
રવીન્દ્ર પારેખ
સદનમાં અધ્યક્ષ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. એ વડા પ્રધાન કે અન્ય મંત્રીઓ કરતાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એ પોતાનું ગૌરવ જાળવે ને કોઇની સામે ન ઝૂકે એ મતલબની ટકોર થોડા વખત પર વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને કરી હતી. એ જ રીતે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજ્યસભાના અધ્યક્ષ છે. એમણે પણ હોદ્દાનું મહત્ત્વ ઓછું ન અંકાય એની કાળજી લેવાની રહે. બીજી મહત્ત્વની વાત એ કે સંસદની આખી ગતિવિધિ દુનિયા જુએ છે ને તેની સારી માઠી અસરો પણ ઝીલે છે, એ સ્થિતિમાં સંસદ એ રીતે ન વર્તી શકે કે દેશે કોઈ વાતે શરમ અનુભવવી પડે. આમ છતાં શાસકો કે વિપક્ષો ક્યારેક વિવેક ચૂકે છે તે ઠીક નથી.
1 ઓગસ્ટે રાજસ્થાનના ભા.જ.પ.ના સાંસદ ઘનશ્યામ તિવારીએ કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે વિષે રાજ્યસભામાં અયોગ્ય ટિપ્પણી કરી. ખડગેના પરિવારવાદ વિષે તિવારીએ નિવેદન આપવાની સાથે ખડગેના નામ અંગે સંસ્કૃતમાં વિવાદાસ્પદ વિધાન પણ કર્યું. વિપક્ષોએ તેનો સખત વાંધો ઉઠાવ્યો અને ઘનશ્યામ તિવારી એ અંગે માફી માંગે એવો આગ્રહ રાખ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તિવારીની ટિપ્પણીથી વ્યથિત થયા અને દુ:ખી થઈને બોલ્યા કે આવાં વાતાવરણમાં હું જીવી શકતો નથી. આ મામલે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સંસદગૃહમાં કેબિનમાં તિવારી અને ખડગેને બોલાવીને તેમની વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી જોઈ. આશ્ચર્યજનક રીતે ઘનશ્યામ તિવારીએ કેબિનમાં ખડગેની પ્રશંસા કરી ને એવી સ્પષ્ટતા પણ કરી કે સંસ્કૃતમાં તેમણે જે કહ્યું તેમાં પણ ખડગેની તો પ્રશંસા જ હતી. જો કે, ખડગેએ એવો આગ્રહ રાખ્યો કે ઘનશ્યામ તિવારીએ માફી માંગવાની તૈયારી બતાવી જ છે તો તેમણે માફી રાજ્યસભામાં માંગવી જોઈએ અને તેમણે કહેલા શબ્દો રેકોર્ડ પરથી હટાવવા જોઈએ. સભાપતિ ધનખડે એમ કરવાની ખાતરી આપી, પણ પછી એમ થયું નહીં. એ સંદર્ભે સભાપતિએ વિપક્ષોને બોલવા દીધા ન હતા, ન તો તિવારી પાસે માફી મંગાવવાનો ખડગને અપાયેલો વાયદો પણ એમણે પાળ્યો. કાઁગ્રેસ સહિતના વિપક્ષોએ એ મુદ્દે હોબાળો કર્યો કે ઘનશ્યામ તિવારીએ કેબિનમાં માફી માંગવાની તૈયારી બતાવી હતી, તો ગૃહમાં તેઓ માફી કેમ માંગતા નથી? તિવારીએ હાઉસમાં જો ખડગેનું અપમાન કર્યું હોય તો તેમણે માફી હાઉસમાં જ માંગવી જોઈએ. વાતને અઠવાડિયું વીતી ગયું તો પણ સભાપતિએ એની કાળજી ન લીધી. આ મામલે વિપક્ષી સાંસદોએ હોબાળો કર્યો, એટલું જ નહીં, ખડગેએ પણ ઊભા થઈને સભાપતિનું ધ્યાન દોર્યું, પણ પરિણામ શૂન્ય જ રહ્યું.
આ રીતે સભાપતિ ધનખડેએ વિપક્ષની વાત કાને ધરી નહીં. તેમણે ખાતર પર દિવેલ કરતાં હોય તેમ ગૃહને જણાવ્યું કે તિવારી અને ખડગે સિનિયર નેતાઓ છે. બંનેને પાંચેક દાયકાઓનો અનુભવ છે. બંનેએ મારી કેબિનમાં જે તે મુદ્દે ચર્ચા કરી લીધી છે ને હવે આ વાત આગળ વધારવાની કોઈ જરૂર જણાતી નથી. વધારામાં ઘનશ્યામ તિવારીની વાતનો બચાવ કરતાં તેમણે ઉમેર્યું કે તેમના કહેવાનો હેતુ સારો હતો. બેત્રણ સાંસદોએ એ અંગે સભાગૃહમાં પોતાની વાત રજૂ કરવા ચાહી, પણ સભાપતિએ તેમને અનુમતિ ન આપી.
આ મામલે ધનખડે સિનિયર સ.પા. સાંસદ જયા અમિતાભ બચ્ચનને છેલ્લે બોલવાની મંજૂરી આપી. જયા બચ્ચને પોતાની વાત મૂકતાં કહ્યું કે હું અભિનેત્રી છું અને ચહેરાના હાવભાવ કે વાતોનો ટોન પકડી શકું છું. મને માફ કરજો પણ તમારો ટોન બરાબર નથી. અમે સ્કૂલનાં બાળકો હોઈએ એ રીતે તમે અમારી સાથે વર્તો છો. આ વાતે સભાપતિ છેડાઈ પડ્યા હતા ને જયા બચ્ચનને તેમણે બોલવા ન દઈને બેસાડી દીધા હતા. ધનખડે જયા બચ્ચનને સંભળાવ્યું પણ ખરું કે તમે એકટર હશો, તો તમને ખ્યાલ હશે જ કે એકટર તો ડિરેક્ટરનો ઓબ્જેક્ટ છે. મતલબ કે ડિરેક્ટર કહે તેમ એક્ટરે કરવાનું હોય છે. એમ કહીને ધનખડે પોતાને સાંસદોની ઉપર ગણાવ્યા. વાત વધી પડતાં વિપક્ષોએ વોકઆઉટ કર્યો. વાત આટલેથી અટકી નહીં, વિપક્ષી સાંસદોએ એક જૂટ થઈને વાત એ રીતે મૂકી કે ધનખડ વિરુદ્ધ એક મત ઊભો થઈ શકે. જયા બચ્ચને કહ્યું કે સભાપતિ પણ ગૃહના સભ્ય જ છે. તેમનું આવું વર્તન યોગ્ય નથી. જ્યા બચ્ચનની સાથે સોનિયા ગાંધી સહિત સૌ વિપક્ષી સભ્યોએ સભાપતિના ટોનની ટીકા કરી. તેઓ ચાલુ સભામાં પણ વિપક્ષી સાંસદોને ટોકે છે. સિનિયર સાંસદો બોલતા હોય ત્યારે સભાપતિ વચ્ચે વચ્ચે ટિપ્પણીઓ કરતાં હોય છે, એવું ઘણાં નેતાઓએ સોશિયલ મીડિયામાં નોંધ્યું પણ છે. ભા.જ.પે. આ મામલે એમ કહ્યું કે વિપક્ષોનું વર્તન બરાબર નથી. સભાપતિ ધનખડની સાથે ભા.જ.પ.ના સાંસદો સહિત આખો દેશ છે. રાજ્યસભાના સત્તાપક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ જે.પી. નડ્ડાએ વિપક્ષની ટીકા કરીને આખા મામલાને ધનખડના અપમાન સાથે જોડ્યો હતો.
મૂળ મુદ્દો તિવારી અને ખડગેનો હતો, તે જયા બચ્ચન અને ધનખડના મતમતાંતર પર આવી ગયો હતો. વિપક્ષો આ મામલે એટલા છંછેડાયા છે કે તેઓ ધનખડની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાનું વિચારે છે ને જયા બચ્ચન તો ધનખડ પાસેથી માફી મંગાવવાનું મન પણ બનાવી ચૂક્યાં છે. એ ખરું કે સભાપતિ ધનખડે એમની કેબિનમાં ઘનશ્યામ તિવારી પાસે સંસદમાં માફી મંગાવવાનો વાયદો ખડગેની હાજરીમાં કરેલો, એ ગૃહમાં કબૂલ કરાવવાની વાત આવી તો સભાપતિએ તિવારીનો હેતુ સારો હતો એમ કહીને માફી મંગાવવાનું ટાળ્યું એ ઠીક ન હતું. ખડગેએ પોતે એવો આગ્રહ રાખ્યો હોય કે તિવારી માફી માંગવાના મતના હોય તો તેમણે ગૃહમાં જ માફી માંગવી જોઈએ. એ વાત ધનખડે વિસારે પાડી એ બરાબર ન થયું. એમ કરીને સભાપતિએ પોતે જ પોતાના બોલનું મહત્ત્વ ઓછું આંક્યું. બિલકુલ એ જ રીતે જયા બચ્ચનનો ધનખડ પાસે માફી મંગાવવાનો આગ્રહ પણ ઠીક નથી. ગમે તેમ તો ય ધનખડ રાજ્યસભાના સભાપતિ છે ને એમની પાસે જાહેરમા માફી મંગાવવાનું વિપક્ષી સભ્યોને શોભવું ન જોઈએ. ધનખડ સભાપતિ છે, એટલું જ નહીં, તેઓ દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે ને સંસદમાં તેમની ગરિમા જળવાય એ જરૂરી છે. આ પછી પણ વિપક્ષ હોદ્દા પરથી ધનખડને હટાવવાનુ મન બનાવી જ લે છે તો, ઉપરાષ્ટ્રપતિને હટાવવાની વિપક્ષોની આવી પહેલ દેશના સંસદીય ઇતિહાસમાં પહેલી ઘટના હશે.
સૂત્રોના મતે શુક્રવારે રાજ્યસભામાં વિપક્ષી સભ્યો ધનખડથી ખાસા નારાજ હતા. વિપક્ષી દળોના 87 સભ્યોએ ઉપરાષ્ટ્રપતિને હટાવવાના પ્રસ્તાવ પર સહીઓ કરી દીધી છે. આ રીતે હટાવવાની વાત વિપક્ષી સભ્યોએ ગૃહના નેતા જે.પી. નડ્ડાને અનૌપચારિક રીતે જણાવી પણ છે. ધનખડ અને વિપક્ષ વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલ્યો આવે છે. ગુરુવારે પણ ધનખડ અરાજક વ્યવહારથી ખિન્ન થઈ ગૃહમાંથી ચાલ્યા ગયા હતા. વિપક્ષ ધનખડ સામે મહાભિયોગ લાવવા કેટલો સક્ષમ છે એ હજી નક્કી નથી. સૂત્રોના કહેવા મુજબ સહી કરવાનો સિલસિલો આગળ ચાલે એમ બને. જો કે શુક્રવારે પ્રસ્તાવને વિધિવત જમા કરાવવા બે સહીઓ જ પર્યાપ્ત છે. પરંતુ વિપક્ષ પણ બતાવી દેવાના મૂડમાં છે. શુક્રવારે લોકસભા કે રાજ્યસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ રાજ્યસભાના અધ્યક્ષ છે. તેમને હટાવવા માટે રાજ્યસભામાં બહુમતીથી પ્રસ્તાવ પસાર કરાવવાનો રહે. એ પ્રસ્તાવ લોકસભામાં પસાર કરાવવાનો રહે ને એ માટે ઓછમાં ઓછી 14 દિવસની નોટિસ આપવી પડે. બંધારણના અનુચ્છેદ 67(બી) પ્રમાણે ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના તમામ તત્કાલીન સભ્યોની બહુમતી અને સંમતિથી પસાર કરાયેલ પ્રસ્તાવ થકી હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
રાજ્યસભામાં હાલ 225 સભ્યો છે. ભાજપના 86 સભ્ય સહિત શાસક એન.ડી.એ.ના 101 સભ્ય છે. એટલે કે બહુમતીથી 12 બેઠક દૂર છે. વિપક્ષ ઇન્ડિયા બ્લોકના 87 સભ્યો છે.એટલે ઇન્ડિયા બ્લોક પણ બહુમતીથી 26 બેઠકો દૂર છે. આ સ્થિતિમાં વાય.એસ.આર.પી.સી.ના 11, બી.જ.દ.ના 8 અને અન્ના દ્રુમકના 4 સભ્યોને મેળવીને 23 સભ્યો પ્રસ્તાવ પસાર કરાવી શકે. એન.ડી.એ. પાસે 293 સભ્યો છે અને લોકસભામાં 236 સભ્યો છે. બહુમતી 272 પર છે. વિપક્ષ અન્ય 14 સભ્યોને મનાવી લે તો પણ દરખાસ્ત પસાર કરાવવાનું સહેલું નથી. ખરેખર તો વિપક્ષે મહાભિયોગનો આખો વિચાર પડતો મૂકવા જેવો છે. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેના સંબંધોમાં કડવાશ વધે એ યોગ્ય નથી. જયા બચ્ચને પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. ઘડીકમાં તેમને જયા અમિતાભ બચ્ચન જેવા આધિકારિક નામે સંબોધિત કરાય તો ચિડાય છે ને બીજી તરફ એ નામનું ગૌરવ પણ અનુભવે છે. અત્યારને તબક્કે વિપક્ષ ધનખડને હટાવવાને મામલે કેટલો ગંભીર છે તે કહેવાનું મુશ્કેલ છે. એક વાત સ્પષ્ટ છે કે શાસક પક્ષ કે વિપક્ષ સદનમાં એક બીજા પર આરોપ લગાવવામાંથી જ ઊંચા નથી આવતા. એ બધાંનું સીધું પ્રસારણ પણ થાય છે. એ જોનારી પ્રજામાં કેવો મેસેજ દેશ વિદેશમાં જતો હશે તે સમજી શકાય એમ છે.
એટલું સ્પષ્ટ છે કે શાસક પક્ષ કે વિપક્ષ સદનમાં ગરિમાપૂર્ણ વ્યવહાર કરે તો તેમણે કૈં ગુમાવવાનું નથી, પણ સામસામાં દાંતીયા કરવાથી તો કોઈ ઉકેલ આવે એમ નથી, એટલું જ નહીં, સમભાવથી જે મળશે તે ચિરંજીવ હશે, યાદગાર હશે એ દરેકે સમજી લેવાનું રહે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઑગસ્ટ 2024