Opinion Magazine
Number of visits: 9563817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વન પર્સન કેન ચેન્જ ધ વર્લ્ડ – રોસા પાર્ક્સ

સોનલ પરીખ|Opinion - Opinion|19 June 2024

‘અમારે ગોરાઓનાં ઘરકામ જ કરવાનાં છે અને એમનાં બાળકોની ગંદકી જ સાફ કરવાની છે; તો વિજ્ઞાન–ગણિત શીખવાની જરૂર શું?’ 1924ની સાલમાં અમેરિકાની એક બ્લેક સ્કૂલની વિદ્યાર્થિનીએ પૂછ્યું. શિક્ષિકા પળભર તો સ્તબ્ધ થઈ ગઈ, પછી વર્ગને સંબોધીને બોલી, ‘આ સવાલનો જવાબ કોઈ આપશે?’ અગિયાર વર્ષની રોસા ઊભી થઈ, ‘આપણે બધું એટલા માટે શીખવાનું છે જેથી આપણે એમની બરાબરીના, એકસમાન થઈએ. મિત્ર, તારાથી ચડિયાતું કોઈ નથી – ન સ્ત્રી, ન પુરુષ, ન ગોરું, ન કાળું. મારા દાદાએ મને આ કહ્યું છે અને એ મને સાચું લાગે છે.’

રોસા પાર્ક્સ

‘અમારે ગોરાઓનાં ઘરકામ જ કરવાનાં છે અને એમનાં બાળકોની ગંદકી જ સાફ કરવાની છે; તો આ બધા વિષયો શીખવાની જરૂર શું?’ 1924ની સાલમાં અમેરિકાની એક બ્લેક સ્કૂલની વિદ્યાર્થિનીએ આ સવાલ પૂછ્યો અને વિજ્ઞાન-ગણિત શીખવતી શિક્ષિકા પળભર તો સ્તબ્ધ થઈ ગઈ, પછી વર્ગને સંબોધીને બોલી, ‘આ સવાલનો જવાબ કોઈ આપશે?’ અગિયાર વર્ષની રોસા ઊભી થઈ, ‘આપણે બધું એટલા માટે શીખવાનું છે જેથી આપણે એમની બરાબરીના, એકસમાન થઈએ. મિત્ર, તારાથી ચડિયાતું કોઈ નથી – ન સ્ત્રી, ન પુરુષ, ન ગોરું, ન કાળું. મારા દાદાએ મને આ કહ્યું છે અને એ મને સાચું લાગે છે.’ શિક્ષિકાએ કહ્યું, ‘તમે લોકો આ શાળામાં શીખેલું બીજું કશું યાદ રાખો કે નહીં, રોસાની આ વાત જરૂર યાદ રાખજો.’

યુવાન વયે આ રોસા અશ્વેતોની મેદનીને સંબોધી આક્રોશ સાથે કહેતી, ‘તેઓ આપણને કચડી નાખે અને આપણે કંઈ ન બોલીએ એવું એમને જોઈએ છે. જ્યારે આપણે એમ કરવાની ના પાડીએ છીએ ત્યારે આપણા પર શાંતિનો ભંગ કરવાનો આરોપ મુકાય છે અને બમણા જોરે કચડવામાં આવે છે. આવું ક્યાં સુધી, શા માટે ચલાવીશું?’ રોસા હવે આધુનિક આફ્રિકન અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં જોડાઈ હતી અને એના જેવા જ એક વિદ્રોહી રેમન્ડ પાર્ક્સની પત્ની હતી. બાળપણથી અન્યાય અને અપમાનનો વિરોધ કરતી આવેલી રોસા પાર્ક્સના જે ઇતિહાસપ્રસિદ્ધ કૃત્યથી આંદોલનને જબરો વળાંક મળ્યો હતો  તેને પહેલી ડિસેમ્બરે 48 વર્ષ થયાં.

વિશ્વના ઇતિહાસના કેટલાક કાળાં પ્રકરણોમાંનું એક ગુલામી છે. સોળમી-સત્તરમી સદીમાં આફ્રિકાથી વહાણો ભરીને ગુલામો લવાતા, વેચાતા અને જાનવરોથી બદતર રીતે એમને રખાતા. અબ્રહામ લિંકનના સમયમાં ગુલામી નાબૂદ થઈ, પણ મુક્ત થયેલા ગુલામો અને તેમના વંશજો વર્ષો સુધી બહુ ખરાબ રીતે સેગ્રીગેશન-ભેદભાવના શિકાર થતા રહ્યા. માત્ર સેગ્રીગેશન નહીં, હાઈપર સેગ્રીગેશન. પહેલા વિશ્વયુદ્ધમાં બ્લેક આર્મી યુનિટ્સ અલગ હતાં. અમેરિકાના જ લશ્કરનો ભાગ હોવા છતાં ખાવાનું, સગવડો અને સાધનો ઓછાં અપાતાં એટલું જ નહીં, સ્યુસાઈડ મિશનમાં તેમને આગલી હરોળોમાં રાખવામાં આવતા. શહેરોમાં નીગ્રો લોકો અલગ મહોલ્લાઓમાં કંગાળ હાલતમાં જીવતા. શ્વેત લોકો તેમને તુચ્છકાર અને તિરસ્કારથી જોતા. વાતેવાતે અપમાન, માર, હત્યા, ખોટા કેસમાં સંડોવણી, ક્રૂર સજાઓ આ બધું સામાન્ય હતું. રેસ્ટોરાં, હૉટેલ, ચર્ચ, શિક્ષણ, કમાણીની તક, આરોગ્યસેવા, વસવાટ, ટ્રેન-બસ, વેઈટિંગ રૂમ, બાગમાં બેસવાની બેંચો, પાણીની પરબ – તેમને માટે બધું જ અલગ, ઊતરતી કક્ષાનું. ઠેકઠેકાણે ‘વ્હાઈટ’ અને ‘કલર્ડ’નાં પાટિયાં ઝૂલે. આ આખો ઇતિહાસ યાતના, શરમિંદગી અને અન્યાયોથી ભરેલો છે.

રોસા 1913માં અલાબામા સ્ટેટમાં જન્મી ત્યારે સેગ્રીગેશન પરાકાષ્ઠાએ હતું. અશ્વેત હોવાને કારણે શિક્ષણ અધૂરું રહ્યું. 19 વર્ષની ઉંમરે તેનાં લગ્ન મોન્ટગોમરીમાં રહેતા રેમન્ડ પાર્ક્સ સાથે થયાં. એ પણ સેગ્રીગેશનને કારણે ઓછું શિક્ષણ પામ્યો હતો પણ તેનો પોષાક, વિચારો અને ભાષા ઉચ્ચ શિક્ષણ પામેલા લોકો જેવા હતા. તે અશ્વેત લોકોના ઉત્થાન માટે કામ કરતા એસોસિયેશનનો સભ્ય પણ હતો. 1931માં બે શ્વેત યુવતીઓ પર બળાત્કાર કરવાના ખોટા આરોપસર નવ નીગ્રો તરુણોને ફાંસીની સજા ફરમાવાઈ ત્યારે તેમને છોડાવવા જે ઐતિહાસિક લડત ચાલેલી તેમાં પણ રેમન્ડ પાર્ક્સે મોટો ભાગ ભજવેલો. લગ્ન પછી રોસા તેની સાથે જોડાઈ અને સંગઠનની સ્થાનિક શાખાની પ્રમુખ પણ બની.

રોસા એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરતી. 1955ની પહેલી ડિસેમ્બરની સાંજે કામ પરથી પાછા ફરતાં રોજની જેમ તે બસમાં ચડી અને ‘કલર્ડ સેક્શન’ની એક બેઠક પર જઈને બેઠી. મોન્ટગોમરીમાં ડ્રાઈવરોને મુસાફરોને વ્યવસ્થિત બેસાડવાની સત્તા ખરી, પણ કોઈ મુસાફરને તેની બેઠક પરથી ઉઠાડવાનો અધિકાર ન હતો. આમ છતાં ડ્રાઈવરો વ્હાઈટ સેક્શન ભરાઈ જાય ત્યારે ગોરા મુસાફરોને બેસાડવા કાળા મુસાફરોને ઉઠાડી મૂકતા. તે દિવસે પણ બસ ભરાઈ એટલે ડ્રાઈવરે આવીને તોછડાઈથી રોસાને કહ્યું, ‘ઊભી થા. આ ગોરાને બેસવા દે.’ આત્મકથામાં રોસાએ લખ્યું છે, ‘હું ઊભી ન થઈ. કેટલાક માને છે કે હું થાકેલી હતી તેથી ન ઊઠી. હા, મને થાક લાગ્યો હતો, અપમાનો અને અન્યાયો સહેતી આવેલી અમારી આખી બિરાદરીનો થાક મારામાં ભરાયો હતો. મેં કોઈ યોજના બનાવી ન હતી, પણ ડ્રાઈવરે આવીને દાદાગીરી બતાવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું આવી જ કોઈ તકની રાહ જોતી હતી.’

પોલિસે તેને પકડી, ને કૉર્ટે ‘કાયદાનું ઉલ્લંઘન’ કરવા બદલ દંડ ફટકાર્યો. એનો કેસ ચાલ્યો તે દિવસથી સૂકા ઘાસમાં તણખો પડ્યો હોય તેમ ઈ.ડી. નિક્સન અને માર્ટિન લ્યૂથર કિંગ જેવા આગેવાનોની રાહબરીમાં મોન્ટગોમરી બસ બૉયકોટ શરૂ થયો. 381 દિવસ સુધી ચાલ્યો, અંતે બસોનું ‘એકીકરણ’ થયું. ત્યાર પછી સિવિલ રાઈટ્સ મુવમેન્ટે ખૂબ વેગ પકડ્યો. રોસા પાર્ક્સ અને માર્ટિન લ્યૂથર કિંગ બંને આ મુવમેન્ટનાં જ્વલંત અને જબરદસ્ત પ્રેરણાસ્રોતો હતાં. માર્ટિન લ્યૂથર કિંગ 1929માં જ્યોર્જિયામાં જન્મ્યા હતા, જ્યાં હાડોહાડ રંગદ્વેષ વ્યાપેલો હતો. રોસા પાર્ક્સ ઘટના પછીના વર્ષે તેઓ સંગઠન અને આંદોલનના નેતા ચૂંટાયા હતા. બંનેએ જોખમો વચ્ચે સતત કામ કર્યું, જેલવાસ વેઠ્યા. કાળી ચામડી પ્રત્યેનો તિરસ્કાર બંનેએ ભોગવ્યો હતો. બંને તેમાંથી બહાદુરીપૂર્વક બહાર નીકળ્યાં અને સ્વતંત્રતા અને નાગરિક અધિકાર માટે કોઈપણ બલિદાન આપવા તત્પર બન્યાં. આખી લડાઈ અહિંસક માર્ગે ચાલી હતી.

1964માં સિવિલ રાઈટ્સ એક્ટ પસાર થયો, અશ્વેતોને મતાધિકાર મળ્યો અને ભેદભાવો નાબૂદ થયા. 1968માં માર્ટિન લ્યૂથર કિંગની હત્યા થઈ. 1965માં તેમના જેવા જ વિખ્યાત અશ્વેત નેતા માલ્કમ એક્સની હત્યા થઈ હતી. બંને 39 વર્ષના હતા.

રોસા પાર્ક્સનું શું થયું? બૉયકોટ દરમ્યાન તેની અને તેના પતિની હકાલપટ્ટી થઈ હતી. રોસા બીમાર પડી, કુટુંબ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયું. 1957માં બસ સેગ્રીગેશન ગયું, પછી પણ કામ મળતું ન હતું, સંઘર્ષ કેવી રીતે આગળ વધારવો તે અંગે આગેવાનો સાથે મતભેદ હતા, સતત ધમકીઓ મળતી. પતિપત્ની વર્જિનિયા રહેવા ગયાં. પછી રોસાના ભાઈ સિલ્વેસ્ટરે બહેનબનેવી અને માને ડેટ્રોઈટ બોલાવી લીધાં. ત્યાં ય સેગ્રીગેશન હતું જ. રોસા ડેમોક્રેટિક પાર્ટીના જૉન કૉન્સર્ટની સેક્રેટરી તરીકે કામ કરવા લાગી. 1977માં રેમન્ડ કૅન્સરથી મૃત્યુ પામ્યો. ટૂંકા ગાળામાં મા અને ભાઈ પણ કૅન્સરનો શિકાર બન્યા. 1980થી રોસા પૂર્ણપણે શિક્ષણ અને સિવિલ રાઈટ્સનાં કામોને સમર્પિત થઈ. સન્માનો ખૂબ મળતાં, ધન પણ મળતું, પણ રોસા મોટાભાગની આવક જાહેર કામોમાં ખર્ચતી. પોતે પતિના પેન્શન પર જીવતી. છેલ્લે ચર્ચ ગ્રુપ અને પ્રશંસકોની મદદ લેવી પડી હતી.

1992માં તેણે આત્મકથા લખી હતી અને 1995માં સ્મરણો લખેલાં. આ લેખની આખી જગ્યા ભરાઈ જાય એટલાં સન્માનો એને મળેલાં. 2005માં 93 વર્ષની ઉંમરે એનું મૃત્યુ થયું ત્યારે એના દેહને શણગારેલી પેટીમાં વૉશિંગ્ટન ડી.સી. લવાયો, લાખો લોકો તેનાં અંતિમ દર્શન કરવા ઊમટ્યા. ફરી કાસ્કેટ ડેટ્રોઈટ લવાયું અને એક ચર્ચમાં તેનો દેહ સન્માનપૂર્વક દફનવાયો. રોસા પાર્ક્સ પર પુસ્તકો લખાયાં છે, સ્મારક બન્યું છે, ફિલ્મ બની છે, અનેક કાર્યક્રમો બન્યા છે. અમેરિકન સિવિલ રાઈટ્સ હીરો તરીકે રોસા પાર્ક્સને એના જન્મદિન અને બસની ઘટનાના દિવસે ખૂબ માનપૂર્વક યાદ કરવામાં આવે છે. એણે જે કહ્યું તે જ માન્યું અને જીવ્યું કે, ‘આ પૃથ્વી પર જન્મ લઈને આપણે વિશ્વને બહેતર બનાવવા અને દરેકનો સ્વાતંત્ર્યનો અધિકાર અબાધિત રાખવા જે કંઈ પણ થઈ શકે તે કરવું જોઈએ.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 03 ડિસેમ્બર  2023

Loading

19 June 2024 Vipool Kalyani
← લેઇક ડિસ્ટ્રિક્ટ
જે ‘પક્ષ’ કટોકટી સાથે હતો અને જે ‘ઘટક’ કટોકટી સામે હતો એ બંનેની ભૂમિકા કેવી રીતે બદલાઈ? →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved