Opinion Magazine
Number of visits: 9448996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી અને વિજ્ઞાન 

ડૉ. અભય બંગ  [અનુવાદક : આશા બૂચ]|Gandhiana|16 April 2024

અભય બંગ

(ગાંધીજીની સર્વોદય વિચારસરણીને આત્મસાત કરીને રચનાત્મક કાર્યોમાં સંલગ્ન હતાં તેવાં દંપતી ઠાકુરદાસ અને સુમન બંગના પુત્ર અભય બંગનો જન્મ સેવાગ્રામ આશ્રમ, વર્ધા-મહારાષ્ટ્રમાં થયો. ડોક્ટરની ઉપાધિ ભારતમાં મેળવ્યા બાદ જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (યુ.એસ.એ.)માંથી પબ્લિક હેલ્થમાં તાલીમ મેળવી. તેમણે ડૉ. રાની બંગ સાથે મળીને નશામુક્તિ, નવજાત શિશુઓનાં સ્વાસ્થ્યની જાળવણી અને સામૂહિક સ્વાસ્થ્યની દિશામાં સઘન પ્રદાન કર્યું છે. તેઓ સોસાયટી ફોર એજ્યુકેશન, એક્શન એન્ડ રિસર્ચ (SEARCH) નામક સ્વૈચ્છિક સંગઠનના સ્થાપક છે. ગડચિરોલી નામના આદિવાસી વિસ્તારમાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને લેખકના ત્રણ પેઢીનાં પરિવારજનો આ સંગઠન દ્વારા લોકસેવાનું કાર્ય અવિરતપણે કરી રહ્યાં છે. ડૉ. અભય અને ડૉ. રાની બંગને રાષ્ટ્રપતિ તરફથી ‘પદ્મશ્રી’નું બહુમાન એનાયત કરવામાં આવ્યું હતું.)

(અમેરિકાથી પ્રકાશિત થતા બર્લિંગટન હોક-આઈ અખબારના તારીખ 20 સપ્ટેમ્બર 1931ના એક અહેવાલના શીર્ષક મુજબ મોહનદાસ કરમચંદ ગાંધી ‘દુનિયામાં સહુથી વધુ ચર્ચિત વ્યક્તિ છે’  આજે પણ તેમના પ્રયોગો અને કથન આખી દુનિયા માટે સુસંગત છે, પ્રસ્તુત છે. અલબત્ત, દરેકને તેમના વિચારો સાથે કેટલાક આગવા અભિપ્રાય હોય છે, કેટલાક સકારાત્મક, કેટલાક નકારાત્મક. 

‘ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સ’ની ‘ગાંધી – વિજ્ઞાન’ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ડૉ. અભય બંગના વક્તવ્યને આ લેખના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે. આ વક્તવ્ય ગાંધી શા માટે વિજ્ઞાનના વિરોધી નહોતા, હકીકતમાં તેઓ પોતે જ એક વિજ્ઞાન હતા એ વાત પર પ્રકાશ પાડે છે. આ લેખ ગાંધીના જીવન વિશે જુદો દૃષ્ટિકોણ પૂરો પાડે છે.) 

‘ન્યુયોર્કના ટાઈમ’ મેગેઝીનના તંત્રીની કચેરીથી શરૂઆત કરીએ. ઈ.સ.1999નો ડિસેમ્બર માસ, 20મી સદીનો અંત સમયગાળો. ટાઈમ મેગેઝિન 20મી સદીના સૌથી પ્રખ્યાત વ્યક્તિની વરણી કરવા માગતું હતું. મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત લોકોનાં નામ સૂચવવામાં આવેલાં, પરંતુ બે વ્યક્તિનાં નામ સહુથી ટોચ પર હતાં, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને મહાત્મા ગાંધી. સંપાદકોને વિમાસણ થઇ. આખર તંત્રીએ આલ્બર્ટ આઈન્સટાઈનનું નામ 20મી સદીના સૌથી પ્રખ્યાત વ્યક્તિ તરીકે પસંદ કર્યું. વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનો ગાંધી પર વિજય થયો, પણ એ તો લોકપ્રિયતાની બાબતમાં. અને એ ચુકાદો 20મી સદીનો હતો. આજે, 21મી સદીમાં આપણે ગાંધી અને વિજ્ઞાન વચ્ચેના સંબંધને ફરી તપાસવો જોઈશે અને ત્યાર બાદ નિર્ણય લેવો જોઈશે.

આ વિષયને તપાસવા માટે મેં છ સવાલો ઘડી કાઢ્યા છે.

  • ગાંધી વિજ્ઞાનના વિરોધી હતા?
  • તેમનો વિજ્ઞાન સાથે કેવો સંબંધ હતો?
  • તેઓ કઈ રીતે જુદા પડતા હતા?
  • તેમના અહિંસાના સિદ્ધાંતની અંતર્ગત કયું વિજ્ઞાન હતું? 
  • સત્યને પામવા માટે ગાંધીની આધ્યાત્મિક પદ્ધતિ કઈ હતી?
  • 21મી સદીમાં ગાંધી કઈ રીતે સુસંગત છે? આપણે માટે સુસંગત છે? 

આપણે ગાંધી સામે તહોમત મૂક્યું હતું કે તેઓ વિજ્ઞાન વિરોધી હતા એ મુદ્દાથી શરૂઆત કરશું. તેમના વિજ્ઞાન સાથેના સંબંધની વાત કરશું, પણ તેમની કાર્ય પદ્ધતિ વધુ ઊંડાણથી તપાસીશું. અને આખરમાં તેઓ આજે કેટલા પ્રસ્તુત છે, અથવા પ્રસ્તુત છે ખરા કે નહીં તે જોઈશું.

મારે એક કબૂલાત કરીને શરૂઆત કરવી છે. હું ગાંધી પરિવારમાં જન્મ્યો, મહાત્મા ગાંધીના આશ્રમમાં ઉછર્યો. તેમણે સ્થાપેલી શાળામાં અભ્યાસ કર્યો. 18 વર્ષની વયે મેડિસિન અને સાર્વજનિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરવા ગયો, અને છેલ્લાં 35 વર્ષથી હું આ ક્ષેત્રોમાં સંશોધન કરી રહ્યો છું. મને લગભગ 50 વર્ષ પહેલા સૌ પ્રથમ વિજ્ઞાન સાથે પરિચય થયો, ત્યારથી મહાત્મા ગાંધી સાથે વિજ્ઞાનના મુદ્દે થોડો ચર્ચાસ્પદ કહી શકાય તેવો સંબંધ રહ્યો છે. મને તેમના અભિપ્રાયોથી થોડો ક્ષોભ અનુભવાય છે, મને થોડી મૂંઝવણ થાય છે અને થોડી નારાજગી પણ થાય છે. મેં મનથી વિજ્ઞાન વિષે એમની સાથે ઘણી દલીલો કરી છે. એમની સાથે અસહમત થયો છું. અને આપ સહુને જાણ કરતા આનંદ અનુભવું છે કે દરેક વખતે મારી હાર થઇ અને ગાંધીજીની જીત થઈ! છેલ્લાં 50 વર્ષોની મારી ગાંધીજી સાથે જદ્દોજહદ અને ગાંધી અને વિજ્ઞાન વિશેની મારી તપાસની સફર તમારી સાથે વહેંચવા માગું છું. હું સ્વીકારું છું કે હું ગાંધીજીનાં લખાણો, તેમના જીવન અને તેમની જીવન કથા લખનારા ઘણા લેખકોના કથન તથા સહુથી વધુ તો તેમના અત્યંત નિકટના અનુયાયી અને સાચા પ્રતિનિધિ વિનોબા ભાવેએ સુંદર રીતે લખ્યું છે તેનો આધાર લઈશ. લગભગ 20 વર્ષ પહેલાં પોલિટિકલ વીકલીમાં શંભુ પ્રસાદે એક સુંદર લેખ લખ્યો તેનો પણ છૂટથી ઉપયોગ કરીશ, અને છેલ્લે મારા પોતાના જીવનના અનુભવો અને પ્રયોગોનો આધાર લઈશ.

ગાંધી શું વિજ્ઞાન વિરોધી હતા? 

જવાહરલાલ નહેરુ, રવીન્દ્રનાથ ટાગોર અને તેમના નિકટના સાથીઓ તથા આલ્ડ્સ હક્સલી જેવા પશ્ચિમના ચિંતકો પણ ગાંધીજીને વિજ્ઞાનના વિરોધી ગણતા હતા. ભારતની રાષ્ટ્રીય વિજ્ઞાન નીતિના ઘડવૈયા મેઘનાદ સહા ગાંધીજી વિશે કહે છે, “આધુનિક વૈજ્ઞાનિક શાસ્ત્રને એક બાજુ પર મૂકી દઈને ચરખો, ધોતી અને બળદ ગાડાને ફરીથી અપનાવવાથી આપણી પરિસ્થિતિ સુધરે એવું એક પણ ક્ષણ માટે માની ન શકાય.”

તેમના કથનનો છેલ્લો ભાગ ગાંધીજીને ઉદ્દેશીને જ કહેવાયો છે.

મેઘનાદ સહા, જવાહરલાલ નહેરુ અને ભારતનો બુદ્ધિજીવી વર્ગ માને છે કે ગાંધીજી વિજ્ઞાનના વિરોધી હતા, અને માટે આજે બિલકુલ પ્રસ્તુત નથી. પોતાની આવી છાપ ઊભી થવા માટે કેટલેક અંશે ગાંધીજી પોતે જવાબદાર હતા. આત્મકથા પછીના અત્યંત પાયાના કહી શકાય તેવા તેમના પુસ્તક ‘હિન્દ સ્વરાજ’માં આપણે જેને વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ તેની તેઓ સખત ટીકા કરે છે. પરંતુ ધ્યાન રાખજો. તેમણે વિજ્ઞાનની આલોચના નથી કરી, તેની કેટલીક ઉપજોની ટીકા કરી છે, જેમ કે મશીન અને મેડિકલ વિજ્ઞાનની આચરણમાં મુકવામાં આવતી પદ્ધતિ. તેથી આપણને તેઓ વિજ્ઞાનના વિરોધી હોય તેમ લાગે. પ્રાર્થનામાં અને છેલ્લે રામનામમાં રહેલી ગાંધીજીની શ્રદ્ધાએ આપણી બુદ્ધિમતામાં પડેલા ઘામાં મીઠાનું કામ કર્યું. આ પ્રમાણે કોઈ પણ વૈજ્ઞાનિક અને જે કોઈ વ્યક્તિ પોતાને બુદ્ધિશાળી માને છે, તેમને માટે ગાંધી એક સ્થાપિત સિદ્ધાંતના વિરુદ્ધ વ્યક્તિ સમાન છે. અને આપણી સગવડતા ખાતર તેમને આપણે ‘વિજ્ઞાનના વિરોધી’નું બિરુદ આપી દીધું. હવે, વિજ્ઞાન વિશે તેમણે શું કહ્યું તે જોઈએ :

નવી દિલ્હીની ટીબિયા કોલેજમાં 1921માં પ્રવચન આપતા ગાંધીજીએ કહેલું : “સત્યની શોધ માટે આધુનિક વૈજ્ઞાનિકોએ દર્શાવેલ ઉત્સાહ, ઉદ્યમીપણું, અને ત્યાગ માટે મારી પાસે પ્રશંસા સિવાય વધુ કશું નથી.” તેઓ વૈજ્ઞાનિક વલણ અને વૈજ્ઞાનિક તપાસનું ભારે મૂલ્ય આંકતા. તેમનું જીવન એનો ખરો પુરાવો છે. તેમણે જાતે જ કહેલું, ‘મારુ જીવન એ જ મારો સંદેશ છે.’ આથી આધારભૂત તપાસ કરવી હોય તો આપણે તેમના કથનથી પર જઈને તેઓ કઈ રીતે જીવ્યા એ જોવું જોઈએ, તેમણે હકીકતમાં શું કર્યું તે તપાસવું જોઈએ. જો આપણે તેમાં ઊંડા ઉતરીએ તો વિજ્ઞાનનાં ઘણાં પાસાંઓ વિશે ગાંધીજીએ જીવનભર સેવેલી જિજ્ઞાસા અને શોધ વૃત્તિ મળી આવશે. આરોગ્ય અને સ્વચ્છતાનું વિજ્ઞાન, તેમ જ આહાર, કીટાણુઓ અને વ્યાયામ વિશે જાણવા તેઓ ઇંતેજાર રહેતા. તેમને વિવિધ પ્રકારના ખોરાકમાં રહેલ રાસાયણિક તત્ત્વો વિશે જાણવાની ઈચ્છા રહેતી. નીચે દર્શાવેલ છબીમાં માઇક્રોસ્કોપ દ્વારા તેઓ રક્તપિત્ત માટે કારણભૂત છે એ લેપ્રસી બેસિલી જોવા કોશિશ કરતા હતા. 1942ની લડત દરમિયાન જ્યારે તેઓ યરવડા જેલમાં હતા ત્યારે ટેલિસ્કોપથી ખૂબ પ્રભાવિત થયા અને તેના દ્વારા રાતે તારા દર્શન કરવાનો શોખ કેળવાયો હતો. ઉદારમત ધરાવનારાઓને તેઓ વૈજ્ઞાનિક સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું કહેતા. પરંતુ સહુથી વધુ સંવેદનશીલ અને મુશ્કેલ કામ છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવાનું.

આપણે ગાંધીજીનું ઝીણવટભર્યું અવલોકન કરીએ તો પોતાના દૃષ્ટિકોણ કેળવવાની, ધારણાઓની કસોટી કરવાની તૈયારી, પુરાવા શોધવાની ધગશ તથા પોતાની જાતને સુધારવાની અને બદલવાની ઈચ્છા તેમનામાં દેખાશે, અને આ બધા એક વૈજ્ઞાનિકના ગુણધર્મો છે. તેમનું પ્રખ્યાત વચન – “મારાં બે વિધાનો વચ્ચે જો વાચકને વિરોધાભાસ જણાય તો મારા સાચા ફેંસલા તરીકે પાછલું વિધાન સ્વીકારવું.” એ આ વાતની સાક્ષી પૂરે છે

સામાન્ય રીતે રાજદ્વારી નેતાઓ કે સંતો પોતાનું આગલું વિધાન ખોટું છે અને નવું વિધાન ન્યાયી છે એ કબૂલ ન કરે. પોતાનામાં કદી બદલાવ ન લાવવામાં તેઓ ગૌરવ અનુભવતા હોય છે. આ બાબતમાં ગાંધી ઘણી રીતે એક વૈજ્ઞાનિક જેવા છે. જાણે તેઓ કહે છે – હું બદલાઉં છું. જેમ જેમ પુરાવા મળે, તેમ તેમ હું મારા અભિપ્રાય બદલું છું. પ્રખ્યાત અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સને એક રાજકારણીએ પડકાર કર્યો કે તેમણે અગાઉ જે કહેલું તે હાલના વિધાન કરતાં અલગ છે. કેઇન્સ પ્રત્યુત્તર આપતાં કહે છે, “હા મહાશય! જો હકીકત બદલે તો હું મારો અભિપ્રાય બદલું. બીજું આપણે શું કરી શકીએ?”

એ રીતે ગાંધીજી ઘણી રીતે વૈજ્ઞાનિક જેવા છે. ચૌરીચૌરાની ઘટના તેનો સૌથી મજબૂત પુરાવો છે. આપણે હમણાં જ તેની શતાબ્દી ઉજવી, પરંતુ સરકારે તેની ખોટા કારણસર ઉજવણી કરી. ભારતની પ્રજા અહિંસક લડાઈ માટે તૈયાર છે એમ ધારીને ગાંધીજીએ 1920માં અસહકારની લડતના મંડાણ કર્યાં. પણ 1921માં ચૌરીચૌરા – ઉત્તર પ્રદેશમાં ટોળાંએ પોલીસ ચોકીને આગ ચાંપી દીધી અને 22 પોલીસ કર્મચારીઓના જાન ગયા. ગાંધીને ખૂબ આઘાત લાગ્યો. તેમણે જાહેરમાં કહ્યું કે – મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી. ભારતના લોકો અહિંસક લડાઈ માટે તૈયાર છે એવો મારો ખ્યાલ ખોટો હતો. આ જાણે કે એક વૈજ્ઞાનિક કહે છે – મારી એક પૂર્વધારણા હતી. તે પુરાવાના આધારે ખોટી સાબિત થઇ છે. હું એ સ્વીકારું છું. કારણ કે મારી પૂર્વધારણા ખોટી હતી, મારે એ જતી કરવી જોઈએ અને મારી ભૂલ સુધારવી જોઈએ. આ કારણસર હું આખી રાષ્ટ્રીય ચળવળ પાછી ખેંચી લઉં છું. મહાત્મા ગાંધીના જાહેર જીવનની એ સૌથી વધુ જોખમકારક પળો હતી. તેઓ થોડા સમય પહેલા જ ભારતના રાષ્ટ્રીય કક્ષાના નેતા તરીકે સ્થાપિત થયા હતા. અને તમામ દેશવાસીઓના વિરોધ વચ્ચે રાષ્ટ્રીય ચળવળને પાછી ખેંચીને એ પદને જોખમમાં મૂકી દીધું.

ઉપર વર્ણવ્યા તે એક વૈજ્ઞાનિકના ગુણધર્મો છે. પોતાની પ્રયોગશાળા પોતે જ છે. માત્ર આખો દેશ નહીં, પોતાની જાત પણ એક પ્રયોગશાળા હતી. તેમના બ્રહ્મચર્ય વિશેના પ્રયોગો વિખ્યાત તેમ જ કુખ્યાત પણ ગણાય છે, પણ એ પોતાની જાત પર જ પ્રયોગ કરી રહ્યા હતા. ‘મારામાં કામવાસનાનો એક અંશ પણ રહી જવા પામ્યો છે, જેનાથી હું મુક્તિ ઈચ્છું છું? હું જો ખરો અહિંસક હોઉં, સાચો સંત હોઉં અથવા તો કહેવાતો મહાત્મા હોઉં, તો મારે કામવાસનાથી તદ્દન મુક્ત થઈ જવું જોઈએ. હું ખરેખર મુક્ત છું?’ તેમણે પોતાના મન અને શરીરની તાકાતનો ક્યાસ કાઢવા પોતાની જાત ઉપર અત્યંત સંવેદનશીલ અને જોખમી પ્રયોગ કર્યો. હું જાણું છું કે ઘણી વખત ગાંધી વિશે ઘણી ગેરસમજ થઈ હતી અને આ પ્રયોગ માટે તેમની ઘણી આલોચના થઇ હતી. પણ મેં જ્યારે એ પ્રયોગ વિશે વાંચ્યું ત્યારે એક મેડિકલ વૈજ્ઞાનિક – જ્હોન હન્ટરનું સ્મરણ થયું. તેઓ 200 વર્ષ પહેલાં થઈ ગયેલા માનવ શરીર રચનાના નિષ્ણાત હતા. સિફિલિસ નામનો રોગ કઈ રીતે બીજી વ્યક્તિને અસરકર્તા બને છે એ શોધવા માટે તેમણે પોતાના ઉપર એક અત્યંત હિંમતભર્યો પ્રયોગ કર્યો. સિફિલિસના દર્દીના ઘાવમાંથી inoculum લઈને પોતાની જનનેંદ્રિયમાં દાખલ કરી અને તેનું નિરીક્ષણ કર્યું. થોડા જ દિવસમાં એ જગ્યાએ સિફિલિસનું ulcer દેખાયું; અને આ રીતે તેમણે સાબિત કર્યું કે સિફિલિસનો રોગ કઈ રીતે સંક્રમિત થાય છે. ગાંધીનો પોતાના ઉપરનો પ્રયોગ પણ જ્હોન હન્ટરના પ્રયોગ જેવો જ હિંમત માંગી લે તેવો અને જોખમી હતો. તેમણે તેના વિશે જાહેરમાં લખ્યું. ગાંધીએ પિતાની આત્મકથાનું શીર્ષક ‘મારા સત્યના પ્રયોગો’ રાખ્યું તેમાં કશું અચરજ નથી. તેમનું અંતિમ ધ્યેય સત્યને પામવાનું હતું. આ બધાં લક્ષણો એક સાચા વૈજ્ઞાનિકના હતા. તેઓ જીવનના વૈજ્ઞાનિક હતા. 

ગાંધીનો વિજ્ઞાન સાથે કેવો અનુબંધ હતો?

હવે આપણે બીજા સવાલ પર આવીએ. જો ગાંધી વિજ્ઞાનના વિરોધી નહોતા, તો તેમણે વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કર્યો, તેમનો વિજ્ઞાન સાથે કેવો સંબંધ હતો? ગાંધીના ગ્રામોદ્ધાર અને સામાજિક સુધારણાના વિવિધ કાર્યક્રમો, જેને ‘રચનાત્મક કાર્યક્રમ’ તરીકે ઓળખાવ્યા છે તેના દ્વારા આપણને તેમનો વિજ્ઞાન સાથે સંબંધ અને વિજ્ઞાનને કઈ રીતે તેઓ ઉપયોગમાં લેતા હતા તેના પુરાવા મળે છે. રચનાત્મક કાર્યક્રમનો સહુથી અગ્રીમ કાર્યક્રમ હતો ચરખા પર કાંતણ દ્વારા ખાદી ઉત્પાદન. ગાંધી તે સમયે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઇસ્તેમાલ કરે છે, વધુ સારાં ઓજારની શોધ ચલાવે છે જેથી ખાદીની ગુણવત્તા સુધરે અને ગામડાના સામાન્ય કાંતનારા તથા વણકરો સારું કાપડ પેદા કરી શકે, તેમને વધુ રોજી મળે અને પરિણામે વધુ ને વધુ લોકો ખાદી પહેરતા થાય. તેમણે ‘ખાદી વિજ્ઞાન’ જેવો શબ્દ પણ પ્રચલિત કર્યો. તેમણે ચરખાને શ્રેષ્ઠ કોટિના અને ઉચ્ચ પ્રકારના યંત્ર તરીકે ઓળખાવ્યો હતો. આજે એ હકીકત માનવી મુશ્કેલ લાગે, પરંતુ આશરે 80 વર્ષ પહેલાં વધુ સક્ષમ ચરખો શોધી આપનાર માટે તેમણે એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું (જે આજે 10 કરોડ રૂપિયા બરાબર રકમ થાય). ગાંધી વિજ્ઞાનનો ઉપયોગ ઉદારતાથી કરતા એમ કોઈને પણ આ હકીકત ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે. તેઓ ખાદીના કર્મચારીઓ પાસેથી એક વૈજ્ઞાનિક જેવા વલણોની અપેક્ષા રાખતા હતા. તેઓએ કહેલું, “જગદીશચંદ્ર બોઝે પોતાની પ્રયોગશાળામાં વનસ્પતિમાં જીવ હોય છે એ સાબિત કરવા જેટલી મથામણ છોડવા સાથે કરેલી એટલી જ ઉચ્ચ કક્ષાની પ્રૌદ્યોગિક અને યાંત્રિક કુશળતાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા ખાદીના વિજ્ઞાનના વિકાસ માટે પડે છે.”

એક બીજી જગ્યાએ તેમણે કહ્યું છે, “મારી યોજના અંતર્ગત વધુ અને સારાં પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ અને સંશોધન સંસ્થાનો હશે. તેમાં રસાયણશાસ્ત્રીઓ, ઈજનેર, અને બીજા નિષ્ણાતોનું સૈન્ય હશે જેઓ દેશના ખરા સેવકો હશે અને લોકોની વધતી જતી વિવિધ જરૂરિયાતો માટે હલ શોધી કાઢશે. તેમણે મેળવેલું જ્ઞાન પ્રજાની સહિયારી મિલકત હશે.” અહીં છેલ્લું વાક્ય અત્યંત મહત્ત્વનું છે. વૈજ્ઞાનિકો અને સંશોધક સંસ્થાઓનાં માળખાનું શું કાર્ય હશે? તેમણે કહ્યું, એ લોકો દેશના ખરા સેવકો હશે અને લોકોની વધતી જતી વિવિધ જરૂરિયાતો માટે હલ શોધી કાઢશે અને તેમણે “તેમણે મેળવેલું જ્ઞાન પ્રજાની સહિયારી મિલકત હશે.”  એ જ્ઞાન બૌદ્ધિક માલિકી (intellectual property), સંશોધન પરના અધિકારો અને તેની પેદાશના ઇજારા કરતાં ભિન્ન હશે, હાલ વૈજ્ઞાનિકોમાં પોતે મેળવેલ જ્ઞાનને જે રીતે અંગત મિલકત ગણાવવાનો ચાલ પ્રચલિત થયો છે તેનાથી એ તદ્દન અલગ હશે. ગાંધીના વિજ્ઞાન, સંશોધન અને તેનાથી ઉપલબ્ધ થયેલ જ્ઞાનના હેતુ જુદા હતા. તેઓ પોતાના આશ્રમ ગ્રામ અને સમાજ પુનર્ર્ચના માટેની પ્રયોગશાળા બની રહે તેમ ઇચ્છતા હતા. તેમણે ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી. તેની સલાહકાર સમિતિના ત્રણ નામ સહુને પરિચિત છે; સર સી.વી. રામન, જગદીશચંદ્ર બોઝ અને પી.સી. રે. તે સમયના ભારતના ત્રણ સર્વોત્તમ વૈજ્ઞાનિકોને ગ્રામોદ્યોગની સલાહકાર સમિતિમાં નિમંત્રિત કર્યા.

ગાંધીએ એક નવો પારિભાષિક શબ્દ આપ્યો, જે અત્યંન્ત અર્થસભર છે; ‘સત્યાગ્રહી વૈજ્ઞાનિક’. તેમના આદર્શ રચનાત્મક કાર્યકરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાજકારણીઓ કે આશ્રમના અંતેવાસીઓ એ તમામ સત્યાગ્રહી વૈજ્ઞાનિક હોવા જોઈએ – સત્યના અહિંસક શોધક હોવા જોઈએ. આનો અર્થ શો હતો? કાર્યકર સત્યાગ્રહી હોવો જોઈએ સત્યનો અહિંસક શોધક હોવો જોઈએ. પણ સાથોસાથ પોતાના વલણો, તેની પદ્ધતિ અને તેના પ્રયોગો એક વૈજ્ઞાનિક જેવા હોવા જોઈએ. એ મહાત્મા ગાંધીનું દર્શન હતું. 1940માં તેમના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહીની પસંદગી બહુ જ અર્થસૂચક હતી. તેમણે દેશના પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જવાહરલાલ નહેરુની પસંદગી નહોતી કરી. જવાહર બીજા સ્થાને હતા. તેમની પ્રથમ પસંદગી હતી વિનોબા ભાવે, જેઓ તે સમયે અજ્ઞાત હતા. તેમણે વિનોબાને તેમની આધ્યાત્મિક ક્ષમતા માટે જ નહીં, પણ તેમના વૈજ્ઞાનિક વલણને કારણે પણ પસંદ કર્યા. વિનોબાએ ખાદી અને ચરખા ઉપર અસાધારણ કામ કર્યું હતું.

એક ખાસ કિસ્સો ગાંધી અને તેમની વિનોબાની પસંદગી વિશે ઘણું કહી જાય છે. સૂતર કાંતનારાઓએ ગાંધીજી પાસે ફરિયાદ કરી કે તેમને મળતી મજદૂરી ઘણી ઓછી છે. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો એ સ્વાભાવિક હતું, કેમ કે ખાદી મશીનથી પેદા નહોતી થતી. તે હાથથી કાંતીને અને વણીને બનાવવામાં આવતી હતી. આથી ઉત્પાદનનો દર ધીમો હતો. પણ કાપડની કિંમત ઓછી રાખવી જરૂરી હતી જેથી બધા લોકો એ ખરીદી શકે. અને તેથી તેનું વળતરનું સ્તર પણ નીચું હતું. જ્યારે મજદૂરોએ ફરિયાદ કરી ત્યારે ગાંધીજીએ કહ્યું, આપણે મજ઼દૂરોને અન્યાય ન કરી શકીએ. આથી તેમણે વિનોબાને બોલાવીને મજદૂરો માટે લઘુતમ વેતન દરની ભલામણ કરવા સૂચવ્યું. વિનોબાએ થોડો સમય માગ્યો. તેઓ છ મહિના પછી પાછા આવ્યા, 30 રતલ વજન ઓછું થઈ ગયું, ખૂબ કૃશ થઈ ગયેલા. ગાંધીજી ચોંકી ઉઠ્યા, પૂછ્યું, “વિનોબા, શું થયું?” વિનોબાજીએ કહ્યું, “છેલ્લા છ મહિના મજ઼દૂરોને આપવામાં આવતા દર મેળવીને હું કાંતણ કરી ગુજરાન ચલાવતો હતો. મને રોજના બે આના મળતા હતા. મેં બે આનામાં મળે તેટલો જ ખોરાક લેવા મારા ખોરાક પર મર્યાદા મૂકી. હાલમાં મળતા મજૂરીના દરને કારણે આ સ્થિતિ થઇ.” વિનોબાએ પોતાની જાતને એક પ્રયોગશાળામાં બદલી નાખી. ટૂંકમાં કહું તો ગાંધી ઉદારતાથી અને ઉત્સાહપૂર્વક પોતાના રચનાત્મક કાર્યોમાં વિજ્ઞાન, વૈજ્ઞાનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિકોને આવકાર આપતા અને કામમાં રોકતા.

ગાંધી વૈજ્ઞાનિકોથી કઈ રીતે અલગ હતા? 

તેઓ આપણા કરતાં કઈ બાબતમાં જુદા હતા? ગલતફહેમીમાં ન રહેતા. ગાંધી વિજ્ઞાનનો ઉપયોગ કરતા કે તેઓ વૈજ્ઞાનિક હતા માટે મહાન નહોતા ગણાયા. આપણે બધા એ કરીએ છીએ. તેનાથી આપણે ગાંધી નથી બની જતા. વિજ્ઞાનનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે. તો, તેઓ કઈ રીતે અલગ હતા?

એક તો, વિજ્ઞાનનું મૂલ્ય આંકવાનો એમનો માપદંડ હતો, તેના ઉપયોગ પાછળ કયો હેતુ છે એ. વિજ્ઞાનને એક અર્થપૂર્ણ હેતુ હોવો ઘટે. જુઓ, તેઓ શું કહે છે, “સંશોધનના ઉત્સાહની હું નમ્રતાથી પ્રશંસા કરું છે જે આધુનિક વિજ્ઞાનમાં  ઉત્તેજના પૂરી પાડે છે. મારો વાંધો તેના મૂળ તત્ત્વ સામે નથી. મારી ફરિયાદ વિજ્ઞાન કઈ દિશામાં જઈ રહ્યું છે તેની સામે છે. એ મુખ્યત્વે પોતાના ગ્રાહક સમુદાય – લાભાર્થીઓના માત્ર ભૌતિક પ્રગતિને સ્પર્શતા નિયમો  અને પદ્ધતિઓ સાથે જ નિસબત ધરાવે છે.

ગાંધીના મતે વિજ્ઞાનનો આ હેતુ ખૂબ સંકુચિત અને છીછરો હતો. વિજ્ઞાન મોટે ભાગે મૂડીપતિઓના હાથનું નફો રળવાનું એક સાધન બની જાય છે, અથવા સરકારના હાથમાં આવે તો જબરદસ્તી અને વિનાશ કરવાનું સાધન બની જાય છે. એટલે અંતે મોટે ભાગે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો મૂડીપતિઓ અથવા સરકારોને વધુ શક્તિશાળી બનાવતા થઈ જાય છે. ગાંધીના હાથમાં વિજ્ઞાન સામાજિક પરિવર્તન અને ન્યાય મેળવવાનું ઓજાર બની જાય છે. એમની અપેક્ષા આ શબ્દોમાં વ્યક્ત થઈ હતી, “તમે જે શોધખોળ કરો તેનો અંતિમ હેતુ ગરીબ લોકોના કલ્યાણનો ન હોય તો તમારા કાર્યાલયો એક શયતાનના કાર્યાલય કરતાં સારા નહીં હોય.” તેઓ મૃદુ વચનોનો ઉપયોગ ન કરતા. તેઓ આપણને ઢંઢોળતા, આપણા પર સખત વાર કરતા, આપણું વિજ્ઞાન, આપણી પ્રયોગશાળાઓ અને આપણી કારકિર્દી કયા હેતુસર ઉપયોગમાં લેવાઈ રહી છે એ તપાસવાની ફરજ પાડતા હતા. ગાંધી મહાન હતા કેમ કે તેમના હાથમાં વિજ્ઞાન સામાજિક પરિવર્તન અને ન્યાય સ્થાપિત કરવાનું સાધન બની ગયું.

સ્વચ્છતા અને આરોગ્યનું ઉદાહરણ લઈએ. 1914માં જ્યારે ગાંધીજી ભારત આવ્યા ત્યારે ઉચ્ચ વર્ગ કે વર્ણની કોઈ વ્યક્તિએ પોતાના શૌચાલય તરફ નજર પણ નહોતી નાખી. ઘરની અંદર એ સહુથી ગંદી જગ્યા હતી અને સમાજના કહેવાતા સહુથી વધુ ગંદા લોકો – ભંગી – તેની સફાઈ કરતા. પોતાના આશ્રમમાં ગાંધીએ બધા અંતેવાસીઓએ શૌચાલય સાફ કરવાની પદ્ધતિ દાખલ કરી. શૌચાલયની સફાઈ માટે તેમણે વૈજ્ઞાનિક રીત અપનાવી. આ રીતે તેમણે આરોગ્ય અને સ્વચ્છતાનું ધોરણ સુધાર્યું, જ્ઞાતિના ભેદભાવને દૂર કરીને મોટું સામાજિક પરિવર્તન આણ્યું. તેઓ કદાચ પહેલા રાજનીતિજ્ઞ હતા, જે પોતાનું શૌચાલય જાતે સાફ કરે અને તેને એક જાહેર ઘટના બનાવે. ખુદ જવાહરલાલ નહેરુ, રાજેન્દ્રપ્રસાદ અને વલ્લભભાઈને જ્યારે આશ્રમમાં આવતા ત્યારે પોતાનાં શૌચાલય જાતે જ સાફ કરવા પડતા. ગાંધીની ચળવળને કારણે મહારાષ્ટ્ર્ના બાહ્મણો – જેવા કે ભાવે, બાપટ અને પટવર્ધન – માત્ર પોતાનાં જ નહીં, પણ અન્યનાં શૌચાલય પણ સાફ કરવા લાગ્યા. મહારાષ્ટ્રના સુવર્ણ પદક વિજેતા અપ્પા પટવર્ધન ગાંધીની ચળવળમાં જોડાયા. તેમને જેલની સજા થઈ. બ્રાહ્મણ હોવાને કારણે જેલમાં તેમને શૌચાલય સાફ કરવાનું કામ નહોતું સોંપાયું. એ જેલનો નિયમ હતો કે બ્રાહ્મણને એવાં હલકાં ગણાતાં કામ ન સોંપવાં. પરંતુ અપ્પા પાટવર્ધને કહ્યું, “હું ગાંધીનો સિપાહી છું. મારો એ નિયમ છે કે મારુ શૌચાલય હું જાતે જ સાફ કરું. તમારે મને એ ભંગીનું કામ કરવા દેવો જ જોઈએ. એ મારી સ્વતંત્રતા છે. બ્રિટિશ સરકારે તેમની માંગણી નકારી, એટલે તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા. ભંગીનું કામ કરવા દેવાની પરવાનગી ન મળવાના મુદ્દે એક બ્રાહ્મણ અનશન કરે! અંતે બ્રિટિશ સરકારે નમતું જોખવું પડ્યું. તો આ રીતે ગાંધીએ જાતે શૌચાલય સાફ કરવાની પહેલ કરીને માત્ર ‘સ્વચ્છ ભારત’ સિદ્ધ ન કર્યું, પણ તેમણે વર્ણ વ્યવસ્થાના બંધનો પણ તોડ્યાં. એ એક ક્રાંતિ હતી!

ગાંધી બીજી રીતે પણ અલગ હતા. તેઓ વિજ્ઞાન પર નૈતિક કસોટીનો ઉપયોગ કરતા. તેમણે યુરોપિયન વિજ્ઞાન, જેને આજે આપણે અમેરિકન વિજ્ઞાન કહીએ છીએ તેની ટીકા કરતાં કહ્યું, “વિજ્ઞાનની પ્રગતિએ યુરોપના નૈતિક કદમાં એક ઇંચનો પણ વધારો નથી કર્યો. તેનાથી નફરત અને અન્યાય ઘટ્યાં નથી.” ગાંધી વિજ્ઞાન પાસે આવી અપેક્ષા રાખે છે – નફરત અને અન્યાય ઘટે અને પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું આવે. એમની ફરિયાદ એ છે કે વિજ્ઞાન આ કામ નથી કરતું. કમ સે કમ એ સમયે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો આ બાબતમાં નિષ્ફ્ળ ગયા. આજે તેઓ શું કરે છે? આપણે આંતરનિરીક્ષણ કરવું રહ્યું.

ગાંધીને મન વિજ્ઞાન માટે નૈતિકતાની ખરી કસોટી જીવિત પ્રાણીઓ પર થતી શસ્ત્રક્રિયા અને વાઢકાપ કરવામાં છે. પ્રાણી અને માનવ શરીરની રચના વિષે જ્ઞાન મેળવવા આ પ્રક્રિયા જરૂરી ગણાય છે. ગાંધીને કિશોરાવસ્થામાં તબીબ થવાની ઈચ્છા હતી. પ્રાણીઓ પર થતી શસ્ત્રક્રિયા અને વાઢકાપ તબીબીની તાલીમ માટે અનિવાર્ય હતી અને તેમના મનમાં એ માટે ચીડ હતી. આ પ્રક્રિયાનો તેઓ બે કારણોસર વિરોધ કરતા, એક તો પ્રાણીઓને થતું દુઃખ, ભોગવવી પડતી પીડા અને અંતે આવતું મોત. અને બીજું કારણ, જીવિત પ્રાણીને કતલ કરવાથી વૈજ્ઞાનિક પર થતી અસર. હા, દેડકા, સસલા, વાનર કે ગીનીપીગ માત્ર પ્રાણી છે, પણ તેમને મારવાની પ્રક્રિયા કોઈ માનવીને મારવાના કૃત્યથી ઘણી અલગ નથી હોતી. તેનાથી વૈજ્ઞાનિકના માનવ મનમાં ક્રૂરતા આચરવાને પ્રોત્સાહન મળે છે એમ તેઓ માનતા.

આજે પ્રાણીઓ સામે આચરવામાં આવતી ક્રૂરતા એક વૈશ્વિક ચળવળનો મુદ્દો બની ગઈ છે. તથાપિ સો વર્ષ પહેલાં નહેરુ, આલ્ડ્સ હક્સલી કે મેઘનાદ સહા જેવા વિજ્ઞાનની તરફદારી કરતા લોકો ગાંધીની હાંસી ઉડાવી શકે. તેઓ એમ કહી શકે કે ‘ઓહ! આ તો વિજ્ઞાન પ્રત્યે વિરોધી વલણ ધરાવનાર વ્યક્તિ છે, તેને વાઢકાપ મંજૂર નથી કે નથી તેને વૈજ્ઞાનિક શોધખોળ કબૂલ!’ ગાંધીને મૃત પ્રાણીઓની વાઢકાપ સામે હરકત નહોતી, પણ તેમને જીવિત પ્રણીઓની કતલ કરવા સામે જરૂર હરકત હતી. તેમના મનથી એ નૈતિકતાની કસોટીનો સવાલ હતો. તેઓ માનતા કે વિજ્ઞાન નૈતિકતાથી વંચિત ન હોઈ શકે.

વિજ્ઞાનની પ્રકૃતિ જ એ છે કે એ મૂળ તત્ત્વને નાનામાં નાના ઘટકના સ્વરૂપમાં જુએ છે. વૈજ્ઞાનિક શોધખોળ કરવાનાં સાધનો દ્વારા વાસ્તવિક પદાર્થના સૂક્ષ્મ ભાગનો ઊંડાણથી અભ્યાસ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું શું પરિણામ આવે છે? એક વખત મેં એક કાર્ટૂન જોયેલું. એક વૈજ્ઞાનિક ટેલિસ્કોપ લઈને પરસાળમાં બેઠો હતો. ધૂમકેતુ આકાશમાં ઊગશે તેવી અપેક્ષા હતી. એટલે વૈજ્ઞાનિકે એ દિશામાં ટેલિસ્કોપના નાના બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીને ધીરજ રાખીને રાહ જોવા માંડી. ત્યાં તેની ઘરકામ કરનારી સ્ત્રી ચાનો પ્યાલો લઈને આવી, અને તેણે ખુલ્લા આકાશ તરફ જોયું. તેણે બીજી બાજુ આંગળી ચીંધીને કહ્યું, “અરે, આ રહ્યો ધૂમકેતુ!” વૈજ્ઞાનિક ધૂમકેતુનું દર્શન પામવાનું ચૂકી ગયો કેમ કે તેનું ધ્યાનબિંદુ ઘણું મર્યાદિત ક્ષેત્રનું હતું. ઘરકામ કરનારી સ્ત્રી  કદાચ અશિક્ષિત હશે, પણ તેનું મન ખુલ્લું છે, એ આખા આકાશ તરફ નજર માંડે છે અને બીજી દિશામાં ઊગતો ધૂમકેતુ નરી આંખે જોઈ શકે છે.

વિજ્ઞાનની તરફદારી કરનારા આપણા જેવા લોકો અને ગાંધી વચ્ચે આ બીજો તફાવત છે. ગાંધીને આખું આકાશ દેખાય છે. તેમને સંપૂર્ણ સત્ય દેખાય છે. તેમને માત્ર સાંકડું ચિત્ર નથી દેખાતું, કે જિંદગી નાના ટુકડાઓમાં નથી દેખાતી. દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. તેમણે ખાદીનો પ્રચાર કર્યો તેની જ વાત લો. ખાદી કપાસ ઉગાડનારા ખેડૂતને આવક પૂરી પાડે છે, કાંતનારા અને વણકરોને રોજી આપે છે અને સ્થાનિક ઉત્પાદન અને વેપારને પ્રોત્સાહન આપે છે. એ છે સ્વદેશી, અને તેનાથી સ્વાતંત્ર્યની ચળવળને બળ મળ્યું. ખાદી ઉચ્ચ વર્ગના લોકોને નીચલા વર્ગના લોકોથી નિકટ લાવે છે. ગાંધીની પરિવર્તનની દૃષ્ટિ બધાને સુગ્રથિત કરનારી અને સર્વ સમાવેશી હતી. તેઓએ ખાદીના એક તીરથી ઘણા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા.

ઈશા વાસ્યમ્‌ ઈદમ્‌ સર્વમ્‌ 

આપણી અને ગાંધી વચ્ચે હજુ એક વધુ તફાવત નોંધીએ. ગાંધીને મન એક પણ વસ્તુ માત્ર ભૌતિક સ્વરૂપની, નિષ્પ્રાણ કે મૃત નથી હોતી. જગતની તમામ વસ્તુ ચૈતન્યના સિદ્ધાંતો મુજબ અસ્તિત્વ ધરાવે છે. એક વખત મહાત્મા ગાંધી અલ્હાબાદ ગયેલા. જવાહરલાલ નહેરુએ તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું. ભોજન લીધા બાદ જવાહરલાલ પોતે ગાંધીના હાથ ધોવા પાણી રેડતા હતા. સાથે સાથે તેઓ દેશને લગતા કોઈ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરતા હતા. ગાંધીએ હાથ ધોઈ લીધા, પણ જવાહરલાલ પાણી રેડતા રહ્યા. મહાત્માજીએ કહ્યું, “જવાહર, તમે પાણીનો વ્યય કરો છો.” જવાહરલાલે હસતા હસતા કહ્યું, “બાપુ, આ અલ્હાબાદ છે. ગંગા અને યમુના અહીં વહે છે. પાણીની અહીં બિલકુલ તંગી નથી.” ગાંધીનો ઉત્તર હતો, “હા જવાહર, ગંગા અને યમુના અહીં વહે છે, પણ એ નદીઓ માત્ર તમારા માટે નથી વહેતી!” તેઓ જવાહરલાલને યાદ કરાવવા માગતા હતા કે તેમને પાણીનો વ્યય કરવાનો કોઈ અધિકાર નહોતો કેમ કે પાણી માત્ર એક પદાર્થ છે. આ દુનિયામાં સઘળું પવિત્ર છે. ‘ઈશાવાસ્યમ્‌ ઈદમ્‌ સર્વમ્‌.’ અહીં તમામ પદાર્થ દૈવી શક્તિમાંથી નિષ્પન્ન થયા છે. આ આપણા દૃષ્ટિકોણ કરતાં જુદો દૃષ્ટિકોણ છે. આપણે દરેક વસ્તુને જડ, માત્ર અચેતન પદાર્થ તરીકે જોઈએ છીએ. ગાંધી દરેક વસ્તુને અને પદાર્થને, એ દૈવી અને પવિત્ર છે એ દૃષ્ટિએ જુએ છે.

આમ ગાંધીની મહાનતા વિજ્ઞાનથી બહારના દાયરામાં રહેલી છે. એ તેમના નૈતિક પરિમાણમાં રહેલી છે, જેને તેઓ સંક્ષેપમાં બે શબ્દોમાં વર્ણવે છે – સત્ય અને અહિંસા. શંભુ પ્રસાદે સુંદર રીતે કહ્યું છે. “વિજ્ઞાનમાં માન્યતા ધરાવતા હોવા છતાં તેઓ (ગાંધી) વિજ્ઞાનની વિશ્વમાં શી ભૂમિકા છે એ વિશે ઘણા સ્પષ્ટ હતા. એમના મતે વિજ્ઞાન સત્ય અને અહિંસાથી ઉચ્ચ નથી. સત્ય અને અહિંસા વિજ્ઞાનની ઘણી હકીકતો કરતાં વધુ સત્ય પ્રમાણ ધરાવતા હોય છે.” ગાંધીના વિજ્ઞાનના ઉપયોગની સરાહના કરતા હોઈએ ત્યારે આપણે ભૂલવું ન જોઈએ કે ગાંધીની અદ્વિતીયતા તેમની વિજ્ઞાન પરની શ્રદ્ધામાં નથી, પણ સત્ય અને અહિંસાના વિશ્વાસમાં છે.

ગાંધીનું સત્ય અને તેનું વિજ્ઞાન 

સત્ય અને અહિંસા પાછળ કયું વિજ્ઞાન છે તે સમજવા કોશિશ કરીએ. વૈજ્ઞાનિકો અને ગાંધીના લક્ષ્ય એક છે; તેઓ સત્યના શોધક હોય છે. ગાંધીને માટે સત્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે. પહેલાં તેઓ એમ કહેતા, “સત્ય ઈશ્વરની નિકટ છે.” પછી તેઓ કહેતા, “સત્ય ઈશ્વર સમાન છે.” અને અંતમાં ગાંધી કહેતા, “સત્ય એ જ ઈશ્વર છે.” આ કેવું વિધાન છે! એક ધાર્મિક અને શ્રદ્ધાળુ વ્યક્તિ આ કહે, એ સૂચિત કરે છે કે એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. સત્ય જ ઈશ્વર છે. ગાંધીનો સત્ય માટે આ દૃષ્ટિકોણ હતો.

આપણા દૈહિક જીવન સંબંધિત પાસાંઓ તપાસવા માટે ગાંધી વજનનો કાંટો, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ જેવા સર્વસાધારણ વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરતા. પરંતુ સત્યના નૈતિક કે આધ્યાત્મિક પાસાં સમજવા ગાંધી બીજી પદ્ધતિ અપનાવતા. તેમણે 1929માં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ પાસે તેનો નિર્દેશ કરેલો. જુઓ, તેઓ શું કહે છે, “હું તમને કહીશ કે તમે હાલમાં છે તેના કરતાં ઘણા મોટા વાયર લેસ સાધનની મૌલિક શોધ કરી શકો, જેને બાહ્ય સંશોધનની નહીં પણ આંતરિક સંશોધનની જરૂર પડે – અને જો એ આંતરિક સંશોધન સાથે સંલગ્ન ન હોય તો બાકીની તમામ શોધ નિરર્થક થશે.”

ગાંધી પાસે આંતરિક ખોજ માટે કેટલાંક સાધનો હતાં. એક વખત રાજગોપાલાચારી સાથે ચર્ચા કરતાં તેમણે કહેલું કે તેઓ પોતાની માતા, કે જે અનશન કરવાની કળામાં પાવરધા હતા તેમની એક વૈજ્ઞાનિક તરીકે ગણના કરતા હતા. શા માટે? “જે અત્યંન્ત શુદ્ધ હોય છે, સત્યને વફાદાર રહેવા માગે છે અને તેને વળગી રહે છે એ કોઈ પદાર્થ વૈજ્ઞાનિક જેવા જ વૈજ્ઞાનિક હોય છે.” અલબત્ત, પદાર્થ વૈજ્ઞાનિક એક વિશુદ્ધ વૈજ્ઞાનિક હોય છે, પરંતુ ગાંધી કહે છે કે તેમના માતા એની નિકટ હતાં કેમ કે તેઓ વિશુદ્ધ હતાં. તેઓ ઉપવાસ કરતાં અને પોતાની જાતને વિશુદ્ધ કરતાં. અહીં આપણને ખ્યાલ આવે છે કે સત્યનું નૈતિક અને આધ્યાત્મિક પાસું જાણવાની રીત પોતાને વિશુદ્ધ કરવાની હતી. તેમણે એકાદશ વ્રત આપ્યાં. એ બધાં આપણા આચરણ, આપણું હૃદય અને આપણા જીવનને શુદ્ધ કરવા માટે છે. અને છેલ્લે, પ્રાર્થના. તેઓ કહેતા કે, પ્રાર્થના દ્વારા હું સ્વીકારું છું કે મારી શક્તિની મર્યાદા છે, જેની પેલે પાર જઈને હું કશું કરી શકું તેમ નથી. આથી અંતે હું શરણાગતિ સ્વીકારું છું, હું સત્યના પ્રતીક, રામનામને ને પ્રાર્થું છું.

જો તમારું અહમ્‌ શૂન્ય બની જાય, તમારું હૃદય શુદ્ધ થઈ જાય, તો તમારું જીવન વિશુદ્ધ થઇ જાય, જેમ ગાંધીએ પોતાની જાતને વિશુદ્ધ બનાવવા કોશિશ કરી. તમારા હૃદયના આયનામાં દેખાય છે એ નૈતિક સત્યનું પ્રતિબિંબ છે. ગાંધી તેને ‘અંતરાત્માનો અવાજ’ કહે છે. ચૌરીચૌરાની ઘટનાને કારણે ગાંધીએ જ્યારે અસહકારની રાષ્ટ્રીય ચળવળ મુલતવી રાખવાનો નિર્ણય લીધો, ત્યારે તેમણે કહ્યું, “મારો અંતરાત્મા કહે છે કે તું ખોટો હતો. આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ શકે, પણ હું મારા અંતરાત્માના અવાજને અનુસરીશ.” એ અંતરાત્માનો અવાજ એમને મન ઈશ્વરનો સંદેશો હતો, આંતરિક ચેતનાનો અવાજ હતો. ગાંધી એ પદ્ધતિ સાથે અનુસંધાન કરી શકતા. એ કોઈ અકસ્માત નહોતો. તેમની એક ચોક્કસ પદ્ધતિ હતી – તમારી વાણી શુદ્ધ હોવી જોઈએ, એ સત્ય પ્રગટ કરતી હોવી જોઈએ, તમારું વર્તન અહિંસક હોવું જોઈએ, તમે બ્રહ્મચર્યનું પાલન કરતા હોવા જોઈએ, તમે શિસ્તબદ્ધ અને સંયમી જીવન જીવતા હોવા જોઈએ, શરીર શ્રમ, ઉપવાસ અને પ્રાર્થના કરતા હોવા જોઈએ અને અંતમાં ઈશ્વરની ઈચ્છાને શરણે જવા તૈયાર હોવા જોઈએ. એ જાણે તમારા ચશ્માંના કાચને સાફ કરવા જેવું છે. અને એવી વિશુદ્ધ સ્થિતિમાં તમને સત્યનું દર્શન થઈ શકે. અલબત્ત, આપણા માટે આ બધું ધૂંધળું છે. આપણે એ સમજી નથી શકતા. આપણને માત્ર માપણી અને ખરાઈ સાબિત કરવાની વ્યવહારિક રીતોની જ જાણ છે. આપણે આપણા હૃદયને સાફ કરવાની જહેમત ઉઠાવવા નથી માંગતા. શા માટે એવી તસ્દી લેવી? આપણે આપણું શરીર સાફ કરીએ છીએ, પણ આપણું વર્તન, આપણું હૃદય સાફ નથી કરતા. આથી આપણે બુદ્ધિજીવીઓ, વૈજ્ઞાનિકો સગવડતા ખાતર ગાંધીને ‘અંધશ્રદ્ધાળુ અને આંતર્નાદ જેવી રહસ્યમય બાબત વિષે વાત કરનારા’ એવી છાપ મારી દઈએ છીએ. આપણે આપણા આંતર્નાદને સાંભળી ન શકીએ તેથી કહીએ કે બીજા કોઈ ન સાંભળી શકે. પણ ગાંધી આ પ્રક્રિયાથી નૈતિક અને આધ્યાત્મિક સત્યને પામી શકતા હતા.

અહિંસાનું વિજ્ઞાન 

ગાંધી માટે અહિંસા સત્યને પામવાનો, સત્ય સુધી પહોંચવાનો માર્ગ હતો. ગાંધીના મતે સત્યને જાણવા માટે રાજકીય અને સાંસારિક જીવનમાં પણ જીવનના અને અહિંસાના વૈજ્ઞાનિક હોવું અત્યંત આવશ્યક છે. જો આમ જ હોય તો અહિંસાની અંતર્ગત કયું વિજ્ઞાન રહેલું છે એ જોઈએ.

આજે આપણે ગાંધીને તેમના અહિંસાના સિદ્ધાંતો અને સત્યાગ્રહની ચળવળ માટે ઓળખીએ છીએ. એમની અહિંસા દક્ષિણ આફ્રિકામાં શ્વેત શાસકો સામે, ભારતમાં બ્રિટિશ રાજ સામે અને કલકત્તામાં કોમી રમખાણો સામે ઘણી અસકરકારક નીવડી હતી. માઉન્ટબેટનના શબ્દોમાં કહીએ તો કોમી આગમાં સળગતા કલકત્તામાં શાંતિ સ્થાપવા જે કામ આખું સૈન્ય ન કરી શક્યું તે આ એક સુકલકડી વૃદ્ધ વ્યક્તિએ કરી બતાવ્યું. માર્ટિન લ્યુથર કિંગ ગાંધીને અનુસર્યા અને પરિણામે એક અશ્વેત વ્યક્તિ ઓબામા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શક્યા. નેલ્સન માંડેલા ગાંધીને અનુસર્યા અને દક્ષિણ આફ્રિકાને રંગભેદી શાસન નીતિમાંથી મુક્તિ અપાવી. એ તમામ હસ્તીઓ ગાંધીની અહિંસાની પદ્ધતિને અનુસર્યા. જ્યાં ગોરા લોકોની સરકારે નેલ્સન માંડેલાને 27 વર્ષ સુધી કેદમાં પૂર્યા હતા એ કેપ ટાઉન પાસેના રોબિન ટાપુની મુલાકાત લેવાની મને તક મળી હતી. મારો ભોમિયો નેલ્સન માંડેલા સાથે આઠ વર્ષ એ કેદમાં રહી ચૂક્યો હતો. વિવેક જાળવીને મેં પૂછ્યું, ‘નેલ્સન માંડેલાના વ્યક્તિત્વમાં શી વિશેષતા હતી?’ તેણે જવાબમાં કહ્યું, “નેલ્સને મારા પર ઊંડો પ્રભાવ પાડ્યો. મારી ગોરા લોકો પ્રત્યેની નફરતમાંથી તેમણે મને મુક્ત કર્યો!”

અહિંસાનો આવો પ્રભાવ પડે છે. એટીનબરાની ફિલ્મ ‘ગાંધી’માં મીઠાના સત્યાગ્રહ વખતે ધારાસણાનું દૃશ્ય ભૂલવું અશક્ય છે. સ્ત્રી અને પુરુષ સત્યાગ્રહીઓને બ્રિટિશ સૈનિકો બુઠ્ઠા સાધનોથી માર મારતા હતા. પરંતુ અહિંસક સત્યાગ્રહીઓએ પોતાનો હાથ પણ ન ઉગામ્યો. તેઓ એમ કરી શક્યા હોત, પણ ન કર્યું. અને તેની અસર સારાયે વિશ્વ પર પડી.

જીસસ ક્રાઈસ્ટે કહેલું, કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. સવાલ એ છે કે અહિંસા શા માટે અસરકારક હોય છે? એ કોઈ કાલ્પનિક વાત નથી. આપણી પાસે અહિંસા કઈ રીતે અસરકારક બની તેના અનેક ઉદાહરણો છે. વૈજ્ઞાનિક તરીકે આપણે તેની અનપેક્ષિત અસરો સમજાવવા માટે એ પદ્ધતિ શા માટે આટલી અસરકારક હોય છે એ સમજવું જોઈએ. અહિંસા બધાના દિલમાં મૃદુતા અને પ્રેમ જગાવે છે, કે જે વિશ્વવ્યાપી કાયદો છે. પ્રખ્યાત શિકારી જિમ કોર્બેટ એક ઘટનાનું વર્ણન કરે છે. તેઓ એક વખત જંગલમાં ચાલતા હતા ત્યારે એક ભૂલ પડી ગયેલા ઘેટાનો બેં બેં અવાજ સંભળાયો. તેમણે જોયું કે એક વાઘણ એક નાના, કોમળ અને લાચાર પ્રાણી પર તૂટી પડવાની તૈયારીમાં હતી. જિમ કોર્બેટે પોતાની ગન વાઘણ તરફ તાકી અને રાહ જોઈ. વાઘણ નીચી વળીને ઘેટાં તરફ આગળ વધતી હતી. કોર્બેટ ગોળી છોડવા તૈયાર હતા. અચાનક એ વાઘણ ઊભી થઇ, ઘેટાં પાસે ગઈ અને તેને ચાટવા લાગી. એ થોડી વાર ઘેટાં સાથે રમી અને ઘેટાને હાનિ પહોંચાડ્યા વિના ધીરે ધીરે જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. તમારામાંથી ઘણાએ ડિસ્કવરી ચેનલ પર સિંહણ એક હરણના બચ્ચાનું રક્ષણ કરે અને તેની સાથે મૈત્રી કેળવે એવાં દૃશ્યો જોયા હશે. અહિંસા આવી નાજુક, કોમળ કુદરતી લાગણી પેદા કરે છે જેના પર પ્રેમનો મદાર હોય છે.

હિંસ્સાના આચરણમાં બને છે તેનાથી તદ્દન વિપરીત ઘટના અહિંસાના આચરણમાં બને છે, એ શું છે? કોઈ તમારા પર પ્રહાર કરે છે. એ પ્રહાર તમારામાં ક્રોધ જન્માવે છે અને તમે વળતો પ્રહાર કરો છો. પ્રહાર પ્રતિક્રિયા પેદા કરે છે. આથી જ ગાંધી કહે છે કે હિંસાનો કાયદો, “આંખ સાટુ આંખ લેવાની વાત કરે છે, અને તેમ કરવાથી આખું જગત અંધ થઈ જાય.” હિંસાને કારણે સામે એટલી જ કે એથી વિપરીત પ્રમાણમાં હિંસા પેદા થાય. હકીકતે હિંસા ન્યુટનના મિકેનિક્સના ત્રીજા નિયમને અનુસરે છે. ‘દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રમાણમાં પ્રતિક્રિયા થતી હોય છે.’ પદાર્થ વિજ્ઞાનનો આ નિયમ માનસશાસ્ત્રને પણ લાગુ પડે છે – હિંસાથી હિંસા, ક્રોધથી ક્રોધ અને કટુ વચનથી કટુ વચન સમાન અને વિપરીત પ્રમાણમાં સર્જાય છે. અહિંસા ન્યુટનના આ નિયમને વિપરીત દિશામાં વાળે છે. જો હિંસાથી હિંસા જન્મે તો પ્રેમથી પ્રેમ પેદા થવો જોઈએ. જો મારુ આક્રમક વર્તન બીજામાં સમાન અને વિપરીત પ્રમાણમાં આક્રમણ જગાવતું હોય તો જો મારુ વર્તન સૌમ્ય અને શાંત હોય તો તેની પ્રતિક્રિયા પણ સૌમ્ય અને શાંત હોવાની.

વિનોબાજીએ જ્યારે આ જટિલ વિભાવના સવિસ્તાર સમજાવી ત્યારે ત્યાં હાજર હોવાનું મને સદ્દભાગ્ય સાંપડ્યું હતું. તેમણે કહ્યું, હિંસક આચરણમાં તમારે વધુ બળવાન અને વધુ વિનાશક શસ્ત્રો વાપરવા પડે. અહિંસક લડાઈમાં તેથી વિપરીત સ્થિતિ હોય છે. તમારી પ્રતિક્રિયા વધુ ને વધુ સૌમ્ય હોવાની, હિંસાનું ચક્ર તૂટવાનું અને તમને વધુ ને વધુ સૌમ્ય અને શાંત પરિણામો સાંપડશે. આ અહિંસાનું વિજ્ઞાન છે. તમે વધુ શાંત અને અહિંસક બનો એટલે તમારા પ્રતિવાદી તરફથી હળવી અને નહીંવત પ્રતિક્રિયા થતી જોવા મળશે. વિનોબાએ વધુમાં કહ્યું, “ખરી અહિંસક પરિસ્થિતિમાં કોઈ પ્રતિવાદી હોતો જ નથી. કોઈ તમારો દુ:શ્મન હોતો નથી. તમારું હૃદય બીજા પ્રત્યે પ્રેમ અને મૈત્રીથી ભરપૂર હોય તો કોઈ દુ:શ્મન હોતો જ નથી. હોઈ શકે જ નહીં. તમારા કહેવાતા વિરોધીઓ કે દુ:શ્મનો પ્રત્યે પ્રેમ હોય તો એ તમારા પ્રત્યે પણ પ્રેમ પેદા કરશે. આટલું એ સીધું અને સરળ છે. અહિંસામાં કોઈ દુ:શ્મન નથી, કેમ કે દુ:શ્મન તમારા દિલમાં હતો.

સત્ય અને અહિંસા ખૂબ શક્તિશાળી, મહાત કરી ન શકાય તેવી તાકાત છે. તમે જ્યારે તેને અનુસરો, સત્યના અહિંસક શોધક બનો, ત્યારે તમે અહિંસાનો ઉપયોગ કરીને સત્યનું પાલન કરનારા સત્યાગ્રહી બનો. આથી જ તો ગાંધી પોતાના સાથી કાર્યકરો ‘સત્યાગ્રહી વૈજ્ઞાનિક’ બને તેમ ઇચ્છતા હતા. સત્યાગ્રહી વૈજ્ઞાનિક બનવો જોઈએ અને વૈજ્ઞાનિક સત્યાગ્રહી બનવો જોઈએ. સત્યાગ્રહીનો શાબ્દિક અર્થ છે, સત્યનો આગ્રહી, દુરાગ્રહી નહીં જે અસત્યનો આગ્રહ સેવે, અહંકારનો આગ્રહી નહીં. સત્યને શોધવા, વૈજ્ઞાનિક બનવા આપણે અહિંસક બનવું જોઈએ, બીજાના મંતવ્યો સ્વીકારવા, સત્યનો સ્વીકાર કરવો અને પોતાની પૂર્વધારણાનું ખંડન થાય તો પણ કબૂલવું. આથી જ સત્યને પામવા માટે અહિંસા અનિવાર્ય છે. હકીકતમાં અહિંસા એ મનનું વિજ્ઞાન છે, મનની પ્રતિક્રિયાનું વિજ્ઞાન છે. આથી ગાંધીએ કહેલું, “સત્ય અને અહિંસા આ પર્વતો જેટલા પુરાણા છે.” જેમ પ્રકૃતિમાં હિંસાનું અસ્તિત્વ છે, તેમ જ અહિંસા અને પ્રેમનું પણ અસ્તિત્વ છે. હું સમજુ છું ત્યાં સુધી ગાંધીની પદ્ધતિની અહિંસાની અંતર્ગત આ વિજ્ઞાન રહેલું છે.

21મી સદીમાં ગાંધીની સુસંગતતા

અંતમાં આપણે છેલ્લા સવાલ પર આવીએ. ગાંધી 21મી સદીમાં કેટલા સુસંગત છે, આપણા માટે કેટલા સુસંગત છે? 21મી સદી સામે ત્રણ વૈશ્વિક પડકારો છે. પહેલો પડકાર છે મૂડીવાદનો શાપ – અમર્યાદ લોભ અને પ્રચંડ આર્થિક તેમ જ રાજકીય અસમાનતા. બીજો પડકાર, તે ગ્રાહકવાદનો શાપ – ભૌતિક સાધનોના વધુ પડતા વપરાશને કારણે પર્યાવરણમાં બદલાવ આવ્યા અને વિશ્વ આખાના તાપમાનમાં વધારો થવા લાગ્યો. અને ત્રીજો પડકાર છે, કોમવાદનો શાપ – જે જાતિગત અને આંતરધર્મીય હિંસા તરફ દોરી જઈ રહ્યો છે. ગાંધી આ ત્રણ પડકારોનો સામનો કરવા શું સૂચવે છે?

આ ત્રણ પડકારો બાહ્ય અને વૈશ્વિક છે, પરંતુ ગાંધીના ઉકેલ આંતરિક અને વ્યક્તિગત છે. બાહ્ય સમસ્યાઓ માટે આપણે બાહ્ય બાબતોનો ખુલાસો અને બહારના ઉકેલો શોધીએ. વાહિયાત લાગે તેવી વાત છે, પણ ગાંધી બહુ સરળ હતા; પણ એથી જ તો તેઓ અલગ હતા, તેઓ અદ્વિતીય હતા. વૈશ્વિક સમસ્યાઓ માટે તેમની પાસે આંતરિક અને વ્યક્તિગત ઉકેલ હતા.

લાલસા અને પરિગ્રહ માટે તેમની પાસે કયો ઉકેલ હતો? આજના નફા કેન્દ્રી જગતમાં, મૂડીવાદી યુગમાં તૃષ્ણા એ ગુણ ગણાય છે. કદાચ ‘વોલ સ્ટ્રીટ’ નામની હોલીવુડની એક ફિલ્મમાં તેનો નાયક કહે છે, “તૃષ્ણા હોવી તે સારું છે”. જેટલી વધુ લાલસા, તેટલો સંગ્રહ વધે અને વધુ નફો મળે. તે અનિવાર્યપણે આર્થિક અસમાનતા તરફ આપણને ધકેલે. આપણે ઓક્સફામનો રિપોર્ટ જોયો છે; 2% લોકો દુનિયાની 98% મિલકતના માલિક છે. ભારતમાં નવ વ્યક્તિ દેશની કુલ વસતીના અર્ધા ભાગના લોકો પાસે છે તેના કરતા વધુ મૂડી ધરાવે છે. માત્ર નવ વ્યક્તિ! અસહ્ય અસમાનતા. આવો સમાજ મોટે ભાગે ક્રૂર, બિનલોકશાહી અને અસ્થિર હોય છે. મૂડીવાદનો આ શાપ અટલ છે. ગાંધી પાસે આનો ઉકેલ મૂડીવાદીઓને કે પેલી નવ વ્યક્તિઓને મારવાનો નથી. એમની પાસે ઉકેલ હતો અપરિગ્રહ. અપરિગ્રહનો અર્થ છે સંગ્રહનો અભાવ, માલિકીનો અભાવ, ઓછામાં ઓછી વસ્તુની માલિકી. આ સિદ્ધાંત જૈન, બૌદ્ધ અને પતંજલિ યોગમાંથી આવ્યો છે. અપરિગ્રહ લાલચનો, કદી સંતોષાય નહીં તેવો વધુ ને વધુ ભોગવટાની એષણાનો પ્રતિ સિદ્ધાંત છે.

મૂડીવાદના શાપનો ગાંધી પાસે બીજો ઉકેલ છે ટ્રસ્ટીશીપનો. તમે ઘણી મૂડી કે સંપત્તિના માલિક થઈ શકો, પરંતુ સ્વેચ્છાએ તેના સાચા નિધિરક્ષક બનો, તેનો સમાજના હિત માટે ઉપયોગ કરો. ગાંધીના જમાનામાં ડાબેરી વિચાર ધરાવનારાઓએ આ વિચારની હાંસી ઉડાવેલી તેની નવાઈ ન લાગે. મૂડીવાદી એક માનવ ભક્ષી વાઘ જેવો છે, એ કદી નિધિરક્ષક ન બની શકે. ગાંધી એક આદર્શવાદી મૂર્ખ છે એમ તેઓ કહેતા, અને એનાથી પણ વધુ ખરાબ વાત કહેતા કે પોતાને આર્થિક ટેકો આપનારા બજાજ અને બિરલા જેવા મૂડીપતિઓને ઢાંકવા માટે આ ધૂર્ત રીતે ઊભું કરેલું આવરણ છે. હવે આજે આપણે જોઈએ છીએ કે બિલ અને મલિન્ડા ગેટ્સ, વોરન બફેટ, અઝીમ પ્રેમજી અને ટાટા અને બીજા અસંખ્ય મૂડીપતિઓ સામાજિક કાર્યો માટે પોતાની મિલકત આપી રહ્યા છે. એ લોકોને અહેસાસ થવા લાગ્યો છે કે અમુક હદથી વધુ મિલકત મારી પાસે હોય તો હું તેનો કેટલોક ઉપભોગ કરી શકવાનો? તેનાથી વધુ આનંદ કે સુખ નથી મળતું. તો એ હું અન્ય લોકો માટે વાપરું એ જ સારું છે. તેનાથી વધુ સંતોષ મળે. ગાંધી માનવ મનનું નિદાન કરવામાં ખરા ઉતર્યા હતા એ વાતને તેઓ સમર્થન આપતા હોય તેમ લાગે.

બીજો પડકાર, તે ગ્રાહકવાદનો શાપ, જે આપણને અશ્મિભૂત બળતણના વધુ પડતા વપરાશ અને વિશ્વના વધતા તાપમાન તરફ લઇ જાય છે; જે પૃથ્વી પર માનવ સહિતની તમામ જીવસૃષ્ટિનો નાશ કરશે. ગાંધીનો સૂચિત ઉકેલ ફરીને માનવ વર્તનમાં એક સાદો ફેરફાર કરવાનો છે – શરીર શ્રમ કરવો. કુદરતે માનવીને શરીર આપ્યું છે; તેનો ઉત્પાદક અને ઉપયોગી શ્રમ કરીને સદુપયોગ કરવો જોઈએ. એ આપણી પવિત્ર અને નૈતિક ફરજ છે એમ ગાંધી માનતા. આપણે રોજ શરીર શ્રમ કરવો જોઈએ. આપણે પોતાનો રોટલો જેને ઉત્પાદક શ્રમ કહે છે તેનાથી મેળવવો જોઈએ. તેમણે આનો સમાવેશ 11 વ્રતોમાં કરેલો. તમે જો જાત મહેનત કરીને રોજી કમાશો તો તમે પરાશ્રયી નહીં બનો. તમે જાત પરિશ્રમથી જેટલું પેદા કરો તેટલું જ વાપરો. તો તમે કુદરતના મર્યાદિત સંસાધનોનો અમર્યાદિત માત્રામાં ઉપભોગ નહીં કરો.

ગાંધીના આ ઉપાયના ઘણા ફાયદા છે. એ આંશિક રીતે સ્થૂળતાનું (શારીરિક મૂડીવાદ) નિરાકરણ કરે છે, આર્થિક અસમાનતા અને વર્ગ તેમ જ વર્ણની અસમાનતાને પણ દૂર કરે છે. શરીર શ્રમનું વ્રત દરેકને એક સ્તર પર લાવી મૂકે છે. અને અલબત્ત અશ્મિભૂત બળતણના વધારે પડતા ઉપયોગમાં ઘટાડો કરે છે. આપણી ખોરાકમાંથી આનંદ મેળવવાની અનંત ઈચ્છા માટે તેઓ ‘અ-સ્વાદ’ વ્રતની ભલામણ કરે છે. એ સમસ્યાનું મારણ છે, જીભના ચટાકા પ્રત્યે ઉદાસીન રહેવું. આ એવો અંગત ઉપાય છે, જે હું અને તમે બધા અમલમાં મૂકી શકીએ.

ત્રીજો પડકાર છે, સાંપ્રત સમયમાં ફેલાયેલા કોમવાદ અને તેને પરિણામે તાલિબાન અને બજરંગ દળ જેવા આતંકી સંગઠનો. તેનો ઉકેલ બૉમ્બ સામે બૉમ્બ, ગન સામે ગન કે મુર્દાબાદ સામે ઝિંદાબાદના નારા નથી. એનો ઉકેલ પ્રેમ અને અહિંસામાં છે. આજની સળગતી સમસ્યાઓ વૈશ્વિક અને બાહ્ય છે અને ગાંધીના ઉકેલ આંતરિક અને વ્યક્તિગત છે; અને એટલે એ પોતાનાથી શરૂ થાય. થોડાં વર્ષો પહેલા હું એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા લંડન ગયેલો. એ બહુ ઉચ્ચ કક્ષાનું સંમેલન હતું. પ્રતિનિધિઓને પહેલાં રાણીના મહેલ અને ત્યાર બાદ પાર્લામેન્ટમાં હાઉસ ઓફ લોર્ડ્સ માં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં અમારું સ્વાગત કરવામાં આવ્યું. હું જરા અસ્વસ્થતાનો અનુભવ કરવા લાગ્યો. આ મારું પરિચિત વિશ્વ નથી એમ લાગ્યું. અમે બ્રિટિશ પાર્લામેન્ટ ભવનમાંથી બહાર આવ્યા ત્યારે તદ્દન તેની સામે કેટલાક લોકો વિરોધી પ્રદર્શન કરતા જોવા મળ્યા. મને તરત એ લોકો સાથે નિકટતાનો ભાવ થયો. હું પ્રતિનિધિ મંડળ છોડીને દેખાવકારો પાસે ગયો. ત્યાં ત્રણ જુદા જુદા સમૂહો હતા. એક પર્યાવરણવાદીઓનો સમૂહ હતો, જે વિશ્વના વધતા તાપમાન સામે વિરોધ નોંધાવવા બ્રિટિશ સરકારને કિયોટો કરારમાં સહી કરવા અરજ કરતા હતા. બીજું, એક શાંતિપ્રિય જૂથ હતું, જે સૈનિકોને ઇરાકથી પાછા બોલાવી લેવા માટે સરકારને અરજ કરતું હતું. અને ત્રીજું જૂથ બ્રિટનના મજૂરોને વધુ વેતન મળે અને કામ કરવાની હાલત સુધરે એ માટે અરજ કરતું હતું. એ બધાની પાછળ એક મોટું બેનર હતું, જેના પર લખ્યું હતું, “બી ધ ચેન્જ યોરસેલ્ફ ધેટ યુ વિશ ટુ સી ઈન ધ વર્લ્ડ.” – મહાત્મા ગાંધી.

મને લાગ્યું કે તે વખતે ગાંધીજીના અવસાનના સાઠ વર્ષ બાદ પણ એ વૃદ્ધ હજુ બ્રિટિશ પાર્લામેન્ટ સામે વિરોધી દેખાવો કરીને વિશ્વની સત્તાને પડકાર કરી રહ્યો હતો. તેઓ આપણને અરજ કરી રહ્યા હતા કે તમે દુનિયામાં જે પરિવર્તન આવેલું  જોવા ઇચ્છતા હો, તે પહેલાં પોતાના વર્તનમાં લાવો. તમારે દુનિયાની પાછળ દોડવાની જરૂર નથી. તમારે બીજે ક્યાં ય જઈને યુદ્ધ છેડવાની જરૂર નથી. દુનિયાની નીતિ અને દેશની સરકાર રાજકીય તથા આર્થિક નિયમોના હુકમ આપે તેની રાહ જોવાની જરૂર નથી. પરિવર્તન તમારાથી શરૂ થઈ શકે. અહીં અને આજે જ. ગાંધી આપણી સામે તત્કાલ ક્રાંતિનો વિચાર ધરે છે. આ કારણોસર અને આ રીતે તેઓ આખા વિશ્વ માટે હજુ પણ સુસંગત રહી શક્યા છે.

આ કારણોસર ગાંધી વિજ્ઞાનના હિમાયતી હતા. 

સમાપન કરતાં કહી શકાય કે ગાંધી વિજ્ઞાનના વિરોધી હતા એ છાપ બિનપાયાદાર છે. આ આપણું પહેલું તારણ છે. બીજું તારણ એ છે કે ગાંધી વૈજ્ઞાનિક જાણકારી અને પદ્ધતિઓના ઉપયોગના સમર્થક હતા અને તેનો ઉપયોગ કરવાનો આગ્રહ સેવતા હતા, ખાસ કરીને પ્રયોગો કરવાની બાબતમાં. ત્રીજું તારણ છે, ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિમાં તેમણે નૈતિકતાની કસોટીનો ઉમેરો કર્યો, પછી તે શસ્ત્રક્રિયા માટે પ્રાણી વિચ્છેદન કરવાની બાબત હોય, જથ્થાબંધ માલ ઉત્પાદનની વાત હોય કે સામૂહિક હત્યા કરે તેવાં સાધનો બનાવવાની શોધ હોય. દરેક વસ્તુને સદાચાર અને નૈતિકતાની એરણ પર કસવામાં આવતી. ગાંધીની અદ્દભુત શક્તિ કે મહાનતા સામાન્ય રીતે જાણીતા એવા વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં નહોતી. તેમની મહાનતા હતી તેમની નૈતિક પદ્ધતિઓમાં; એ હતી ગાંધીની વિશેષતા. એમના બે મુખ્ય સિદ્ધાંતો હતા સત્ય અને અહિંસા. તેમના મતે સત્ય અંતિમ સાધ્ય હતું. આ એક વૈજ્ઞાનિકની શ્રદ્ધા છે. ગાંધીએ નૈતિક દૃષ્ટિએ સત્ય હોય તેને પરખવા અને તેની સાથે અનુસંધાન કરવા આત્માના અવાજનો ખૂબ સંવેદનશીલ અને નિર્મળ, પણ હેતુલક્ષી પદ્ધતિથી ઉપયોગ કર્યો. તેમની અહિંસા માનવની મનોવૃત્તિ અને વર્તનને લાગુ પાડવામાં આવે તો ન્યુટનના મિકેનિક્સના ત્રીજા સિદ્ધાંત સાથે ઘણી સુસંગતતા ધરાવે છે. વિશ્વના 21મી સદીના તાકીદના ત્રણ પડકારો માટે ગાંધી આંતરિક, વ્યક્તિગત અને નૈતિક ઉપાયો સૂચવે છે. ગાંધી અને વિજ્ઞાન વિષયક સંશોધન કરતાં અને ગાંધીની 21મી સદીમાં સુસંગતતા વિષે તપાસ કરતાં આપણને આ હકીકત હાથ લાગે છે.

ટાઈમ મેગેઝીનના તંત્રીઓની દ્વિધા તરફ ફરી નજર કરીએ. ટાઈમ મેગેઝીને આલ્બર્ટ આઈન્સ્ટાઈનને 20મી સદીના સહુથી વધુ પ્રખ્યાત વ્યક્તિ તરીકે પસંદ કર્યા. પરંતુ આલ્બર્ટ આઈન્સ્ટાઈને તો ગાંધીની હત્યા બાદ પોતે જ તેનો ઉત્તર આપી દીધો હતો એમ કહીને કે “આવનારી પેઢી ભાગ્યે જ માની શકશે કે હાડ ચામનો બનેલો આવો કોઈ માણસ ખરેખર આ પૃથ્વી પર કદી ચાલ્યો હશે.” ગાંધીને અપાયેલી આ અંતિમ અંજલિ છે. એક ઉચ્ચતમ કક્ષાનો વૈજ્ઞાનિક પોતાના સમયના એક ઉચ્ચતમ પુરુષને સલામ કરી રહ્યો હતો. ટાઈમ મેગેઝીનનું આકલન ખરું હતું. જો આલ્બર્ટ આઈન્સ્ટાઈન 20મી સદીના સહુથી વધુ પ્રખ્યાત વ્યક્તિ હતા, તો હું એવો દાવો કરવાની હિંમત કરીશ કે ગાંધી 21મી સદીના સહુથી વધુ પ્રખ્યાત વ્યક્તિ હશે.

e.mail : 71abuch@gmail.com

Loading

16 April 2024 Vipool Kalyani
← મતદાતાને જ મત ‘દાટા’ મારે એમ બને …
દવાની ‘આડઅસર’ : સુપ્રીમ કોર્ટે બાબા રામદેવનો ઈલાજ કરી નાખ્યો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved