Opinion Magazine
Number of visits: 9448911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—239 

દીપક મહેતા|Opinion - Opinion|16 March 2024

નામ બદલો, ભાઈ, નામ!

નરસિંહ મહેતાએ ભલે ગાયું હોય કે ‘ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’ અને શેકસપિયરે પણ ભલે કહ્યું હોય કે નામમાં તે શું બળ્યું છે? પણ આપણા રોજિંદા જીવનમાં નામનું પારાવાર મહત્ત્વ છે. પહેલાં રેશન કાર્ડમાં અને હવે ‘પાન’ અને ‘આધાર કાર્ડ’માં સાચું નામ હોવું જરૂરી. નામ બદલવું હોય તો બદલી શકાય, પણ તે માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. પણ આપણા આ મુંબઈ શહેરના રસ્તા, ઈમારત, સ્ટેશન, બગીચા, વગેરેનાં નામ લગભગ રાતોરાત બદલાઈ જાય છે. કારણ? કારણ ‘સંસ્થાનવાદી’ નામો હટાવો. એમાં ય ચૂંટણી નજીક આવે ત્યારે તો આ નામરોગ બહુ ઝડપથી ફેલાય છે.

 

બોમ્બે સેન્ટ્રલ – ૧૯૩૦માં બંધાયું ત્યારે

કોઈ નવો રસ્તો તૈયાર થાય, નવી ઈમારત ચણાય, નવી સંસ્થા શરૂ થાય ત્યારે ‘સંસ્થાનવાદી’ સરકાર ઘણી વાર પહેલાં લોકોના અભિપ્રાય જાણતી, અને પછી નામ પાડતી. પણ હવે તો રાજકારણીઓ કુલડીમાં ગોળ ભાંગીને રાતોરાત નામો બદલવાનું નક્કી કરીને જાહેર કરી દે નવાં નામ. જેમ કે હમણાં મુંબઈનાં આઠ રેલવે સ્ટેશનોનાં નામ બદલવાની જાહેરાત થઈ ગઈ. તેમાંનું એક નામ છે મુંબઈ સેન્ટ્રલ. પહેલા હતું બોમ્બે સેન્ટ્રલ. પણ જ્યાં આખા શહેરનું જ નામ બદલાયું ત્યાં સ્ટેશનનું નામ તો બદલવું જ પડે ને! અગાઉ લોકલ અને બહારગામની ટ્રેનો માટે ટર્મિનસ હતું કોલાબા સ્ટેશન. પણ પછી ત્યાં જમીનની ખેંચ વર્તાવા લાગી એટલે સરકારે બી.બી.સી.આઈ.(આજની વેસ્ટર્ન રેલવે)ને આદેશ આપ્યો કે ‘ભાડે કી જગહ ખાલી કરો.’ એટલે ન છૂટકે નવું સ્ટેશન બાંધવું પડ્યું. પણ આ સ્ટેશન બંધાઈ રહેવા આવ્યું ત્યારે તેનું નામ શું પાડવું એ અંગે છાપાં દ્વારા લોકોને અભિપ્રાય પૂછ્યો. સાધારણ રીતે સ્ટેશનનું નામ કાં કોઈ અંગ્રેજના નામ પરથી કે કાં નજીકના જાણીતા વિસ્તાર પરથી પડે એવો શિરસ્તો. જૂદાં જૂદાં સૂચનો આવ્યાં તેમાંનું એક હતું કે નવા સ્ટેશનનું નામ પાડો ‘કામઠીપુરા’ કારણ સ્ટેશન એ વિસ્તારની નજીક હતું. રેલવે કંપની કદાચ આ નામ અપનાવે એ બીકે તેનો જોરદાર વિરોધ લોકોએ કર્યો. કારણ? કારણ આ ‘કામાઠીપુરા’ એ વખતે બદનામ બસ્તી. હવે તમને કોઈ પૂછે કે “કેમ મકનજી, ક્યાં ચાલ્યા?” અને તમે જવાબ આપો કે ‘કામાઠીપુરા’ તો કેવો અનર્થ થઈ જાય? અને સ્ત્રીઓ? એ તો બિચારી મૂંગી જ રહે. એટલે પછી કંપની ફોઈએ ઓળી ઝોળી કરીને નામ પાડ્યું બોમ્બે સેન્ટ્રલ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મીથી એ કામ કરતું થયું. દાયકાઓ સુધી બહારગામની ટ્રેનોનું એક માત્ર ટર્મિનસ રહ્યું. ચર્ચ ગેટ બન્યું લોકલ ટ્રેનોનું ટર્મિનસ.

