અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે

ચિરંતના ભટ્ટ
કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘એક દેશ એક ચૂંટણી’ને મંજૂરી આપી છે. દેશમાં બધી જ ચૂંટણી એક સાથે યોજાય તે માટે ભા.જ.પા.ની કવાયત બહુ લાંબા સમયથી ચાલતી હતી અને આખરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિના સૂચનોને સ્વીકારી લેવાયા. કેન્દ્ર સરકારનો દાવો છે કે આમ થશે તો ચૂંટણીની આખી પ્રક્રિયા, પરિણામ તમામમાં મોટા સુધારા આવશે. નરેન્દ્ર મોદીની સરકારને 100 દિવસ પૂરા થયા અને તેને ચિન્હિત કરવાના આશયથી 100 દિવસ પછીની પહેલી કેબિનેટમાં આ નિર્ણય લેવાયો. આ નિર્ણય પાછળની મહત્ત્વાકાંક્ષા અને તેની સારી માઠી અસરોને નાણવી અનિવાર્ય છે.
1951થી 1967 સુધી આખા દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થતી હતી. પહેલીવાર એ ક્રમ ત્યારે તૂટ્યો જ્યારે કેરળમાં વર્ષ 1957ની ચૂંટણીમાં ઇ.એમ.એસ. નંબૂદરીપાદની ડાબેરી સરકાર બની. જો કે ત્યારે આ સરકારને તત્કાલિન સરકારે કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન અમલમાં મૂકીને રદ્દ કરી, હટાવી અને પછી 1960માં કેરળમાં ફરી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. એ પછી 1999માં લૉ કમિશનના અહેવાલમાં ફરીવાર એ સૂચન કરાયું કે આખા દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઇએ જેથી વિકાસની કામગીરી પણ એક સાથે થાય. ત્યારે એવો તર્ક કરાયો હતો કે ચૂંટણી એક સાથે થાય તો અધધધ ખર્ચો ન થાય વગેરે અને પછી એ વાત ફરી નેવે મુકાઈ ગઇ.
ભા.જ.પા. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી તો લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની તરફેણ કરી રહ્યા હતા, 2019માં પણ આ ચર્ચા છેડાઇ હતી. ભા.જ.પા. સરકાર પણ 1999ના અહેવાલમાં જે કારણો અપાયા હતા તેને જ આગળ કરે છે. તેમના મતે ભારતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે, અલગ અલગ તબક્કામાં યોજાતી આવી છે જેને કારણે વિકાસના કાર્યો ખોટકાય છે, વહીવટી કામો પર અસર પડે છે કારણ કે સરકારી કર્મચારીઓ ચૂંટણીની ડ્યૂટી પર હોય છે. આ બધાં કારણોને ગણતરીમાં લઇને જો ચૂંટણી એક સાથે થાય તો સમય અને પૈસા બન્નેની બચત થાય. મતદારોની સંખ્યા વધે કારણ કે વારેવારે અલગ અલગ ચૂંટણી માટે મત આપવા નહીં જવાનું હોય તો લોકો મત આપવામાં રસ લેશે. વળી એક દેશ એક ચૂંટણીની વ્યવસ્થામાં પ્રશાસન અને સુરક્ષા દળોની કામગીરી એક જ વારમાં પૂરી થઇ જશે, દર થોડા વખતે આખું તંત્ર એ દિશામાં દોડતું નહીં થાય. આ તો સત્તાપક્ષની પોતાની ધારણા છે, પણ ભારતમાં એવું તે છે નહીં કે કેન્દ્રમાં ભા.જ.પા.ની સત્તા હોય તો બધા જ રાજ્યોમાં પણ ભા.જ.પા.ની જ સરકાર હોય – આવા સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચૂંટણી ટાણે સુમેળ સાધવો અઘરો જ હોય તે સ્વાભાવિક છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે ઘર્ષણ થાય એને ખાતર પણ વ્યવહારિક રીતે એક દેશ એક ચૂંટણીનો વિચાર યોગ્ય નથી. સીધી વાત છે કે ધારો કે અચાનક જ એક દેશ એક ચૂંટણી જાહેર થઇ જાય તો જે રાજ્યોમાં બીજા પક્ષની સરકાર હોય ત્યાંની વિધાનસભા ભંગ કરવી પડે અને અશાંત સંજોગો ન હોય તો પછી કેન્દ્ર ચૂંટણી ખાતર વિધાનસભા ભંગ ન કરી શકે. વળી એક સાથે ચૂંટણી થાય તો જ્યાં જ્યાં બીજા પક્ષોની વિધાનસભા હોય એ ભંગ થઇ જાય. કોઇપણ રાજ્યની વિધાનસભાને નક્કર કારણ વગર કાર્યકાર પહેલાં જ ભંગ કરાય તો બંધારણ કી ઐસી તૈસી કરી નાખી હોય એવી સ્થિતિ ખડી થાય. વગર કારણ બંધારણીય સંકટ ઊભું ન કરવું જોઇએ. વળી બધી ચૂંટણી એક સાથે વાળી સ્થિતિમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીનું શું થાય? – એ કામ તો રાજ્ય સ્તરના ચૂંટણી પંચનું છે જે કેન્દ્ર કરતાં તદ્દન જુદું પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અધિકારોને લઇને ચોક્કસ વિવાદ થાય. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના સો દિવસની અંદર જ આ ચૂંટણીઓ કરાવવાનો પ્રસ્તાવ કરાયો છે.
ચૂંટણી એક સાથે કરવા માટે ઘણાબધા ફેરફાર કરવા પડે તે સ્વાભાવિક છે. ધારો કે લોકસભાની ચૂંટણી થઇ જાય પછી અઢી વર્ષે – બરાબર મધ્યકાળે કેન્દ્ર સરકાર પહોંચી હોય ત્યારે જો રાજ્યમાં ચૂંટણી થાય તો લોકો પોતાની નારાજગી કે હરખ બન્ને મત આપીને દર્શાવી શકે અને જો રાજ્ય સરકાર – વિધાનસભામાં નવો પક્ષ આવે તો તેમણે પાંચ વર્ષ નહીં પણ જેટલી ટર્મ બાકી હોય એટલો સમય જ રાજ્ય કરવાનું અને પછી ફરી ચૂંટણીનો મોકો મળે. પાંચ વર્ષ સુધી એક જ સત્તા રાજ્ય સ્તરે પણ બેઠેલી રહે અને લોકોમાં અસંતોષ ફેલાય તો અરાજકતા સર્જાઈ શકે છે. ગમે ત્યારે કોઇપણ સરકાર ભંગ થાય તો આખો દેશ ફરી ચૂંટણી લડવા બેસશે? આપણે ત્યાં ચૂંટણી યોજવા માટેની તકનિકી મશીનરીમાં જો અત્યારે પણ મર્યાદા નડતી હોય તો એક સાથે ચૂંટણી થાય ત્યારે પણ એ નડવાની જ. મશીન, પ્રિસાઇડિંગ ઑફિસર, સુરક્ષા દળો બધું જ મોટી સંખ્યામાં હોય તો જ આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે.
મોદી સમર્થકો અને નરેન્દ્ર મોદી પોતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવું ઇચ્છે છે કારણ કે તેમના મતે ‘મોદી લહેર’ના ફાયદો રાજ્ય સ્તરે મેળવી શકાશે. વિરોધપક્ષોને તેની જ ચિંતા છે કે જો આવું થયું તો ભા.જ.પા. વગર કારણનો લાભ ખાટી જશે. વળી એક સાથે ચૂંટણી થાય તો લોકો રાજ્યોના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પ્રશ્નોને મહત્તા આપે અને આવામાં રાજકીય સ્તરનો વહીવટ ખાડે જાય. વળી લોકશાહીની ચિંતા કર્યા વિના એક દેશ એક ચૂંટણીના મુદ્દાની ચર્ચા થઇ જ ન શકે. મતદારોને પોતાના અણગમા, અસંતોષ, રોષ બધું જ દર્શાવવા માટેની નિયમિત તક મળે એ જરૂરી છે. એક વાર સરકાર આવી ગઇ પછી જો પાંચ વર્ષ ચૂપચાપ એ જ સરકારને ચલાવી લેવાની હોય અને પછી સત્તાના મદમાં સરકાર નાગરિકોનું હિત નેવે મૂકે તો જનતા બિચારી ક્યાં જાય? લોકશાહીના રક્ષણ કાજે પણ બહુ વિચારીને જ આ ફેરફાર કરવા જોઇએ નહીંતર પછી સત્તા સામે કોઇ ચું કે ચાં નહીં કરી શકે. પ્રાદેશિક પક્ષો એક દેશ, એક ચૂંટણીનાં પક્ષમાં નથી.
બંધારણીય ફેરફાર કરવા સહેલા નથી કારણ કે જે અમુક પક્ષને ઠીક લાગશે તે બીજાઓને અયોગ્ય લાગે એવી પૂરી શક્યતા છે એટલે બે સભાઓમાં બે તૃતિયાંશ બહુમતીની મંજૂરી મળવામાં લાંબો સમય લાગે. અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે. 2025માં દિલ્હી અને બિહાર બન્ને રાજ્યોમાં ચૂંટણી થવાની છે તો આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં રાજ્યોએ ચૂંટણી યોજવાનો વખત આવશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર જેવા રાજ્યોમાં 2027માં લોકસભાની ચૂંટણી થશે તો એક દેશે એક ચૂંટણીને પગલે તેમને માત્ર બે વર્ષ સુધી સત્તા કરવા મળશે અને પછી નવેસરથી ચૂંટણી કરવી પડશે. વળી હિમાચલ પ્રદેશ, મેધાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને તેલંગાણામાં વિધાનસભાની ટર્મ 2028માં પૂરી થવાની છે તો ચૂંટણી કર્યા વિના આ રાજ્યો વહીવટ ન કરી શકે તે પણ સ્વાભાવિક છે. આ સંજોગોમાં ભારતીય ચૂંટણી પંચ કઇ રીતે રાજ્યના ચૂંટણી પંચ સાથે તાલ બેસાડશે એ જોવું રહ્યું – આ બાબતોનું અમલીકરણ જટિલ છે.
બાય ધી વેઃ
મોટાભાગના પક્ષોનું માનવું છે કે એક દેશ એક ચૂંટણી જેવા વિચારનો લાભ ભા.જ.પા. અને કાઁગ્રેસ જેવા પક્ષોને વધારે મળે જ્યારે નાના પક્ષો માટે એક સાથે રાજ્યોમાં, સ્થાનિક સ્તરે અને લોકસભા માટેનો પ્રચાર કરવાનું મુશ્કેલ થઇ જશે. બંધારણનો અભ્યાસ કરીને ફેરફારનું સૂચન કરવું એક બાબત છે પણ તે લાગુ થાય એ માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે કારણ કે આખરે આ બંધારણમાં ફેરબદલ કરવાની વાત છે. વળી ભલે કેન્દ્ર સરકાર ખર્ચો ઘટાડવાની વાત કરે છે પણ ચૂંટણી પંચે 2024માં જો એક સાથે ચૂંટણી થાય તો 5,100 કરોડનો વધારાનો ખર્ચ થાય તેવો સંકેત આપ્યો હતો. 2029માં એક દેશ એક ચૂંટણીને નાતે 8,000 કરોડે આ ખર્ચ પહોંચી શકે છે. જો કે લોકશાહીમાં લોકોની ઇચ્છા વિના કંઇ ન થઇ શકે. અહીં ચૂંટણી ખર્ચ કરતાં તેમાં પારદર્શિતા અને ન્યાયી પદ્ધતિ વધુ અગત્યની બાબતો છે. મતદાર પર પાંચ વર્ષ સરકાર બેસાડી દેવી અને તેમને પોતાનો અસંતોષ રજૂ કરવાની તક ન મળે તો એ લોકશાહીની વિરુદ્ધ છે. વિદેશમાં તો રાજ્ય સ્તરે મતદારો ચૂંટાયેલી સરકાર પાછી ખેંચી લેવાની માંગ કરી શકે છે પણ શું આપણા સત્તાધીશ આવી લોકશાહી સાંખી શકશે? અરે હા, જ્યાં ભા.જ.પા.ની સરકાર છે એવા રાજ્યોના મુખ્ય મંત્રી પણ પોતાની વિધાનસભા ટર્મ પહેલાં ભંગ કરવા નથી માગતા ત્યારે સવાલ એ છે કે ભા.જ.પા. આ મુદ્દે પોતાના જ બધા સભ્યોને સંમત નથી કરી શકી તો બીજા પક્ષોને આ વાત કેવી રીતે મનાવશે?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024