
રાજ ગોસ્વામી
વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, આપણું જીવન બહેતર ત્યારે જ થાય છે જ્યારે આપણે નવું વિચારતા રહીએ અને તેના પર અમલ કરતા રહીએ. એક સફળ વ્યક્તિ અને એક સફળ દેશનો તમે જો અભ્યાસ કરો, તો દેખાશે કે તેણે હંમેશાં જીવનને બહેતર બનાવવા માટે પ્રયાસો કર્યા છે.
13મી ઓક્ટોબરે, ભારતમાં લોકો બાબા સિદીક્કી અને લોરેન્સ બિસ્નોઈની ચર્ચામાં વ્યસ્ત હતા, ત્યારે દૂર અમેરિકામાં એક એવો ઇતિહાસ આકાર લઇ રહ્યો હતો, જે સ્પેસ ટેકનોલોજીના (અને વળતામાં માનવજાતિના) ભાવિને કાયમ માટે બદલી નાખવાનો હતો.
તે દિવસે, અમેરિકામાં ખાનગી સ્પેસ ટુરિઝમના પ્રણેતા અને 21મી સદીના સૌથી સાહસિક ઉદ્યમી ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના ઈજનેરોએ સેટેલાઈટ છોડીને જમીન પર પાછા ફરતા બૂસ્ટરને હવામાં જ પકડી લીધું. જે ટાવર પરથી તેને છોડવામાં આવ્યું હતું, તે ટાવરમાં ઈજનેરો એવી ભૂજાઓ વિકસાવી હતી, જેમાં એ બૂસ્ટર પાછું આવીને બેસી જાય.
સાદી રીતે સમજવું હોય તો દિવાળીનું ઉદાહરણ લો. તમે નવા વર્ષનાં વધામણાં માટે તે દિવસે કાચની શીશીમાં હવાઈ મૂકીને સળગાવો છો, તે શીશીમાંથી આકાશમાં છૂટીને ધૂમધડાકા કરે છે અને પછી તેની દંડી પાછી નીચે આવીને શીશીમાં જ ઉતરી જાય તો કેવું?
ઈલોન મસ્કે આવું જ કર્યું છે. પંદર માળની ઈમારત જેટલું વિશાળ બૂસ્ટર, જે ટાવર પરથી ઉડ્યું હતું, ત્યાં જ પાછુ આવીને ગોઠવાઈ ગયું! આમાં મોટી વાત એ છે કે એકવાર રોકેટ લોન્ચ કર્યા પછી, તેને પાછું લાવવું શક્ય નથી. એટલે કે, એક જ પ્રક્ષેપણમાં એક જ રોકેટનો ઉપયોગ કરી શકાય છે. આ અતિશય ખર્ચાળ છે અને સમય પણ ઘણો જાય છે. મસ્કે આમાં રિયુઝેબલ (ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા) રોકેટનું ઇનોવેશન કર્યું છે. તેણે સાબિત કરી બતાવ્યું છે કે એક રોકેટને હેમખેમ પાછું લાવીને ફરીથી છોડી શકાય છે.
ઈલોનને 2020માં પહેલીવાર આનો વિચાર આવ્યો હતો. તેનો કંપની સ્પેસએક્સની ટીમ સ્ટારશિપ માટે લેન્ડિંગ લેગ્સની ચર્ચા કરી રહી હતી. ઈલોન માનતો હતો કે માનવ સભ્યતાને અવકાશ-ઉડ્ડયન કરતી સંસ્કૃતિ બનાવવી હોય, તો એવાં રોકેટ બનાવવાં જોઈએ જે વિમાન જેવાં હોય; તે ટેક-ઓફ કરે, લેન્ડ કરે અને પછી શક્ય તેટલી વહેલી તકે ફરીથી ટેક-ઓફ કરે.
“તેને પકડવા માટે આપણે ટાવરનો ઉપયોગ કેમ કરી ના શકીએ?” ઈલોને તે મિટિંગમાં ઈજનેરોને પૂછ્યું હતું. તે વખતે ટાવર રોકેટને પકડી રાખીને તેનું પ્રક્ષેપણ કરવાનું કામ કરતાં હતાં. ઈલોને એમાં નવું સૂચવ્યું હતું : એ જ ટાવર રોકેટ પાછું આવે તો કેમ પકડી ન શકે?
તે એક વિચિત્ર વિચાર હતો. રૂમમાં લોકો હેબતાઈ ગયા. બિલ રિલ નામનો એક ઈજનેર કહે છે, “જો બૂસ્ટર ટાવર પર પાછું આવીને તૂટી પડે છે, તો બહુ લાંબા સમય સુધી આગામી રોકેટ લોન્ચ વગર રહી જવાય તેમ હતું, પરંતુ અમે એના પર વિચાર કરવા સંમત થયા હતા.”
જેવો તેણે આ નિર્ણય લીધો કે તે સાથે જ ઈલોન મજાક-મસ્તીના મૂડમાં આવી ગયો. તે ‘ધ કરાટે કિડ’ ફિલ્મના એક દૃશ્યનો ઉલ્લેખ કરીને હસવા લાગ્યો. ફિલ્મમાં કરાટે માસ્ટર મિયાગી એક માખીને પકડવા માટે ચૉપસ્ટિકનો ઉપયોગ કરે છે. ઈલોને કહ્યું હતું કે ટાવરની ભૂજાઓને ચૉપસ્ટિક્સ કહેવામાં આવશે, અને તેણે આખા ટાવરને “મેકાઝિલા” નામ આપ્યું હતું. તે ગોડઝિલા ફિલ્મ પરથી હતું.
તેણે એક ટ્વીટ મારફતે ખુશી વ્યક્ત કરી : “અમે લોન્ચિંગ ટાવરની ભૂજામાં બૂસ્ટરને પકડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ!” એક ફોલોઅરે જ્યારે પૂછ્યું કે તેઓ શા માટે લેન્ડિંગ લેગ્સનો ઉપયોગ નથી કરતા, ત્યારે ઈલોને જવાબ આપ્યો હતો, “આમાં લેગ્સ ચોક્કસપણે કામ કરે, પણ કાયમ થતું હોય તેવું જ શા માટે કરવું જોઈએ!”
જુલાઈ 2021ના અંતમાં બુધવારે બપોરે, બોકા ચીકા લોન્ચ સાઇટ પર જંગમ ચૉપસ્ટિક ભૂજાઓ સાથે મેકાઝિલાનો અંતિમ ભાગ પૂરો કરવામાં આવ્યો. જ્યારે તેની ટીમે તેને ઉપકરણનું એનિમેશન બતાવ્યું, ત્યારે ઈલોન ઉત્સાહિત થઈ ગયો. તેણે બૂમો પાડી, “જોરદાર! આને તો લાખો લોકો જોશે.” તેને ‘ધ કરાટે કિડ”માંથી બે મિનિટની ક્લિપ મળી અને તેણે તેને પોતાના આઇફોન પરથી ટ્વિટ કરી હતી. તેણે કહ્યું હતું, “સ્પેસએક્સ કંપની તેના રોબોટિક ચૉપસ્ટિક્સ વડે અત્યાર સુધીની સૌથી મોટી ઉડતી વસ્તુને પકડવાનો પ્રયાસ કરશે. સફળતાની બાંયધરી નથી, પરંતુ ઉત્સાહ છે!”
કટ ટુ 13 ઓક્ટોબર, 2024. તે દિવસે દુનિયાના કરોડો લોકોએ એ વીડિયો જોયો, જ્યારે સ્પેસએક્સનું રોકેટ હવામાં ઉડ્યું અને પછી પાછું નીચે ઉતરીને એ જ ટાવરની ભૂજાઓમાં એવી રીતે બેસી ગયું, જેવી રીતે તમારી હવાઈ દંડી શીશીમાં પાછી ગોઠવાઈ જાય.
મૂળ વાત છે પરંપરામાંથી હટીને વિચારવું. આજના સમયમાં જો તમારે સફળ થવું હોય અને કંઇક ખાસ કરવું હોય, તો તમારે કંઇક નવું વિચારવું જોઈએ. સપનું જોવું અને હાંસલ કરવાનો પ્રયાસ કરવો એ બે અલગ બાબતો છે. જો તમારે કંઇક અલગ કરવું હોય, તો તમારી પાસે નવા વિચારોનો ભંડાર હોવો જોઈએ.
વૈજ્ઞાનિકો માને છે કે આપણે મગજના માત્ર 10 ટકા ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. જો માનવ મગજની પૂરી તાકાતનો ઉપયોગ કરતાં આવડે, જો દરેક વ્યક્તિમાં કંઇક નવું કરવાની ભાવના હોય હોય, તો વિચાર કરો જીવન કેટલું શાનદાર બને!
આપણી વિચારવાની રીત આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, આપણે આપણી આસપાસના વાતાવરણમાંથી શું અને કેટલું ગ્રહણ કરીએ છીએ અને કઈ રીતે તેને આત્મસાત કરીએ છીએ તેનું પરિણામ આપણા વિચારોની ગુણવત્તામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, અલગ રીતે વિચારવું એટલે આપણી રચનાત્મક રીતે વિચારવાની ક્ષમતામાં વધારો કરવો તે. દરેક વ્યક્તિમાં વિચારવાની ક્ષમતા હોય છે, પણ જે અલગ વિચારે છે તે અન્ય લોકોથી પડે છે. માનવ જાતિનો વિકાસ તેની રચનાત્મક વિચારસરણીમાં આવ્યો છે.
આપણે જ્યારે જંગલમાં રહેતા હતા, ત્યારે ખોરાક શોધવા માટે દૂર દૂર જવું પડતું હતું, અને ઘણી વાર એક-બે દિવસ પછી ખોરાક ઉપલબ્ધ થતો હતો. પછી ધીમે ધીમે મનુષ્યો જ્યાં ફળો અને શાકભાજી હતાં ત્યાં સ્થાયી થવા લાગ્યા. એમાં તેમને બીજી વસ્તુઓ વિશે વિચારવાનો સમય મળ્યો.
તેમાંના કેટલાક એવા મનુષ્યો હતા જેઓ વધારે વિચારતા ન હતા. સૌથી વિચારશીલ વ્યક્તિને તે સમયનો આગેવાન કહેવામાં આવતો હતો. કારણ કે પોતાના વિચારોની શક્તિથી તે આગ લગાડવા, માંસ કાપવા માટેનાં હથિયાર બનાવવા, વરસાદમાં પોતાનાં ઝૂંપડાંને પાણીથી બચાવવા જેવા નવા ચમત્કારો કરતા હતા, અને બાકીના લોકો તેમનું જોઈ જોઇને નકલ કરતા હતા.
તેવા આગેવાનો તે સમયના સેલિબ્રિટીઓ હતા, પરંતુ આજે તેમના એ ચમત્કારો આખી દુનિયા કરે છે એટલે તેનું મહત્ત્વ રહ્યું નથી. આજે ઈલોન મસ્ક સેલિબ્રિટી છે કારણ તે જે કરે છે તેવું કોઈ નથી કરતું. કદાચ આજથી સો-બસો વર્ષ પછી આખી દુનિયા રોકેટમાં બેસીને એવી રીતે સ્પેસમાં જતી હશે, જેવી રીતે આપણે વિમાનમાં બેસીને દિલ્હી કે ડેનવર જઈએ છીએ. આને રચનાત્મક વિચાર કહે છે.
(પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”, “ગુજરાત મેઈલ”; 20 ઑક્ટોબર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર