૧૯૪૭ના કોઈ કેલેન્ડરમાં ૧૫ ઓગસ્ટની રજા કેમ નહોતી બતાવાઈ?
માનશો? આપણા દેશમાં ૧૯૪૭માં જેટલાં કેલેન્ડર છપાયેલાં તેમાંના એક્કે કેલેન્ડરમાં ૧૫મી ઓગસ્ટનો દિવસ લાલ અક્ષરમાં છપાયો નહોતો. એટલે કે એ દિવસે સ્વતંત્રતા દિવસની રજા છે એમ કોઈ કેલેન્ડરે બતાવ્યું નહોતું! કેમ એમ? એ જાણવા જરા ભૂતકાળમાં નજર દોડાવવી પડશે.
બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રેટ બ્રિટન ગ્રેટ રહ્યું નહોતું. તેની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ હતી. બીજી બાજુ ગાંધીજીની આગેવાની હેઠળ આઝાદી માટેની લડત વધુ ને વધુ જોર પકડતી જતી હતી. લેબર પાર્ટીના વડા પ્રધાન ક્લેમન એટલી સમજી ગયા કે હવે હિન્દુસ્તાન એ બ્રિટનને ગળે બંધાયેલું ઘંટીનું પડ બની ગયું છે. એટલે તેમણે જાહેરાત કરી કે ૧૯૪૮ના જૂન મહિનાના અંત પહેલાં હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવામાં આવશે. બ્રિટનના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને ૨૧મી ફેબ્રુઆરી ૧૯૪૭ના દિવસે વાઈસરોય અને ગવર્નર જનરલનો હોદ્દો સંભાળ્યો. હિન્દુસ્તાનનું વિભાજન અને હિન્દુસ્તાન અને પાકિસ્તાનની આઝાદીનું કામ તેમને ખાસ સોંપાયું હતું. અહીં આવીને તેમને જણાયું કે ૧૯૪૮ના જૂન સુધી પણ હિન્દુસ્તાનને સાચવવાનું કામ લગભગ અશક્ય છે. એટલે તેમણે આઝાદી માટેનો દિવસ વહેલો નક્કી કર્યો : ૧૫ ઓગસ્ટ ૧૯૪૭. એટલે કે સ્વતંત્રતા દિવસ માટેની આ તારીખ તેમણે પસંદ કરી હતી. પણ આ તારીખ જ કેમ? કારણ ૧૯૪૫ના ઓગસ્ટની ૧૫મી તારીખે બીજા વિશ્વયુદ્ધમાં જાપાને શરણાગતિ સ્વીકારી હતી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. તેમની ભલામણ સ્વીકારીને બ્રિટનની પાર્લામેન્ટે ‘ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ, ૧૯૪૭’ મંજૂર કર્યો અને તેમાં ૧૫મી ઓગસ્ટની તારીખ સ્વીકારવામાં આવી. ૧૯૪૭ના જુલાઈની ૧૮મી તારીખે બ્રિટનના રાજવીએ આ એક્ટને મંજૂરી આપી. એટલે કે ૧૫મી ઓગસ્ટની તારીખ ઔપચારિક રીતે નક્કી થઈ તે છેક ૧૯૪૭ના જુલાઈમાં. અને હિન્દુસ્તાનની સરકારે આ તારીખની સત્તાવાર જાહેરાત કરી તે તો છેક જુલાઈની ૨૯મી તારીખે. અને આ જાહેરાતમાં જ ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫ અને ૧૬મી તારીખે રજા જાહેર કરવામાં આવી. કોઈ પણ વરસનાં કેલેન્ડર તો આગલા વરસના ડિસેમ્બર પહેલાં છપાઈ જાય. એટલે તેમાં ૧૫મી ઓગસ્ટનો દિવસ લાલ શાહીમાં કઈ રીતે છપાયો હોય?

૧૯૪૭નાં કેલેન્ડરોમાં ૧૫મી ઓગસ્ટની રજા બતાવાઈ નહોતી
૧૯૪૭ના ઓગસ્ટની ૧૪મી તારીખે રાતના અગિયાર વાગે હિન્દુસ્તાનની બંધારણ સભાની ખાસ બેઠક મળી. અધ્યક્ષસ્થાને હતા ડો. રાજેન્દ્રપ્રસાદ. આ બેઠકમાં રાતે ૧૨ વાગવામાં થોડી મિનિટ બાકી હતી ત્યારે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પોતાનું ઐતિહાસિક ભાષણ શરૂ કર્યું, જે પછીથી ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ તરીકે ઓળખાય છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ એ ભાષણ ‘લાઈવ બ્રોડકાસ્ટ’ કરેલું, જે લાખો લોકોએ સાંભળેલું. ફિલ્મ્સ ડિવિઝનના અઠવાડિક ન્યૂસ રીલમાં એ સમાવી લેવામાં આવ્યું, ત્યારે કેટલાયે દિવસો સુધી મુંબઈમાં એકેએક થિયેટરનો દરેકે દરેક શો હાઉસ ફૂલ જતો હતો. કારણ પિક્ચર ભલે ગમે તે હોય, લોકો પંડિતજીનું ભાષણ સાંભળવા માટે જ પિક્ચર જોવા જતા.
દેશને આઝાદી મળી તે દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં રાજ્યો અસ્તિત્વમાં નહોતાં. તેને બદલે હતું બોમ્બે સ્ટેટ, જેમાં આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા મોટા પ્રદેશોનો સમાવેશ થતો હતો. આ રાજ્યનું પાટનગર હતું મુંબઈ. એ વખતે જુદાં જુદાં રાજ્યોની સરકારના વડા ચીફ મિનિસ્ટર તરીકે નહિ પણ પ્રાઈમ મિનિસ્ટર તરીકે ઓળખાતા હતા. એ વખતે કેટલાંક રાજ્યોમાં હિન્દી ગવર્નરોની નિમણૂક થઈ ચૂકી હતી. પણ બોમ્બે સ્ટેટમાં તો અંગ્રેજ ગવર્નર હતા, સર જોન કોલવિલ. તેવી જ રીતે દેશને આઝાદી મળી તે દિવસે બોમ્બે ગવર્નમેન્ટના ચીફ સેક્રેટરી હતા સર ઈવોન હોપ-ટાઉન્ટન. એટલે પહેલા આઝાદી દિવસની ઉજવણી અંગેના બધા જ સરકારી પરિપત્ર આ અંગ્રેજ અમલદારની સહી નીચે પ્રગટ થયા હતા! તેમાં પહેલું હુકમનામું હતું રાજ્યની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ અંગેનું. પ્રાથમિક શાળાના એકેએક વિદ્યાર્થીને આ પ્રસંગે મીઠાઈ વહેંચવાનું સ્કૂલોને જણાવાયું હતું. તે માટે સરકારે માથા દીઠ વધુમાં વધુ છ આના (આજના ૩૭ પૈસા) સુધી ખરચ કરવાની પરવાનગી સ્કૂલોને આપી હતી! વળી દરેક સ્કૂલમાં વૃક્ષારોપણ કરવા પણ જણાવાયું હતું.
૧૯૪૭ના ઓગસ્ટની પાંચમી તારીખે બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી ખાદીના બનેલા રાષ્ટ્રધ્વજ વાપરવા. પણ બહુ ઓછા સમયમાં બધા જ ઝંડા ખાદીના બનાવવાનું શક્ય નથી, એટલે બીજાં કાપડના બનેલા ધ્વજ પણ વાપરી શકાશે. ખાદીના બનેલા ધ્વજ મેળવવા માટે કાઁગ્રેસના સ્થાનિક સભ્યોની મદદ લેવાની સૂચના પણ કલેકટરોને અપાઈ હતી. સરકારે દરેક કલેકટરને જે ઝંડા મોકલ્યા તે ખાદીના નહોતા.
આઝાદી દિવસની પરેડ રાજ્યનાં મુખ્ય મથકોએ અને બીજાં શહેરોમાં સાંજે છ વાગ્યે યોજવાનું નક્કી કરાયું હતું. તેમાં વધુમાં વધુ લોકો ભાગ લે તેવા પ્રયત્નો કરવા કલેકટરો અને બીજા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. છેક ૧૧મી ઓગસ્ટે એક પરિપત્ર બહાર પાડીને ચીફ સેક્રેટરીએ સ્પષ્ટતા કરી હતી કે સ્વાતંત્ર્ય દિવસની કોઈ પણ ઉજવણી દરમ્યાન કે તેને અંતે ‘ગોડ સેવ ધ કિંગ’ ગાવા કે વગાડવાનું નથી. તેને બદલે ‘વંદે માતરમ્’ ગાઈ કે વગાડી શકાશે. એ વખતે રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ની પસંદગી થઈ નહોતી એટલે આમ કરવામાં આવેલું.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ – પરેડમાં નેવી બેન્ડ ફ્લોરા ફાઉન્ટન પાસે
નવમી ઓગસ્ટે કરેલી જાહેરાતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની વિગતો જણાવવામાં આવી હતી. આ જાહેરાત બોમ્બે કાસલથી ‘પોલિટિકલ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ’ દ્વારા કરવામાં આવી હતી. તેમાં નીચેના કાર્યક્રમોનો સમાવેશ થતો હતો:
ગુરુવાર, ૧૪ ઓગસ્ટ, રાતે બાર વાગ્યે પ્રાર્થના, ધ્વજારોહણ, અને સેક્રેટરીએટ ખાતે રોશની. શુક્રવાર, ૧૫ ઓગસ્ટ : બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે હોમ ગાર્ડઝ દ્વારા કવાયત અને માનનીય વડા પ્રધાન દ્વારા તેમને નવા ધ્વજની સોંપણી. બપોરે સાડા બાર : ઓલ ઇન્ડિયા રેડિયો પરથી બોમ્બે સ્ટેટના પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ. સાંજે ૬ વાગ્યે : ઓવલ મેદાન ખાતે ધ્વજારોહણ, ધ્વજ-વંદન અને લશ્કરી દળો દ્વારા પરેડ.
આ ઉપરાંત બીજા એક અલગ પરિપત્ર દ્વારા લશ્કરને કેટલીક સૂચના આપવામાં આવી હતી. ગવર્નર્સ હાઉસ (આજનું રાજભવન), ગિરગામ ચોપાટી અને શિવાજી પાર્ક ખાતે આતશબાજીની ગોઠવણી કરવા લશ્કરને જણાવાયું હતું. ૧૫મીની સાંજે મુંબઈના બારામાં રહેલાં રોયલ ઇન્ડિયન નેવીનાં બધાં જહાજો પર ત્રિરંગી રોશની કરીને ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવવા આદેશ અપાયો હતો. આ જહાજો પરથી પણ આતશબાજી કરવામાં આવી હતી.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસના એક અખબારનું પહેલું પાનું
૧૯૪૭ના ઓગસ્ટની ૧૦મીથી૧૭મી સુધી દેશનાં બધાં છાપાંના પહેલા પાના પર આઝાદી દિવસ અંગેના જ સમાચાર છપાયા હતા. એ જમાનામાં છાપામાં ફક્ત બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જ છપાતા, અને તે પણ બહુ ઓછા. પણ લગભગ દરેક છાપાએ આ દિવસો દરમ્યાન સ્વતંત્રતા દિવસ અંગેના બે-ચાર ફોટા તો છાપ્યા જ હતા. પણ સૌથી વધુ નોંધપાત્ર હતો તે તો લોકોનો ઉત્સાહ. ૧૪મીની મધરાતે લોકોએ કોઈનાયે કહ્યા વિના થાળીઓ વગાડી હતી, લોકો ઢોલ-ત્રાંસા, લેઝીમના તાલે અડધી રાત સુધી રસ્તાઓ પર નાચ્યા હતા, રાતે બાર વાગે મીઠાઈ વહેંચી હતી અને એકબીજાને – સાવ અજાણ્યાને પણ – મુબારકબાદી આપી હતી. અને લાંબા વખત સુધી લોકોના દિલોદિમાગમાં પંડિત નેહરુના શબ્દો ગુંજતા રહ્યા હતા :
आधी रात के समय, जब दुनिया सो रही होगी, भारत जीवन और स्वतंत्रता के साथ जागेगा। एक क्षण आएगा, जो इतिहास में बहुत कम आता है, जब हम पुराने से नए की ओर कदम बढ़ाएंगे, जब एक युग का अंत होगा, और जब एक राष्ट्र की आत्मा, जो लंबे समय से दमित थी, को अभिव्यक्ति मिलेगी.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 ઓગસ્ટ 2024
![]()

