
હરીશ રઘુવંશી
હરીશ રઘુવંશીને યાદ ન આવે એટલાં વર્ષ પર પહેલી વાર મળેલો. ત્યારે કદાચ રમેશ ચૌહાણ દ્વારા સંપર્ક થયેલો એવો આછો ખ્યાલ છે. રમેશ અને હું એક જ દિવસે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની કણપીઠ, સુરત મેઇન ઓફિસમાં 1971માં જોડાયેલા, ત્યારથી તે આજ સુધી અમે સંપર્કમાં છીએ, પણ હરીશભાઈ સાથેનો છેલ્લો સંપર્ક બકુલ ટેલરને ત્યાં એ બેજનવાલામાં રહેવા ગયો, ત્યારે કોઈ ફંક્શનમાં થયેલો. તે વખતે જ હરીશભાઈની તબિયત ઠીક ન હતી. બોલવાની પણ તકલીફ હતી. બસ એ પછી એકાદ વખત ફોન પર વાત થઈ હશે એટલું જ !
એવા દિવસો પણ હતા જ્યારે હરીશભાઈને વારંવાર મળવાનું થતું. એ હળદિયા શેરીનાં મારાં ઘરે આવતા, તો હું પણ એમને ઘરે જતો. વાતોનો વિષય મુકેશનાં ગીતો કે ફિલ્મો હોય. હું યુનિયન ધારા, અઠવાલાઇન્સમાં રહેવા આવ્યો ત્યારે વાસ્તુ રાખેલું. એ વખતે એ અને ફિલ્મ અભિનેતા ને દિગ્દર્શક કૃષ્ણકાંત (કે.કે.) પણ આવેલા ને પછી તો કે.કે.ને ત્યાં પણ મળ્યા હોઈશું. અમારી વચ્ચે વિષય ફિલ્મોનો જ હોય. હરીશ ત્યારે મુકેશનાં ગીતોની અને તેને લગતી માહિતી ભેગી કરતાં હતા. એમણે અમારો એ ભ્રમ દૂર કર્યો કે મુકેશે હજારો ગીતો ગાયાં છે. પછી તો મુકેશનાં ગીતોનો સંચય જ એમણે બહાર પાડ્યો ને પુરવાર કર્યું કે હિન્દી, ગુજરાતી ગીતોનો કુલ આંકડો હજાર ગીત પર પણ પહોંચતો નથી. ‘મુકેશ ગીત કોષ’ મારા જેવા મુકેશ રસિયા માટે તો આજે પણ ઉપકારક રહ્યો છે. એ કોષમાં મુકેશનાં ગીતોની યાદી અને એ ગીતો તો છે જ, પણ તેની સાલવારી પણ એમણે આપી છે. સહગાયક કે ગાયિકાની વિગતો ને ગીત ગવાયું હોય, પણ ફિલ્મમાં ન લેવાયું હોય કે એ ફિલ્મ રજૂ જ ન થઈ હોય એવી વિગતો પણ પૂરી ઝીણવટ સાથે, અધિકૃત રીતે, હરીશભાઈએ કોષમાં આપી છે. ફિલ્મી ગીતોની સ્ક્રિપ્ટ મોટે ભાગે ભાષાની ભૂલો વગર ભાગ્યે જ બહાર આવે છે, પણ હરીશભાઈએ ભાષાની ને વિગતોની સચ્ચાઈ સંશોધકની ચીવટ સાથે આપી છે. એ સાથે જ બીજું મહત્ત્વનું કામ હરીશભાઈએ ‘ગુજરાતી ફિલ્મ ગીત કોષ’નું કર્યું છે. ગુજરાતી પહેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ (ભક્ત નરસૈંયો) 1932માં આવી ત્યારથી શરૂ કરીને એમણે ગુજરાતી ફિલ્મોની વિગતો સાથે ગીત કોષ તૈયાર કર્યો છે.
આમ તો એમની ઇલેક્ટ્રોનિક્સની દુકાન ‘ઓડિયો વિઝન’ નાનપરા રોડ પર હતી. મારી બદલી પણ નાનપરા બ્રાન્ચમાં 1976 આસપાસ એ જ રોડ પર થઈ. અમારી વચ્ચે થોડી દુકાનોનું અંતર હતું એટલે મળવામાં અંતર ન રહ્યું. એમને ત્યાંથી જ મેં પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી. ક્રાઉનનું (લાકડાના દરવાજાવાળું) ખરીદ્યું. એ પછી એ પૂતળી નજીક સગરામપરાની દુકાનમાં આવ્યા, મારા ઘરની નજીક, એટલે અહીં પણ મળવાનું વધ્યું. અહીંથી એમની પાસેથી મેં ઓનિડા કલર ટી.વી. ખરીદ્યું ને તે વર્ષો સુધી ‘યુનિયન ધારા’નાં ઘરમાં ચાલ્યું. એમનો પોતાનો ફિલ્મને લગતો કોઈ ઇતિહાસ ન હતો, પણ એ સંશોધનમાં એટલા ઊંડા ઊતર્યા કે પોતે ઇતિહાસકાર તરીકે જાણીતા થયા. ફિલ્મને લગતી કોઈ પણ માહિતી હું એમને પૂછતો, તો એમની પાસેથી સાલવારી સાથે સચોટ માહિતી મળતી. મને એ પણ યાદ છે કે ‘જીવન ભારતી’ના રોટરી હોલમાં એક ફિલ્મ ક્વિઝ વર્ષો પહેલાં મેં કંડક્ટ કરેલી ને એ કંડક્ટ કરવામાં પણ હરીશ સાથે રહ્યા હતા.
વર્ષો પહેલાં હું ‘ગુજરાતમિત્ર’માં ફિલ્મોને લગતી કૉલમ ‘ફિલ્મલોક’ લખતો હતો. એ વખતે મુકેશ પર બે મિત્રો સક્રિય હતા. મને પોતાને મુકેશનાં ગીતો ખૂબ ગમતાં. એટલે હરીશભાઈ ઉપરાંત જગદીશ માસ્તર સાથે પણ પરિચય વધ્યો. જગદીશ પણ યુનિયન બેન્કનો જ સ્ટાફ. ટેક્સટાઇલ માર્કેટ બ્રાન્ચમાં મારી બે વખત બદલી થઈ. એમાં પહેલી વાર કેશિયર હતો ત્યારે જગદીશને મળવાનું થયેલું. જગદીશ ત્યારે મુકેશનાં ગીતો ગાતો. એણે પછી ‘ગાંધી સ્મૃતિ ભવન’માં મુકેશનાં ગીતો ગાવાનું શરૂ કર્યું. હું એને ‘બીજો મુકેશ’ જ કહેતો. મુકેશને કલ્પના પણ નહીં હોય કે એણે અમને ત્રણ જણને મૈત્રી વડે સાંકળ્યા હતા. મેં ‘ફિલ્મલોક’ કોલમમાં એક જ દિવસે હરીશ રઘુવંશી અને જગદીશ માસ્તર વિષે પરિચાયાત્મક લેખ લખ્યા. એની અસર એ પડી કે અમે વધુ નજીક આવ્યા. હરીશભાઈ મુકેશની સ્ક્રિપ્ટ સાથે પ્રગટ થયા ને જગદીશ મુકેશના 600 ગીતો સાથે અવાજમાં પ્રગટ થયો.
‘મુકેશ ગીત કોષ’ બહાર પડ્યો ત્યારે એનું વિમોચન હજૂરી નજીક સલાબતપરામાં કોઈ ઘરમાં રાખેલું. એ દિવસોમાં કોઈક કારણસર શહેરમાં કર્ફ્યૂ ચાલતો હતો ને મારે વિમોચનમાં જવાનું તો હતું જ ! કોઈ નામી ફિલ્મી હસ્તીને હાથે વિમોચન હતું. (અત્યારે એ નામ યાદ નથી આવતું) વાતાવરણ ત્યારે એવું હતું કે વિમોચન સ્થળે પહોંચી શકાય એમ લાગતું ન હતું, પણ પહોંચી ગયો અને એ કાર્યક્ર્મ સારી રીતે સંપન્ન થયો એનો આનંદ આજે પણ છે. મુકેશ રાજકપૂરનો અવાજ હતો, તો મુકેશ અવાજ અને સ્ક્રિપ્ટ સાથે જગદીશ અને હરીશ નામે મારી પાસે ઉપલબ્ધ હતા. એ રીતે હું રાજકપૂર કરતાં વધારે નસીબદાર હતો.
જો કે, આજે પાસે કોઈ નથી. નથી હરીશભાઈ રહ્યા કે નથી જગદીશ સાથે પણ કોઈ સંપર્ક રહ્યો એટલે હું મુકેશ વગરનો થઈ ગયો હોઉં એવું લાગે છે. હરીશભાઈ ઘણા વખતથી બીમાર હતા ને ઘણી શારીરિક તકલીફોમાંથી પસાર થયા પછી 74 વર્ષની ઉંમરે 27 ઓગસ્ટ, 2024ની રાત્રે 11 વાગે એમનો દેહ વિલય થયો છે. મુકેશની સાથેની એમની પ્રીતિ તો જુઓ કે દુનિયા છોડવા માટે હરીશભાઈએ તારીખ પણ એ જ પસંદ કરી જે રાત્રે મુકેશનું અવસાન થયું હતું.
સૂરત શહેર અને ગુજરાત રાજ્ય પણ કલાકારો, સાહિત્યકારો, ઇતિહાસકારો, સંશોધકોની કદર કરવાને મામલે ભાગ્યે જ ઉદાર છે. આસપાસ પતંગિયાંની જેમ ઊડ્યાં કરતાં કે સરકારની નજીક કુરનીશ બજાવતા થોડા પોંખાય પણ છે, પણ જે માથે વેચાણ કિંમતની ટેગ લગાવ્યા વગર ખૂણે બેસીને કોઈ ખેવના રાખ્યા વગર સાધના કરે છે તેમના સુધી આ શહેર અને રાજ્ય પહોંચવામાં કાયમ ઊણું ઊતર્યું છે.
નર્મદ યુનિવર્સિટી સાંઠ વર્ષથી આ શહેરમાં સક્રિય છે. એ ડિ.લિટ્.ની પદવી આપતી હતી. તે હવે વર્ષોથી બંધ છે. એની નજર હરીશભાઈ સુધી ને એમના જેવા અન્યો સુધી જઈ શકી હોત તો આનંદ થયો હોત. વર્ષોથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય છે. તેણે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સંગીતકારોનું, સંશોધકોનું સન્માન કર્યું પણ છે, પણ તે ય હવે ખુશામતખોરોથી આગળ જઈ શકતું નથી. સૂરત કળા, સાહિત્યને મામલે મરી પરવાર્યું છે ને તેનું બારમાસી શ્રાદ્ધ ચાલ્યા કરે છે. આ શહેર અને રાજ્ય, કળા અને સાત્ત્વિક કલાકારો, સંશોધકોને મામલે જીવતું હોત કે યુનિવર્સિટીઓ માત્ર ધંધાકીય ન થઈ હોત તો કોઈ હરીશભાઈ જેવા સુધી પહોંચ્યું પણ હોત ! આ શહેરમાં મોહનલાલ મેઘાણી જેવા ઇતિહાસકાર હજી સક્રિય છે, તેમણે આત્મકથા કરી છે. તેમને પોંખવાનું ઉત્તમ નિમિત્ત પણ હાથવગું છે. સાહેબ, એમ.ટી.બી. કોલેજ જેવામાં વર્ષો સુધી ઇતિહાસના અધ્યાપક રહ્યા. એ કોલેજ કે એ સોસાયટી કે કોઈ યુનિવર્સિટી એમના સુધી પહોંચે ને એમનું યોગ્ય તે સન્માન કરે કે ગુજરાત રાજ્ય સરકાર તેની મતલબી બહેરાશ છોડી એમને સાંભળે એ અપેક્ષિત છે. એનાથી હરીશભાઈ કે મેઘાણી સાહેબ ઊજળા દેખાશે તે કરતાં આ શહેર અને રાજ્યની ગંદકી થોડી દૂર થશે તે મોટું આશ્વાસન હશે.
ઠીક છે, એ તો થાય ત્યારે ખરું, આજે તો હરીશભાઈની ખોટ પડી છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.
એમને શ્રદ્ધાપૂર્વક વંદન !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2024
છબિ સૌજન્ય : ઉર્વીશ કોઠારી