કાવ્યકૂકીઝ
0
ગરીબ મોટે ભાગે તો
ગરીબીનું જ રડતો હોય છે,
પણ હંમેશ એવું નથી.
ઘણાં ગરીબીમાં પણ સુખી હોય છે.
ગરીબો પાસે પૈસા હોતા નથી
પણ પૈસા નથી તેથી તો તે ગરીબ છે.
જો કે, તેનું કામ નીકળી જાય છે
કામ એટલે નીકળી જાય છે કારણ,
તેને કૈં બહુ જોઈતું હોતું નથી.
તેને ઓટલો જોઈએ છે
તે ન મળે તો ફૂટપાથ તો મળે જ છે.
તેને રોટલો જોઈએ છે, એ ખરું,
પણ કોઈ કૂતરું ન ખાય તો
તે પણ તેને મળી રહે છે.
મળે છે એટલે કે
તે ભગવાનની કરીબ છે.
અહીં હોય ત્યારે
ને ઉપર જાય ત્યારે પણ !
મંદિર બંધ થાય પછી
ભગવાન પાસે કોઈ હોતું નથી,
ગરીબ જ હોય છે
મંદિરને પગથિયે.
ગરીબ હસે છે
કે કૂતરું ભસે છે
તે વચ્ચે ઝાઝો ફરક હોતો નથી
ઘણાં કૈં નથી ખાતાં ત્યારે પણ
ગરીબની દયા તો ખાતાં જ હોય છે
જો કે, દયા કરતાં તો ગરીબ
વધારે જ ખાય છે.
હવે ગરીબોની સ્થિતિ સુધરી છે
તે મફતનું ખાતો થયો છે
તેને વર્ષોથી અનાજ મળે છે
કામ મળે કે ન મળે,
અનાજ મળે છે
બાપ જન્મારે બેન્ક જોઈ ન હતી,
પણ ગરીબ હવે
બેન્કનાં પગથિયાં ચડતો થયો છે.
તેનાં ઝીરો બેલન્સથી ખાતાં ખૂલે છે,
પછી રકમ જમા થતી રહે છે
ને ભૂખ બાદ થતી રહે છે
ગરીબ સુખી એ રીતે છે કે
તે અમીર થઈ શકતો નથી.
કોઈ ગમે એટલું આપે તો પણ
તેનાં સુધી પહોંચતાંમાં તો
બેલન્સ ઝીરો થઈ જ જાય છે …
એ બેલેન્સ તેને
ગરીબી રેખાની નીચે રાખે છે …
ગરીબી રેખા દેખાતી નથી,
પણ જ્યાં ગરીબો છે,
શિરોરેખાની જેમ ગરીબી રેખા
કપાળે ચોંટી જ જાય છે.
જે ગરીબી રેખાની નીચે છે
તેને કોઈ સ્પર્શતું નથી
ને તે પણ કોઈને સ્પર્શવા
રાજી નથી હોતો
ગરીબે આમ તો
કૈં કરવાનું હોતું નથી,
તેને માટે તો બીજા જ કરતાં હોય છે
તેણે જીવનભર
એક જ કામ કરવાનું છે ને તે
ગરીબી રેખાની નીચે રહેવાનું.
ભૂલેચૂકે જો તે ગરીબી રેખાની ઉપર ગયો
તો તેને કોઈ બચાવી શકતું નથી
તે ભગવાન ભરોસે રહે તો પણ
ભગવાન તેને ભરોસે રહેતો નથી
ને પોતાનો રસ્તો કરી જ લે છે..
000
e.mail : ravindra21111946@gmail.com