Opinion Magazine
Number of visits: 9448933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વામિત્ર 

આશા બૂચ|Opinion - Literature|8 April 2024

‘વિશ્વામિત્ર’ નવલકથામાં ઘણી બાબતો આજની પરિસ્થિતિમાં એટલી બધી બંધબેસતી લાગી; આથી આ અહીં સાદર : 

°

આશા બૂચ

સ્વ. બાબુભાઇ પ્રાણજીવન વૈદ્ય લિખિત, 1972માં મુદ્રિત થયેલ વેદકાળની નવલ ‘વિશ્વામિત્ર’, જૂનાં પુસ્તકોના સંચયમાંથી હાથ લાગી. રસ પડશે તો વાંચીશ, નહીં તો પુસ્તકાલયમાં આપી દેતાં કોણ રોકે? એમ માનીને હાથમાં લીધી અને સાદ્યંત વાંચી, જાણે એક શ્વાસે જ વાંચી એમ કહોને. આ નવલમાં ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાઓનાં વર્ણનો તો દિલચસ્પ છે જ પરંતુ લેખકનું પોતાના દૃષ્ટિકોણનું નિરૂપણ તેને અદકેરું રસપ્રદ બનાવે છે.

વૈદિક સભ્યતા વિષેનો આદર મને વારસામાં મળેલો. તે કાળે વૈદિક ધર્મ વિશે ઝાંખી પાંખી સમજણ. કેટલીક કથાઓ રસપૂર્વક વાંચેલી. હિન્દુ ધર્મના પ્રતીક સમા અતિ પવિત્ર મનાતા ગાયત્રી મંત્રના ઉદ્દગાતા, સાત બ્રહ્મઋષિમાંના એક, ભગવાન શ્રી રામના કુલગુરુ અને રામ-લક્ષ્મણને સીતા સ્વયંવરમાં લઇ જનારા ઋષિ અને અપ્સરા મેનકાની કુખે જન્મેલી શકુન્તલાના પિતા એટલે વિશ્વામિત્ર એટલી જાણ. પરંતુ આ નવલ આટલા રસપૂર્વક વાંચી જવાનું મુખ્ય કારણ બ્રહ્મર્ષિ વસિષ્ઠનો આર્યત્વની વિશુદ્ધિનો આગ્રહ અને ઋષિ વિશ્વામિત્રના બે સંસ્કૃતિઓના સમન્વયના પ્રયાસો આજના માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે કેટલા બધા ઉપયુક્ત છે એ ચકાસી જોવાનું ખરું.

અહીં એ નવલને ટૂંકી વાર્તા રૂપે રજૂ કરવાની નેમ નથી, વિશ્વામિત્રના આર્ય અને દસ્યુ સાથે સમન્વય રચવાના દૂરગામી પરિણામોને પરખવાનો નમ્ર પ્રયાસ છે. ‘વિશ્વામિત્ર’ વાંચવાથી શું સમજાયું તેનો સાર અહીં પ્રસ્તુત.

સનાતન વૈદિક ધર્મ, અને સભ્યતા અન્ય અનેક સભ્યતાઓની તુલનામાં વધુ ચિરકાળ ટકી રહેવા પામી. અનેક આક્રમણો થયા છતાં વેદની ઋચાઓ વિસ્મૃતિની ગર્તામાં ગાયબ ન થઈ ગઈ, કેમ કે એમાં માનવીની સર્વોત્કૃષ્ટ ઝંખનાને કાવ્યાત્મક અભિવ્યક્તિ સાંપડી છે. વૈદિક સભ્યતા પર ઘણા આક્રમણ થયાં. દસ્યુ એટલે કે દાસ અને નાગ જાતિઓ સાથે સંઘર્ષ થયા. આ સંઘર્ષને અંતે પરસ્પર વેરઝેર વધવાને બદલે વિશ્વામિત્ર જેવા ઋષિના પુરુષાર્થથી બંને સંસ્કૃતિનો સમન્વય સધાયો એ મુખ્ય કારણ હોઈ શકે. દસ્યુ, દ્રવિડ, નાગ, આર્ય વગેરે વિવિધ પ્રજાઓ મળીને જે નવી પ્રજા ઊભી થઈ તે હિન્દુ પ્રજા તરીકે ઓળખાઈ, જેમના મનમાં વેદ માટે આદર જેમનો તેમ રહ્યો. આર્યોને મતે વેદ ઈશ્વર પ્રેરિત વાણી હતી, તો અનાર્યોએ પણ વેદની પ્રમાણભૂતતાનો સ્વીકાર કર્યો. સામે પક્ષે આર્યોએ અનાર્યોની પૂજા-અર્ચનાના આચાર સ્વીકાર્યા. યજ્ઞો ઓછા થયા. આમ છતાં વેદ પ્રત્યેનો પૂજ્યભાવ હિન્દુ પ્રજામાં કાયમ રહ્યો, કારણ કે વેદનું હાર્દ સાંપ્રદાયિકતાથી પર છે. સમયના વહન સાથે બૌદ્ધ ધર્મનો પ્રાદુર્ભાવ થયો, ત્યારે તેને કારણે વેદ ધર્મ ભુલાઈ જશે તેવો ભય લાગ્યો, પણ વેદના અનુયાયીઓએ બુદ્ધની કરુણાનો પણ સ્વીકાર કર્યો અને વેદ ધર્મ વધુ પ્રબળ બન્યો. આવી સ્થિતિસ્થાપકતા વૈદિક પરંપરાની વિશેષતા છે, એના ચિરકાલીન બનવાનું મૂળ તેમાં છે. છેલ્લે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મનો પગપેસારો થયો. હવે વૈદિક ધર્મના પાયા ઠીક ઠીક હચમચી ગયા, છતાં વૈદિક ધર્મના દુર્ગમાં મોટું ગાબડું ન પાડી શક્યા. એટલે જ તો ભારતમાં એ બંને ધર્મો લઘુમતીમાં છે. અન્યના ધર્મને નકારવાથી તેના પ્રત્યે નફરત અને તિરસ્કાર પેદા થાય, બીજા ધર્મનું સારું પાસું સ્વીકારવાને બદલે પોતાના ધર્મના ગુણ ભૂલીને વેરઝેર પેદા કરી હિંસા આચરીએ તો બંને પ્રજાનો નાશ કરવા બેસીએ, એ હકીકતનું વિશ્વામિત્રને દર્શન થયું હતું. આ છે આપણી પુરાણી સંસ્કૃતિ, આપણી ધરોહર, હિન્દુ ધર્મનું સારતત્ત્વ. હા, કહેવાતા હિન્દુ ધર્મની રક્ષા કરવા કાજે આજે હિન્દુ પ્રજા ધર્માંધ થતી જાય છે. સવાલ થાય કે વિશ્વામિત્રની સમન્વયકારી યોજનાનું અવળું પરિણામ તો આજની ખુન્નસ ભરી હિન્દુત્વની વિચારધારા નહીં હોય? જોવાનું એ છે કે વેદકાળમાં આર્યો હિન્દુ ધર્મ અપનાવી શક્યા, કારણ કે વેદના મૂળમાં આંધળું ઝનૂન નથી, તો સવાલ એ થાય કે આજના હિન્દુત્વવાદી અનુયાયીઓમાં આટલું ઝનૂન ક્યાંથી આવ્યું? સહિષ્ણુતા અને ઔદાર્ય હિન્દુ ધર્મના પાયાના બે પથ્થર, તો આજે અન્ય ધર્મીઓ પ્રત્યે આટલો અલગાવ કેમ?

આ નવલ વાંચતાં પ્રતીત થાય છે કે મોટા ભાગના હિન્દુ રાજાઓએ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ વિજેતા સૈન્યના બળે પરાજિત પ્રજાને વટલાવ્યા નથી એ ગૌરવ લેવા જેવું છે. ભારતમાં યહૂદી અને પારસી જેવી સંખ્યામાં નાની ગણાતી કોમ પણ બીજા દેશોમાંથી આવીને રહી અને પોતાનો ધર્મ, સંસ્કૃતિ અને આચાર પાળી શકી, જેને પરિણામે હિન્દુ ધર્મને ઊંચો નૈતિક દરજ્જો મળ્યો એમ જરૂર કહેવાય. અને આ નૈતિકતાનો પાયો નખાયો વૈદિક કાળમાં, જેને માનવતાના વિકાસનું  સીમાચિહ્ન ગણી શકાય. કદાચ નૈતિક અને આધ્યાત્મિક ઉચ્ચ પરંપરા અજેય રહી માટે જ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ હજારો વર્ષનાં વહાણાં વાયાં તો પણ ટકી રહ્યાં, કેમ કે એ સંકુચિત નથી. આજે પોતાના ધર્મ વિશે સંકુચિત વિચારો ધરાવતા લોકો આપણી મહાન સંસ્કૃતિ અને ધર્મને વિનાશને રસ્તે દોરી રહ્યા છે એ સમજીએ તો સારું.

વૈદિક કાળનો સઘન અભ્યાસ કર્યા બાદ લેખક જણાવે છે તે મુજબ તે સમયે ધર્મ પાલન અને સાંસારિક જીવનને પરસ્પર વિરોધી નહીં પણ પરસ્પર પોષક વર્ણવ્યા છે. જીવનથી વિરક્ત થવું એ જ માત્ર મહત્ત્વનું ન ગણતાં ઋત એટલે કે સત પર ભાર મૂકવામાં આવ્યો, તે એટલી હદે કે સત્યની રક્ષા અર્થે શસ્ત્ર ઉઠાવવું પણ યોગ્ય ગણાયું. વેદ ધર્મની સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ની વ્યાપક વ્યાખ્યામાં સૌને સ્થાન છે એનો ખ્યાલ આવવાથી મહર્ષિ વિશ્વામિત્રે આજના હિન્દુ ધર્મનો પાયો નાખ્યો એ પ્રક્રિયા આ નવલમાં અદ્દભુત રીતે વર્ણવી છે. સામે પક્ષે મહર્ષિ વસિષ્ઠ આર્યો-અનાર્યો વચ્ચે સમન્વયનો સેતુ બાંધવાના વિરોધી હતા, છતાં મહર્ષિ વિશ્વામિત્રની આધ્યાત્મિક સિદ્ધિ માટે અતુલ્ય માન ધરાવતા એ પણ સવિસ્તર વર્ણવ્યું છે. કેવી ઉદ્દાત ભાવના!

