Opinion Magazine
Number of visits: 9446649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હંગેરીમાં ગાંધી વિચારની સ્વીકૃતિ અને દેણગી

આના આકલાન (Anna Aklan) અને ટીબોર કોવાક્સ (Tibor Kovacs) [અનુવાદક : આશા બૂચ|Gandhiana|24 April 2024

(હંગેરી વિશે પ્રમાણમાં ઘણી ઓછી માહિતી હતી. તેમાં પણ ગાંધીના યુગમાં એ દેશની કોઈ હસ્તીઓ તેમને મળી હોય અને ગાંધીની વિચારધારા મુજબ કોઈ કાર્ય થયું હોય તેના વિશે તો કશી જાણ નહોતી. આ લેખ વાંચતા પ્રતીત થયું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ગાંધી વિચારોનું પ્રસરણ અને અનુસરણ વિવિધ માધ્યમો દ્વારા હંગેરીની યુવા પેઢી કરી રહી છે, એથી આનંદ થયો.) 

આના આકલાન

આના આકલાન ભારતીય વિદ્યાના નિષ્ણાત, ભાષાવિદ્ અને બુડાપેસ્ટમાં એશિયાટિક આર્ટ્સના ફેરેંસ હોપ મ્યુઝિયમનાં વસ્તુપાલ છે. તેઓ બુડાપેસ્ટના વિશ્વવિદ્યાલયોમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપે છે. તેમણે 2018માં સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી, બુડાપેસ્ટથી ગ્રીક-ભારતીય તત્ત્વજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ પર ડોક્ટરેટની ઉપાધિ મેળવી છે. તેઓ  ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધારની કલાઓ અને વેદાંતમાં સંશોધન કરવામાં રુચિ ધરાવે છે. આના આકલાને Gandhi: Essays, Aphorisms, Quotations પુસ્તકનું સંપાદન અને ભાષાંતર કર્યું છે. 

ટીબોર કોવાક્સ

ટીબોર કોવાક્સ સાંસ્કૃતિક વિભાગના રાજદૂત અને દિલ્હી ખાતે હંગેરિયન સાંસ્કૃતિક અને માહિતી કેન્દ્રના ભૂતપૂર્વ નિયામક રહી ચુક્યા છે. હાલમાં તેઓ હંગેરીમાં વિદેશી સહાય અને વ્યાપાર મંત્રાલયમાં સેવાઓ આપી રહ્યા છે.

ઉપર ઉલ્લેખ કર્યો છે તેમાંના એક લેખકને નવી દિલ્હીમાં ઘણાં વર્ષો સુધી રહેવાનો લાભ મળ્યો હતો. તેમના નિવાસ્થાનની એક બાજુ તીસ જનવરી માર્ગ – ગાંધીની શહાદતના સ્થળથી પથ્થર ફેંકો તેટલી દૂર હતી. આ સ્થળ એટલું નિકટ હતું, તેથી તેઓ ભારતના અને વિશ્વના મહાત્માને જેટલી વખત ચાહે તેટલી વખત શ્રદ્ધાંજલિ આપવા ગાંધી સ્મૃતિ જઈ શકે તેવી સવલત હતી. સામાન્ય મુલાકાતીઓ દેશના એ મહાપુરુષના અવસાનના સિત્તેર વર્ષ બાદ આવતા છતાં, તેમને કેટલો આદરભાવ આપતા એ જોવું ખૂબ તેમના માટે ખૂબ હૃદયસ્પર્શી હતું.

ગાંધીનો પ્રચંડ પ્રભાવ આખી દુનિયા પર પડ્યો છે, અને હજુ પણ એમના વિચારો આપણા અશાંત વિશ્વમાં સમાધાન સાધીને શાંતિ સ્થાપી શકે તેવી સંભાવના છે. ઉદાહરણ તરીકે આપણે તેમના અહિંસાના પાયાના બોધપાઠ સમા શાકાહારનો વિચાર લઈએ તો તેનાથી આજના યુગમાં પ્રસ્તુત હોય તેવા બે ખૂબ મહત્ત્વનાં પરિણામો આવશે. પહેલો મુદ્દો એ છે કે આપણને સમજાશે કે તેઓ એક આર્ષદૃષ્ટા હતા, એક ભવિષ્યની આગાહી કરનાર હતા, જેમની પાસે એકવીસમી અને બાવીસમી સદીમાં લોકોને પોષણ પૂરું પાડવાનો અને એ રીતે દુષ્કાળનો અંત લાવવાનો માર્ગ હતો. બીજી બાજુ જોઈએ તો આજે પર્યાવરણવાદીઓ આબોહવા પર થતી વિપરીત અસરોને નિવારવા શાકાહારની હિમાયત કરી રહ્યા છે. (અથવા મોટા ભાગના લોકોને સ્વીકાર્ય હોય તેવી પરિભાષામાં કહીએ તો નિરામિષ ભોજનની માત્રા ઘટાડવાની વાત કરી રહ્યા છે). એકાદ સદી પહેલા મહાત્મા ગાંધીએ જે વિચારનો પ્રચાર આદરેલો તેને આજના પર્યાવરણવાદીઓ વ્યાજબી ઠરાવી રહ્યા લાગે છે.

ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જે હત્યાકાંડ થયા તેના સિવાય ભારતને આઝાદી પ્રમાણમાં શાંતિપૂર્ણ માર્ગે મળેલી. એ સાબિત કરે છે કે ગાંધીના રાજકીય આદર્શો સાચા હતા. અલબત્ત તેઓ એક આક્રમણકારીના હાથે મોતને ભેટ્યા, પણ એવા મૃત્યુથી એમના જીવનની સુસંગતતાનો એક વધુ આયામ ઉમેરાયો : તેઓને જેના પર શ્રદ્ધા હતી તેને ખાતર તેઓ મોતને ભેટ્યા, અને એ રીતે અહિંસક પ્રતિકારના પ્રતીક બન્યા. આર્થિક, રાજકીય અને લશ્કરી સમસ્યાઓને શાંતિમય ઉપાયોથી હલ કરવા માટે દુનિયા આખીમાં અહિંસક પ્રતિકારના અનુયાયીઓ વધે એવી શક્યતા છે.

ગાંધીની ગરીબો પ્રત્યેની અનુકંપા પણ સમગ્ર વિશ્વમાં આદર પામી છે. ગાંધી જેવી જ સંત પ્રકૃતિ ધરાવતાં મધર ટેરેસા, કે જેને ગાંધી કદી મળ્યા નહોતા, તેઓ ગાંધીના દલિત, નિરાધાર, એકવાયા અને ગરીબ લોકો પ્રત્યેના પ્રેમના ગુણો સાથે સામ્ય ધરાવતાં હતાં. ભારતના અને અન્ય દેશોના ખૂણે ખૂણેથી ગાંધીને મળેલ આદર પાછળ તેમની આ આધ્યાત્મિક મહાનતાનો ફાળો છે.

ભારતીય વિચારક અને લેખક સુધેન્દ્ર કુલકર્ણી થોડો સમય પહેલાં હંગેરી ગયા હતા ત્યારે જાણીતાં ભારતીય વિદ્યાના નિષ્ણાત, ભાષાવિદ્ અને બુડાપેસ્ટમાં એશિયાટિક આર્ટ્સના ફેરેંસ હોપ મ્યુઝિયમનાં વસ્તુપાલ તેમ જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, ગાંધારની કલાઓ અને વેદાંતમાં સંશોધન કરવામાં રુચિ ધરાવનાર અભ્યાસી ડૉ. આન્ના આકલાનને મળેલાં તે વેળા લેવાયેલી તસ્વીર. 

હંગેરીમાં ગાંધી વિચારની સ્વીકૃતિ અને દેણગી 

હંગેરીમાં ગાંધીની જીવનદૃષ્ટિ, તેમની કાર્યપ્રણાલી અને વિચારોની જાણ અમૃતા શેર-ગિલના મામા બહુશ્રુત અને લોકપ્રિય લેખક ઇર્વિન બાક્ટે (Ervin Baktey) દ્વારા થઇ. તેઓએ 1926થી 1929 દરમિયાન અને ત્યાર બાદ પણ ભારતની મુલાકાત લીધેલી. ભારતીય વિદ્યાના નિષ્ણાતોમાંના એક એવા ઇર્વિન બાક્ટેએ ભારતમાં રહીને વિશદ તપાસ તેમ જ સંશોધન કર્યું અને તેમનાં નવસર્જિત લખાણો તથા પુસ્તકોનો હંગેરીમાં ભારત વિષે માહિતી પૂરી પાડવામાં ઘણો મોટો ફાળો રહ્યો. તેમનું મહાત્મા ગાંધી વિશેનું પુસ્તક : ભારતની સ્વતંત્રતાના નાયક 1930ની સાલમાં હંગેરીની પ્રજાને ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધી વિચારથી પરિચિત કરાવવામાં એક માર્ગસૂચક સ્તંભ પુરવાર થયું.

હંગેરીના એલિઝાબેથ સસ-બૃનર અને તેમના પુત્રી એલિઝાબેથ બૃનરને ગાંધીને પ્રત્યક્ષ મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ બંને પ્રખ્યાત અને સમર્પિત ચિત્રકાર પોતાનાં સ્વપ્નને સાકાર કરવા ખાસ હેંગેરીથી ભારત ગયાં. રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી માટે તેમને સંનિષ્ઠ આદર હોવાથી એ બંને મહાનુભાવોની છબીનું આલેખન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેઓએ કવિની શાંતિનિકેતનમાં મુલાકાત લીધી હતી અને સાબરમતી આશ્રમમાં નિવાસ કર્યો હતો. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની કમનસીબે ત્યારે કારાવાસમાં કેદ હતા. છેવટ 1934માં તેઓ મહાત્માને બેંગ્લોરમાં મળ્યા અને યુવાન ચિત્રકારને ગાંધીએ પોતાના ચિત્ર માટે અનુમોદન આપ્યું. એલિઝાબેથ બૃનરનું ગાંધીનું એક માત્ર ચિત્ર એવું છે, જેને માટે ગાંધીએ પોતાની છબી ચિત્રિત કરવા માટે વિશિષ્ટ બેઠક આપી હોય.

ગાંધી અને તેમના સ્વતંત્રતાની ચળવળનું વર્ણન 1930માં પ્રગટ થયેલી રોઝસ હાજનેકઝી(Rozsa Hejneczy)ની નવલકથામાં વાંચવા મળે છે. તેમના પતિ, ગયુલા જરમાનુસ (Gyula Germanus), કે જેઓ એક ઇતિહાસવિદ અને પૂર્વના દેશોના ઇતિહાસના નિષ્ણાત હતા, તેમને શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયમાં ઇસ્લામિક વિભાગ શરૂ કરવા અને અધ્યાપન કરવા ખુદ ટાગોરે નિમન્ત્રણ પાઠવેલું. જરમાનુસ અને તેમના પત્નીએ ભારતમાં ત્રણ વર્ષ કામ કર્યું, જેને કારણે તેઓને તત્કાલીન સામાજિક અને રાજકીય ઘટનાઓનું અવલોકન કરવાની તક મળી. એ નવલકથામાં ગાંધીની શાંતિપૂર્ણ ચળવળનું આલેખન થયું છે. ભારતમાં રહ્યા તે દરમિયાન જરમાનુસે મોડર્ન મુવમેન્ટ ઈન ઇસ્લામ અને ઇન્ડિયા ટુડે જેવા ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં. તેમના પુસ્તક : ધ લાઈટ ઓફ ઇન્ડિયા – મહાત્મા ગાંધી 1934માં બુડાપેસ્ટમાં પ્રકાશિત થયું, જેમાં તેઓ ગાંધીના જીવનની, તેમના ચારિત્ર્યની અને તેમની પાસેથી મળેલા બોધની ઝાંખી કરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીને મળવાનું સદ્ભાગ્ય તેમને પણ મળ્યું હતું.

આપણે એક વધુ હંગેરિયનને પણ ભૂલવા ન જોઈએ. અલબત્ત, તેઓ હંમેશ પશ્ચાદભૂમિમાં રહ્યાં, પરંતુ ભારતની વીસમી સદીમાં આવેલ પરિવર્તનોના હંમેશ સાક્ષી રહ્યાં હતાં. શોભા (ફોરી – Fori) નહેરુ, બ્રિજ કિશોર નહેરુનાં પત્ની, કે જેમણે પોતાના દીર્ઘ આયુષ્ય દરમિયાન ભારતના ઇતિહાસને આકાર આપવામાં સક્રિય ફાળો આપ્યો હતો. બ્રિજ કિશોર નહેરુ ભારતના પ્રથમ વડા પ્રધાનના પિતરાઈ થાય. શોભાનું મૂળ નામ Magdolna Friedmann હતું, તેઓ હંગેરીમાં ન્યુમરસ ક્લૉસસ (numerous clausus) નામનો ધારો પસાર થયો ત્યાર બાદ હંગેરી છોડીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં આગળ અભ્યાસ કરવા માટે આવ્યાં, જ્યાં તેમને ભાવિ પતિનો મેળાપ થયો. નહેરુ પરિવારના સભ્ય તરીકે મહાત્મા ગાંધીના પાર્થિવ શરીર પાસે જઈને શોક વ્યક્ત કરવાની તક તેમને મળેલી. ગાંધીની હત્યા બાદ એક મુલાકાતમાં તેમણે કહેલું કે પોતાના પતિની ગેરહાજરીમાં ભારતના એ શહીદને શ્રદ્ધાંજલિ આપવા આવતા વિદેશી મહાનુભાવોને આવકારવા તેઓ સદાય તત્પર રહેતાં.

અત્યાર સુધી આપણે ગાંધીના સમકાલીન લોકોની વાત કરી, જેમાનાં કેટલાકને મહાત્માને રૂબરૂ મળવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમના અવસાનથી એક યુગનો અંત આવ્યો. ભારતના સીમાડાના ત્રણ ભાગલા સમયે થયેલા રક્તપાત અને હિંસાની સમાંતર સોવિયેટની સરહદની પેલી પારનું યુરોપ પણ વિભાજીત થયું. માહિતી પ્રસારણ અને પુસ્તકોનાં વેચાણ પર નિયંત્રણ લાદવામાં આવ્યું અને હંગેરિયન પ્રજાના ભારત વિશે પેદા થયેલ રસ પર આપખુદ અને જુલમી એવા સોવિયેત શાસનની નજર દાયકાઓ સુધી મંડાયેલી રહી. જો કે હંગેરીમાં એક તટસ્થ દેશ તરીકે ભારત પર તદ્દન પ્રતિબંધ મુકવામાં નહોતો આવ્યો. 1960ના દાયકામાં કવિ અને ભાષાંતરકાર ઈસ્તવાન યનોસિએ  (Istvan Janosy) ગાંધીનો સંદેશ વિવિધ અભ્યાસો દ્વારા જીવિત રાખ્યો કેમ કે તેમની દૃષ્ટિએ ગાંધીનું જીવન અનુકરણીય હતું અને પોતે પોતાની રીતે એનો અમલ કર્યો પણ હતો.

ગાંધી વિશે જાણકારી 1970ના દાયકામાં ફરી પ્રચલિત થઈ, ખાસ કરીને વીરા ગાથી(Vera Gathy)નાં લખાણોને કારણે. એક ઇતિહાસવેત્તા અને સમાજશાસ્ત્રી હોવાને નાતે ગાથીએ તેમના વિદ્વત્તાભર્યા અભ્યાસમાં સ્વતંત્રતાની લડતનો અને ગાંધીની સર્વોપરી ભૂમિકાનો વિગતે અહેવાલ આપ્યો. 1970માં તેમણે એ મહાન નેતા વિશે એક નિબંધ પ્રકાશિત કર્યો. તેમણે આધુનિક ભારત વિશે સવિસ્તાર લેખ લખ્યા અને 2017માં અવસાન થયું, ત્યાં સુધી તેઓ હંગેરીમાં ગાંધી વિશે વિશ્વસનીય માહિતી ધરાવનાર પ્રથમ વ્યક્તિ માનવામાં આવતાં હતાં. ઈ.સ. 2000માં ભારત અને થાઈલેન્ડ ખાતે રાજદ્વારી સેવાઓ આપી ચૂકેલા આન્દ્રાસ બલોઘ (Andras Balogh) સાથે તેમણે ગાંધી વિશે પુસ્તક પણ લખેલું. ભારતમાં રહી ચૂકેલા એક જાણીતા રાજકીય ખબરપત્રી ગાયૉર્ગી કાલમાર (Gyorgy Kalmar) દ્વારા લખાયેલું બીજું મહત્ત્વનું પુસ્તક છે : ગાંધી. ડ્રિમ્સ – પોલિટિક્સ – રિયાલિટી. 

નવી સહસ્રાબ્દીમાં હંગેરીમાં વિદ્વાનોની નવી પેઢી ઉભરી રહી છે જેઓ ગાંધીના રાજકીય અને ઐતિહાસિક કર્મશીલતા પરથી દૃષ્ટિ ખસેડીને ગાંધીના રાજકીય અને ધાર્મિક તત્ત્વજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અથવા કહો કે તેમના વ્યવહારુ જીવનથી સિદ્ધાંતો તરફ નજર કરે છે. એ વિદ્વાનોમાંથી સહુથી વધુ પ્રખ્યાત છે, ડેઝસો સઝનકોવિકસ (Dezsō Szenkovics), જેમનો સંશોધન નિબંધ “સેન્ટ્રલ કોન્સેપ્ટ ઓફ મોહનદાસ કરમચંદ ગાંધીઝ ફિલોસોફી” શીર્ષક હેઠળ છપાયો. લેખક હંગેરિયન ભાષામાં પ્રકાશન કરે છે, પરંતુ રહે છે રોમેનિયાના હંગેરિયન વસાહતીઓના ટ્રાન્સિલવેનિયા વિસ્તારમાં. બીજાં નાના પ્રકાશનો સામાન્ય જનતાને લક્ષ્યમાં રાખીને લખાય છે તે ગાંધીના માનવ જીવનને સમગ્રતાથી જોવાની દૃષ્ટિ, પર્યાવરણ વિશેના વિચારો, સમાજમાં શ્રમવિભાજન વિશેના ખ્યાલો, સ્ત્રી-પુરુષની ભૂમિકા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના નિયમો વગેરે વિશે પ્રકાશ પાડે છે. એક પુસ્તકમાં આના આકલાન (Anna Aklan) દ્વારા કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલાં ગાંધીના અવતરણોનું સંપાદન થયું છે. 2021માં Világtörténet (વૈશ્વિક ઇતિહાસ) નામના સામયિકનો એક ખાસ અંક ગાંધી વિશે બહાર પાડવામાં આવ્યો હતો. ગાંધીની 150મી જન્મજયંતીની સ્મૃતિમાં 2020માં યોજવામાં આવેલ પરિષદમાં “ફિગર ઓફ મહાત્મા ગાંધી ઈન હિસ્ટ્રી એન્ડ કલ્ચરલ મેમરી” શીર્ષક હેઠળ રજૂ કરાયેલ પેપર્સનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનાં લખાણોના હંગેરિયન ભાષામાં અનુવાદ કરવાના મહત્ત્વના કાર્યનો પ્રારંભ થઇ ગયો છે. ગાંધી એક સિદ્ધહસ્ત લેખક હતા એ સર્વવિદિત હકીકત છે. જો કે તેમના લેખ મોટે ભાગે તેઓ પોતે સંપાદન કરતા એ સામયિકોમાં પ્રકાશિત થતા. પુસ્તકોમાં સહુથી વધુ પ્રસ્તુત તેમની આત્મકથા અને હિન્દ સ્વરાજ છે, જેનો હંગેરિયન ભાષામાં અનુવાદ થયો છે અને એક કરતાં વધુ વખત પ્રકાશિત થઈ ચૂકી છે.

ગાંધી વિશે લખાયેલાં માહિતીસભર પુસ્તકો ઉપરાંત હંગેરીમાં તેમની સ્મૃતિ બીજી રીતે પણ જળવાઈ રહી છે. ગ્યુલા યુહસઝ (yula Juhász) જેવા ઘણા કવિઓ અને લેખકોને તેમના જીવનમાંથી પ્રેરણા મળી, જેમણે 1924માં રચેલી પોતાની કવિતા ગાંધીને અર્પણ કરેલી. ઈસ્તવાન યાનોસી(István Jánosy)એ પણ 1960ના દાયકામાં ઘણા કાવ્યો ગાંધીને અર્પણ કર્યા હતા. સુવિખ્યાત લેખક લાઝલો નેમેથે 1963માં ( Laszló Németh) “ગાંધીનું મૃત્યુ” શીર્ષક હેઠળ એક નાટક લખેલું.

લલિતકલા ક્ષેત્રે બુડાપેસ્ટમાં એક સમૂહ પ્રતિમામાં ગાંધીનો સમાવેશ થયો છે, જ્યાં દુનિયાની મહાન ધાર્મિક હસ્તીઓની પ્રતિમા વર્તુળાકારે મૌન ધરીને એકઠી થઇ છે. હંગેરિયન સ્થપતિ નાન્દોર વાગનરે (Nándor Wagner) જ્યારે ડેન્યુબ નદીને નિહાળતા એક લોકપ્રિય ટેકરા ગેલર્ટ હિલની ટોચ પર કેટલીક પ્રતિમાઓના ઝુમખા “ધ ગાર્ડન ઓફ ફિલોસોફર્સ”ની રચના કરી ત્યારે તેને આ કલ્પના આવી. દુનિયાના બધા ધર્મો વચ્ચે પરસ્પર વિશે સમજણ કેળવાય અને તેને પ્રોત્સાહન મળે એ કલાકારનો હેતુ હતો. પ્રતિમાઓના અંદરના વર્તુળમાં કલાકારે પાંચ મુખ્ય ધર્મના સ્થાપકો – એબ્રાહમ, જીસસ, બુદ્ધ, લાઓઝી અને અખેનાટનની પ્રતિમાઓ છે. તેની ફરતે વર્તુળ છે તે મોટા સફરજનના કદનું છે, જે આ મુખ્ય ધર્મો જેની પૂજા કરે છે તેમાં સમાનતા દર્શાવવા રચાયેલું છે. મહાત્મા ગાંધી, દારૂમા દાઈશી (બોધિધર્મ) અને જેને વેગનર આધ્યાત્મિક નવજાગૃતિનું સંવર્ધન કરનારા માને છે તે સંત ફ્રાન્સિસની પ્રતિમાઓ છે, જેમાં ગાંધીની પ્રતિમા સહુથી વધુ સહેલાઈથી પિછાની શકાય તેવી છે.

ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે હંગેરિયન ટપાલખાતાએ ગાંધીની સ્મૃતિમાં ટિકિટ બહાર પાડેલી. આ ટપાલ ટિકિટની વિશિષ્ટતાને કારણે હંગેરીમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટિકિટ સંગ્રહ કરનારાઓના મનમાં રાષ્ટ્ર્પિતાની સ્મૃતિ તાજી થઇ. પુસ્તકો અને લલિતકલા ઉપરાંત ગાંધીના વિચારોનો પ્રભાવ 1980ના દાયકા દરમિયાન થયેલા સત્તા પલટા વખતે વિશિષ્ટ રીતે અભિવ્યક્ત થયો હતો. સમગ્ર દેશમાં સામ્યવાદના દમનનો અનુભવ થતો હતો અને ગુપ્ત સ્થળે યોજાતી મિટિંગમાં પગલાં ભરવાની પ્રેરણા બળવત્તર બનતી જતી હતી. અનૌપચારિક અને બહારના નિયંત્રણ વિનાના સમીઝદાત નામનાં લખાણો લોકો વચ્ચે વહેંચાઈ રહ્યા હતા. બુદ્ધિજીવી લોકો ખાનગીમાં ‘હિન્દ સ્વરાજ’ની નકલો વાંચી રહ્યા હતા અને ભારતની સ્વાતંત્ર્યની  ચળવળ સાથે તાદાત્મ્ય જ માત્ર નહોતા અનુભવતા, પરંતુ તેને ગંભીરતાથી પ્રેરણાદાયી પણ માનવા લાગ્યા હતા. 1956માં હંગેરીના લોકોએ એ બોધ લીધો કે લડતમાં શસ્ત્રોનો ઉપયોગ અને તમામ પ્રકારના હિંસક પગલાંઓ નિવારવા. ગાંધીએ તેમને સવિનય કાનૂન ભંગ મારફત મુક્તિ માટે સફળતાનો માર્ગ બતાવ્યો.

ગાંધી અને સાંપ્રત હંગેરી વચ્ચે જે જોડાણ થયું છે તેમાં એ મહાન આત્માની છેવાડાના લોકો પ્રત્યેની અનુકંપાનું પ્રતિબિંબ પડે છે. હંગેરીમાં રોમા જાતિના લોકો માટે શરૂ કરાયેલી ઉચ્ચ માધ્યમિક શાળાને ગાંધીનું નામ આપવામાં આવ્યું છે, અને એ રીતે વંચિત સમાજમાંથી આવેલા અને કઠિન પરિસ્થિતિમાં ઉછરેલા લોકો માટે એ મહત્ત્વની શૈક્ષણિક સંસ્થા બની. ગાંધી સેકન્ડરી સ્કૂલ પેક્સ, એ માત્ર હંગેરીમાં જ નહીં, બલકે આખા યુરોપમાં રોમા જાતિ માટેની એક અદ્વિતીય શાળા છે. વિદ્યાર્થીઓને મેટ્રિકની પરીક્ષા માટે સામાન્ય શિક્ષણ આપવા ઉપરાંત ત્યાં રોમા જાતિનો ઇતિહાસ અને તેમના મૂળ વતન ભારતનો ઇતિહાસ પણ ભણાવવામાં આવે છે. આ રીતે રોમા વિદ્યાર્થીઓ બહુમતી પ્રજાની સંસ્કૃતિમાં ભળી જવાનો પ્રયત્ન કરે તેની બદલે પોતાના મૂળ દેશ અને સંસ્કૃતિ માટે આદર વધારે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.

ગાંધીના જીવન અને કાર્યની અસર તેમના જીવનકાળ દરમિયાન કેવી થઇ હતી તેનું માપ મહાન વૈજ્ઞાનિક અને વિચારક આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમના વિષે લખેલું તેના પરથી કાઢી શકાય :

“રાજકીય ઇતિહાસમાં મહાત્મા ગાંધીના જીવનની સિદ્ધિઓ અનેરું સ્થાન ધરાવે છે. તેમણે વિદેશી દમન નીચે કચડાતા દેશની મુક્તિ માટે એક તદ્દન નવો અને માનવીય માર્ગ ચીંધ્યો, અને તેનો અમલ અદ્દભુત તાકાત અને નિષ્ઠાથી કર્યો. આપણે ક્રૂર હિંસક બળની વધુ પડતી કિંમત આંકીએ છીએ, પરંતુ આખી સભ્ય દુનિયાના જાગૃત અને બુદ્ધિ પૂર્વક વિચાર કરનારા લોકો પર આપણે ધારીએ છીએ તેના કરતાં એમનો નૈતિક પ્રભાવ વધુ ચિરસ્થાયી હશે. એવા જ રાજદ્વારી વ્યક્તિઓનાં કાર્યોની અસર ચિરંજીવ બને જેઓ પોતે જાગૃત થાય અને પોતાના જીવનના દૃષ્ટાંત મારફત તથા શિક્ષણ દ્વારા પોતાની પ્રજાની નૈતિક શક્તિને મજબૂત કરે. આપણે બધા એ વાતથી ખુશ થઈએ અને નિયતિએ આપણને આવા પ્રબુદ્ધ અને પેઢીઓ સુધી જોવા ન મળે તેવા આદર્શ વ્યક્તિના સમકાલીન બનવાનું સદ્દભાગ્ય આપ્યું તે માટે આભારી થઈએ. આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આવી કોઈ હાડ ચામની બનેલી વ્યક્તિ આ પૃથ્વી પર વિચરતી હતી.” 

નૈતિક રીતે માન્ય હોય તેવા માર્ગે શાંતિ અને મુક્તિની શોધ કરનારા દેશો વચ્ચે ઘણું ઐક્ય કેળવાય છે. એલિઝાબેથ સસ-બૃનર એ વાત આ શબ્દોમાં કહે છે :

“આ તાકાત (રાષ્ટ્રની મુક્તિની) સવાલો નથી પૂછતી, બસ, મને ઊંચકીને લઇ જાય છે. ક્યાં? સમુદ્ર તરફ, સમુદ્રતરંગ સુધી, એક એવા મુકામ પર જ્યાં કોઈ અલગ ખેવના નથી હોતી – આ પ્રેમ, આ તાકાત, આ સર્વોત્તમ અનોખી ચાલક શક્તિ મહાત્મા ગાંધીમાં આત્મસાત થયેલી છે. આ એવી તાકાત છે, જે કોઈને ડરાવતી નથી અને પોતે કોઈથી ડરતી નથી – એનું અસ્તિત્વ કાયમ રહે છે અને તે આખી દુનિયાને ગતિશીલ રાખે છે.”  

e.mail : 71abuch@gmail.com  

Loading

24 April 2024 Vipool Kalyani
← એટલી અક્કલ પણ સ્ત્રીઓમાં નહિ હોય, એમ?
સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્રીઓ નબળા પડે છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved