
રવીન્દ્ર પારેખ
વડોદરામાં શનિવારે, ‘સાંસદ અટલ જનસેવા કેન્દ્ર’નું લોકાર્પણ કરતાં, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી કે મુખ્ય મંત્રી કે વડા પ્રધાન આવે ત્યારે જ સફાઇ થાય તેવું નથી જોઈતું, તો એ વાતને પદાધિકારીઓએ ગંભીરતાથી લેવાને બદલે હસવામાં કાઢી નાખી. ટૂંકમાં, મુખ્ય મંત્રી પણ જાણે છે કે સફાઇ મંત્રીઓને દેખાડવા પૂરતી જ થાય છે. ખુદ મંત્રીઓ પણ સાફ થયેલી સડકને સાફ કરવા ગાંધી જયંતીએ ક્યાં નથી ઊતરી પડતા? વિકાસ થાય છે ને અનેક પ્રોજેકટોનું વડા પ્રધાન લોકાર્પણ કરતાં રહે છે, પણ પછી કામ તો સંબંધિત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓએ અને કર્મચારીઓએ કરવાનું રહે છે. એ થતું નથી ને કોઈ મંત્રી આવી ચડે તો તેને ગુલાબી ચિત્ર બતાવીને સંતોષ માની લેવાય છે. આખો દેશ દેખાડાને જ વિકાસ માની બેઠો હોય તેવી સ્થિતિ છે.
એક તરફ વિશ્વગુરુ બનવાની વાતો છે ને બીજી તરફ વિશ્વમાં ભારતનું જે સ્થાન બતાવવામાં આવે છે તે આશ્ચર્ય અને આઘાત આપનારું છે. આમ તો કોરોના કાળથી 81.35 કરોડ લોકોને ભારત મફત અનાજ આપે છે ને આ સિલસિલો 2028 સુધી ચાલવાની ખુદ વડા પ્રધાને જાહેરાત કરી છે ને કમાલ એ છે કે ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનું સ્થાન 127 દેશોમાં 105મું છે, ત્યારે સાચું શું એ સવાલ થાય. એમાં જે સરખામણી થાય છે તે હાસ્યાસ્પદ છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ જેવા દેશો કરતાં, 140 કરોડની વસ્તી ધરાવતા ભારતની, એ દેશો સાથે તુલના ક્યાં ધોરણે થાય છે તે સ્પષ્ટ નથી. વિશ્વમાં વધી રહેલી શાખ સામે ભારતનું આ રીતે વૈશ્વિક સ્થાન દેખાડવામાં બીજું કોઈ ગણિત તો કામ નથી કરી રહ્યું ને તેવી શંકા પડે છે. શંકા એટલા માટે કે ભારતનું વૈશ્વિક સ્થાન નક્કી કરવા એક જ દિવસમાં બબ્બે સર્વે બહાર આવ્યા છે. એકમાં ભારતની ગરીબી ઉઘાડી કરાઇ છે ને બીજામાં સુરક્ષાને મામલે ભારતની સ્ત્રીઓની સ્થિતિ, વૈશ્વિક સ્તરે જાહેર કરાઇ છે.
યુનાઈટેડ નેશન્સ ડેવેલપમેન્ટ પ્રોગ્રામ (UNDP), ઓક્સફર્ડ પોવર્ટી અને હ્યુમન ડેવેલપમેન્ટ ઇનિશિએટિવ આ ત્રણ સંસ્થા બહુઆયામી ગરીબી સૂચકાંક રિપોર્ટ રજૂ કરે છે. 112 દેશોમાંથી 6.3 અબજ લોકો સંઘર્ષ અને ગરીબી વચ્ચે ઝઝૂમી રહ્યા છે તેવો રિપોર્ટ છે. સંયુક્ત રાષ્ટ્રના આ નવા રિપોર્ટ પ્રમાણે એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં સબડી રહ્યા છે, એટલું જ નહીં, સૌથી વધુ ગરીબ 23.4 કરોડ લોકો ભારતમાં છે. પાકિસ્તાન, ઇથોપિયા, નાઈજીરિયા અને કૉંગો ડેમોક્રેટિક રિપબ્લિકમાં ભારત કરતાં ઓછી ગરીબી છે. 1.1 અબજ ગરીબોમાં અડધી વસ્તી યુદ્ધના દેશોની છે ને બાકીના 55.5 કરોડ લોકોમાંથી 23.4 કરોડ લોકો ભારતના છે ને બાકીના અગાઉ કહ્યા તે પાકિસ્તાન, ઇથોપિયા .. એમ ચાર દેશો મળીને છે.
આની સામે 4 જુલાઈ, 2024નો એક રિપોર્ટ, આર્થિક થિંક ટેન્ક-NCEARને ટાંકીને એમ કહે છે કે ભારતમાં ગરીબીનો દર 2011-‘12માં 21.2 ટકા હતો, તે 2022-‘24માં ઘટીને 8.5 ટકા થયો છે. એ હિસાબે 11.9 કરોડ લોકો જ ગરીબ ગણાય, તો સંયુક્ત રાષ્ટ્રનો 23.4 કરોડનો આંકડો કેટલો ટકે? સંયુક્ત રાષ્ટ્રને હિસાબે તો ભારતમાં 32.76 ટકા ગરીબી ગણાય, જે ભારતીય આંક 8.5 ટકા મુજબ 4 ગણી ગરીબી સૂચવે છે. ગરીબી નાબૂદ નથી થઈ એ ખરું, પણ ભારત સરકાર એવી નિષ્ક્રિય નથી કે સંયુક્ત રાષ્ટ્રનો 23.4 કરોડનો આંકડો સાચો લાગે.
એવું જ ભૂખમરાને મામલે પણ લાગે છે. ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ ભારતનું 127 દેશોમાં 105મું સ્થાન જાહેર કરે છે. 2024માં ભારતનો સ્કોર 27.3 હતો, જે ગયા વર્ષ કરતાં સુધર્યો છે. વિશ્વ સ્તરે દુર્બળતા 18.7 ટકા છે, જ્યારે ભારતમાં તે 13.7 ટકા છે. ‘ગ્લોબલ હન્ગર ઇન્ડેક્સ’ એ હાઇલાઇટ કરે છે કે ભૂખ ઘટાડવામાં 2016થી વૈશ્વિક પ્રગતિ અટકી ગઈ છે, જે 2030 સુધીમાં ભૂખમરાને સમાપ્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં બાધા ઉત્પન્ન કરે છે. 127માંથી 42 દેશો એવા છે, જે લક્ષ્ય હાંસલ કરવામાં બાધક છે. આ સ્થિતિ હોય તો ભારતને ‘હાઇલાઇટ’ કરવાનો અર્થ કેટલો તે પ્રશ્ન જ છે. બને કે ભારત ભૂખમરો દૂર કરવાના જે પ્રયત્નો કરે છે એ મામલે હંગર ઇન્ડેક્સ તરફથી દુર્લક્ષ સેવાયું હોય.
ભારત ચીન અને યુક્રેનની જેમ ઘઉં, મેંદો, ચોખા, મકાઇ, બાજરી જેવું અનાજ સાઉદી એરેબિયા, UAE, ઈરાન, નેપાળ, બાંગ્લાદેશને વેચે છે. આ સાચું હોય તો તે પોતાના લોકોને ભૂખે મારીને અન્ય દેશોને નિકાસ કરે છે એમ જ માનવું પડે, તો, બે વર્ષ પર વડા પ્રધાન એવું કઈ રીતે કહી શકે કે ભારત પાસે 140 કરોડ લોકોને માટે પૂરતું અનાજ છે, તે પણ ત્યારે કે હન્ગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 105થી પણ પાછળ હતું? યાદ રહે કે ચોખા અને ઘઉંમાં ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક છે. વક્રતા તો એ છે કે ભારત પાસેથી અનાજ ખરીદતાં નેપાળ અને બાંગ્લાદેશ, હંગર ઇન્ડેક્સમાં અનુક્રમે 68 અને 84માં સ્થાન પર છે. એ સાચું કે અનાજનું પૂરતું ઉત્પાદન છતાં ભારતમાં 30 લાખ કુપોષિત બાળકો છે, છતાં ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ સૂચવે છે, એટલી ગંભીર સ્થિતિ ભારતની નથી જ ! ક્યાંક કૈંક ગરબડ છે. ક્યાં તો ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’ સાચી પરિસ્થિતિ જણાવતું નથી અથવા તો ભારત સરકાર કૈંક છુપાવે છે.
આટલું ઓછું હોય તેમ મહિલા સુરક્ષામાં ભારતનું સ્થાન 177 દેશોમાં 128મું નક્કી થયું છે. સંશોધકો દ્વારા 2017થી 2023 સુધીમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે, વૈશ્વિક સ્તરે વીમેન, પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ દ્વારા વિવિધ દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં સર્વોચ્ચ સ્થાને ડેન્માર્ક અને સૌથી છેલ્લે અફઘાનિસ્તાનનો નંબર આવ્યો. એમાં જે ટોચના બાર દેશો છે તે વિકસિત દેશોમાં ઓલરેડી સ્થાન પામેલા જ છે. મહિલાઓ સંદર્ભે સૌથી નબળી સ્થિતિના દસ દેશોની ગણના પણ પહેલેથી પછાત દેશોમાં જ થાય છે. 2017થી ઈરાક, અફઘાનિસ્તાન, સિરિયા, યમન જેવા દેશો નીચે હતા ને નીચલા ક્રમે જ છે.
મહિલાઓનો સામાજિક, આર્થિક, રાજકીય બાબતોમાં સમાવેશ, ઉપરાંત, ફોર્મલ અને ઇન્ફોર્મલ સ્તરે ભેદભાવ અને ન્યાયની સ્થિતિ, તથા વ્યક્તિગત, પારિવારિક, સામૂહિક અને સામાજિક સુરક્ષાની સ્થિતિ – જેવી બાબતોને આ સર્વેમાં ધ્યાને લેવામાં આવી હતી. દરેક દેશને 0થી 1ની વચ્ચે પોઈન્ટ આપવામાં આવ્યા હતા. સાઉથ એશિયાની વાત કરીએ તો 0.743 પોઈન્ટ સાથે શ્રીલંકા સાઉથ એશિયામાં પહેલા અને વિશ્વમાં 60માં ક્રમે છે, જ્યારે માલદિવ્સ 0.720 પોઈન્ટ સાથે બીજા અને વિશ્વમાં 72માં ક્રમે છે. ભૂટાન 0.700 સાથે 82માં ક્રમે છે ને ભારત 0.595 પોઈન્ટ સાથે 128માં ક્રમે છે.
દુ:ખદ એ છે કે મહિલાઓ માટે સૌથી ખરાબ 50 દેશોની યાદીમાં ભારત 50માં ક્રમે છે. આ અભ્યાસ સંયુક્ત રાષ્ટ્રો, વર્લ્ડ બેન્ક, ગેલપ વર્લ્ડ પોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના ડેટાને આધારે કરવામાં આવ્યો હતો. મહિલાઓની સુરક્ષા સંદર્ભે ઇન્ટિમેટ પાર્ટનર દ્વારા થતી હિંસાનો મુદ્દો પણ ઉમેરાયો હતો, તે એટલે કે આ મામલે મહિલાઓ ખાસ ફરિયાદ કરતી નથી. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી સ્ત્રીઓની સુરક્ષા, ન્યાય, દુષ્કર્મ જેવી બાબતે થયેલા સુધારાઓ કાગળ પર જ જણાય છે. તેમાં પારિવારિક, સામુદાયિક, સામાજિક અને રાજકીય રીતે બહુ ફેર પડ્યો નથી. આર્થિક રીતે મહિલાઓ આગળ જરૂર વધી છે, પણ સેક્સ્યુઅલ વાયોલન્સ, દુષ્કર્મ, ગેંગરેપ, હત્યા, આત્મહત્યા જેવી બાબતોમાં સ્થિતિ દયનીય છે. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્રમાં જ છે. નિર્ભયા કાંડ, કોલકાતાની ઇન્ટર્ન ડોક્ટરની રેપ-મર્ડર જેવી ઘટના પછી, વડોદરા-સુરતમાં થયેલી ગેંગ રેપની ઘટનાઓ મહિલાઓની સુરક્ષાને મામલે સુધારની કોઈ આશા જન્માવતી નથી. સ્વસ્થ અને સુરક્ષિત સમાજ એ દૂરના ભૂતકાળની કે કલ્પનાની વાતોથી વિશેષ કૈં નથી.
દુનિયામાં ભારત અત્યંત ગરીબ દેશોમાં 5માં કે ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં 105માં સ્થાને હોવાને મામલે વૈશ્વિક ધોરણો પર જરૂર શંકા થાય, પણ મહિલા સુરક્ષા મામલે 128માં ક્રમે છે, તેનું આશ્ચર્ય નથી થતું ને કરુણતા એ છે કે કોઈ આશ્વાસન પણ નથી મળતું …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑક્ટોબર 2024