આ ઐતિહાસિક કથામાં ચંચુપાત કરવાથી બે મહા ઋષિઓના વિભિન્ન મત સમજવામાં સહાય થશે. ગાધી રાજ અને સરસ્વતીના પુત્ર તે વિશ્વરથ. રાજપુત્ર હોવા છતાં બ્રાહ્મણ લક્ષણો યુક્ત હતા. ઋષિ ઋચિક અને રાજવી ગાધીની પુત્રી સત્યવતીને જમદગ્નિ પુત્ર થયો, જે ઋષિકુળમાં જન્મ્યા, પરંતુ તેમના પુત્ર પરશુરામ પ્રખર ક્ષાત્ર વૃત્તિ ધરાવનાર નીવડ્યા. ઋષિ ઋચિક વિશ્વરથના ગુરુ હતા જેમને ક્ષાત્રત્વમાં છુપાયેલી પશુતા સામે વિરોધ હતો. એ પશુતાને દેવત્વથી પરાજિત કરવાની એમની મનોકામના હતી. ભાર્ગવોના બુદ્ધિબળ અને હૈહયોના ક્ષાત્ર બળ વચ્ચે સંઘર્ષ પેઢી દર પેઢી ચાલ્યો આવતો હતો તે એમને મિટાવવો હતો. દરેક યુગમાં હિંસાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોક હિંસાથી ચડિયાતી શક્તિ અહિંસાની શોધમાં જ રહેતા હોય છે. શરીર બળનો ઉપયોગ કરનારાનો નાશ કરી શકાય, પણ તેમની પશુવૃત્તિનો નાશ ન થાય, તેને તો માત્ર પ્રેમમય સહઅસ્તિત્વથી જ માત કરવામાં માનનારા હતા ઋચિક. તેમને ક્ષાત્રત્વને બ્રાહ્મણત્વ દ્વારા પરાસ્ત કરવું હતું, જેમાં પરાજિત સમૂહ વિજેતા સમૂહ જેટલો જ ગૌરવાન્વિત બને. અહીં ગાંધીજીના અહિંસક સત્યાગ્રહ પાછળના સિદ્ધાંતનો પડઘો સંભળાય છે.

વિશ્વરથને બાળપણથી જ આર્યો દ્વારા દસ્યુઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતા અને ભેદભાવ અસહ્ય, અમાન્ય લાગતા હતા. તેનું એક ઉદાહરણ જોઈએ, છ વર્ષના બાળક-વિશ્વરથને પોતાના બાણથી વીંધાઇને મૃત્યુ પામનારા વૃદ્ધની ચીસથી અનુકંપા જાગી, તો માતા સમજાવે છે કે રાજ્યકર્તા થવાના હોય તેણે આવું ન વિચારાય, કેમ કે યુદ્ધમાં તો ઘણાને હણવા પડે. પિતા કહે છે કે પુત્રી નરમ દિલની હોય તો ચાલે કેમ કે એ સાસરે જવાની હોય, રાજકુંવરને તો ત્રિભુવન ધ્રુજાવે તેવો બનાવવો જોઈએ. એનો અર્થ એ કે શાસક કરુણા, સમતા, ન્યાય વગેરે ગુણોથી ત્રિભુવન પર રાજ ન કરે, તેણે તો નિષ્ઠુરતાથી માની લીધેલા દુ:શ્મનો પર વાર કરીને જ પોતાના સીમાડાની રક્ષા કરવાની અને રાજ્ય વિસ્તાર કરવાનો. હવે આવું શિક્ષણ ભાવિ રાજકર્તાને મળે, તો સુમેળ ભરી શાંતિની સંભાવના ક્યાં રહે? પછી એ રાજાશાહી હોય કે લોકશાહી વ્યવસ્થા, જ્યાં સત્તા=ભેદભાવ, નિષ્ઠુરતા અને દમન એવું જ સમજાવવામાં આવે તો ન્યાય અને સ્વતંત્રતાની કલ્પના પ્રજા કે શાસનકર્તાના દિમાગમાં શી રીતે વિકસે? બ્રાહ્મણના બાળકને સાત વર્ષે યજ્ઞોપવિત આપવામાં આવે કેમ કે તેણે વેદાભ્યાસ કરવાનો હોય અને ક્ષત્રિયના બાળકને શસ્ત્રોની તાલીમ લેવાની હોવાથી દસ વર્ષે જ યજ્ઞોપવિત અપાય એવા નિયમોનું પાલન આવશ્યક ગણાતું. તે સમયે સમાજ વ્યવસ્થાને સુચારુ રૂપે ચાલુ રાખવા કદાચ એ ઉપયોગી હશે, પણ આ વર્ણ વ્યવસ્થા જ ભવિષ્યમાં અતિ રૂઢ અને સંકુચિત એવી જ્ઞાતિપ્રથાનું રૂપ લઇ લેશે અને સમાજને એક ક્રિયાશીલ વ્યવસ્થાને બદલે ઉચ્ચ નીચના વાડામાં બંધાયેલી વિભક્ત રચનામાં ઢાળી દેશે એની તો કલ્પના પણ નહીં હોય.

હિંસક આચરણનો અંત કઈ રીતે આવતો હોય છે તેનો એક દાખલો જોઈએ. વિશ્વરથ અને જમદગ્નિ તરવા ગયેલા ત્યારે ભૂલા પડ્યા અને દસ્યુઓ તેમને પકડીને પોતાના તાબામાં લઇ ગયા, ત્યારે વિશ્વરથે પોતાના અમાત્યોએ દસ્યુઓને પકડ્યા ત્યારે તેમને પણ આવી જ અસહાયતાની લાગણી થઇ હશે એ વિચારે દસ્યુઓ પ્રત્યે સમસંવેદના અનુભવી. જેમ ઝનૂન આર્ય કે દસ્યુને સરખું અનુભવાય છે તેમ દુઃખ, શરમ અને લાચારી પણ માનવ માત્ર સરખાં જ અનુભવે એનું ભાન વિશ્વરથને થયું. પરસ્પર આચરાતી હિંસાથી વેર, ઝનૂન અને હાનિ વધે. એ સંસ્કાર હીનતા છે. વિશ્વરથ વિચારે ચડ્યા, અવિચારી વેરઝેરનો અંત નહીં હોય? નિર્દય કાપાકાપી ચાલ્યા જ કરવાની? નિર્દોષ માનવીનાં લોહી વહ્યા જ કરવાના? એ સવાલ આજે પણ થાય જ છે ને? જેના ભાઈને આર્યો પકડી ગયેલા એવી એક દસ્યુ કન્યા કયાધુએ બંને રાજકુમારને મુક્ત કર્યા ત્યારે વિશ્વરથને પોતાના આર્યત્વ કરતાં આ કન્યાનું દસ્યુપણું ઉચ્ચ કક્ષાનું લાગ્યું. માનવતા જાતિ, ધર્મ કે જ્ઞાતિ નથી જાણતી. તે પળથી જ એ લોકો એકબીજાના ભાઈ-બહેનના પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં. શસ્ત્રો જે ન કરી શકે તે પ્રેમ કરી બતાવે. વિશ્વરથ અને જમદગ્નિએ પોતાને છોડી મુક્યા તેના બદલા તરીકે બધા ગુલામ દસ્યુઓને છોડવાનું વચન આપ્યું. યુ.એન. જેવું સંગઠન 21મી સદીમાં નથી કરી શકતું એવું શાંતિ સ્થાપવાનું કામ 14 વર્ષની કન્યાએ હજારો વર્ષ પહેલાં કર્યું! શાંતિ માટે શ્રદ્ધા હોવી ઘટે. આમ વિશ્વરથ – જે પછીથી વિશ્વામિત્ર નામે ઓળખાય છે અને એક રાજવી, કે જે આગળ જતાં ઋષિ પદ પામે છે તેનામાં બે પ્રજાઓ વચ્ચે ક્ષમા, સુમેળ, અને પ્રેમભર્યા સંબંધોની સ્થાપનાના બીજ વવાઈ ચૂક્યાં હતાં.

કાળક્રમે ગાધીરાજના અવસાન બાદ વિશ્વરથના હાથમાં રાજ્યની ધુરા આવી. તેને જીવનનું ગૂઢ રહસ્ય પામવાની ઈચ્છા થઈ અને રાજ ધર્મમાં રુચિ ઓછી થઇ ત્યારે કાન્યકુબ્જના રાજા તરીકે દબાયેલા દસ્યુઓનો ઉદ્ધાર કરે તો એ પ્રાપ્ત ધર્મના પાલનથી બીજો માર્ગ મોકળો થાય તેમ ગુરુ ઋચિકે સમજાવ્યું. દુનિયાના દરેક શાસનકર્તાને આ બોધ અપાય અને તેનું પાલન થાય તો સ્વર્ગ નજીક આવે. ભાગે પડતી મળેલી સુવિધા ભોગવવી અને ભોગવિલાસમાં ડૂબવું તથા સૃષ્ટિનું સાતત્ય જાળવવા સંતાનોત્પત્તિ કરવી અને ભોગેચ્છા પાછળ પાગલ થવું એ બંને વચ્ચેનો ભેદ વિશ્વરથને સમજાવવામાં આવ્યો, જે સારી ય માનવ જાતને સમજાવવા યોગ્ય છે. આટલું માર્ગદર્શન આપ્યા છતાં ઋચિક વિશ્વરથને ભવિષ્યમાં આપત્તિ આવે, મૂંઝવણ થાય તો બને તો જાતે માર્ગ કાઢી લેવા કહે છે, જેથી ગુરુનું પણ પરાવલંબન ન રહે. આ છે સાચું શિક્ષણ, ચારિત્ર્યનું સબળું ઘડતર, જે આજની શિક્ષણ પદ્ધતિમાં ક્યાં જોવા મળે?

નીચેના પ્રસંગથી વિશ્વરથમાંથી વિશ્વામિત્ર બનવાની યાત્રાના મંડાણ થાય છે. વિશ્વરથ પોતાની પહેલી નગર સભામાં દસ્યુઓને પણ નિમંત્રણ પાઠવે એ નવો ચીલો પડ્યો. દસ્યુઓને તો કાયમ પિંજરામાં પૂરીને જ પ્રજા સમક્ષ સજા કરવા લાવવામાં આવતા હતા. તો શું જાહેરમાં એ સહુની કતલ થવાની હતી? નગરજનોના ઘરમાં દસ્યુ લોકો તેમની સેવા કરતા એટલે તેને મરવા દેવા તૈયાર નહોતા. એ લોકોએ તો દસ્યુઓના શિકાર કરવાની હરીફાઈ ગોઠવાય એ જ જોયેલું. શું દસ્યુઓની કતલ થશે તો તેઓને દાસ ગુમાવ્યા તેની સેવાના બદલામાં વળતર મળશે? એવા વિચાર આવતા હતા. ગુલામી પ્રથા કાયદેસર રીતે નાબૂદ કરવામાં આવી ત્યારે આમ જ થયેલું ને? યુગોથી આમ જ ચાલતું આવ્યું છે, અછુતો, અશ્વેત પ્રજા, બીજા દેશમાંથી આવેલા લોકો અને નીચલા વર્ગના લોકોની સેવાની સહુને ખપ હોય છે, પણ તેને સમાન ગણવા અને બધા અધિકારો આપવા કોઈ તૈયાર નથી. સરાસર સ્વાર્થ.

વિશ્વરથે નવો ચીલો પાડ્યો, શ્રેષ્ઠીઓને જનતા સામે જોઈને બેસવા સૂચન કર્યું કેમ કે તેમને મન જનતા જનાર્દન હતી. મંત્રીઓએ જનતા વતી વફાદારીના કોલ આપ્યા અને રાજાનો જય જય કાર બોલાવ્યો ત્યાં સુધી બધું પૂર્વવત ચાલ્યું, પણ વિશ્વરથે માતાને પ્રણામ કર્યાં, સાથે જ જનતાને વંદન કર્યાં, અને સંબોધનમાં માતા, રાજપુરુષો અને નગરજનો સાથે જ દસ્યુઓનો સમાવેશ કર્યો એ તમામ પ્રક્રિયા નવી, છતાં પ્રજાને ગમે તેવી લાગી. અહીં જ કદાચ સર્વ સમાવેશી લોકશાહીના મંડાણ થયાં હશે કે શું? પુરાણકાળથી માંડીને આજ સુધીમાં કેટલા રાજપુરુષો આવી નમ્રતા અને પ્રજાવત્સલતા બતાવી શક્યા છે?  વિશ્વરથે પોતાને વાસ્તે અને પ્રજા માટે પણ ન્યાયનો વિજય, સત્યનું સામ્રાજ્ય અને શીલનો વૈભવ જોઈએ છે તેમ કહ્યું. જો કે આવો કૉલ દેનારા ઘણા આગેવાનો હોય છે, આચરણમાં મુકનારા જૂજ, તે આપણે ક્યાં નથી અનુભવ્યું? આવી વાત પ્રજાજનોને ગમે, ગળે ઉતરે અને રાજાને સાથ આપવા તત્પર થાય, પણ રાજપુરુષો, કે જેઓ રાજ્યકારભારનો અર્થ ત્રાસ ફેલાવવો, યુદ્ધ છેડવા અથવા આધુનિક સમયમાં ચૂંટણી જંગ જીતવા અને દંડ કરવો, એટલું જ જાણતા હોય તેમને આ તપસ્વી જેવી વાતો કેમ ગમે? અહીં ફરી મને ગાંધીજીએ સ્વતંત્ર ભારતના સુકાનીઓને ‘તમે પ્રજાના સેવક છો, શાસક નહીં તેમ માનીને કામ કરજો’ એમ કહેલું તેનું સ્મરણ થાય છે. વિશ્વામિત્રના સમયમાં પણ ન્યાય આધારિત સમાજ રચવાની વાત પોતાના પૂરતી હતી ત્યાં સુધી પ્રજાજનો એ વાત સ્વીકારવા તૈયાર હતા, પરંતુ દસ્યુઓને મુક્ત કરી દેવાના આદેશથી શ્રેષ્ઠીઓને વજ્રઘાત થયો. અન્યાય આચરવાની અને ગુલામી દશામાં જીવવાની પણ એક પ્રકારની ટેવ પડી જતી હોય છે. પિંજરમાં પૂરાયેલું પક્ષી અચાનક ગગનમાં ઉડવા અશક્તિમાન હોય છે, અને ઉડે તો કદાચ દિશા ભૂલે અથવા બીજા શિકારીના હાથમાં જઈ પડે. દસ્યુ પ્રજાની ગુલામીમાંથી મુક્તિ એ માનવ જાતની મુક્તિ હતી, આમ છતાં એ કાળ વીત્યા બાદ દુનિયામાં એક યા બીજા નામે ગુલામી પ્રથા ચાલુ રહી છે. પોતાના તાબામાં રાખેલી પ્રજાને હણી નાખવામાં આવે તે માન્ય, પણ મુક્ત કરે તે માન્ય નહીં! કેવી ક્રૂરતા! આપણે બીજાને જે આપીએ તે આપણને મળે એ બહુ થોડા લોકો સમજે. દસ્યુ કન્યા કયાધુની માનવતા ભરી ચેષ્ટાનું ઉદાહરણ આપીને પ્રજાને પોતાના જૂના વિચારો છોડવા સમજાવનાર વિશ્વરથ સાથે માર્ટિન લ્યુથર કિંગ અને તેમના સરીખા બીજા યુગપુરુષોની સરખામણી કરવાનું મન થાય.

આ નવલમાં હજુ બીજા કેટલાક ઉદાહરણો આજના યુગ સાથે કેટલા બંધ બેસે છે તે જોઈએ. એક દસ્યુ કન્યાની માનવતાએ તેને રાજકુમાર વિશ્વરથ અને બ્રાહ્મણ કુમાર જમદગ્નિની બહેનનો હોદ્દો અપાવ્યો. એ બહેનને કાપડું આપવાના રિવાજ પેટે વિશ્વરથ આ બંને પ્રજા દાસત્વ અને ઉચ્ચ પ્રજા હોવાનો દાવો છોડી સમાનત્વ સ્થાપે તેવું ઇચ્છતા હતા. ધર્મ અને જાતિ નિરપેક્ષતાની આ યુગથી શરૂઆત થઇ ગણવી? આપણા પૂર્વજોના વલણો અને શાસ્ત્રોમાં પ્રબોધેલાં વચનો તત્કાલીન સમાજમાં ઉપયુક્ત ન લાગે તો છાંડવા રહ્યાં એ વિશ્વરથે કરી બતાવ્યું. વિશ્વરથ વેર અને સંકીર્ણ વિચારધારાને બદલે બંધુત્વ અને ઔદાર્યની સ્થાપના કરવા માંગતા હતા અને તેઓ એ વાત પેલી દસ્યુ બાળા પાસેથી શીખ્યા હતા! કોઈ રાજવી પુત્રને (કે આજના રાજનિતિજ્ઞોને) આવો વિચાર આવે ખરો? અસમાનતા હિંસા પ્રેરે, તેમાંથી મુક્તિનો માર્ગ દરેક પ્રકારની સમાનતા તમામ મનુષ્યોને મળે તે જ છે એ વાત સમજાવી. છેવટ પ્રજા અને મંત્રીઓની સંમતિથી તેમણે દસ્યુઓને પિંજરમાંથી મુક્ત કર્યા અને એ જ ક્ષણે ‘મહારાજ વિશ્વામિત્રનો જય હો’ની ઘોષણા થઈ, આમ તે દિવસથી દસ્યુ જેવી અનાર્ય ગણાતી જાતિએ સ્વયઁસ્ફૂર્ણાથી આપેલા ઇલ્કાબથી તેઓ વિશ્વરથ મટીને વિશ્વામિત્ર બન્યા. ‘ભગવાન’ અને ‘મહાત્મા’ના બિરુદ પણ આમ જનતા આપે એ જ સાર્થક હોય, બાકી બધું પાખંડ.

આર્યોના ભારતમાં આગમન બાદ વિવિધ જાતિઓ વચ્ચે સમન્વય સાધવો એ જ શાંતિમય સહઅસ્તિત્વની ચાવી છે એ હકીકત વશિષ્ઠ-વિશ્વામિત્રના યુગમાં સમજાઈ, અને તેનો સમયાંતરે અમલ થતો રહ્યો છે. પણ જ્યારે જ્યારે એની એ જ દુષ્ટ નીતિ તરફ વળ્યાં ત્યારે માનવ જાતની અધોગતિ થઈ જ છે. હજુ આજે 21મી સદીમાં પણ વિશ્વામિત્ર દૃષ્ટિ અપનાવવાની જરૂર લાગે છે. તે સમયે આર્યો, દસ્યુ, દાસ, નાગ અને દ્રવિડોને એક કરવાની વાત હતી, આજે અલગ અલગ ધર્મના અને જાતિ – જ્ઞાતિના સમુદાયને એક કરવાનું કામ છે. વિચારક્રાંતિ આવવી સહેલી, આચારક્રાંતિ લાવવી મુશ્કેલ.

હવે વિશ્વરથની વિશ્વામિત્ર તરીકેની ગાથા આગળ વધી ત્યારે શું બન્યું તે જોઈએ. વિશ્વામિત્ર ભગવતી લોપામુદ્રા અને મહર્ષિ વશિષ્ઠના મોટાભાઈ ઋષિ અગત્સ્યને દક્ષિણે આવેલ મલય પર્વત પર મળે છે. વિદર્ભની ઉદ્દંડ ગણાતી લોપામુદ્રા એક મંત્રદૃષ્ટા થઇ શકે તેમ અગત્સ્ય માનતા. લોપામુદ્રા અને અગત્સ્યનું પ્રસન્ન દાંપત્ય હતું. અભિન્ન, છતાં સંપૂર્ણ સ્વતંત્ર. એ સમયથી પહેલાં અને તે સમયે સ્ત્રીઓ પણ વિદુષી અને મંત્રોની રચયિતા થવા લાગી હશે તેમ અનુમાન કરી શકાય. વિશ્વામિત્રએ દસ્યુઓની મુક્તિની ઝુંબેશ આદરી ત્યારથી લોપામુદ્રાએ તેને પોતાનો અનુજ માની લીધો કેમ કે તેઓને સમગ્ર માનવતાનું દર્શન સુલભ હતું, એ દર્શાવે છે કે સ્ત્રીઓ સ્વતંત્ર મત ધરાવતી અને અભિવ્યક્તિમાં મોખરે રહેતી. લોપામુદ્રાએ વિશ્વામિત્રને કેટલીક વાસ્તવિકતાઓથી ઉજાગર કર્યા. દસ્યુઓને મુક્ત કર્યા તેનો આર્યોના અગ્રણીઓને વાંધો નહોતો, પણ એ લોકોને સમાન ગણવાની વાતનો વિરોધ થયા વિના ન રહે, કેમ કે આર્યત્વના ધ્વજધારીઓ સંકીર્ણ બની ગયા હતા. સંકીર્ણ મનોવૃત્તિ ધરાવનારાઓનું કુંડાળું નાનું થતું જાય. તેની સાથે ‘શુદ્ધિ’નો વિચાર આવે, જેને કારણે અનાર્યો પ્રત્યે આભડછેટની ભાવના વિકસે. પોતાના પાડોશીને ધુત્કારનારી આર્ય પ્રજા આર્યત્વનો ધ્વજ વિશ્વમાં કેવી રીતે લહેરાવે? ઋષિ વશિષ્ઠ સાત્ત્વિક અને મહા જ્ઞાની, પણ આર્યત્વની શુદ્ધિનો આગ્રહ ઘેલછાની હદનો. ઈશ્વરે સંસ્કાર અને સંસ્કૃતિનો ઈજારો આર્યોને જ આપ્યો, બાકીના બધા વિકૃત, બર્બર, કુસંસ્કારી હોવાની માન્યતા, એથી એમનો પડછાયો ન લેવાય, નહીં તો પ્રાયશ્ચિત કરવું પડે એવું માનનારા. હવે આટલી બધી સદીઓથી દૃઢ થઇ ગયેલી માન્યતાઓને ખંખેરતાં કષ્ટ પડે અને વાર લાગે તેમાં નવાઈ? આથી જ તો જ્ઞાતિ આધારિત ભેદભાવનો મુદ્દો સ્વતંત્રતાની ચળવળના સમયે નડ્યો જ હતો ને? લોપામુદ્રા માનતા કે આર્યત્વ હોમ-હવનની વિધિમાં પૂરું નથી થઇ જતું, એ જીવન પદ્ધતિ છે, જે બીજી જીવન પદ્ધતિના સંસર્ગથી ભ્રષ્ટ થઈ જાય તેવી પામર નથી.

મહર્ષિ વશિષ્ઠના વિચારો સમજવા જેવા છે. તેઓ માનતા કે આર્યો અને દસ્યુ હળતા મળતા થાય તો સંતાનો પેદા થાય, તો એમને આર્યો કહેવા કે અનાર્યો? આર્યો મુક્ત સહચાર કરીને ભ્રષ્ટ આચરણ કરતા થઇ જશે અને આર્ય સંસ્કૃતિ ધૂળમાં મળી જશે. આંતર જ્ઞાતિય અને આંતર ધર્મી લગ્નોને કારણે ઉચ્ચ જ્ઞાતિ અને ધર્મના લોકો હજુ પણ પોતાની જ્ઞાતિ/ધર્મના પતનનું કારણ આવા આંતર વિવાહને જ માને છે. જ્યારે લોપામુદ્રાને મન, માનવ-માનવ વચ્ચે વેર, એ જીવનની વિકૃતિ છે, રોગ છે. માનવની મિલન એ સહજ પ્રકૃતિ છે, સ્વભાવ છે. દસ્યુ, નાગ, અસુર અને આર્યોના સંમિલનથી આર્ય સંસ્કૃતિ બળવત્તર બનશે, જે કાળની થપાટથી પણ ધરાશાયી નહીં થાય. આજે પણ આ વાત આપણે સહુએ સમજવા જેવી છે. લોપામુદ્રાએ વધુમાં એવી આગાહી પણ કરેલી કે જે બ્રહ્માવર્તમાં આર્યોની વિશુદ્ધિની જ્યોત જલતી રાખવા વશિષ્ઠ મથી રહ્યા છે, ત્યાં કાળે કરીને વેદગાન બંધ થઇ જશે, ત્યારે જેને અસંસ્કારી અને અસ્પૃશ્ય માનવામાં છે તેવા દસ્યુઓ અને દ્રવિડના પ્રદેશમાં વેદમંત્રોના ગાન સાંભળવા દક્ષિણમાં જવું પડશે. આજે આ આગાહી સાચી ઠરેલી જોઈ શકીએ છીએ.

વિશ્વામિત્ર એક આદર્શ શાસક હતા. પોતાની નગરીમાં એક વિધવા નારીને સેનાપતિનો માનીતો સારથી પરેશાન કરે તો તેની વાત સાંભળીને રાજા અને રાણી પોતે તેનો નિવેડો લાવે એ સતયુગ નહીં તો બીજું શું? અને સેનાપતિ પણ કેવા, વિશ્વામિત્રને ત્રણ વખત પોતાની ગફલતને કારણે અન્યોને ગુના કરતા પકડવાની તક મળી તેથી પોતે પદ ત્યાગ કરવા તૈયાર થયા. આજના પ્રધાનો કે એથી ય ઉચ્ચ પદવી ધરાવનારાઓ તો તેમાંથી કેમ છટકી શકાય અને બીજાને કેમ સંડોવી શકાય તેના જ પેંતરા રચે. સર્વોચ્ચ પદે બેઠેલા પોતાની અને તેમના હાથ નીચે કામ કરનારની જવાબદારીમાંથી છટકી ન શકે, કર્તવ્ય પ્રત્યે સજાગ રહે, બીજાની ક્ષતિ માટે ઉત્તરદાયિત્વ સ્વીકારે એ સિદ્ધાંતનું પાલન થાય તે ન્યાયી રાજ. વિશ્વામિત્ર તેમાંના એક રાજવી હતા. સંસ્કારી અને અસંસ્કારી એવા બે ભાગમાં વહેંચાયેલા સમાજમાં થોડા ઉચ્ચ ગણાતા લોકોના ચારિત્ર્યથી આખા સમાજનું માપ ન નીકળે, બહુસંખ્યક સમાજની નીતિમત્તા પર જ આખા સમાજની ઊંચાઈનો ખ્યાલ આવે એ તેમણે પ્રતિપાદિત કર્યું. આવા દૃષ્ટાંતરૂપ રાજવી હોવા છતાં તેમને મન સામ્રાજ્ય નહીં, સંસ્કૃતિની સ્થાપનાનું વધુ મહત્ત્વ હતું.

એક વખત દસ્યુઓના અને આર્યોના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. આર્યોએ દસ્યુઓની સંઘરેલી જુવાર લૂંટવા માંડી. જુઓ, દસ્યુ પ્રજાને દાસત્વમાંથી મુક્તિ મળી, પણ સમાનાધિકાર નહોતા મળ્યા. વિશ્વામિત્ર પોતાના સૈન્યને દસ્યુઓના અનાજના ભંડારો પાસે એવી રીતે ગોઠવી દેવા માગતા હતા જેથી આર્યો એ માલને લૂંટી ન શકે. અહીં અભાવગ્રસ્ત દસ્યુ પ્રજાને આર્ય ધાડપાડુઓથી બચાવવાની નેમ હતી. સ્વના રાજ્યની સુરક્ષા ખાતર સૈન્ય મોકલવું એટલી જ મહત્ત્વની બાબત પ્રજાને ભૂખમરામાંથી ઉગારવા તેના અન્ન ભંડારને લૂંટાઈ જતા રોકવા છે એમ માને તે પ્રજાપાલક રાજા કહેવાય. આવી નિષ્પક્ષતા ન્યાયી રાજ્યમાં જ હોય. બ્રહ્માવર્તના આર્યો અને રાજવીઓ જેનો બોલ ઉથાપવાનો વિચાર સુધ્ધાં ન કરે તેવા આર્યોનાં જીવન મૂલ્યોના સર્વસ્વીકૃત સંરક્ષક એવા વશિષ્ઠને વિશ્વામિત્ર મળ્યા. દુષ્કાળના સમયમાં વિશ્વામિત્રના સૈન્યને તેઓ ભોજન પૂરું પાડે એ માન્ય નહોતું. વશિષ્ઠના આશ્રમમાં કાન્યકુબ્જનાં સૈનિકોને ભાતભાતની વાનગીઓ પીરસવામાં આવી તેથી વિશ્વામિત્રના દિલને ઠેસ પહોંચી, કેમ કે દસ્યુઓ અનાજના કણ કણ માટે મરતા હતા. આવી હતી તેમની પોતાની પ્રજા પ્રત્યેની અનુકંપા. કાર્ય-કારણનો મેળ તર્કથી બેસાડીને વશિષ્ઠ જેવા મહામુનિની આંખમાં આંખ પરોવીને વિશ્વામિત્ર તેમનો અન્ન ભંડાર અખૂટ કેમ રહે છે એ પૂછી શકે એવી સ્વતંત્રતા હતી. આર્ય રાજવીઓના મુખ્ય કોઠાર વશિષ્ઠના આશ્રમમાં હતા, જે વસિષ્ઠને મન તદ્દન વાજબી ગોઠવણ હતી. વિશ્વામિત્રએ એ ભંડારમાંથી કંગાળ દસ્યુઓ માટે થોડું અન્ન માગ્યું અને તેનું મૂલ્ય ચુકવવાની તૈયારી બતાવી, ત્યારે વશિષ્ઠને એ વૈશ્ય ધર્મ અંગીકાર કર્યા સમાન લાગ્યું. જોજો, બ્રાહ્મણ ધર્મ ભુખ્યાને અન્ન આપવા જેવી ઉદારતા ન શીખવે એ કેવી કરુણતા? વૈશ્ય અન્નનો વેપાર કરી શકે પણ વિપત્તિમાં મદદરૂપ ન  થાય, તો અન્ય વર્ણની પ્રજાને મદદ કોણ કરે એ સવાલ હજારો વર્ષ પહેલાં પણ હતો જ. દસ્યુઓ પાસે અન્ન ભંડાર હોત અને આર્યો પર આપત્તિ આવી પડી હોત તો તેઓ ન આપત એવા અનુમાનને આધારે વશિષ્ઠ મદદ કરવા બિલકુલ મંજૂર નહોતા, ત્યારે વિશ્વામિત્રએ તેમને આર્યો પોતાની સંસ્કૃતિને અન્ય સંસ્કૃતિઓ કરતા ઉચ્ચ ગણાવે છે તેની યાદ અપાવી અને ઉદારતા દાખવવા કહ્યું. અહીં અનાયાસ જ બંગાળમાં દુષ્કાળ પડ્યો ત્યારે બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન ચર્ચિલે અનાજનો પુરવઠો ભૂખે મરતા લોકોને આપવાને બદલે પોતાની સરકારના સૈનિકોને આપવાનો હુકમ કરેલો કેમ કે ભારતની પ્રજાનું તેમને મન ઓછું મૂલ્ય જ હતું એ ઘટનાની યાદ તાજી થાય.

એક વાતની નોંધ લેવી રહી. વશિષ્ઠના મનમાં આર્યો-અનાર્યો વચ્ચે સતત ચાલતા સંગ્રામની વાસ્તવિકતા ઘર કરી ગયેલી. તેઓ જોઈ શકતા હતા કે કાળક્રમે એ બંને પ્રજા સહઅસ્તિત્વ સાધીને જીવશે કેમ કે તેઓ કોઈ પણ એક પ્રજાના સર્વનાશમાં માનતા નહોતા, પરંતુ આ બે પ્રજાનો સમન્વય કરવાની વાત કરવાથી આર્ય સંસ્કૃતિ ધૂળમાં મળી જશે એમ તેઓ માનતા. આ દલીલમાં થોડું તથ્ય પણ જોઈ શકાય છે. એ હકીકત છે કે આર્યો અને અનાર્યો બેમાંથી એક પણ પ્રજાનું નિકંદન નથી થયું અને સમન્વય જરૂર સધાયો છે, જેના થકી એક નવીન સંસ્કૃતિનું નિર્માણ થયું છે, જે માનવ જાત માટે કલ્યાણકારી જ નીવડ્યું છે. પરંતુ સાથે સાથે આર્ય ધર્મના ઉત્તમ પાસાંઓ જાણે વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયાં છે, જે એ નૂતન સંસ્કૃતિને હાનિકારક નીવડ્યાં છે એ પણ હકીકત છે. આથી જ તો અંગત રીતે વિશ્વામિત્રની તમામ વિચારધારા સાથે સહમત થવા છતાં વશિષ્ઠની આ આગાહી ખરી પડતી જોતાં ગ્લાનિ અનુભવાય. જો કે અનાર્યોને અસ્પૃશ્ય રાખ્યા હોત અને કાયમ વૈરભાવના પોષીને સંઘર્ષમાં રચ્યા પચ્યા રહ્યા હોત તો પણ કદાચ આર્ય સંસ્કૃતિનું અધઃપતન થયું હોત, એટલે માત્ર સમન્વયાત્મક સભ્યતાને જ આર્ય સંસ્કૃતિના બદલાવ માટે જવાબદાર ન માની લેવામાં ડહાપણ છે.

બીજી તરફ જોઈએ તો વિશ્વામિત્રને મન કાયમી શાંતિની સ્થાપના કરે તે ખરી સંસ્કૃતિ, માનવ માનવ વચ્ચે વૈરભાવ પોષીને નિરર્થક લોહી વહેવડાવે એ ભવ્ય સંસ્કૃતિ કેમ કહેવાય? આ દલીલ બિલકુલ વ્યાજબી લાગે. યુદ્ધ તો માનવ સ્વભાવથી વિરુદ્ધની વિકૃતિ છે. મહર્ષિ વશિષ્ઠની માન્યતા હતી કે આર્યો પુણ્ય, સત અને નીતિના રખેવાળ છે, તો અનાર્યો પાપ, અસત અને અનીતિ આચરનારા છે માટે એમની સાથેનો દ્વંદ્વ અખંડ ચાલતો જ રહે એ જ સ્વાભાવિક છે, તે બંને વચ્ચે સમન્વય અસંભવ. આર્યત્વની વિશુદ્ધિ જાળવવા તેના પર આવનારા આક્રમણની કલ્પનાથી વશિષ્ઠ ક્રુદ્ધ બની જતા. આજે જે લોકો પોતે માની લીધેલા ‘હિન્દુ ધર્મ’ની રક્ષા કાજે અન્ય ધર્મીઓ સાથે સમન્વય સાધીને પરસ્પર પ્રત્યે સમજ ભરી સહિષ્ણુતા કેળવીને જીવી શકાય એવું ન માનતા હોઈને હિંસાનો આશ્રય લે તેમાં કશી નવાઈ ખરી? અહીં આજના હિંદુત્વવાદીઓની આત્યંતિક વિચારધારા માટે અતિ પાવક એવા મહર્ષિ વશિષ્ઠને જવાબદાર ઠેરવવાનો જરા પણ પ્રયાસ નથી, ઊલટાનું તેમની ભવિષ્યવાણીમાં તથ્ય લાગે છે, અને તેથી જ તો બે અને તેથી વધુ પ્રજાતિઓ વચ્ચે જે અનિવાર્ય હતું તેવું સંમિલન વધાવીને જે નવી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી છે તેને સહકાર સાધીને પ્રેમથી વિકસાવીએ એ જ આપણો પરમ ધર્મ. અનાર્યો ઇન્દ્રિય દમનમાં ન માને તેથી પતિત ગણાય, જેના સંસર્ગથી આર્યોની સિદ્ધિને ડાઘ લાગે તેથી એમનાથી યોજનો દૂર રહેવું એમ વશિષ્ઠ માને. તેઓ એમ પણ માનતા કે માનવીના ચામડીના રંગની વિવિધતા ઈશ્વર સર્જિત ભેદભાવ છે, જેનું મને આશ્ચર્ય થાય. શું આપણા દિમાગમાં રહેલા વર્ણ અને રંગભેદનાં મૂળિયાં આટલાં પુરાણાં અને ઊંડાં હોઈ શકે? વિશ્વામિત્ર વિચારતા કે સમાજ રૂપી શરીરમાં સડો પેસે તેને કાપી નાખવાને બદલે અનીતિની ગર્તામાં પડેલાને હાથ ઝાલી ઉપર લાવવા તે જ ખરી આર્ય સંસ્કૃતિ. આ થયો નવ્ય સંસ્કૃતિનો વિચાર.

વશિષ્ઠ પોતાના અન્ન ભંડારમાંથી દસ્યુઓ માટે અનાજ આપવાની મનાઈ ફરમાવે છે અને વિશ્વામિત્રના સેનાપતિ પણ પોતાની આજ્ઞા માનવા તૈયાર ન થયા તેથી વશિષ્ઠનો પડકાર ઝીલીને વિશ્વામિત્રએ રાજગાદી તેમ જ પરિવારને ત્યાગીને તપસ્યાની વાટ પકડી. આર્ય સંસ્કૃતિને નવો ઘાટ આપવા વિશ્વામિત્ર તત્કાળ નીકળી ગયા. માણસ રાજ મેળવવા તપ કરે, પણ રાજ છોડીને તપ કરવા કોણ જાય અને શા માટે? રાજ્ય સંચાલન અને તેના વૈભવ કરતાં એક મહાન ઉદ્દેશ્ય ભાળી શકે તે જ આવો મોટો ત્યાગ કરે. યુદ્ધમાં જીત મેળવવા કરતાં નવ સંસ્કૃતિનું નિર્માણ કરવું હજાર ગણું મુશ્કેલ. એટલે તો રાજાઓ, રાજકારણીઓ યુદ્ધ છેડે અને વિજયી બનીને હારેલી પ્રજા પર શાસન કરે, જ્યારે તપ કરીને ઋષિની કક્ષાએ પહોંચેલ શુદ્ધ ચારિત્ર્યના માનવીઓ નવી સંસ્કૃતિનું સર્જન કરે.

જ્યારે પણ બે પ્રજાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પોતપોતાના ઉદ્દાત્ત વિચારો બીજી પ્રજાને પ્રેમથી સમજાવીને તેમનું દિલ જીતી શકાય તો જ શાંતિમય સહઅસ્તિત્વ શક્ય બને અને ચિરંજીવ બને તેવી નવી સંસ્કૃતિ નિર્માણ થાય એ વિશ્વામિત્રના પ્રયાસોથી સાબિત થાય છે. દસ્યુઓ મંદિરમાં દેવ-પૂજા કરવામાં શ્રદ્ધા રાખનારા, યજ્ઞ ન કરતા. પણ દુષ્કાળના કઠિન સંકટમાંથી છૂટવા પર્જન્ય યજ્ઞ કરવા તૈયાર થયા અને એ દ્વારા દસ્યુઓને આર્યો પ્રત્યે અભિમુખ કરવાનું સાધન મળ્યું તેમ વિશ્વામિત્રએ માન્યું. દુષ્કાળના સમયમાં મોંઘુ ઘી હોમવાથી શું ફાયદો એ દસ્યુઓ ન સમજે. વેદમંત્રોના ઉચ્ચારથી અગ્નિ પ્રગટ્યો અને વિશ્વામિત્રના મુખેથી એક નવો મંત્ર સ્ફૂટ થયો. એક પછી એક મંત્રોચ્ચાર અને ભક્તિ પૂર્વક કરેલી પ્રાર્થના સફળ થઇ, વર્ષાનું આગમન થયું એ દસ્યુઓએ પ્રત્યક્ષ જોયું. યજ્ઞમાં અન્ન, જળ અને વાયુ એ બધાં કુદરતી તત્ત્વોને કેટલી પવિત્રતાથી પૂજીને આહુતિ અપાઈ તે જોઈને ગ્રામજનો પ્રકૃતિની મહાનતા અને તેના સંવર્ધનનું મહત્ત્વ સમજ્યા. છુટ્ટાછવાયા કરાની સાથે જુવારનો વરસાદ પડવા માંડ્યો એટલે પ્રજાજનોની ભૂખ ભાંગી. જે પ્રજાએ વિશ્વરથને વિશ્વામિત્ર નામ આપેલું તેણે જ તેમને ઋષિ વિશ્વામિત્ર નામ આપી જયજયકાર કર્યો. દસ્યુઓનો સંહાર કરીને બાકીનાને ગુલામ બનાવીને બંધનમાં રાખવાને બદલે તેમનું કલ્યાણ કરીને દિલ જીતવામાં કેટલો આનંદ સમાયો હશે?! આર્યોના દેવે દસ્યુઓને મોતના મુખમાં હોમાતા બચાવી દીધા. હાજર રહેલી તમામ પ્રજાએ આર્ય અને દસ્યુઓના સમન્વયનું ફળ નજરોનજર જોયું. બે મહાન વ્યક્તિનું મિલન લાભદાયી હોય છે, તો બે મહાન પ્રજાનું મિલન પણ મંગલકારી હોય છે. આ હકીકત તે સમયે આર્યત્વની શુદ્ધિનો આગ્રહ સેવનારા ઋષિમુનિઓ અને 21મી સદીમાં ‘હિન્દુત્વ ભયમાં છે’નો નારો લગાવનારાઓમાંથી કેટલા સ્વીકારી શક્યા?

લેખક સ્વ. બાબુભાઇ વૈદ્યનો મત છે કે જેમને ભાગે સમાજનું નેતૃત્વ આવે છે તેમને સાંકડાં મન રાખવા પોસાય નહીં. માનવીના જીવનમાં સ્મરણશક્તિ જેટલી આવશ્યક, તેટલી જ વિસ્મરણ-શક્તિ પણ જરૂરી. કડવાશના પોટલાં બાંધીને ફરનારા ભાગ્યે જ કોઈ સત્ત્વશીલ કામ કરી શકે. આ વાત આજના યુગ માટે પણ એટલી જ ઉપયુક્ત નથી શું? સો-બસો, હજાર-બે હજાર વર્ષ પહેલા બની ગયેલી ઘટનાની કડવાશને ઘૂંટી ઘૂંટીને ઝેર ફેલાવવાને કારણે જ તો આજે કોઈ પ્રજાહિતનાં કાર્યો કરવા શક્તિમાન નથી રહ્યું. આખર આર્ય સંસ્કૃતિના શુભ પાસાંઓની જાળવણી ઇચ્છતા વશિષ્ઠ અને આર્ય – અનાર્ય પ્રજાની વિચારધારાઓનો સમન્વય થવો જોઈએ એવી દૃઢ માન્યતા ધરાવનારા વિશ્વામિત્રનો સંગમ થવો પણ જરૂરી હતો. એ જ રીતે કોઈ પણ દેશમાં વસતી બહુસંખ્યક પ્રજાના તમામ ઉત્તમ પાસાઓનું સંરક્ષણ અને સંવર્ધન અનિવાર્ય છે તેટલું જ ત્યાં વસતી અલ્પસંખ્યક પ્રજાના સમગ્ર જીવનને આવરી લેતાં પાસાઓને જાળવી રાખવાનું આ યુગમાં એટલું જ મહત્ત્વ છે.

મહર્ષિ વશિષ્ઠને આર્ય સંસ્કૃતિ ભવ્ય લાગતી. વિશ્વામિત્રને તે અલબત્ત ભવ્ય લાગતી, પણ ઉપરાંત એ સંકુચિતતાથી પર એવી સર્વગ્રાહી વિભાવના લાગતી હતી. વિશ્વામિત્રનું માનવું હતું કે આર્ય સંસ્કૃતિ સુગાળવી નથી, તેને કોઈ આભડછેટ નથી, એ કોઈ પ્રકારના ઝનૂનને પોષે તેવી નથી, તેને કોઈ સાથે વિખવાદ નથી. અને ખરેખર, વશિષ્ઠ-વિશ્વામિત્રના યુગ પછીનો ભારતનો ઇતિહાસ જોઈએ તો એ ભૂમિ પર અનેક વિવિધ ધર્મોને અનુસરતી પ્રજાતિઓ પોતપોતાની સાંસ્કૃતિક વિલક્ષણતાઓ લઈને આવી, વસી, સમૃદ્ધ થઈ અને એક નવી જ સભ્યતાનું નિર્માણ થયું જ ને? પરંતુ વશિષ્ઠ અનાર્ય જાતિઓ પ્રત્યે કરુણા દાખવવી અને કદાચ આક્રમણ ન કરવું એ સ્વીકારવા તૈયાર થયા, છતાં એ બધાનો સમન્વય થાય તો આર્ય સંસ્કૃતિની ઊંચાઈ ઓછી થાય એવો દૃઢ મત ધરાવતા હતા. ગૌર વર્ણની પ્રજાને આર્ય ગણવાની માન્યતા બહુ ટકી નહીં રહે અને આર્ય પ્રજાનો અવતાર પુરુષ શ્યામ વર્ણ ધારણ કરીને અવતરશે એવું એ આર્ષદૃષ્ટા વિશ્વામિત્રને દેખાયું. કૃષ્ણાવતાર જ રંગભેદ આધારિત ભેદભાવ નિવારવાનું પ્રકૃતિનું સૂચન હતું કદાચ. કુરુઢિ ગ્રસ્ત, અમાનુષી, યજ્ઞહીન અને દેવહીન એવા દસ્યુઓ આર્ય સંસ્કૃતિના અંગ બની જાય તો એ સંસ્કૃતિ નાશ પામે તેવો વશિષ્ઠને ભય લાગતો, જ્યારે વિશ્વામિત્રને એ સંસ્કૃતિના પોતને કોઈ હણી ન શકે તેવી શ્રદ્ધા હતી. બન્ને ઋષિઓ પોતાની વાતનું સમર્થન વેદની ઋચાઓ દ્વારા કરે એ સાંભળવું કેવું પુનિત લાગતું હશે? પરસ્પરની માન્યતાઓ વચ્ચે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલું અંતર, છતાં આદરભાવ અને સહિષ્ણુતાને કારણે એક બીજાને ટેકો આપનાર પ્રજા પ્રત્યે વૈરભાવના અને હિંસાથી તેઓ પર ઊઠી શક્યા, જે આજના વિભિન્ન મત ધરાવનારાઓ વચ્ચે સંભવ નથી.

આ બંને મહામુનિઓની વિચારધારાઓમાં બીજો એક મુદ્દો વિચાર માંગી લે તેવો છે. વિશ્વામિત્ર દસ્યુ, દાસ, દ્રવિડ, નાગ વગેરે પ્રજાઓને આર્ય સંસ્કૃતિના અંગ બની જવા સમજાવવા દેશમાં ભ્રમણ કરવાનો દૃઢ નિશ્ચય કરી ચુક્યા હતા, જેથી આ મહાન રાષ્ટ્રમાં સંઘર્ષ ચાલુ ન રહે, સહુ સંપીને રહે તો માત્ર આર્યાવર્તનું જ નહીં, સમગ્ર માનવ જાતનું કલ્યાણ થાય એમ તેઓ ચોક્કસ પણે માનતા. તેમને ચેતવતાં વશિષ્ઠ કહે છે, માનવીની પ્રકૃતિની વિડંબના એ છે કે ગુણ ગ્રહણ કરવા કઠિન પ્રયાસ કરવો પડતો હોય છે, જ્યારે દુર્ગુણો આપોઆપ ફેલાય છે, તેથી મોટાભાગના લોકો ગુણગ્રાહી થઈને ઉચ્ચ કક્ષાએ પહોંચવાને બદલે દુર્ગુણો ગ્રહણ કરી પતન પામતા હોય છે. એથી જ તો આર્યો દસ્યુઓની માફક ઇન્દ્રિયોના નિરંકુશ ભોગવિલાસમાં બહેકી જશે અને એક સમર્થ પ્રજા વ્યર્થ રંગ રાગમાં સપડાઈને પોતાનું સ્વત્વ ગુમાવી બેસશે તેવી ભીતિ વશિષ્ઠને હતી. મને વશિષ્ઠની આ ચેવણીમાં પણ વજૂદ લાગે છે. ભારતની મૂળ પ્રજાએ બહારથી આવેલી અને સ્થાયી થયેલ પ્રજાઓ પાસેથી ઘણી ઉત્તમ વિદ્યાઓ અને શક્તિઓ અપનાવી, વિકસાવી એ ખરું, પણ કેટલીક અનિચ્છનીય જીવન પ્રણાલી અપનાવીને નુકસાન પણ વહોર્યું છે, એ આપણે ક્યાં નથી અનુભવતા? બે ચાર ઉમદા વૃત્તિના દસ્યુઓના સંપર્કમાં આવવાથી સમગ્ર અનાર્ય જાતિ સાથે સંમિલન સાધવું એ આર્ય સંસ્કૃતિને નિન્મ કક્ષાની સંસ્કૃતિ બનાવવાનું પગલું હશે તેમ વશિષ્ઠ માનતા. ભલા-બૂરા માનવી દરેક પ્રજામાં હોય, તેથી બે પ્રજાના સંયોગથી ચિરકાળ ટકે તથા અન્યોન્ય સંઘર્ષ નહીં પણ સુમેળ સાધી શકે તેવી સંસ્કૃતિ રચવાના મનોરથ વિશ્વામિત્રના હતા. આવી મનોકામનાના અણસાર આપણે ઘણા સમાજ સુધારકો અને વિભિન્ન ધર્મ સંસ્થાપકોના પ્રયાસોમાં જોયા છે. વશિષ્ઠથી માંડીને આજ સુધી અનેક લોકો માને છે કે આર્ય સંસ્કૃતિ સર્વાંગ સંપૂર્ણ છે, તેણે બીજી કોઈ સંસ્કૃતિ પાસેથી કશું શીખવાનું હોય નહીં, અને આ ગુરુતા ગ્રંથિએ પોતાને આર્ય ગણાવતા લોકોને અન્ય ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાના અનુયાયીઓને પોતાનાથી કનિષ્ઠ માનવા, એમને ગુલામ બનાવવા, તેમનો તિરસ્કાર કરવા અને સામૂહિક હત્યા કરવા સુધીના જઘન્ય કૃત્ય કરવા સુધી ખેંચી ગઈ  એનો ઇતિહાસ સાક્ષી છે.

યુગ વીતતાં માનવજાતિએ ઐક્ય સાધીને જીવતાં શીખવું જોઈશે એ મહર્ષિ વશિષ્ઠ જેવા મહાન તપસ્વીને પણ ન દેખાયું. પણ વિશ્વામિત્ર બધા દેશ, રંગ કે પંથના સીમાડાને ઉલ્લંઘીને તમામ અનાર્યોને આર્ય બનાવવા પ્રવૃત્ત થયા એ વિચાર સમન્વયકારી નવ્ય સંસ્કૃતિના નિર્માણ અર્થે અદ્દભુત લાગતો હોવા છતાં મને અંગત રીતે તેમાં કૈંક અંશે ધર્મ પરિવર્તનની છાંટ દેખાય છે એટલે તેને બિલકુલ નિર્વિવાદપણે સ્વીકારી ન શકાય તેમ લાગે.

આર્ય-અનાર્ય સંસ્કૃતિને સંમિલિત કરવાના હેતુસર વિશ્વામિત્રએ રાષ્ટ્રની યાત્રા આદરી. એક રાજવી ઋષિપદ પામે ત્યારે તેમના પ્રત્યે પ્રજા અહોભાવ અનુભવે એ સહજ છે. આ ઘટનાને વીસમી સદીની એક ઘટના સાથે સરખાવી શકાય એમ છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત થયા બાદ ગાંધીજીએ દેશવાસીઓનો પરિચય કેળવવા, તેની સમસ્યાઓનો તાગ મેળવવા, જ્ઞાતિનાં બંધનો તોડવા અને કોમી ઐક્ય સાધવા માટે કેટકેટલી વાર દેશાટન કર્યું હતું તેનું સ્મરણ થયા વિના ન રહે. પરંતુ ગાંધીજીની માફક વિશ્વામિત્રને પણ લોકો તેમનું સન્માન કરે તેટલું પૂરતું નહોતું લાગતું, બંને સંસ્કૃતિ પરસ્પરનો આદર કરતી થાય અને બંનેમાં રહેલ ઉત્તમ તત્ત્વો અપનાવતા થાય એવું કૈંક કરવા ઇચ્છતા હતા. લોકો વ્યક્તિને પૂજવા માંડે, તે અંધશ્રદ્ધાનું પહેલું પગથિયું. લોકોને ઉદાર અને માત્ર અનુયાયી બનવાની ઝંઝીરમાંથી મુક્ત કરવા હોય, તેમને ગુલામ કે અંધ નહીં, પણ સ્વતંત્ર અને સહિષ્ણુ બનાવવા હોય તો કર્મ એ જ એકમાત્ર માર્ગ છે એમ એ બંને યુગપ્રવર્તકો સમજેલા. બે પ્રજા એકબીજાને સહી લઈને સાથે જીવવા કબૂલ થાય, પણ સમન્વયની વાત બધા ન સ્વીકારે એ તો યુગો જૂની પ્રણાલી છે. પંથ કે વાડા રચવા નહીં પણ તોડવા માગતા દૃષ્ટાઓએ ચેતીને ચાલવું રહ્યું. વિશ્વામિત્રની સમન્વયની ભાવનાઓનો કેટલાક સમર્થ લોકો વિરોધ કરતા, પરંતુ કૃષિ કરવા માટે અત્યંત અનુકૂળ તેવી ધરા, અને વિશાળ ફળદ્રુપ એવા આર્યાવર્તમાં વિકાસની જે અમાપ શક્યતાઓ હતી તેને કારણે જનસામાન્યનો આ વિચાર પ્રત્યે વિરોધ નહોતો. જુઓને, આજે પણ બે ધર્મ, પંથ કે જાતિઓ પ્રત્યેનો વિરોધ રાજકારણીઓના કાવાદાવાને કારણે ભડકે છે, સામાન્ય પ્રજા તો સંપીને, સહકારથી, ભાઈચારો કેળવીને રહેવા જ માગે છે ને? માનવ માનવ વચ્ચે વેર હોય તેના કરતાં સુમેળ હોય તો બંને પક્ષે લાભ જ થાય તેવી પ્રતીતિ થતાં જ ઐક્યની ભાવના કેળવાય. પણ જેને સસ્તું નેતૃત્વ મળી જાય તે જનતાને સાચે માર્ગે લઇ જવાને બદલે લોકોની નકારાત્મક લાગણીઓને ઉશ્કેરવામાં પોતાનો રોટલો શેકે એ વાત જેટલી વિશ્વામિત્રના યુગમાં સાચી હતી એટલી જ આજે સાચી છે એ કેટલું ખેદજનક છે? એક બીજું સત્ય પણ સમજવા લાયક ખરું. જે જીવન પદ્ધતિ સતત સર્જનશીલ ન રહે તે કાળની ગર્તામાં ફેંકાઈને નાશ પામે છે, જીવંત સંસ્કૃતિ સ્થિતિસ્થાપક હોવી જોઈએ, અને તે તેના ચિરંજીવ થવા માટે અનિવાર્ય છે, એ સમજાવવું ત્યારે મુશ્કેલ હતું અને હજુ આજે પણ છે. અનાદિ કાળથી માનવી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈને સ્થાઈ થતો રહ્યો છે. મૂળ પ્રજા કે બહારથી આવેલી પ્રજા બેમાંથી કોઈ એકબીજાનો નાશ કરી ન શકે, તેથી પરસ્પરના ગુણો અને ખાસિયતોની આપ-લે કરવાથી એક નૂતન સમાજની રચના એ જ એક ઉપાય એમ વિશ્વામિત્ર ધીરજથી સમજાવતા રહ્યા. જો કે ત્યાર બાદ અનેક યુગપુરુષોએ આ જ વાત બીજા શબ્દોમાં જુદી પદ્ધતિથી સમજાવવા કોશિશ કરી. છતાં હજુ આપણે આ જ મુદ્દા પર યુદ્ધો કરતા રહીએ છીએ!

અહીં એક બીજી હકીકત રસપ્રદ લાગી તે નોંધું. વર્ષો બાદ મહર્ષિ વશિષ્ઠ વિશ્વામિત્રને મળ્યા ત્યારે બે પ્રજાઓ વચ્ચે સંઘર્ષ ઓછો થવા લાગ્યો એ જોયું તેથી વશિષ્ઠનો વિરોધ પણ મંદ પડ્યો, પરંતુ તેમ થવાથી આર્યોની યુદ્ધ કુશળતા ઓછી થવા લાગી તે વશિષ્ઠને પસંદ નહોતું કેમ કે આર્યોને અથડામણો વચ્ચે ટકી રહેવાનું અને બીજી પ્રજાઓ પર વર્ચસ્વ જમાવવાનું યુદ્ધ જ એક માત્ર સાધન છે એમ તેઓ માનતા. યુદ્ધ ન કરવાથી પ્રજાનું હીર હણાઈ જાય તેમ તેઓને લાગતું. વિશ્વામિત્ર માનતા કે પરમ ચેતના શક્તિનો અનિવાર્ય નિયમ સંઘર્ષ નહીં, સુમેળ છે. પ્રજાના વિકાસ માટે હિંસક અને અહિંસક પદ્ધતિ યુક્ત શાસન પ્રણાલી વચ્ચેનો ગજગ્રાહ યુગોથી ચાલતો આવ્યો છે એમ પ્રતીત થાય. એવી જ બીજી વાત ટાંકું. વિશ્વામિત્રની સહાયથી યજ્ઞોમાં વિઘ્ન નાખતી જાતિને પરાસ્ત કર્યા બાદ વિજેતા લશ્કરના સૈનિકો લૂંટફાટ કરવા, સ્ત્રીઓના અપહરણ અને અત્યાચાર કરવા લાગ્યા એ વાત જાણી ત્યારે થયું કે આજે પણ વિરોધી સૈન્યને હરાવ્યા બાદ વિજયી લશ્કરને હાથે કેવાં કેવાં હીન કૃત્યો નથી થતા શું? તો શું માનવીની આવી પિશાચી વૃત્તિ આટલી ચિરંજીવી નીવડી શકે? વિજય આપાવનાર સૈનિકોને વળતરમાં હાર પામેલી પ્રજાને રંજાડવાનો પરવાનો આપવો એ જાણે સહજ ગણાતું આવ્યું છે! તે સમયે રાજ્યકર્તાઓ પોતાના સૈન્ય દ્વારા અધમ કૃત્યો થતાં રોકવાને બદલે ધર્મનીતિના રક્ષકો સુધી એ બાબતના વાવડ ન મળે તેવો બંદોબસ્ત કરતા. આજે લોકશાહી શાસનમાં વડા પ્રધાન કે રાષ્ટ્ર પ્રમુખ અને તેમના મંત્રી મંડળ સમાચારપત્રો અને હવે તો અન્ય ડિજિટલ સાધનો પર અંકુશ મૂકીને પ્રજા સુધી અસત્ય હકીકત ન પંહોચે એ વાતનું ધ્યાન રાખે છે! એવા સત્તાધારીઓને અત્યાચાર સામે વિરોધ નથી હોતો, તેમને પરવા હોય છે લોકલાજની, પોતાની સત્તાની સલામતીની. સત્ય હકીકત દબાઈ રહે તો જ અનાચાર ચાલુ રહે એ હકીકત આજથી હજારો વર્ષ પહેલા પણ સર્વવિદિત હતી તેમ જણાય છે. આવો દંભ સમાજના તાણાવાણાને કોરી ખાનારું હળાહળ વિષ છે જેનાથી સમાજનું પતન થયા વિના રહેતું નથી એ યાદ રહે. સ્વાર્થી રાજવી સાધનશુદ્ધિનો વિચાર ન કરે એ આપણે ક્યાં નથી અનુભવતા? એ જ રાજ્યકર્તાની સફળતાની ગુરુચાવી ગણાય છે. આ કૂટનીતિ પ્રાગૈતિહાસિક કાળથી ચાલતી આવી છે, જેનું પરિણામ સાંસ્કૃતિક વિઘટનમાં આવતું રહ્યું છે.

હજુ એક સર્વમાન્ય વાત તરફ ધ્યાન દોરું. વ્યક્તિગત કે જાહેર સ્તરે આચરવામાં આવતું દુષ્કૃત્ય એ ઋતના નિયમનો ભંગ છે, એટલે એ લાંબા વખત સુધી છૂપું ન રહી શકે, પાપ છાપરે ચડીને પોકારે એ જાણીએ છીએ એટલે હાલની વિષમ સ્થિતિના નિર્માતાના કુકર્મોનો પણ અંત આવશે એવું આશ્વાસન લઇ શકીએ, પરંતુ તે દરમિયાન પ્રજાનું જે નૈતિક, આધ્યાત્મિક અને આર્થિક પતન થાય તેને ઊંચું લાવતાં દાયકાઓ વીતી જાય એનો પણ દુનિયાના ઘણા રાષ્ટ્રોને અનુભવ છે. વિશ્વામિત્રની કલ્પનાની સંસ્કૃતિમાં ઋતના નિયમોની મર્યાદામાં રહીને સહુને વધુમાં વધુ અધિકાર ભોગવવાની છૂટ હોવી જોઈએ એવી જોગવાઈ હતી. આથી જ તો એક દસ્યુ મહિલા પર અત્યાચાર કરનાર આર્ય સૈનિકોને શૂળીએ ચડાવવાનો હુકમ કરી શક્યા. આધુનિક યુગમાં પણ આવા બનાવો વારંવાર બનતા રહે છે, પણ એ અત્યાચારીઓમાંથી કેટલાને અને કેટલી સજા થાય છે એની પૂરી હકીકત જાણવા મળે તો શરમથી માથું ઝૂકી જાય એમાં શક નથી. કોર્ટ મોટે ભાગે ભોગ બનેલી યુવતીના પરિવારને આર્થિક વળતર આપી તેના શીલનું મૂલ્ય ચૂકવીને પોતે ‘ન્યાય’ આપ્યો એમ માની લે, અને પ્રજા પણ એ સ્વીકારી છે.

આર્યત્વની વિશુદ્ધિ જાળવી રાખવાની પોતાની વાત ખોટી નથી તેમ વશિષ્ઠ માનતા. તો બીજી બાજુ વિશ્વામિત્રમાં નૈતિક ભાવના હતી અને પીડિતો પ્રત્યે અનુકંપા હતી. વશિષ્ઠની આશંકાઓ કંઈક અંશે સાચી પડેલી જણાય કેમ કે વૈદિક ધર્મને અનુસરનારા આર્યો અને હાલના કહેવાતા હિન્દુ ધર્મીઓમાં મૂળ તફાવત આર્ય સંસ્કૃતિનાં મૂલ્યોના હ્રાસનો જ છે ને? દસ્યુ પ્રજાની નૈતિક શિથિલતાનો આર્યોને પાસ લાગે એ ભય તો હતો જ, પણ સાથે સાથે આર્યો નિસર્ગને ખોળે ખુલ્લામાં યજ્ઞો દ્વારા ઈશ્વરની આરાધના કરતા આવ્યા હતા, જેમાં કશું છૂપું નહોતું, જ્યારે અનાર્યો મંદિરોમાં મૂર્તિ પૂજાનો આશ્રય લેતા હતા, જેની પાછળ સ્વાર્થ અને અનાચાર પણ પ્રવેશવા લાગ્યા હતા. અને જો આર્યો યજ્ઞ યાગ છોડી મૂર્તિપૂજા સ્વીકારે તો ઈશ્વર વિશેની અને તેની આરાધના વિશેની માન્યતાઓ સમૂળગી બદલાઈ જવાનો ભય વધુ દૂરગામી પરિણામ લાવે તેમ હતું. અને આજે આપણે જોઈએ છીએ કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસની સાથે શિક્ષિત વર્ગમાં તર્ક આધારિત સમતા મૂલક જીવન રચવાને બદલે ભારતીય પ્રજા મંદિરો અને મૂર્તિઓ બાંધી તેમાં પૂજન કરી ભોગ ધરાવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સરકાર નાગરિકો પ્રત્યેની ફરજ ચૂકી જાય છે અને પ્રજા વધુ ને વધુ સંકીર્ણ બનતી જાય છે. કુદરતી તત્ત્વોને ઇશ્વરનું રૂપ સમજી તેની આરાધના કરવાને બદલે પૂજા પણ નહીં, પાખંડ અને અનાચાર જ ધર્મ બની રહેશે તેવી વશિષ્ઠની દહેશત આજે સાચી પડી હોવાનું અનુભવાય છે; નહીં તો કોઈ દેશના વહીવટી વડાના વડપણ હેઠળ અન્ય ધર્મના પૂજા સ્થાનોનો ધ્વંસ કરીને માત્ર ઠેરઠેર મંદિરો બનાવવાનું અભિયાન કોઈ દેશમાં જોયું છે? આમ થવાથી આર્ય સંસ્કૃતિની વિશુદ્ધતિ તો શું, તેનું અસ્તિત્વ ન રહે એ સંભવ છે એવું આપણે અનુભવી રહ્યા છીએ. યજ્ઞોના ક્રિયાકાંડ શાસ્ત્રોક્ત, અઘરા અને અટપટા હતા તેની પાછળ તે માટેની યોગ્યતા પ્રાપ્ત કરનારા જ ઈશ્વરીય શક્તિનું આહવાન કરી શકે તે હેતુ હતો. મંદિરની ચાર દિવાલમાં નાના દીપ પ્રગટાવીને થતી પૂજા સરળ બને. પૂજા સ્થાનની સંકડાશ ભ્રષ્ટતાને જન્મ આપી શકે. હવે, આ હકીકતના પુરાવા આપણે જોઈએ તેટલા મળી રહે તેમ છે ખરુંને? જ્યારે વિશ્વામિત્રને પ્રતીતિ થઈ ગઈ હતી કે યજ્ઞ તો સાધન છે, સાધ્ય તો બે પ્રજાઓનું સંમિલન છે, જેમાંથી શુભ તત્ત્વ જ પેદા થાય. ઈરાદો ન હોવા છતાં વિશ્વામિત્રની સમન્વય સાધવાની પ્રક્રિયા પુનિત સંસ્કૃતિને વિનાશના પંથે દોરી જતી હતી તેમ વશિષ્ઠ માનતા હતા. વશિષ્ઠ આ સમસ્યાનો હલ વિશ્વામિત્ર અને તેના સાથીદારો સામે યુદ્ધ કરીને શોધવા માંગતા હતા. બે સમર્થ વિચારકો સંસ્કૃતિના સંરક્ષણ અને સમન્વયના પરસ્પર વિરોધી વિચારને હલ કરવા મૃત્યુની, યાતનાની અને ધિક્કારની કેડી પકડે એ કેવું દુઃખદ?

વિશ્વામિત્ર અને વશિષ્ઠની આ કથામાંથી ઘણા બોધપાઠ મળે તેમ છે. વિશ્વામિત્રને સાથ આપનારા દસ રાજાઓના સૈન્યનું સંગઠન સુદાસ નામના આર્ય રાજાના સૈન્ય સામે પરાજિત થયું તે માટે પોતાને જવાબદાર ગણીને વિશ્વામિત્રે પોતાને એક અજોડ ઋષિ તેમ જ રાજજ્ઞ સાબિત કર્યા. નિષ્ફ્ળતાનાં કારણો શોધાય તો જ એવી ઘટના ફરીને બનતી અટકાવી શકાય. સમર્થ માનવી માર્ગદર્શન માટે કોનું શરણું શોધે? મનની મૂંઝવણ અને અજંપો વિચાર અને મનન તરફ દોરી જાય તેને તપસ્યા કહી શકાય. બુદ્ધ, મહાવીર, જીસસ અને આધુનિક સમયમાં ગાંધીએ પ્રજાની ગલતી માટે પોતાને જવાબદાર ઠેરવી આવાં કઠિન તપ અનેક વખત કર્યાં જ હતાં ને? વિશ્વામિત્રને સ્વપ્નમાં ગુરુ ઋચિક સાથે વાર્તાલાપ કર્યા બાદ માર્ગ સૂઝ્યો. સુદાસ અને તેના સૈનિકો દ્વારા થયા કરતા અન્યાય સામે શસ્ત્રો ઉપાડવાને બદલે વિકલ્પ શોધવાની જરૂર હતી એ સમજાયું. હિંસાથી ચડિયાતી એવી શક્તિની ઉપાસના માટે તેઓ સજ્જ થયા. અહીં અહિંસાનું મહાત્મ્ય સમજાવાયું છે.

સંસ્કૃતિ-સમન્વયનું કામ ભલે વિશ્વામિત્રને હાથે શરૂ થયું, પણ તે કામ તેમની અનુપસ્થિતિમાં ચાલ્યા કરવું જોઈએ એની તેમને પ્રતીતિ થઇ. એ જ સંસ્કૃતિની શાશ્વત હોવાની ખરી કસોટી છે. વિચાર વિચારના જોરે ટકવો કોઈએ અને વિકાસ પામવો જોઈએ, વ્યક્તિના જોર પર નહીં. આજે થયું છે એવું કે માનવ જાતને કલ્યાણકારી માર્ગ દર્શાવનારા ઘણા દીર્ઘદૃષ્ટાઓ પેદા થયા, પણ એવા મહાપુરુષોના ચીંધેલા માર્ગ પર ચાલવાને બદલે આપણે તેમની મૂર્તિઓ બનાવી, પૂજા કરી, સમાધિ બનાવી તેના પર ફૂલ ચડાવ્યાં અને પરિણામે એ વિચારધારાઓ પણ સમાધિસ્થ થઇ અને માનવના ઉદ્ધારનું કામ ખોરંભે ચડ્યું. ફરી બીજા ફરિશ્તાની રાહ જોવાનું શરૂ!

વિશ્વામિત્રને આતંરનાદ સંભળાયો, બે સંસ્કૃતિના મિલનથી પેદા થતી નવી પ્રજાને એકસૂત્રે બાંધી રાખનારના જનક તેઓ બનશે તેમ એ નાદ કહેતો હતો. નિર્જન વનમાં હાથી પોતાની સૂંઢ પર એક યુવતીને ઉપાડી લાવેલો અને તેને પાણીના કુંડમાં નાખી દીધી, જેને વિશ્વામિત્રએ બચાવી. એ જ હતી મેનકા. આર્ય-અનાર્ય સંસ્કૃતિનોના સંમિલનનું કાર્ય શરૂ થઈ ગયું હતું, તેથી એ પ્રદેશને આર્યાવર્ત તરીકે પણ નહીં ઓળખાવી શકાય અને તેને આગળ ધપાવનાર પણ કોઈ જોઈશે એનો અહેસાસ થયો. આ પ્રદેશને જેનું નામ આપી શકાય તેવા પુનિત પુરુષના જનક થવા માટે મેનકાનું આગમન થયું. વિશ્વામિત્રના તપ અને મેનકાના સૌંદર્યથી એક કન્યાનો જન્મ થયો, વિશ્વામિત્ર અને મેનકા વિખુટા પડ્યાં, એ શકુન્તલા નામધારી કણ્વ ઋષિના આશ્રમમાં ઉછરેલી કન્યા દુષ્યંત નામના રાજનના સંસર્ગમાં આવી, તેને ભરત નામનો પુત્ર થયો અને એ રીતે આર્યવર્તને ભરતવર્ષ નામ મળ્યું એ કહાની આપણે જાણીએ છીએ. મહર્ષિ વશિષ્ઠની બે સંસ્કૃતિઓના મિલન થકી આવનારી સંભવિત વિપદાઓને ન માનનારા વિશ્વામિત્ર આ રીતે પોતાનું જ કાર્ય આગળ ધપાવી જનાર વંશજ મૂકીને શસ્ત્ર ઉઠાવ્યા વિના તેમનો વિરોધ કરવાનો માર્ગ શોધી શક્યા.

વિશ્વામિત્રની તપસ્યા ઉચ્ચ હેતુસરની હતી, તેમના અને મેનકાના મનમાં કામવાસના નહોતી, માત્ર નિયતિના આદેશથી જ સંતાનોત્પત્તિ થઈ એની સાબિતી રૂપે તેમણે એક મંત્રની રચનાનું વરદાન ઈશ્વર પાસે માગ્યું, જે મંત્ર ગાયત્રી મંત્ર તરીકે હજારો વર્ષથી હિન્દુ ધર્મના સર્વોત્કૃષ્ટ મંત્ર તરીકે ગવાતો રહ્યો છે. મહર્ષિ વશિષ્ઠે પણ વિશ્વામિત્રની બે સંસ્કૃતિઓના સમન્વયની વાત સ્વીકારી અને કહ્યું કે યજ્ઞો રહે કે જાય, પૂજા થાય કે ન થાય, પણ યુગો સુધી યાદ રહેનાર ગાયત્રી મંત્રની રચના કરનાર વિશ્વામિત્રના અદ્દભુત મંત્ર થકી આર્ય સંસ્કૃતિ વિશુદ્ધ રહેશે. આ રહ્યો એ ચિરંજીવી મંત્ર:

ओम भुर्भुव: स्व: तत्सविरुर्व्रेन्यम 

भर्गो देवस्य धिमहि

e.mail : 71abuch@gmail.com

Loading

8 April 2024 Vipool Kalyani
← પુસ્તક નિર્દેશ
મુક્ત અર્થતંત્રના જમાનામાં કવિતા →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved