કોમી એખલાસ માટે શહાદત વહોરનાર વસંત-રજબની યાદમાં, અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ, ગાયકવાડ હવેલીમાં ઊભા કરેલા બંધુત્વ સ્મારકનું પહેલી જુલાઈએ તેમની હૌતાત્મ્ય તિથિએ લોકાર્પણ થયું. તેની સાથે ઝવેરચંદ મેઘાણી સંપાદિત વસંત-રજબ સ્મારક ગ્રંથની બીજી આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું.
સ્મારકગ્રંથની પહેલી આવૃત્તિ જાન્યુઆરી 1947માં, વસંત-રજબની કુરબાની પછી સાત જ મહિનામાં બહાર પડી છે. એટલે તેની અંદરનાં લખાણોમાં ભારોભાર ત્વરિતતા, નિકટતા અને વિશ્વસનીયતા છે. ગાંધીવાદી સમાજકાર્યકર વસંતરાવ હેગિષ્ટે (જન્મ 16 મે 1906) વિશેનાં સંભારણાં લખનારમાં અહીં તેમના બહેન હેમલતા, ભદ્ર વિસ્તારના તેમના સાથીઓ દોલતરાય શિંદે અને સખારામ જાધવ, ધંધુકા સેવાદળ શિબિર સહિત અનેક જગ્યાએ તેમની સાથે રહેનાર પ્રમોદ વ્યાસ, નાસિક જેલના સાથી નટવર મોદી છે. રજબઅલી લાખાણી (27 જુલાઈ 1919) વિશે તેમના ભાઈઓ વઝીર અને રમઝાન, કૉલેજના સાથીઓ બાલકૃષ્ણ શુક્લ, કનુભાઈ અને અમૃતલાલ પરીખ વગેરેએ લખ્યું છે. વસંતરાવ સાથે સોળ વર્ષ વીતાવનારા બળવંત વિં. શાહ, રજબઅલીના માર્ગદર્શક વજુભાઈ શાહ અને જાહેર જીવનના અગ્રણી રતુભાઈ અદાણીના લાંબા લેખો આ બંને શાંતિદૂતોનો વિસ્તૃત પરિચય આપે છે. ચાર લેખો મૂળ મરાઠીમાં જ મૂકવામાં આવ્યા છે. વસંતરાવની વ્યાયામ પ્રવૃત્તિ, દાંડીકૂચમાં તેમનું સંગઠન કૌશલ્ય, ધરાસણા સત્યાગ્રહમાં તેમની વીરતા, સેવાદળની આગેવાની જેવાં પાસાં વિશે વિગતવાર વાંચવા મળે છે. તે જ રીતે રજબઅલીનો લીંબડી હિજરતમાં ફાળો, વિદ્યાર્થીનેતા તરીકેની તેમની સફળતા, તેમનો પુસ્તકપ્રેમ અને તેમના ચાર જેલવાસ જેવી બાબતો વિશે વાંચવા મળે છે. જો કે વધુ રસપ્રદ છે તે બંનેના વ્યક્તિત્વની અંતરગ બાબતોની ઝલક. જેમ કે, વસંતરાવ કુટુંબ અને દેશ બંનેને બહુ ચાહતા. પરાક્રમી અને અહિંસક અખાડિયન વસંતરાવે અમદાવાદમાં લોકોને સારું ખાવાનું મળે તે માટે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સામે જ્યોતિ રેસ્ટોરાં શરૂ કરી હતી. વસંતરાવ જેલસાથીઓને તેલ ચોળી આપવું, તેમની ચંપી કરવી, તેમને ખવડાવવું એવાં હેતભર્યાં કામ કરતા. રજબઅલીને પરિવાર સાથે અણબનાવ થતા રહેતા કારણ કે તે બીજા સંતાનોથી જુદું વિચારનારા હતા. ભાવનગર કૉલેજમાં તેમની અનેક વિરોધ-પ્રવૃત્તિઓ છતાં તે વિદ્યાર્થીઓ, કેટલાક અધ્યાપકો અને આચાર્ય શહાણીસાહેબના પ્રિય હતા. તેમણે ‘કમ્યુનલ ટ્રાયેન્ગલ’, ‘અલોન’, અને ‘પાવર ઑફ નૉન-વાયોલન્સ’ પુસ્તકોનાં કરેલા અનુવાદ અપ્રકાશિત છે. રજબને બાળકો સાથે બહુ મજા પડતી. તેમણે અમરેલી પાસેના તરવડા ગામની એક તાલીમ શિબિરમાં નાનકડા ઝૂંપડામાં રહીને પગરખાં બનાવવાની તાલીમ પણ લીધી હતી. તેમની તીવ્ર લાગણીશીલતા અને ઉત્કટ મિત્રતાના પ્રસંગો બહુ જ નજીકના મિત્ર ભાનુભાઈ શુક્લના લેખમાં વાંચવા મળે છે.
વસંત-રજબ સ્મારક ગ્રંથ મેઘાણીભાઈનું આ છેલ્લું સંપાદન હતું. તે સ્વીકારવા માટે તેમને તિરસ્કારનો પત્ર પણ આવ્યો હતો. આ પુસ્તક પછી ત્રણ મહિને તેમનું અવસાન થયું. સંપાદકીય નિવેદનમાં મેઘાણીએ જણાવ્યા મુજબ જીવનપરિચય આપનાર ચરિત્રલક્ષી લખાણોને ગ્રંથમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ‘નરી અંજલિલક્ષી પ્રશસ્તિઓને’ તેમણે પોતાના નિવેદનમાં સારવણી કરીને સમાવી લીધી છે. શહાદતને સલામ કરનાર આવા સમકાલીનોમાં મોરારજી દેસાઈ, ઉછંગરાય ઢેબર, ગણેશ વાસુદેવ માવલંકર, હરિપ્રસાદ દેસાઈ, ઠાકોરલાલ ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ અને છોટુભાઈ પુરાણીનો સમાવેશ થાય છે. નોંધપાત્ર વાત એ છે કે દર્શક સિવાય ભાગ્યે જ કોઈ અગ્રણી સાહિત્યકારે કોમવાદ સંબંધિત આ ઘટના તરફ સંવેદનશીલતા બતાવી છે. છપ્પન વર્ષ પછીય શાહમૃગી માનસમાં ઝાઝો ફેર નથી !
આ પુસ્તક બહાર પાડવા માટે પોલીસ ખાતું ધન્યવાદને પાત્ર છે. આ ખાતાની ક્રાઇમ બ્રાન્ચનું મુખ્ય મથક ગાયકવાડ હવેલીમાં છે. વસંત-રજબ સ્મારક એ ભયંકર જગ્યામાં બનેલું છે. આ જ શાખા તેમ જ તેના કેટલાક અધિકારીઓ ગોધરાકાંડ પછી જનતાને આતંકિત કરીને સત્તાવાળાઓને ખુશ કરવાના કરતૂતો માટે દેશ અને દુનિયામાં બહુ ટીકાને પાત્ર બન્યા છે. તાજેતરનો વિરોધાભાસ એ છે કે ક્રાઇમ બ્રાન્ચના જઘન્ય અત્યાચારોનું બયાન આપવા માટે મુફ્તિ મહંમદ કયુમે લખેલું ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ પુસ્તક હજુ એપ્રિલ મહિનામાં જ બહાર પડ્યું છે. તેનો પ્રકાશન કાર્યક્રમ થવા દેવામાં આ જ પોલીસ ખાતાએ અડચણ ઊભી કરી હતી.
આ પુસ્તકના ‘સંગ્રાહક-સંપાદક’ તરીકે રિઝવાન કાદરીનું નામ છાપેલું છે. તેમણે આ પુસ્તકમાં નહીંવત સંપાદન કાર્ય કર્યું છે. ધોરણસરના સંપાદનમાં હોય તેવી પાયાની બાબતો અહીં મૂકવામાં આવી નથી. કોમી સંવાદિતાનાં દર્શન પોતાનાં સર્જનમાં વારંવાર કરાવનાર ઝવેરચંદ મેઘાણીની આ સંપાદનના સંદર્ભે વિશિષ્ટ પાત્રતા હતી. કોમવાદી પોલીસ અને અંગ્રેજ શાસકોની નિંભરતા પર મેઘાણીએ ‘ફૂલછાબ’માં દોરેલા કાર્ટૂનને લગતા કેસ જેવી મહત્ત્વની ઘટનાનો આછો નિર્દેશ સુદ્ધાં સંપાદક આપતા નથી. સંપાદન એટલે શું તે જાણવા માટે મેઘાણીના જ સાહિત્યના તેમના ચિરંજીવી વિનોદભાઈ અને જયંતભાઈએ કરેલાં સંપાદનો જોઈ જવા જેવાં છે. આ સંપાદનની બાબતમાં બીજો એક બહુ વિવાદાસ્પદ મુદ્દો એ છે કે આ પુસ્તકના કૉપીરાઇટ ડૉ.રિઝવાન કાદરીના છે એવું છાપવામાં આવ્યું છે. આ કાયદેસરનું જ હશે એમ દલીલ તરીકે માંડ માંડ ધારી લઈએ તો પણ નૈતિક રીતે, એથિકલિ, આવું કરી શકાય કે કરવા દઈ શકાય ખરું ? જો કે એ મોટું આશ્વાસન ખરું કે આ સ્મારક ગ્રંથ થકી આજના જમાનામાં પણ અત્યંત પ્રસ્તુત એવા વસંત-રજબ ફરીથી ગુજરાતની નજર સમક્ષ અક્ષરદેહે આવ્યા.
6 જુલાઈ 2015
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘કદર અને કિતાબ‘ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 08 જુલાઈ 2015