ધર્મ સ્થપાય છે ત્યારે તેનું સત્ય જુદું હોય છે. માનવસ્વભાવના પાપે ધર્મો શ્રદ્ધા અને સાધનાના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. તેને કટ્ટર અને અંધ ભક્તોના મોટા સમૂહનો ટેકો પણ મળે છે. સડો વધી જાય પછી એ જ માનવસ્વભાવના પુણ્યે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે ધર્મોમાં દેખાય છે.
યાદ રાખીએ કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી
‘મહારાજ’ ફિલ્મના વિવાદોના જામેલા માહોલમાં એક નવલકથા વિષે લખવાનું મન થાય છે – ‘દા વિન્ચી કોડ’.
આપણે જાણીએ છીએ કે સૌરભ શાહની ‘મહારાજ’ નવલકથાના મૂળમાં પત્રકાર કરસનદાસ મૂળજી પર જદુનાથ મહારાજે કરેલા કેસ અને એના ઔતિહાસિક ચુકાદાની વાત એટલે કે એક સત્યઘટના છે. ડેન બ્રાઉનની ‘દા વિન્ચી કોડ’માં ખ્રિસ્તી ધર્મનાં ઐતિહાસિક સત્યો વણાયાં હોવા છતાં તેનો ઘટનાક્રમ પૂર્ણપણે કાલ્પનિક છે. એટલે એ રીતે બંનેને સરખાવી ન શકાય, પણ મદોન્મત્ત ધર્મસત્તાધીશોની દુષ્ટતા સામે બંનેએ પોતપોતાની રીતે લાલ આંખ કરી છે એટલું નોંધવું જોઈએ.
‘દા વિન્ચી કોડ’(2003)ના લેખક પર ઇતિહાસ અને ધર્મ સાથે ચેડાં કર્યાનો આક્ષેપ હોવા છતાં ત્રણ વર્ષ પછી તેના પરથી ફિલ્મ બની અને જબરો વકરો કમાઈ. છ વર્ષમાં વિશ્વની 44 ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને 12 વર્ષમાં કુલ 80 મિલિયન નકલો વેચાઈ. તેના મુખ્ય પાત્રને ફરી લઇ લેખકે બીજી બે નવલકથાઓ લખી, ‘એન્જલ્સ એન્ડ ડેમન્સ’ (2009) અને ‘ઇન્ફર્નો’ (2016). એના પરથી પણ ફિલ્મો બની.
પેરિસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં, તેના જૈફ સંરક્ષક સોનિયેરના ખૂનની ઘટનાથી ‘દા વિન્ચી કોડ’ નવલકથા શરૂ થાય છે. ખૂની સિલાસ એક ધર્માંધ, કટ્ટર ખ્રિસ્તી છે. પોતાને અમાનુષી શારીરિક કષ્ટ આપતો રહે છે અને રહસ્યમય ‘ટીચર’ના હુકમથી હોલી ગ્રેઇલ માટે હત્યાઓ કરે છે. હોલી ગ્રેઇલ એટલે ગુપ્ત શક્તિઓ ધરાવતું પથ્થરનું પાત્ર. શિષ્યો સાથે લીધેલા છેલ્લા ભોજન વખતે ઇસુએ આ પાત્ર વાપર્યુ હતું અને ક્રૂસારોહણ પછી ઇસુનું લોહી એમાં ઝીલવામાં આવ્યું હતું.
સિલાસને ખોટી માહિતી આપી મરતાં પહેલા સોનિયેર પોતાને પ્રસિદ્ધ ચિત્રકાર અને માનવશરીર-રચનાના અભ્યાસી લિયોનાર્દો દ વિન્ચીના ‘વિટ્રુવિયન મેન’ના આકારે ગોઠવે છે, શરીર પર લોહીથી પંચકોણ તારો દોરે છે અને સાંકેતિક સંદેશ મૂકે છે. ફ્રેંચ પોલીસને અમેરિકાના પ્રોફેસર રોબર્ટ લેન્ગડન પર શંકા છે. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસી લેન્ગડન અત્યારે પેરિસમાં વ્યાખ્યાનો આપવા આવ્યો છે. વ્યાખ્યાનોમાં કહે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે નારીપૂજા થતી, એને બંધ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર, અત્યાચાર અને કત્લેઆમ થયાં, અંતે ધર્મનું રૂપ બદલાયું, નવા પ્રવાહે જૂનાં પ્રતીકો અને તથ્યોને ‘શેતાની’ ગણાવ્યાં – જેમ કે પાંચ બાજુઓવાળો તારો શેતાનનું પ્રતીક મનાય છે, પણ ખરેખર તો એ નારીપૂજાનું પ્રતીક છે વગેરે. પોલીસ અધિકારી સોનિયેરના સંદેશા ઉકેલવાને બહાને લેન્ગડનને ઘટનાસ્થળે લઇ આવે છે અને એના પર નજર રાખે છે. સોફી નેવ્યુ નામની ક્રિપ્ટોગ્રાફર (સંકેત-વિજ્ઞાન જાણનાર) લેન્ગડનને ત્યાંથી ભાગવા પ્રેરે છે. સોફી મરનાર સોનિયેરની પૌત્રી છે – દાદા સાથે ઘણા વખતથી સંપર્કમાં નહોતી, પણ દાદાએ જે સંકેત-સંદેશ તેના માટે મૂક્યો હતો, તેમાં લેન્ગડનનો ઉલ્લેખ હતો, તેથી લેન્ગડનને છોડાવવામાં તેને રસ હતો.
સોફી અને લેન્ગડન સોનિયેરના સંકેત મુજબ એક અજબ બેન્કના વૉલ્ટમાંથી એક નળાકાર ક્રિપ્ટેક્સ મેળવે છે – ક્રિપ્ટેક્સ એટલે ખાસ પ્રકારનું બૉક્સ, જેમાં ગુપ્ત દસ્તાવેજો છુપાવી શકાય. પાસવર્ડથી એ ખૂલે, પણ જોર કરીને ખોલવા જાઓ તો અંદરનો વિનેગર લીક થઈ દસ્તાવેજોનો નાશ કરે. નવલકથા કહે છે કે આ ક્રિપ્ટેક્સ પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીની શોધ હતી.
પાસવર્ડ શોધવા બંને ટિબિંગની મદદ લે છે. ટિબિંગ એક તિહાસકાર છે, જેણે હોલી ગ્રેઈલ વિષે ખૂબ સંશોધન કર્યું છે. એ કહે છે કે ખ્રિસ્તી ધર્મના ભૂંસી નાખવામાં આવેલા તબક્કાનાં રહસ્યોના દસ્તાવેજો બ્રિટનમાં ક્યાંક છુપાવાયા છે. લિયોનાર્દો દ વિન્ચી આ રહસ્યો જાણતો અને પોતાનાં ચિત્રોમાં એના સંકેતો મૂકતો. આ સંકેતો પાછળથી નવા રંગ લગાડીને છુપાવી દેવાયા હતા. ‘મોનાલીસા’, ‘મેડોના ઓન ધ રોક્સ’ અને ‘ધ લાસ્ટ સપર’માં આવી ગુપ્ત સાબિતીઓ છે. ટિબિંગ કહે છે કે હોલી ગ્રેઇલનો ખરો અર્થ પવિત્ર નારીત્વ એવો છે અને એ મેરી મેગ્ડલિન છે. ‘ધ લાસ્ટ સપર’ ચિત્રમાં વિન્ચીએ મેરીને બતાવી છે. મેરી ઇસુની પત્ની હતી, ક્રૂસારોહણ વખતે હાજર હતી અને ખિસ્તી ધર્મના પ્રારંભકાળનું બહુ સશક્ત વ્યક્તિત્વ હતી. પાછળથી એને ઇસુની વેશ્યા શિષ્યા ખપાવી દેવામાં આવી હતી. ઇસુ અને મેરીના વંશજો હજી આ પૃથ્વી પર હયાત છે.
સિલાસથી બચવા ત્રણે ટિબિંગના પ્રાઇવેટ વિમાનમાં ભાગે છે. ક્રિપ્ટેક્સ ખૂલે છે, પણ એમાંથી બીજું ક્રિપ્ટેક્સ નીકળે છે જેને ખોલવા તેમને ન્યૂટનની કબર છે તે વિન્સમિન્સટર ચર્ચ, લંડનમાં જવાનું છે. વિમાનમાં સોફી કહે છે કે તેણે દાદાને એક વિચિત્ર ક્રિયાકાંડમાં એક સ્ત્રી સાથે જોયા હતા તેથી તે એમને છોડી ગઈ હતી, ત્યારે લેન્ગડન કહે છે કે એ એક પવિત્ર વિધિ હતો.
વિન્સમિન્સટર ચર્ચમાં પણ સિલાસ પહોંચે છે. ત્યાં ખબર પડે છે કે ‘ટીચર’ એ બીજું કોઈ નહીં, ટિબિંગ જ છે. તેને હોલી ગ્રેઇલ અને બીજી સાબિતીઓ વડે વેટિકન(કેથલિક હેડક્વાર્ટર)ને કબજે કરવું છે. દરમ્યાન ફ્રેંચ પોલીસ અધિકારી આવી પહોંચે છે, અથડામણમાં સિલાસ માર્યો જાય છે.
બીજા ક્રિપ્ટેક્સના સંદેશ મુજબ સોફી અને લેન્ગડન રોઝલિન દેવળમાં જાય છે. ત્યાં સોફીને તેનો મૃત મનાતો ભાઈ અને દાદી મળે છે. દાદી ચર્ચની અધિષ્ઠાતા છે અને તે સોફી અને તેના ભાઈને કહે છે કે તમે બંને ઈસુના વંશજો છો. સલામતી ખાતર તમારી ઓળખ છુપાવવામાં આવી હતી. ત્રીજા સંદેશનો અર્થ એ નીકળે છે કે હોલી ગ્રેઇલ લૂવ્ર મ્યુઝિયમના પિરામિડ નીચે દફન છે. લેન્ગડનને ત્યાં મેરી મેગ્ડલિનની પથ્થરની કબર મળે છે … વાર્તાની આ રૂપરેખા ખબર હોય તો પણ શૈલી અને સુંદર વર્ણનોને લીધે ‘દા વિન્ચી કોડ’ અશ્વિની ભટ્ટની નવલકથાઓની જેમ જકડી રાખે છે. વિન્ચીનાં ચિત્રો અને ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસનો ઈન્ટરનેટ પરથી તાળો મેળવતાં જવાની જુદી મઝા આવે છે.
દરેક ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં પણ વિરોધ અને વિદ્રોહ બંને રહ્યા છે. એનો લોહિયાળ ઇતિહાસ ઈસ્વીસનના પહેલા 500 વર્ષના રોમન સામ્રાજ્યકાળ સુધી લંબાય છે. હાર્વર્ડ સ્કૉલર કારેન કિંગનું સંશોધન કહે છે કે ઇસુ સ્ત્રીઓનો આદર કરતા અને સ્ત્રી-પુરુષ સંબંધને પવિત્ર ગણતા. ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે સ્ત્રીઓ આગળપડતી હતી. પછીથી તેમને દબાવી દેવામાં આવી. ન દબાઈ તેવી લાખો સ્ત્રીઓને ડાકણ ગણાવી ખતમ કરવામાં આવી. વિશ્વ પુરુષનું છે, ધર્મ પુરુષનો છે ને બંને જગ્યાએ સ્ત્રીનું સ્થાન ઉતરતું છે એ ઠોકી બેસાડવામાં આવ્યું. 1895માં આવા લેખોનું એક પુસ્તક બહાર પડ્યું હતું, ‘ધ વુમન્સ બાઇબલ’. સોળમી સદીમાં સૂર્યમાળાઓ વિષે સંશોધન કરનાર ગિયોનાર્દો બ્રુનોને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનું ખંડન કરવાનો આક્ષેપ મૂકી જીવતો બાળી મૂકવામાં આવ્યો હતો. 18મી સદીની ક્રાંતિઓ દરમ્યાન વૉલ્ટેર, રુસો, થોમસ પેઈન જેવા અનેક મોટાં માથાંઓએ તત્કાલીન ખ્રિસ્તી ધર્મની આલોચના કરી હતી. ત્યાર પછી આવેલા લિબરાલિઝમ અને કોમ્યુનિઝમના દેવતાઓ કાર્લ માર્કસ, જોન સ્ટુઅર્ટ મિલ્સ, નિત્ઝે વગેરેએ પણ ખ્રિસ્તી ધર્મને જૂનવાણી, બિનલોકશાહી અને એક પ્રકારની ગુલામીને ઉત્તેજન આપનાર કહ્યો હતો.
ધર્મ સ્થપાય તો છે સત્યના પાયા પર. પણ માનવસ્વભાવના પાપે અને કટ્ટર અંધભક્તોના મોટા સમૂહના ટેકે ઝડપથી ધર્મો સત્યના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. એક હદ પછી એ જ માનવસ્વભાવના પુણ્યે અને જાગૃત બુદ્ધિનિષ્ઠ શ્રદ્ધાળુઓની મહેનત વડે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે જગતના બધા ધર્મોમાં દેખાય છે.
આપણે તો એટલું યાદ રાખવાનું કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જૂન 2024