
રમેશ ઓઝા
પડ્યા લખણ જલદી છૂટતા નથી. લોકસભાના નવા ચૂંટાયેલા એન.ડી.એ.ના સભ્યોએ નરેન્દ્ર મોદીની વડા પ્રધાનના પદ માટે પસંદગી કરી એ પછી તેમણે ભારતનાં બંધારણની મોટામાં મોટી ઉપલબ્ધ પ્રત માથે ચડાવી હતી. રાહુલ ગાંધી બંધારણની પોકેટ સાઈઝ પ્રત લઈને પ્રચાર કરતા હતા અને તેણે નરેન્દ્ર મોદીને બહુ નુકસાન પહોંચાડ્યું હતું. કેમેરામાં મોટી પ્રત વધારે નજરે પડે એવો વિચાર રાહુલ ગાંધીને નહોતો આવ્યો, કારણ કે રાહુલ કેમેરાજીવી નથી. આ સિવાય નરેન્દ્ર મોદી રાજઘાટ ગાંધીજીની સમાધી પર ગયા હતા અને બાપુને પગે લાગીને આશીર્વાદ માગ્યા હતા. અને એન.ડી.એ. સરકારની પહેલી કેબિનેટ મિટિંગની તસ્વીર જોઈ? એમાં પણ વડા પ્રધાનની પાછળ ગાંધીજીનું મોટું ચિત્ર નજરે પડતું હતું અથવા નજરે પડે એમ રાખવામાં આવ્યું હતું.
પહેલી વાત તો એ કે બંધારણ કોઈ પવિત્ર ધાર્મિક ગ્રન્થ નથી કે તેને પગે લાગવાથી કે માથે ચડાવવાથી જિંદગીનો ઉદ્ધાર થઈ જાય. બંધારણ ભારતની પ્રજાએ બસો વરસ દરમ્યાન વિકસાવેલા અને સ્વીકારેલા જીવનદર્શનનો દસ્તાવેજ છે. ભારતની નિયતિ સાથેનો એક પવિત્ર કરાર છે. અમે આમ જીવીશું અને આમ નહીં જીવીએ. અમે આ અપનાવશું અને આ છોડશું, પછી ભલે એ અમારા ધર્મનો કે પરંપરાનો હિસ્સો હોય. આખું બંધારણ વાંચવાની જરૂર નથી, બંધારણના પ્રારંભમાં જ જે આમુખ (વી ધ પીપલ ઓફ ઇન્ડિયા…) આપવામાં આવ્યું છે એ વાંચી જાઓ. પાંચ પંક્તિના અમુખ ઘડવા માટે બંધારણ ઘડનારાઓએ અંદાજે પાંચ દિવસ ચર્ચા કરી હતી અને આમુખ ઉપર જ અનેક પુસ્તકો લખાયાં છે. મારી દૃષ્ટિએ બંધારણનું મૂલ્ય પવિત્ર ધાર્મિક ગ્રન્થ કરતાં પણ વધુ છે, કારણ કે એ જીવવા માટેનો, અનુસરવા માટેનો ગ્રન્થ છે. પણ આપણા લાડલા વડા પ્રધાન માટે દરેક ચીજ ફોટા માટેની પ્રોપર્ટીઝ છે.
બંધારણ માટે ચડાવતી વખતે યાદ નહોતું કે આગલી લોકસભાના ૧૪૧ સભ્યોને એક કે બીજા બહાને લોકસભામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા? બોલનારા અને પ્રશ્નો પૂછનારાઓને એક એક કરીને દૂર કરવામાં આવ્યા હતા કે જેથી કોઈ વિરોધ કરનાર ન બચે. ૧૪૧ કોઈ નાની સંખ્યા છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ નહોતું આવ્યું કે તેમના કાર્યકાળની લોકસભા સંસદના ઇતિહાસમાં સૌથી ઓછો વખત મળી છે અને તેમાં સૌથી ઓછી ચર્ચા થઈ છે? બંધારણ માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે પાછલે બારણેથી ઈલેક્ટોરલ બોન્ડ્ઝ દાખલ કર્યા હતા એ ભારતનાં લોકતંત્રનાં પ્રાણ હરનાર હતા? એટલે તો સર્વોચ્ચ અદાલતે તેને ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કર્યા છે. બંધારણને માથે ચડાવતી વખતે એ યાદ ન આવ્યું કે ચૂંટણીપંચની નિયુક્તિમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિનો પણ મત લેવો જોઈએ? આવા તો બીજા ઓછામાં ઓછા સો પ્રસંગ હું એક શ્વાસે ટાંકી શકું એમ છું. બંધારણને માથે ચડાવવાથી બંધારણનિષ્ઠ નથી થવાતું, બંધારણના નિર્દેશ મુજબ અને તેણે બતાવેલી મર્યાદામાં જીવવાથી બંધારણનિષ્ઠ બની શકાય. માટે આ જીવવા માટેનો ગ્રન્થ છે, પૂજવા માટેનો નથી.
એવું જ ગાંધીજીનું. ચૂંટણીનાં પરિણામ આવ્યાં એના અઠવાડિયા પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૯૮૨માં રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ નહોતી આવી ત્યાં સુધી ગાંધીજીને દુનિયામાં કોઈ જાણતું નહોતું અને એની મને પીડા થાય છે. વિન્સ્ટન ચર્ચીલે ગાંધીજીને બ્રિટિશ સામ્રાજ્યના સૌથી મોટા દુ:શ્મન તરીકે ઓળખાવ્યા હતા, કોઈ “વીર” માટે આવું નહોતું કહ્યું. આનું કારણ એ હતું કે ગાંધીજીએ જગતના ઇતિહાસમાં પહેલી વાર શક્તિની નવી વ્યાખ્યા કરી અને એ સાબિત પણ કરી આપી. સામ્રાજ્યની તમામ તાકાત અદના માનવીની આંતરિક તાકાત સામે ઓછી પડે, જો તેની પાસે સત્ય આધારિત માગણી હોય, અહિંસા હોય અને લડવાનું ધૈર્ય હોય. ભારતના ખેડૂતોએ ભૂ પીવડાવ્યું એ કોણે આપેલી તાકાત હતી? વધારે પ્રમાણ આપવાની જરૂર નથી, ગોળમેજ પરિષદ વખતે લંડનમાં ગાંધીજી જે મકાનમાં રહેતા હતા ત્યાં નીચે આખો દિવસ કેટલા લોકો તેમના દર્શન માટે જમા થતા હતા એની તસ્વીરો જોઈ જાવ. લોકો સામ્રાજ્યના દુ:શ્મનના દર્શન કરવા અથવા કુતૂહલથી પ્રેરાઈને જોવા આવતા હતા.
જી-૨૦ નો જે તાયફો યોજવામાં આવ્યો હતો એ યાદ હશે. એ તાયફો જગતના તમામ નેતાઓના ખભા પર ચડીને આસમાન આંબવા માટેનો અવસર હતો એટલે વિદેશી નેતાઓના કાર્યક્રમમાં ગાંધીજીની સમાધી પર લઈ જવાની વ્યવસ્થા નહોતી રાખવામાં આવી. પણ તેમને ગાંધીજીની સમાધી પર લઈ જવા પડ્યા કારણ કે મહેમાનોને જવું હતું. શું થાય! સાથે જવું પડ્યું અને બાપુની મહાનતા વિષે બોલવું પણ પડ્યું. આવરણોથી જે ન ઢંકાય એ મહામાનવ કારણ કે તે સ્વયંપ્રકાશિત હોય છે અને સ્વયંપ્રકાશિત માણસને કોઈની પેટ્રોમેક્સની જરૂર પડતી નથી. ગાંધીજી મહાન હતા એટલે એટનબરોએ ફિલ્મ બનાવી, મહાન બનાવવા માટે ફિલ્મ નહોતી બનાવી જે રીતે આજે બનાવવામાં આવી રહી છે. અને એ પછી પણ બિચારા બે પગે ઊભા નથી રહી શકતા.
નરેન્દ્ર મોદીએ બંધારણનિષ્ઠા અને ગાંધીનિષ્ઠા બતાવવાની (શબ્દ પર ધ્યાન આપવામાં આવે, બતાવવાની) જરૂર નથી એનું હજુ એક કારણ છે અને એ વધારે મોટું છે. હિંદુ કોમવાદીઓ અને જેમની બુદ્ધિ પગની પાણીએ છે એવા ભક્તો માટે નરેન્દ્ર મોદી હીરો છે અને રહેશે. તેમની સંખ્યામાં હવે કોઈ વધારોઘટાડો થવાનો નથી. બીજી બાજુ જેઓ વિરોધ કરે છે એ આવી તસ્વીરો જોઇને પાછા આવે અને ટેકો આપતા થાય એ પણ શક્ય નથી. એમાં પણ કોઈ મોટો વધારોઘટાડો થાય એ શક્ય નથી. દેશમાં તેમણે પોતે ઊભી તિરાડ પાડી છે અને દેશની પ્રજાને ટેકો આપનારી અને વિરોધ કરનારી એમ બે ભાગમાં વહેંચી દીધી છે.
હા, આમ છતાં ય નાગરિકોનો એવો એક વર્ગ છે જે હિન્દુત્વ કે સેકયુલરિઝમના નામે વહેંચાયેલો નથી, પણ તો પછી તેને જોઈએ છે શું? તેને કઈ રીતે જીતી શકાય? જવાબ છે, પ્રામાણિક શાસન દ્વારા. લોકોની વેદના સાંભળવા જેટલા કાન સંવેદનશીલ કરીને. બાદશાહે હિન્દ બનીને નહીં, લોકોની વચ્ચે રહીને. મર્યાદાઓનું પાલન કરીને. માણસાઈ અને સંસ્કાર જાળવી રાખીને. લોકોને ખાતરી કરાવવી જોઈએ કે સરકાર શ્રીમંતો માટેની સરકાર નથી લોકો માટેની સરકાર છે. સત્યનો સામી છાતીએ સામનો કરીને, પ્રશ્નોથી ભાગીને નહીં. આ જ તો છે શાસનધર્મ. આટલું કરશો તો જે જતા રહ્યા છે એ પાછા આવશે. જે વિરોધી છે એ કદાચ પુનર્વિચાર પણ કરે.
બીજું આવા કેમેરા સામેના ખેલ હવે ઉઘાડા પડી ગયા છે. અબખે પડી ગયા છે. અર્થશાસ્ત્રમાં આને ડિમીનિશીંગ માર્જીન કહે છે. એક સર્વોચ્ચ બિંદુએ પહોંચ્યા પછી એ પરિણામ આપતું અટકી જાય અને પછી તેમાં ઘટાડો થવા લાગે. પહેલો પેંડો મીઠો લાગે, પાંચમો પેંડો પરાણે ખાવો પડે અને દસમો ઝેર જેવો થઈ જાય. મર્યાદામાં જીવતા, પ્રજાવત્સલ પ્રામાણિક શાસક તરીકે પોતાને સાબિત કરવાનો અવસર મળ્યો છે તો તેનો તેમણે લાભ લેવો જોઈએ. નહીં તો પેંડાએ સ્વાદ તો ગુમાવી જ દીધો છે, તેને ઝેર બનતા વાર નહીં લાગે.