ભારતના બીજા રાષ્ટ્રપતિ અને ફિલસૂફ ડૉ. એસ. રાધાકૃષ્ણને બે ભાગમાં ભારતીય દર્શનનો ઇતિહાસ લખ્યો છે જે ‘ઇન્ડિયન ફિલોસૉફી’ના નામે ૧૯૨૩માં પ્રકાશિત થયો હતો. એ ગ્રંથમાં જૈનદર્શનની રૂપરેખા આપતાં ડૉ. રાધાકૃષ્ણને જૈનોમાં પ્રચલિત સંલેખના કે સંથારા માટે અંગ્રેજી શબ્દ સુસાઇડ વાપર્યો હતો. ડૉ. રાધાકૃષ્ણન જેવા મેધાવી વિદ્વાને સંલેખના કે સંથારા માટે કોઈ યોગ્ય પર્યાય ન મળતાં સુસાઇડ શબ્દ વાપરવો પડ્યો હશે, પરંતુ તેમણે જિંદગીથી કંટાળેલા માણસ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા કે આત્મઘાત અને દેહધર્મને સમેટી લઈને દેહમુક્ત થવાના પુરુષાર્થ વચ્ચે ભેદ સમજાવવો જોઈતો હતો. ડૉ. રાધાકૃષ્ણને એવી તસ્દી લીધી નહોતી જેણે કારણે અહિંસામાં અને જીવદયામાં માનતા જૈનો આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં, એને ધર્મમાન્ય ગણે છે એવી એક છાપ પેદા થઈ હતી.
જી હા, દેહધર્મને સમેટી લેવો એ પુરુષાર્થ છે, જ્યારે આત્મહત્યા એ મોટા ભાગે નાસીપાસ થયેલા માણસનું જીવનને ફગાવી દેવાનું કૃત્ય છે. બારમી સદીમાં થયેલા આચાર્ય અમૃતચન્દ્રે તેમના પ્રસિદ્ધ ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ નામના ગ્રંથમાં સંલેખના અને આત્મઘાત અથવા આત્મહત્યા વચ્ચેનો ભેદ બતાવ્યો છે. માત્ર ૨૨૬ સૂત્રોના એ નાનકડા ગ્રંથનું ૧૭૭મું સૂત્ર કહે છે :
મરણેઅવશ્યંભાવિની કષાયસલ્લેખનાતનુકરણમાત્રે |
રાગાદિમન્તરેણ વ્યાપ્રિયમાણસ્ય નાત્મઘાતોઅસ્તિ ||
(જ્યારે મરણ અવશ્યંભાવિ હોય, નજીક હોય, શરીર ક્ષીણ થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વિના સ્વસ્થતાપૂર્વક તટસ્થભાવે આખરી તપશ્ચર્યા કરીને બચેલા દોષોને ઉખેડી કાઢવા (સંલેખના) એ આત્મહત્યા નથી.)
આચાર્ય અમૃતચન્દ્રના ગ્રંથમાં હિંસા-અહિંસાની વિગતે ચર્ચા કરવામાં આવી છે અને એમાં આગળ સૂત્ર (૧૭૯)માં કહેવામાં આવ્યું છે કે આવેગો અને વૃત્તિઓ હિંસા છે અને સંલેખનામાં આવેગોને ઉખેડી ફેંકવાની તપશ્ચર્યા છે એટલે એ મનુષ્યની અહિંસાની દિશામાં યાત્રા છે, હિંસા નથી. આવી જ રીતે બીજી સદીમાં થયેલાં આચાર્ય ઉમાસ્વાતિએ રચેલા તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે : મરણાન્તિકીં સંલેખના જોષિતા || મૃત્યુ નજીક હોય ત્યારે હોંશપૂર્વક સંલેખનાનો આશ્રય લેવો જોઈએ.
ડૉ. રાધાકૃષ્ણને તેમના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘ઇન્ડિયન ફિલોસૉફી’માં સંલેખનાને સુસાઇડ તરીકે ઓળખાવી એ પછી બહુ ઓછા જૈનેતર વિદ્વાનોએ સંલેખનાના હાર્દને સમજવાની કોશિશ કરી છે. મોટા ભાગના લોકો એને ધાર્મિક વૃત્તિથી કરવામાં આવતી આત્મહત્યા તરીકે જ જુએ છે. ૧૯૪૩માં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનું ડૉ. રાધાકૃષ્ણનના – શું કહેશું? – પ્રમાદ વિશે ધ્યાન ખેંચવામાં આવ્યું ત્યારે પંડિતજીએ ધ્યાન ખેંચનારને પત્ર લખીને સંલેખના અને આત્મહત્યા વચ્ચેનો ભેદ બતાવ્યો હતો. એ પત્ર ‘સંથારા ઔર અહિંસા’ પંડિત સુખલાલજીના હિન્દી પુસ્તક ‘દર્શન ઔર ચિંતન’માં સંગ્રહાયેલો છે. આ બધી વિગતો અહીં આપવાનો હેતુ એ છે કે જૈનેતર વાચકોએ સંથારાના હાર્દને સમજવાની જરૂર છે. હું તો એમ માનું છું કે જૈનદર્શનની આ એક અદ્દભુત દેણગી છે. વિનોબા ભાવે સંથારાનો હાર્દ સમજ્યા હતા અને તેમણે પોતે સંથારો લીધો હતો.
જો વિશ્વપ્રસિદ્ધ દાર્શનિક ડૉ. રાધાકૃષ્ણન સંલેખનાનો અર્થ આત્મહત્યા કરે તો રાજસ્થાનની વડી અદાલતના જજો એનો ટૂંકો અર્થ કરે એમાં શું નવાઈ? અદાલતે જે કેટલાંક ખોટાં નિરીક્ષણો કર્યાં છે એમાં એક નિરીક્ષણ એવું છે કે સંથારો જૈન ધર્મનું અનિવાર્ય અંગ નથી. હવે બીજી સદીમાં રચાયેલા તત્ત્વાર્થસૂત્રમાં જ્યારે સંલેખનાની વાત આવતી હોય તો એની પ્રાચીનતા ઓછી કહેવાય? બીજું, ધર્મના અનિવાર્ય અંગની વ્યાખ્યા કઈ રીતે કરવાની? પશ્ચિમથી ઊલટું ભારતમાં ઉદ્દભવેલા ધર્મો એકગ્રંથી ય (રિલિજિયન ઑફ ધ બુક) નથી કે જેથી ધર્મગ્રંથના આધારે અનિવાર્યતા સિદ્ધ કરી શકાય.
પ્રાચીનતા જ એકમાત્ર આધાર હોઈ શકે અને તત્ત્વાર્થસૂત્ર સંલેખનાનો હવાલો આપે છે. ત્રીજો મુદ્દો એ છે કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કોઈ એક ધર્મનું અનિવાર્ય ગણાતું અંગ હોય, પણ જો એ અમાનવીય હોય તો એ અનિવાર્ય અંગ છે એટલે માન્યતા આપવાની? જેમ કે અસ્પૃશ્યતા શાસ્ત્રમાન્ય છે એટલે બંધારણમાન્ય બનાવવાની? એક જમાનામાં સનાતનીઓ ચાતુવર્ણવ્યવસ્થાને હિન્દુ ધર્મના અનિવાર્ય અંગ તરીકે ઓળખાવતા હતા અને છતાં બંધારણ ઘડનારાઓએ એને ગુનો જાહેર કર્યો હતો. ધર્મના અનિવાર્ય ગણાવાતા અંગને ગુનો જાહેર કરવાની ક્ષમતા ધરાવતો આ મહાન દેશ છે એટલે વડી અદાલતના ન્યાયમૂર્તિએ સંથારાની કાયદેસરતા તપાસતી વખતે ધર્મનો આધાર લેવાની જરૂર નહોતી અને જો ધર્મનો આશ્રય લેવો જ હતો તો એના હાર્દમાં જવું જોઈતું હતું. ભારતમાં ઇચ્છામરણને કાયદેસરની માન્યતા આપવામાં આવી નથી.
આત્મહત્યા ગુનો છે, આત્મહત્યાનો પ્રયાસ ગુનો છે, કોઈ સ્ત્રીને પતિ પાછળ સતી થવાની પ્રેરણા આપવી કે સતી થવા દેવી એ ગુનો છે તો પછી સંલેખનાને માન્યતા કઈ રીતે આપી શકાય? આ પણ આત્મહત્યા છે અને એમાં સંમતિ આપનારાઓ કે મદદ કરનારાઓ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો (અબેટમેન્ટ ઑફ સુસાઇડનો) ગુનો કરે છે. આવી દલીલ કરનારાઓ એ ભૂલી જાય છે કે સંલેખના એ દેહવિસર્જન છે અને દેહવિસર્જન કરવાનો નિર્ણય આગળ કહ્યું એમ મૃત્યુ જ્યારે અવશ્યંભાવિ હોય ત્યારે, નજીક હોય ત્યારે, ચિત્ત રાગ-દ્વેષથી મુક્ત હોય ત્યારે, આંતરિક વૃત્તિ સ્વસ્થ અને તટસ્થ હોય ત્યારે લેવામાં આવે છે.
એ નિર્ણય સાધકનો હોય છે, હારેલા મનુષ્યનો નથી હોતો. પંડિત સુખલાલજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આપણા ઘરને આગ લાગી હોય ત્યારે આપણે ઘરને બચાવી લેવા શક્ય એટલા બધા જ પ્રયાસ કરીએ છીએ, પરંતુ એ પછી જ્યારે ખાતરી થાય કે ઘર આગથી બચી શકે એમ નથી ત્યારે આપણે આપણી જાતને બચાવવા આપણા પોતાના ઘરથી દૂર ખસી જોઈએ છીએ. એવી જ રીતે અંતરાત્માને જ્યારે ખાતરી થાય કે શરીરરૂપી ઘર અનેક પ્રયાસો પછી પણ બચી શકે એમ નથી તો વિવેકપૂર્વક તપશ્ચર્યા દ્વારા એ ઘર છોડી દે તો એ રણછોડવૃત્તિ પણ નથી અને હિંસા પણ નથી. આપણને એવા જજોની જરૂર છે જે ઇચ્છામૃત્યુને માન્યતા આપે અને આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસને જે ગુનો માનવામાં આવે છે એ રદ્દ કરે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-13-8-2015-3