Opinion Magazine
Number of visits: 9448982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તીર પર કૈસે રુકું મૈં, આજ લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2024

પ્રકાશ ન. શાહ

બાંગ્લાદેશના છાત્રયુવા ઉઠાવે આૅગસ્ટ ૨૦૨૪ના પહેલા અઠવાડિયામાં લોકશાહી સત્તાપરિવર્તન માટેના આંદોલનનું કંઈક રૂપ લીધું, એની પિછવાઈ પર પચાસ વરસ પાછળ જઈ નવનિર્માણ આંદોલન વિશે ને મિશે બે-એક વાતો કરવા કલમ ઉપાડું છું, ત્યારે ફેબ્રુઆરી ૧૯૭૪માં ગુજરાત યુનિવર્સિટીના આૅપન ઍર થિયેટરમાં વિશાળ વિદ્યાર્થી મેદનીને સંબોધતા જયપ્રકાશ નારાયણને સાંભળું છું, હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ દોહરાવતા  : 

‘તીર પર કૈસે રુકું મૈં, 

આજ લહરોં મેં નિમંત્રણ.’ 

છાત્રયુવા નિમંત્રણ અને અલબત્ત, રવિશંકર મહારાજનો આદેશ, જયપ્રકાશ ગુજરાત પહોંચ્યા છે, એમાં એક ઇતિહાસન્યાય છે. જયપ્રકાશને સારુ એક રાષ્ટ્રીય નેતાને નાતે ગુજરાત આવવાની નવાઈ નહોતી, પણ આ મુલાકાત પૂંઠે કેમ જાણે ઇતિહાસન્યાય અને ઇતિહાસ સંકેત વરતાય છે. જયપ્રકાશ સન બેતાળીસના વીરનાયક હતા અને જ્યારે આકરા જેલવાસમાંથી બહાર આવ્યા ત્યારે કવિ દિનકરે એમને ‘જયપ્રકાશ હૈ નામ આતુર હઠી જવાની કા’ કહીને બિરદાવ્યા હતા. નહેરુ અને પટેલ બેસતે સ્વરાજે રાજ્યબાંધણીમાં પરોવાયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ તરીકે ગાંધીજીને સૂઝી રહેલાં નામો જયપ્રકાશ અને આચાર્ય નરેન્દ્ર દેવનાં હતાં. આ કદ ને કાઠી ૧૯૪૭માં, આખી પિસ્તાળીસની વયે જયપ્રકાશનાં હતાં. આજે એક અર્થમાં સંવતપલટાની ક્ષણ તે ૧૯૪૭ની ૧૦મી આૅગસ્ટે એટલે કે સ્વરાજ આગમચ બરાબર પાંચ દિવસ પહેલાં ૧૯૪૨ના શહીદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા સારુ મુદ્દામ જયપ્રકાશને તેડવાના યુવા ગુજરાતના આગ્રહી સંકલ્પમાં વરતાય છે. સ્થાપિત નેતૃત્વની પ્રથમ પસંદગી નહીં એવું આ કંઈક બગાવતી નિમંત્રણ છે. બરાબર સત્તાવીસ વરસે, ૧૯૭૪માં, યુવા ગુજરાત એમને વળી બરકે છે. 

મામલો શું છે? ૧૯૭૩ની વીસની ડિસેમ્બરે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ હોસ્ટેલમાં ફૂડબિલના વધારા સાથે વિદ્યાર્થીઓનો વિરોધવિસ્ફોટ થાય છે. આ વધારો ખાસો વીસ ટકાનો છે. મારા અર્થશાસ્ત્રના અધ્યાપક જિતેન્દ્ર ધોળકિયાએ એ ગાળાના જુદી-જુદી હોસ્ટેલોના ફૂડબિલ વધારાનો એક સરવે કરી તારણ કાઢ્યું હતું કે, ૬૨ ટકા જેટલા હોસ્ટેલવાસીઓ માટે રોજના એક ટંકનું ભોજન છોડી દેવાની નોબત આવી હતી. તો ૧૭ ટકાએ પૂરું માસિક બિલ ભરવા માટે દેવું કરવું પડ્યું હતું. 

મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વ સાથે જુદાં-જુદાં કૉલેજ મંડળોના પ્રતિનિધિઓ એકત્ર આવ્યા. બધાં નામ સંભારતો નથી, પણ આ લખતી વેળા સહજ સાંભરતાં નામો ઉમાકાંત માંકડ, મૂકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિનાં છે. સુરતમાં ભગીરથ દેસાઈની યુવા પ્રવૃત્તિ વળી જુદી તરેહની છે. નવસારીમાં કેરસી દેવુ છે. સૌરાષ્ટ્રમાં રચાયેલી સંખ્યાબંધ નવનિર્માણ સમિતિઓને મનીષીના નેતૃત્વ નીચેની અમદાવાદની સમિતિ સાથે સાંકળી આંદોલનનું પડ ગાજતું રાખનાર અનામિક શાહના નામની પણ નોંધ લેવી જાઈએ. 

હમણાં નવનિર્માણ સમિતિ રચાયાનો ઉલ્લેખ કર્યો. આ નામ સૂચવનાર સાંસદ પુરુષોત્તમ માવળંકર હતા. આંદોલનને સતત સથવારો રાજ્યસભાના સભ્ય કવિ ઉમાશંકર જાશીનોયે રહ્યો. 

માવળંકર અને ઉમાશંકરનાં નામ મેં એક વિગત તરીકે માત્ર નહીં, પરંતુ સાભિપ્રાય લીધાં છે. ગુજરાતમાં જે પરિવર્તનની હવા બની, એમાં એ બંને ઇતિહાસનિમિત્ત હતા. માવળંકર, અનન્ય આંદોલનપુરુષ ઇન્દુલાલ યાજ્ઞિકના નિધન પછીની પેટાચૂંટણીમાં અમદાવાદથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 

લાંબા ટાંચણમાં નહીં જતાં એટલું જ સંભારું કે ૧૯૫૭માં ઇન્દુલાલ મહાગુજરાત આંદોલનનાં મોજાં પર સવાર થઈને લોકસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે પહોંચ્યા, તે પછી ૧૯૬૨, ૧૯૬૭ એમ સતત ચૂંટાતા રહ્યા હતા. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ જે નઈ રોશની મધ્યસત્ર ચૂંટણી નાખી ત્યારે એમણે અપક્ષ ઉમેદવાર તરીકે કાઁગ્રેસના નિશાન પર લડવાનો નિર્ણય લીધો હતો. કાઁગ્રેસના ભાગલા સાથે ઇન્દિરા ગાંધીને નવપરિવર્તનના બળ તરીકે જોવાનું એક વ્યાપક માનસ બનતું આવતું હતું. તેને વશ વરતીને ઇન્દુલાલે આ રસ્તો લીધો હતો. હકીકતે, ૧૯૬૯ના ભાગલા પછી એક તબક્કે માવળંકર, ઉમાશંકર સહિત બૌદ્ધિકોના મોટા વર્ગને આવી આશા જાગી હતી. માત્ર, ભોગીલાલ ગાંધી અને આ લખનાર જેવી નાની મંડળી ઇન્દિરા ગાંધી પરત્વે એમની પેઠે આશ્વસ્ત અને આશાવાદી નહોતી. જ્યારે ઇન્દુલાલ ગયા ત્યારે કાઁગ્રેસ પક્ષે વિચારેલાં નામોમાં ઉમાશંકરનું પણ હતું. જો કે, જેમ માવળંકર ઇન્દિરાઈ પરત્વે પ્રગટ પુનર્વિચારમાં જણાવા લાગ્યા હતા, તેમ ઉમાશંકર પરત્વે પણ એવા ઇંગિત વરતાવા લાગ્યા હતા. ગમે તેમ પણ, ગુજરાતનાં વિપક્ષ-અપક્ષ સંગઠનો અને છાત્રયુવા સક્રિય મત માવળંકર ફરતે ગઠિત થયો અને અમદાવાદથી એ લોકસભામાં પહોંચ્યા. ગુજરાતમાં બદલાઈ શકતી હવાનો બીજા એક સંકેત સાબરકાંઠાની પેટાચૂંટણીમાં સરદારનાં પુત્રી મણિબહેન લોકસભામાં સંસ્થા કાઁગ્રેસ તરફથી ચૂંટાઈ આવ્યાં એથીયે મળ્યો હતો.

નવનિર્માણ ઘટનામાં, આમ, પડકાર અને પરિવર્તનની છટપટાહટ હતી. ૧૯૭૧ની ચૂંટણીફતેહ અને બાંગ્લા ઘટના સાથે ઇન્દિરા ગાંધી અજેય અને અનન્ય જેવાં ઊભર્યાં હતાં, પણ એમના પક્ષની ગુજરાતમાં જે સખળડખળ દેખાતી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારના ઉમેદવારો મૂક્યા હતા, એને કારણે લોકમાનસ કંઈક પાછું ફરવા લાગ્યું હતું. ઘનશ્યામભાઈ ઓઝાને દિલ્હીએ અહીં મુખ્ય મંત્રી તરીકે મૂક્યા, એમાં લોકોને જૂની કાઁગ્રેસની સર્વોચ્ચ શાહી લાગી. જો કે, વ્યક્તિગત રીતે એ સ્વચ્છ પ્રતિભા ઘરાવતા હતા. ચીમનભાઈ પટેલે પક્ષના ધારાસભ્યોની બહુમતી પોતાની તરફે યેનકેન પ્રકારે ઊભી કરી. એમણે એ સૌને પંચવટી ફાર્મમાં એકત્ર કર્યા હતા. લોકજીભે એને ‘પ્રપંચવટી’ કરી નાખ્યું. આ અફરાતફરી વચ્ચે પેલી પરિવર્તનની આકાંક્ષા ભોંઠી પડી રહી હતી. 

જુલાઈ ૧૯૭૩માં ચીમનભાઈ મુખ્ય મંત્રી બન્યા અને ડિસેમ્બર ૧૯૭૩માં એલ.ડી. એન્જિનિયરિંગની ઘટના બની. એ જ અરસામાં મોરબી કાલેજમાં પણ વિદ્યાર્થી ઉદ્રેક, હિંસા, ગોળીબારની ઘટના બની. મોંઘવારીનું કારણ જનમાનસે ભ્રષ્ટાચારમાં જોયું. એટલે નવનિર્માણ આંદોલન થકી જે માનસ મોરચો ખૂલ્યો અને ભભૂક્યો એ મોંઘવારી જગવતા ભ્રષ્ટાચારના કર્તાહર્તા રાજકારણીઓ સામેનો બની રહ્યો. સત્તા કાઁગ્રેસનું એક જૂથ આંદોલન સાથે રહ્યું – શરૂઆતના તબક્કામાં. કાઁગ્રેસ પ્રમુખ ઝીણાભાઈ દરજીને ત્યારે વિદ્યાર્થીઓમાં ગાંધીજી દેખાયા. અધ્યાપક મંડળ પણ સાથે હતું. એટલે સાર્વત્રિક હડતાળનો દૌર પણ જારી હતો. જેવું આ આંદોલન આગળ વધ્યું કે કાઁગ્રેસનું એક જૂથ અને અધ્યાપક મંડળ ખસી ગયાં, પણ આંદોલને પોતાની ગતિ પ્રાપ્ત કરી લીધી હતી. દમનરાજે આ ગતિને ઓર ચાલના આપી. ધારાસભ્યોના રાજીનામાની (સમજાવટ ઉપરાંતનાયે તરીકા સહિત) ઝુંબેશ ચાલી અને ૧૯૭૪ની નવમી ફેબ્રુઆરીએ ચીમનભાઈનું રાજીનામું આવી પડ્યું.

પણ આંદોલને જે ગતિ અને વેગ, હિંસક ઉદ્રેક સમેત પક્ડ્યાં હતાં, તેની સામે કેવળ મુખ્ય મંત્રીનું જવું એ કોઈ જવાબ નહોતો. હવે વિધાનસભાનું વિસર્જન અને નવી ચૂંટણી સાર્વત્રિક માંગ બની ચૂકી હતી. મનીષી જાનીના નેતૃત્વ હેઠળના છાત્રયુવા આંદોલનને ૧૪ આૅગસ્ટ શ્રમજીવી સમિતિનું સક્રિય સમર્થન હતું. નાગરિક સમર્થન પણ વ્યાપક હતું. મને યાદ છે, રવિશંકર મહારાજ પાસે સર્વોદયી પહેલથી સૌ નાગરિકો એકત્ર થયા હતા. કેન્દ્ર સરકારે કે.સી. પંતને પરિસ્થિતિના તાગ સારુ મોકલ્યા હતા. એને માટેના આવેદનપત્ર પર કામ ચાલતું હતું. લખાણ તૈયાર થઈ ગયું અને પ્રતિનિધિ મંડળ પંતને મળવા નીકળતું હતું ત્યારે મહારાજે એને રોકીને ખરાઈ કરી કે પેલું વિસર્જનવાળું બરાબર આવી ગયું છે ને.

જે.પી. અને મહારાજના ઉલ્લેખ સાથે મારે જરી ફંટાવું જોઈએ. જયપ્રકાશ છાત્રયુવા અપીલ વશ અમદાવાદ પહોંચ્યા ત્યારે અગ્રતાક્રમે એમનું રોકાણ સ્વાભાવિક જ નવનિર્માણના મિત્રો સાથે હતું, પણ વળતે દિવસે (૧૩મી ફેબ્રુઆરીએ) એમણે ઘણા બધા કલાકો સર્વોદયમિત્રો સાથે ગાળ્યા. સંમેલનરૂપે અમે સૌ એમની હાજરીમાં મળ્યા. એમાં લોકોના રાજકારણનો (લોકનીતિ)નો નકશો એ એમનો મુખ્ય મુદ્દો હતો. આ મિલનમાં નાભિ-કામગીરી અમારે પક્ષે એટલે કે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનને પક્ષે હતી. મંદાકિની દવે કેન્દ્રનાં મુખ્ય કાર્યકર અને હું મંત્રી એવી રચના હતી. પરંપરાગત સર્વોદયના સંનિષ્ઠ મિત્રોને હજુ જયપ્રકાશનું નવપ્રયાણ પમાતું નહોતું ત્યારે અમારું કેન્દ્ર એ દિશામાં ઠીક આગળ વધી ગયું હતું. ભોગીલાલ ગાંધી આમ તો વડોદરા રહે, પણ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના કામે એમનો અમદાવાદનો આવરો-જાવરો સારો એટલે જે.પી.ની ગતિવિધિ ને વિચારરૂપ વિશે અમારી વચ્ચે આપ-લે અને સમજનો નાતો હતો. એટલે જયપ્રકાશને અહીં જે ‘પ્રકાશ’ દેખાયો કે રાજકીય પ્રથાને બહારથી પરિચાલિત કરી શકાય છે અને યુવાશક્તિ એનું બળ બની શકે છે, તે સમજી એમની સાથે જોડાઈ શકતું એક કાર્યજૂથ અહીં અનાયાસ બની આવ્યું હતું 

જે.પી.ને ગુજરાત તેડવાનો, ત્યારની પ્રચલિત પરિભાષામાં કહીએ તો જરૂર પડ્યે હાઇજૅક કરીને પણ લઈ આવવાનો જે નાદ યુવામિત્રોના મૂળમાં હતો તે એ ગાળામાં જયપ્રકાશે આપેલ એક સૂત્ર ‘યૂથ ફોર ડેમોક્રસી’ને કારણે હતો. પવનારમાં કુમાર પ્રશાંત (ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના વર્તમાન અધ્યક્ષ) અને બીજા તરુણો સાથે એમણે ચલાવેલ વિચારમંથનનું એ તારણ હતું. સ્થાપિત કાર્યકરો અને પ્રસ્થાપિત પક્ષોના વશની નહીં, એવી પરિવર્તનની વાત યુવા પરિબળ થકી કેમ શક્ય ન બને? ૧૯૬૮માં યુરોપ-અમેરિકાના યુનિવર્સિટી કેમ્પસોએ વિયેટનામ યુદ્ધ સહિતની સરકારી સંડોવણી સામે અવાજ ઉઠાવ્યો હતો. એનુંયે ઉદાહરણ સામે હતું. મને યાદ છે, ત્યારે માક્‌ર્સના વર્ગસંઘર્ષથી ઉફરાટે માર્કુઝને યાદ કરીને ચલણી બનેલો પ્રયોગ ‘વયસંઘર્ષ’ હતો. સ્થાપિતો સાથેની સોરાબ-રુસ્તમી થકી કંઈ નવું બની આવશે, એવી આશા, બલકે આકલન એની પૂંઠે જણાય છે. ‘યૂથ ફોર ડોમોક્રસી’ની જે.પી. અહાલેક અને નવનિર્માણનો ઉદ્રેક બંને વચ્ચે ઠીક સંધાનની શક્યતા હતી.

હિંસા ખાળવા અને યુવા માંગને સમર્થન આપવા મોરારજી દેસાઈએ અનશન કર્યા. તેને પગલે ૧૯૭૪ના માર્ચની ૧૫મી તારીખે વિધાનસભાનું વિસર્જન જાહેર થયું અને નિવનિર્માણ આંદોલન એક પ્રતિમાન સાથે પૂરું થયું. આ એંશી-પંચાસી દિવસનો ગાળો યુવાશક્તિને નામે જમા બોલે છે અને બોલતો રહેશે.

૧૫ માર્ચ, ૧૯૭૪ પછીના ગાળાને અનુલક્ષીને, એક અર્થમાં નવનિર્માણોત્તર તબક્કા બાબત અહીં ટૂંકી તો ટૂંકી, ઉતાવળે તો ઉતાવળે, પણ કંઈક નોંધ ને નુક્તેચીની કરવી રહે છે. વિસર્જન પછી ગુજરાતમાં ચૂંટણી યોજવા વિશે ઇન્દિરા સરકાર ઉદાસીન બલકે નહીં યોજવા સારુ આતુર પેશ આવતી રહી. આંદોલન સ્વાભાવિક જ ઓસરી ગયું હતું. જે.પી. સાથેના સંમેલનને પગલે અમે લોકસ્વરાજ આંદોલન રૂપે એક નાની શી જ્યોત જલતી રાખી શક્યા હતા અને તેના થકી બિહારના આંદોલન સાથે પણ એક ભાવાત્મક પારસ્પર્ય સધાતું રહ્યું હતું. બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં રેલી યોજાઈ ત્યારે ગુજરાતથી અમારી સાથે સામેલ થયેલાઓ પૈકી વડનગરના દાક્તર વસંત પરીખ પણ હતા. એમણે સૂત્ર પણ સોજું આપ્યું હતું. ‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ?’

બિહાર આંદોલને અગર તો એના વિકલ્પે થતા પ્રયોગ પ્રમાણે જે.પી. આંદોલનને ગુજરાતની નાની શી જલતી જ્યોતને ઠીક તેલ સીંચ્યું. લોકસ્વરાજ આંદોલનને પગલે દેશની બદલાતી હવાના મેળમાં પક્ષ-અપક્ષ અગ્રણીઓની લોકસંઘર્ષ સમિતિ શક્ય બની. ૨૨-૨૩ માર્ચ, ૧૯૭૫માં. એને આગલે અઠવાડિયે અમે લોકસ્વરાજ તરુણો, ૧૫મી માર્ચે રાજભવન પગપાળા કૂચ કરતા પહોંચ્યા. ત્યારે રાજ્યપાલ વિશ્વનાથનના સેક્રેટરી એ.ડી. જોષી(?) સામે મળ્યા. ‘શું આવ્યા છો?’ ‘વરસ થયું ને ચૂંટણી નથી થતી એ કહેવા.’ તો કહે, ‘તમારા સિવાય કોઈને યાદ પણ ક્યાં છે?’ નહીં કે નવનિર્માણ મિત્રો અગર વિપક્ષ સાથીઓને યાદ નહોતું. માત્ર, આંદોલન દેખીતું બુઝાયેલું હતું. લોકસંઘર્ષ સમિતિએ છેડેલું આંદોલન, મોરારજી દેસાઈનાં અનશન, લોકસંઘર્ષ સમિતિનો જનતા મોરચાનો ઠરાવ … કટોકટી હળવી થતાં રચાયેલ જનતા પાર્ટીનો પૂર્વાભાસ, એ બધું હવે ઇતિહાસવસ્તુ છે.

માત્ર, જે એક વાત સિદ્ધાંત તરીકે સ્થાપિત થઈ, ચૂંટાયેલ મંડળીના લોક-દાયિત્વની અને કાનૂની સાર્વભૌમ, એટલે કે સરકાર પર રાજકીય સાર્વભૌમ કહેતાં જનતાની સરસાઈની, એ એક મહ્‌દ લબ્ધિ લેખાશે અને તવારીખમાં યાદ રહેશે. બુઢ્ઢા જયપ્રકાશના દિલમાં જલતો આતશ અને એમના ઉરબાલ : આજ લહરોં મે નિમંત્રણ. 

પ્રગટ : વાર્ષિક વિશેષાંક “અભિયાન”; 31 ઑગસ્ટ 2024; પૃ. 31-32 તેમ જ 34

Loading

12 September 2024 Vipool Kalyani
← ભારતમાં ખેતીનું પૂર્ણ યાંત્રિકીકરણ ઈચ્છનીય નથી
મહાત્મા ગાંધી અને ઓસ્ટ્રેલિયા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved