
રમેશ ઓઝા
બનારસમાં અત્યારે માલવિય બ્રીજ તરીકે ઓળખાતો પુલ અંગ્રેજોએ ગંગા નદી પર ૧૮૮૭માં બાંધ્યો હતો. એ પુલ ૧૩૭ વરસ જૂનો છે અને હજુ ઉપયોગમાં છે. ૨૦૦૭માં પુલ ૧૨૦ વરસ જૂનો થયો ત્યારે હેવી વેહિકલ માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હળવાં વાહનો હજુ પણ તેનો ઉપયોગ કરે છે. એ પુલ એક કિલોમીટર લાંબો છે. ૧૩ વરસ પછી ૧૯૦૦ની સાલમાં અંગ્રેજ સરકારે આવો બીજો એક અને તેનાથી લગભગ ત્રણ ગણો લાંબો પુલ આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદી પર રાજામુન્દ્રી નજીક બાંધ્યો હતો જે હેવલોક બ્રીજ તરીકે ઓળખાય છે. ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીની સરકારે તેની બાજુમાં ચાર કિલોમીટર લાંબો નવો પુલ બાંધ્યો એ પછી હેવલોક બ્રીજને વાપરવાનું બંધ કરાયું હતું. આમ તો ૨૦૧૪ પહેલાં ભારતનો કોઈ વિકાસ થયો નહોતો, પરંતુ ઇન્દિરા ગાંધીએ ભૂલમાં ૧૯૭૪ની સાલમાં હેવલોક બ્રિજની બાજુમાં નવો પુલ બંધાવ્યો હતો જે હજુ પણ વપરાશમાં છે. ૧૮૮૭માં બાંધવામાં આવેલો બનારસનો પુલ અને ૧૯૦૦ની સાલમાં બાંધવામાં આવેલો ગોદાવરીનો પુલ ડબલ ડેકર પુલ છે. નીચે રેલવે માટે અને ઉપર વાહનો માટે.
અંગ્રેજોએ બનારસમાં ગંગા નદી પર આવો બેવડા ઉપયોગવાળો મજબૂત પુલ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે જોડી શકાય. હેવલોક બ્રીજ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને દક્ષિણ ભારત સાથે જોડી શકાય. આના દ્વારા માલસામાનની અને શ્રમિકોની યાતાયાત સહેલાઇથી થઈ શકે. ભારતમાંથી ઉત્પાદન માટે કાચો માલ ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય અને ત્યાં ઉત્પાદિત કરવામાં આવેલો માલ ભારતની બજારમાં વેચી શકાય. આ સિવાય ખનીજના ઉત્ખનન માટે, તેલ કાઢવા માટે, ચા અને કોફીના બગીચાઓ માટે મજૂરોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકાય. આમાં અંગ્રેજોનો સ્વાર્થ હતો, તેમણે કોઈ ભારત પર ઉપકાર નહોતો કર્યો. એ સમયે રળેલી સમૃદ્ધિ ઇંગ્લેંડ અને યુરોપના બીજા દેશો આજે પણ ભોગવે છે.
ભારતમાં અંગ્રેજોએ પોણા બસો વરસ સીધું રાજ કર્યું અને ભારત આઝાદ થયો એ પછી આટલાં વરસે પણ ભારતનાં કરેલાં શોષણના લાભ ઇંગ્લેંડ ભોગવી રહ્યું છે તો એ શેને કારણે? કારણ બહુ સ્પષ્ટ છે. તેમણે દેશહિતને ધ્યાનમાં રાખીને એટલે કે ઇંગ્લેંડના હિતને ધ્યાનમાં રાખીને ભારતમાં માળખાકીય વિકાસ કર્યો હતો. જેટલું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલો વધારે લાભ અને લાંબા સમય સુધીનો લાભ. પુલ બાંધો તો એવો બાંધો કે તેના પરથી રેલવે અને વાહન બન્ને પસાર થઈ શકે અને એ પણ દાયકાઓ સુધી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતને એવી રીતે જોડો કે સમગ્ર ભારતને વહીવટી રીતે અને આર્થિક રીતે મૂઠીમાં સમાવી શકાય. તેમની પાસે ભારતના શોષણની અને ઇંગ્લેંડના વિકાસની બેથી ત્રણ સદીની લાંબી યોજના હતી. પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમો અને પછી બ્રિટિશ સરકારના અમલદારો એક જ લક્ષ તરફ એક એક ડગલું માંડતા હતા. દરેક જણ શોષણની યોજનાની કડી બનીને ઇંગ્લેંડથી ભારત આવતા હતા. એકપછી એક આવતી કડી, એક સરખી કડી અને મુદ્દત પૂરી થયે બદલાતી રહેતી કડી. દેશહિતના યજ્ઞમાં પોતાનો ધર્મ બજાવો અને ફરજ પૂરી થયે ખસી જાઓ.
પણ કલ્પના કરો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ સંચાલકે કે અંગ્રેજ સરકારના કોઈ વડા પ્રધાને કે ભારતમાં કામ કરતા કોઈ અંગ્રેજ ગવર્નરે પોતાનો જયજયકાર કરાવવા, ઇતિહાસમાં અમર થવા, બીજાથી પોતાને ચડિયાતા ગણાવવા, બીજાને નીચા દેખાડવા, કોઈ મળતિયા વેપારીને ફાયદો કરાવવા, પ્રજાને આંજી દેવા કે પછી ચૂંટણી જીતવા મળેલી મુદ્દતમાં ઉતાવળે, આડેધડ અને તકલાદી બાંધકામ કર્યાં હોત તો? ધારત તો એ લોકો કરી શકત. ભારત સરકારના શાસકોની તાકાત કરતાં અંગ્રેજ સામ્રાજ્યની તાકાત પાંચસો ગણી હતી. તેઓ ધારત તો ભારતમાં તાજમહાલ જેવી પચાસ ઇમારતો બંધાવી શક્યા હોત, પણ તેમણે ભાગ્યે જ અનુત્પાદક ખર્ચ કર્યો હતો. તેમણે બ્રિટિશ સામ્રાજ્યના જયજયકાર માટે જ્યાં પૈસા નહોતા વેડફ્યા ત્યાં અંગત જયજયકાર માટે પૈસા વેડફવા એ તો બહુ દૂરની વાત છે. અમલદારોને રાજી કરવા અને અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની પ્રજાને યાદ અપાવવા નાનાંમોટાં પૂતળાં બાંધવાથી વિશેષ કોઈ વેડફાટ તેમણે નહોતો કર્યો. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોતિંગ. મુંબઈનું વી.ટી. સ્ટેશન પૂનાના પેશ્વાઓના રાજમહેલ કરતાં ચાર ગણું મોટું છે અને તેની એક કાંકરી પણ ખરી નથી. અત્યારે પેશ્વાઓનો રાજમહેલ ખંડેર અવસ્થામાં છે.
તેઓ ધારત તો સો એકરમાં વિશ્વનો સૌથી મોટો ચર્ચ ભારતમાં બાંધી શક્યા હોત. સો કિલોમીટર દૂરથી દેખાય એવી કોઈ ઊંચી ઈમારત બાંધી શક્યા હોત. બેશુમાર તાકાત હતી અને ભારતમાંથી લૂટેલી સમૃદ્ધિની છોળો ઉડતી હતી. કશું જ અશક્ય નહોતું તેમના માટે, પણ તેમણે આવું કશું કર્યું નહોતું, કારણ કે તેઓ અસલામતી અને લઘુતાગ્રંથિથી પીડિત નહોતા. તેઓ દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા અને દેશહિતમાં વ્યવસ્થાની એક કડી બનીને પોતાની ફરજ નિભાવીને ખસી જવા તૈયાર હતા. તેમને જાણ હતી કે એક દિવસ ભારત ગુમાવ્યા પછી પણ તેમની ત્રણ-ચાર પેઢી સુખેથી જીવી શકશે. બાકી દેખાડા એ કરે જેને પોતાનામાં ભરોસો ન હોય. ઇતિહાસમાંથી ભૂંસાઈ જવાનો અથવા ધકેલાઈ જવાનો ડર હોય. આવું એ કરે જે કર્તૃત્વ દ્વારા નહીં, પણ દેખાડા દ્વારા પ્રજાને આંજી દેવાનો પ્રયાસ કરે.
છેલ્લાં દસ વરસ દરમ્યાન બાંધેલાં પુલો, સંસદભવન જેવી ઇમારતો, અયોધ્યાનું રામમંદિર, વિમાનમથકો, સડકો, પૂતળાંઓ કાં તો ધ્વસ્ત થઈ રહ્યાં છે અથવા તેમાં ખામીઓ પેદા થઈ છે. લગભગ દર અઠવાડિયે ટ્રેન અકસ્માત થઈ રહ્યા છે અને વંદે ભારત અને એવી બીજી ઐશ્વર્યનાં પ્રતિક જેવી ટ્રેનોમાં ખામી પેદા થઈ રહી છે. આ જે થઈ રહ્યું છે એ કોઈ અકસ્માત નથી, જે રસ્તો અપનાવવામાં આવ્યો તેનું પરિણામ છે. શાસકો માટે ઇવેન્ટ યોજનારાઓને અને બાંધકામ કરનારાઓને જાણ હોય છે કે તેમણે ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા ભવ્ય નિર્માણ કરી આપવાનું છે કે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી આપવાનું છે. જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ. માટે આ અકસ્માત નથી, જે થઈ રહ્યું છે તેનું આ સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ છે. શોકાંતિકા માત્ર એટલી છે કે શાસક હજુ શાસન છોડે એ પહેલાં તેની સામે જ આ થઈ રહ્યું છે. પણ શું થાય! એક તો આખું તંત્ર ભ્રષ્ટ છે અને એમાં ચાપલૂસી ઉમેરાઈ. કલાકે માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે હવા ચાલે અને ઐશ્વર્ય ઢળી પડે! આને કવિન્યાય પણ કહી શકાય નહીં?
દરમ્યાન બનારસના પુલે ૧૩૭ વરસમાં અનેક વખત ગંગામાં પૂરનો સામનો કર્યો છે અને હજુ અડીખમ ઊભો છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024