ધર્મ અને નવો જમાનો
ધર્મ–ધમ્મ પરિષદ એ સંઘ પરિવારની થિન્કટેન્ક લેખાતા ઇન્ડિયા ફાઉન્ડેશનની પહેલ છે. ધર્મ એ કોઈ રાજકીય વિચારધારામાં ગંઠાઈ જતી બાબત છે કે વ્યાપક નાગરિક અભિગમ એ એણે છોડાવવાનું ઉખાણું છે.

પ્રકાશ ન. શાહ
હવે તરતના દિવસોમાં જ પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થશે. અમદાવાદ મુંબઈમાં ઉપાશ્રય સરખાં પરંપરાગત સ્થાનકોની બહાર – કહો ને કે ચાચર ચોકમાં – આવું આયોજન શરૂ થયું, એને જોતજોતામાં કેટલાં વરસ વીતી ગયાં ! અમદાવાદમાં પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીની પહેલ ને પ્રેરણાથી આવી શરૂઆત 1928માં થઈ હતી, એને હવે તરતના વરસોમાં એક ગાળો જૈન યુવક સંઘે ધીરજલાલ શાહ અને કમળાબહેન સુતરિયાના આયોજનમાં જાળવી જાણ્યો, અને 1975થી ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્રે સૂત્રો સાહ્યાં એનું તો આ સુવર્ણ જયંતી વર્ષ છે.
અહીં જે મુખડો બાંધ્યો એ દેખીતી તો થોડીક માહિતી જ છે, પણ તે સંભારવાનો આશય કોઈ સીધીસાદી પ્રેસનોટ પ્રકારનો નથી. જે મુદ્દો છે તે તો એ કે પંડિત સુખલાલજી અગર તો પરમાનંદ કુંવરજી કાપડિયા અને ચિમનલાલ ચકુભાઈ શાહ સરખા મહાજનોએ જેમાં રસ લીધો તે કોઈ પરંપરાગત નવા જમાનામાં વ્યાપક માનવધર્મની દૃષ્ટિએ, પરંપરાપ્રાપ્ત મૂલ્યોને નવેસર નાગરિક કેળવણીના અભિગમથી જોગવવાની વાત હતી. પરમાનંદ કાપડિયાએ એમના પત્ર ‘પ્રબુદ્ધ જૈન’નું નામ ‘પ્રબુદ્ધ જીવન’ કરી નાખ્યું એ નકરું નામાંતર નહોતું, પણ સંપ્રદાયમુક્ત અભિગમની દિલી કોશિશ હતી. હરિભાઈ પંચાલે સદ્દવિચાર પરિવાર થકી ‘મનનો જમણવાર’ જેવી જે કોશિશ કીધી એમાં પણ તમે સંપ્રદાયમુક્ત ધર્મભાવના, કંઈક નાગરિક સંકેત સાથે જોઈ શકો.

આ પ્રકારનાં આયોજનોની સંભાવના અને મર્યાદા વિશે વિગતે વિચારી શકાય, પણ અહીં આટલેથી અટકી આ જ કુળના પણ ગુણલક્ષણે કંઈક જુદા પ્રકલ્પનીયે ચર્ચામાં જવા ઇચ્છું છું. હમણાં ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ‘ધર્મ અને ધમ્મ પરિષદ’નું આયોજન અમદાવાદમાં થયું હતું. ‘ઇંડિયા ફાઉન્ડેશન’ નામની જે થિંકટેંક સંઘ પરિવારના અગ્રિમજનો પૈકી એક, રામ માધવની સિંહભૂમિકા સાથે ચાલે છે તેની આ પહેલ હતી અને છે. આવી આ આઠમી પરિષદ યોજાઈ ગઈ એટલે પરિવારે સાતત્યપૂર્વક ધર્મમુદ્દે બૌદ્ધિક પહેલ સરખો ઉપક્રમ ચલાવવા ધાર્યું હશે તેમ જણાય છે.
હિંદુ પરંપરાનો ‘ધર્મ’ અને બૌદ્ધ પરંપરાનો ‘ધમ્મ’ બેઉ પ્રયોગો એક શ્વાસે કરવા પાછળનો આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક એશિયાઈ અને એથીયે આગળ જતા ફલક પર મૂકવાનો હશે તેમ સમજાય છે. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન કાળમાં ‘બૌદ્ધ સરકીટ’નો જે ખયાલ સ્વીકારાયો છે તેના મેળમાં જતો આ પ્રયાસ છે એમ માનવામાં હરકત નથી. ધર્મ-ધમ્મ પરિષદોમાં નેપાળ, શ્રીલંકા, ભુટાન આદિનું પ્રતિનિધિત્વ પણ વરતાતું રહ્યું છે. એની ચર્ચાઓમાં બૌદ્ધ ઉપરાંત જૈન અને શીખ હાજરી પણ પ્રસંગોપાત વરતાય છે. મતલબ, જે ભારતમાં પ્રગટેલા ધર્મો છે એને એક વ્યાપક હિંદુ ધરીની રીતે મૂકવા પ્રયોજવાનું લક્ષ જણાય છે. દેશમાં ઇસ્લામ ને ખ્રિસ્તમત આદિની હાજરી છે, પણ તે ધર્મ-ધમ્મ ઉપક્રમનો હિસ્સો જણાતી નથી.
ગમે તેમ પણ, સર્વપલ્લી રાધાક્રિષ્ણને હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઓફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવ્યો છે એ સંભારવા સાથે ય ‘ઇંડિયા ફાઉન્ડેશન’ શી થિંકટેંક પાસેથી આપણે એક છોડાવવા જોગ ઉખાણાનો ઉકેલ માગવો રહે છે. ધર્મને એક રાજકીય વિચારધારા તરીકે પ્રયોજવાનો ઉધામો દેશને સ્વરાજપૂર્વ વિભાજન તરફ તો સ્વાતંત્ર્યોત્તર વિભાજનવત્ કગાર પર લઈ ગયો છે. પરસ્પર સ્પર્ધી કોમવાદો ધરમમજહબને નામે ખાણદાણ મેળવતા રહ્યા છે. ધર્મ-ધમ્મ પરિષદ એને ઓગાળતી વ્યાપક ભૂમિકા વાસ્તે સ-ભાન ને સઘન વિચારણા હાથ ધરી શકશે ? જેમ ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ બનતાં કંઈક અંતર કપાયું હોય તોપણ ખાસું અંતર કાપવું રહે છે. તેમ ધર્મ-ધમ્મ પહેલ જો સત્તા-પ્રતિષ્ઠાનનો ઉપક્રમ ન હોય તો એણે દેશનો જે રાજરોગ, ધર્મને રાજકીય વિચારધારામાં પલટવાનું વલણ, એનાથી કિનારો કરવો રહે છે. એટલું જ નહીં પણ એના વાસ્તવિક શોધનનો હોંશીલો અભિક્રમ દાખવવો રહે છે.
ધર્મ માત્ર કને એકવીસમી સદીનો જે યુગપડકાર છે તે નિરમાયેલ જ છે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2024
 

