‘કરસનદાસ મૂળજી : જીવન–નોંધ’, લેખકો : મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક, અણમોલ પ્રકાશન – 9426068186 – પાનાં 48, રૂ.60/-
ઝુજારુ પત્રકાર કરસનદાસ મૂળજી (1832-1871) ઓગણીસમી સદીમાં સમાજ સુધારણાના વીર યોદ્ધા હતા. તેમણે સામાજિક દૂષણો અને ધાર્મિક પાખંડો સામે સંઘર્ષ ચલાવ્યો. તેમનાં સાધન હતાં તેમણે ખુદ સ્થાપેલું ‘સત્ય પ્રકાશ’ સાપ્તાહિક, નિબંધો અને જાહેર ભાષણો.
કરસનદાસના જમાનામાં વ્યાપક નિરક્ષરતા, જાતિપ્રથા,સ્ત્રીઓ પર અત્યાચાર, બાળલગ્નો, દહેજ,વિધવાવિવાહ પ્રતિબંધ અને પરદેશગમન નિષેધ,અતિખર્ચાળ લગ્નો, પ્રેતભોજન, ધર્મગુરુઓની લંપટતા અને ભ્રષ્ટાચાર જેવાં અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો.
અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપ્રવૃત્તિને કારણે આવેલી જાગૃતિથી સામાજિક દૂષણોના વિરોધમાં અને સુધારાની તરફેણમાં એક લડત પૂરબહારમાં હતી. તેમાં કરસનદાસ ‘પહેલા વર્ગનો જોધ્ધો’ તરીકે પોંખાયા.
કરસનદાસની સહુથી મોટી લડાઈ ચાલી તે ‘સત્ય પ્રકાશ’માં તેમણે પોતાના વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલતા દુરાચારને ખુલ્લા પાડતા લેખોની ‘અનરાધાર બાણવર્ષા’ કરી તે બાબતે.
સંપ્રદાયના જદુનાથ મહારાજે તેમની સામે બદનક્ષીનો મુકદ્દમો માંડ્યો. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતા થયેલા આ મુકદ્દમામાં અંગ્રેજ સરકારની વડી અદાલતે કરસનદાસને નિર્દોષ જાહેર કર્યા. ‘મહારાજ’ નામનું નવું ફિલ્મ કરસનદાસ પરનું બાયોપિક છે.
પુસ્તિકામાં કરસનદાસના ઘડતર તેમ જ આરંભથી જ તેમણે આદરેલા પ્રબુદ્ધ કર્તુત્વની સંતર્પક માહિતી સાથે એમના આંદોલિત સમયનો આલેખ પણ મળે છે.
વલ્લભ સંપ્રદાયની ભૂમિકા સહિત લાયબલ કેસ વિશે એક અલગ પ્રકરણ છે. લેખક-અનુવાદક, જાહેર વક્તા અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ કરસનદાસના કૃતિશીલ અંતિમ દાયકા વિશે છેલ્લું પ્રકરણ છે.
બે પરિશિષ્ટો તરીકે કરસનદાસનો જીવનક્રમ અને ઓગણીસમી સદીના ગુજરાતની સાંસ્કૃતિક સાલવારી મળે છે.
સઘન રીતે લખાયેલી મોનોગ્રાફ પ્રકારની આ અભ્યાસ-પુસ્તિકા આવા પ્રકારનું લેખન કેવી રીતે થાય તેનો પદાર્થપાઠ છે. તેમાં ઊંડાણ અને વાચનીયતાનો સુમેળ છે. અહીં સંખ્યાબંધ એવી ઝીણી ઝીણી વિગતો છે કે જે મેળવતાં ખૂબ ગ્રંથશ્રમ પડ્યો હોય.
કરસનદાસની સાર્ધ શતાબ્દી નિમિત્તે 25 જુલાઈ 1983ના રોજ પહેલી વાર આવેલી આ પુસ્તિકાનું પુન:પ્રકાશન 04 ઑગસ્ટે પ્રખર બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકના પહેલા સ્મૃતિદિને થયું છે. મકરન્દ મહેતા ઇતિહાસ સંશોધનમાં અત્યારે પણ સક્રિય છે.
આપણા સમયયના બે પ્રબુદ્ધ ઇતિહાસકારોએ લખેલી આ પુસ્તિકા ગુજરાતીનું શકવર્તી પ્રકાશન છે. કરસનદાસ વિશે, ખાસ તો તેમના પ્રદાનની સરખામણીએ ઘણું ઓછું કામ થયું છે.
સમાજનો એક વર્ગ પારોઠના પગલાં માંડી રહ્યો છે. અપવાદો બાદ કરતાં પત્રકારિતા રાજ્ય-ધર્મ-સંપત્તિના સકંજામાં ફસાયેલી છે. આવા સંજોગોમાં સુધારાના ભેખધારી પત્રકારનું જીવનકાર્ય ખૂબ પ્રસ્તુત બને છે.
*****
‘પૂના કરાર : ઇતિહાસ,અસર અને ઉકેલ’, લેખક : મયૂર વાઢેર, મુખ્ય વિક્રેતા : બ્લુ બુદ્ધા પબ્લિકેશન – 8511610404 – પાનાં 176, રૂ.150/-
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1930માં સાંસ્થાનિક સ્વરાજમાં ભારતના દલિત સમુદાયો માટે અલગ મતાધિકારની માગણી કરી. તેમનો ઉદ્દેશ આ દેશમાં સદીઓથી અન્યાય વેઠી રહેલાં સમગ્ર દલિતવર્ગનું રાજકીય સશક્તિકરણ કરવાનો હતો.
અલગ મતવિસ્તારની નીતિ દ્વારા અનુસૂચિત જાતિઓ માટે ત્રણ ધ્યેયો સાધી શકાય તેમ હતાં : સત્તામાં પ્રતિનિધિત્વ, સત્તામાં ભાગીદારી અને સત્તા પર નિયંત્રણ. અંગ્રેજ સરકારે બાબાસાહેબની માગણી માન્ય રાખી, પણ ગાંધીજીએ તેના વિરોધમાં 20 સપ્ટેમ્બર 1932થી આમરણ ઉપવાસ શરૂ કર્યા.
ગાંધીજીના જીવનના જોખમને ધ્યાનમાં લઈને માનવતાના ધોરણે બાબાસાહેબે નમતું જોખ્યું, અને અલગ મતાધિકારને બદલે અનામત બેઠકોનો સ્વીકાર કર્યો. તેને લગતો જે કરાર 24 સપ્ટેમ્બરના દિવસે થયો તેને ઇતિહાસમાં પૂના કરાર તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીની ભૂમિકા પરત્વે આ કરાર હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે.
પ્રસ્તુત પુસ્તકનો આરંભ ડૉ. આંબેડકરની શિક્ષણયાત્રા અને તેમના જાહેરજીવનમાં પ્રવેશની વિગતવાર માહિતી સાથે થાય છે. ત્યાર બાદ પૂના કરારના ઇતિહાસ અંગેના પ્રકરણો છે, જેની શરૂઆત સાઉથબરો સમિતિ સમક્ષ આંબેડકરની રજૂઆતથી થાય છે.
સાઉથબરો કમિટી બ્રિટિશ સંસદે ભારતના લોકોના મતાધિકાર માટેનો અહેવાલ તૈયાર કરવા રચી હતી, જેમાં બાબાસાહેબે દલિતોના અલગ અને અસરકારક રાજકીય પ્રતિનિધિત્વની માગણી કરી. તે માગને તેમણે બંને ગોળમેજી પરિષદોમાં સબળપણે દોહરાવી.
બે પરિષદોના વચગાળામાં આંબેડકર અને ગાંધી વચ્ચે આ મુદ્દે થયેલી મુલાકાતનું કોઈ પરિણામ ન આવ્યું. ઑગસ્ટ 1932માં અંગ્રેજ સરકારે કમ્યુનલ અવૉર્ડ જાહેર કર્યો જેમાં દલિતોના મતાધિકારની સ્વીકૃતિ હતી.
પૂના કરારનો આ ઇતિહાસ અનેક વિગતો સાથે આઠ પ્રકરણોનાં પચાસેક પાનાંમાં આપ્યા બાદ લેખક ગાંધીજીની ઉપવાસની જાહેરાત અને તેને પગલે તેમનો અંગ્રેજ સરકાર તેમ જ બાબાસાહેબ સાથેનો પત્રવ્યવહાર આપણી સમક્ષ રજૂ કરે છે.
બારમું પ્રકરણ પૂના કરાર માટેની વાટાઘાટોની બધી વિગતો આપે છે. તે પછીના પ્રકરણમાં પૂના કરારનો દસ્તાવેજ વાંચવા મળે છે, જેમાં ગાંધેજીએ સહી કરી નથી. અડગ લડવૈયા બાબાસાહેબે પોતાની માગણી માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા જે અંગેના ચાર પ્રકરણો વિશેષ નોંધપાત્ર છે.
વાચનીય પ્રકરણો છે ‘વ્યાકુળ ગાંધીનો વલોપાત’, ‘પૂના કરાર અંગે ડૉ. આંબેડકરનું ચિંતન અને સમકાલીન મીડિયા’ અને ‘પૂના કરારનો પ્રકોપ’ છે. અંગ્રેજી-ગુજરાતી સ્રોતોની સત્તર પાનાંની સંદર્ભ સૂચિમાં લેખકે દરેક હકીકત અને વિધાનને આધાર આપ્યો છે.
વ્યવસાયે શિક્ષક અને યુવા દલિત અભ્યાસીનું આ પુસ્તક તેમની પાસે વધુ પુસ્તકોની અપેક્ષા જન્માવે છે.
—————————————-
પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98987 62263
11 ઓગસ્ટ 2024
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 11 ઑગસ્ટ 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર