાદી રીત-રસમો અપનવવાનું જે કામ થયું તે નિરર્થક હતું. દુનિયાનો અનુભવ તો એ જ કહે છે કે જે દેશોએ લોકોની ભલાઈ માટે આત્યંતિક સમાજવાદી વિચારસરણી અપનાવી તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવ્યો. આ ચુકાદાથી હવે એ શંકા પણ ન રહેવી જોઈએ કે શું સામુદાયિક સંપત્તિમાં જશે ને શું નહીં? હકીકત તો એ છે કે કોઈ પણ વિચાર કે રીતિ-નીતિ, દેશ-કાળ અને પરિસ્થિતિને અનુરૂપ અપનાવવાનાં રહે. સમય સાથે બદલાવું એ સમયની માંગ છે, તો એ જ પ્રગતિનો આધાર પણ છે.
સુપ્રીમના ત્રણે ચુકાદાઓ ભૂતકાળને જ નહીં, ભવિષ્યને પણ લક્ષ્ય કરે છે એ ભૂલવા જેવું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 નવેમ્બર 2024