જગન્નાથ શંકરશેઠ

પણ હવે આ બંને સ્ટેશનોનાં નામ બદલવાની તૈયારી થઈ ગઈ છે. મુંબઈ સેન્ટ્રલ જેવા ભૌગોલિક નામમાં સંસ્થાનવાદની બૂ કોને આવી, કઈ રીતે આવી, એ તો એક મોટો કોયડો છે. જો વડોદરા, અમદાવાદ કે નવી દિલ્હી જેવાં નામ સ્ટેશનનાં હોઈ શકે તો બોમ્બે સેન્ટ્રલ કેમ નહિ? પણ ના. મુંબઈ સેન્ટ્રલનું નામ બદલીને તેની સાથે નામ જોડવું છે જગન્નાથ શંકર શેઠનું. ૧૯મી સદીના મુંબઈના પાંચમાં પૂછાતું એવું આ નામ એની ના નહિ. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે શરૂ કરનાર જી.આઈ.પી. – હાલની સેન્ટ્રલ – રેલવેના કારોબાર સાથે નિકટતાથી તેઓ સંકળાયેલા. પણ ૧૯૩૦માં બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયું તે પહેલાં છેક ૧૮૬૫માં તેમનું અવસાન થયું હતું. અને હા, જો મુંબઈ સેન્ટ્રલનું નામ બદલાય તો પછી આખા મુંબઈમાં ‘મુંબઈ’ નામવાળું એક પણ સ્ટેશન નહિ રહે! અહો કેવી વિચિત્રતા?

સ્ટેશન બંધાયા પહેલાંનો મરીન લાઈન્સ વિસ્તાર 

એક જમાનામાં અંગ્રેજોના સૈન્યના નૌકાદળના સૈનિકોને રહેવા માટે જ્યાં બેરેક્સ બાંધવામાં આવેલી એ જગ્યા પછીથી ઓળખાઈ મરીન લાઈન્સ તરીકે. અને એ વિસ્તારમાં આવેલા સ્ટેશનને પણ એ જ નામ મળ્યું. એ વિસ્તારના બીજા ઘણા ખરા રસ્તાનાં નામ બદલાઈ ગયાં છે. પણ આજે ય મેટ્રો સિનેમા પાછળના એક રસ્તાનું નામ છે બેરેક રોડ. પણ આ ઇતિહાસને સાચવવાને બદલે આ સ્ટેશનને નામ અપાવાનું છે ‘મુંબાદેવી સ્ટેશન.’ હા, આ મુંબા તે કોળી-માછીમારોની દેવી. મુંબઈ નામ આ દેવીના નામ પરથી પડ્યું. એટલે એકાદ સ્ટેશનને આવું નામ અપાય એમાં ખોટું શું? ખોટું તો કશું નથી, પણ મરીન લાઈન્સથી ચાલીને મુંબા દેવી મંદિર જતાં ખાસ્સો અડધો કલાક થાય. અને વાહનમાં જાવ તો પોણો કલ્લાક. આટલે દૂર આવેલી જગ્યાનું નામ કોઈ સ્ટેશને આપવું કેટલું યોગ્ય?

મુંબાદેવીનું મંદિર અને તેની બાજુમાં આવેલું તળાવ 

હવે ચર્ની રોડ નામને તો સંસ્થાન વાદ સાથે કે અંગ્રેજો સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. બલકે અંગ્રેજોના અયોગ્ય નિયમ સામે માથું ઊંચકાયું એ ઘટના આ સ્ટેશનના નામ સાથે જોડાયેલી છે, જે આજે ભૂલાઈ ગઈ છે. હવે ગમ્મત જુઓ. આ ચર્ની રોડનું અસલ સત્તાવાર નામ હતું ઓલિવન્ટ રોડ. ૧૮૪૬માં જન્મેલા સર સી.કે. ઓલિવન્ટ ૧૮૮૧થી ૧૮૯૦ સુધી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. પણ લોકો તો તેને ચર્ની રોડ તરીકે જ ઓળખતા. છેવટે અંગ્રેજ સત્તાવાળાઓએ પણ આ ચર્ની રોડ નામ સ્વીકારી લીધું! પછી ૧૮૬૭માં એ રોડ પર જે સ્ટેશન બંધાયું તેને પણ એ જ નામ અંગ્રેજ રેલવે કંપનીએ આપ્યું. અને આ ‘ચર્ની’ એ કોઈ અંગ્રેજનું નામ નથી. ‘ચરણી’ એટલે મરાઠીમાં ઢોરઢાંખર ચારવાની જગ્યા. એક જમાનામાં મુંબઈમાં ઠેર ઠેર ઢોર ઢાંખર જોવા મળે. આજે આઝાદ મેદાન તરીકે ઓળખાતા મેદાનનું એ વખતનું નામ એસ્પ્લનેડ મેદાન. આજે છે તેના કરતાં એ વખતે ઘણું મોટું અને ત્યાં લીલુંછમ ઘાસ ઊગે. રખેવાળો અને ગોવાળો પોતાનાં ઢોરને રોજ ત્યાં ચરવા લઈ જાય. આ મેદાનની જગ્યા સરકારી માલિકીની. ૧૮૩૮માં એકાએક સરકારને તુક્કો આવ્યો કે અરે! આ તો ‘આપણી જમીન પરનું ઘાસ દેશી ઢોર મફતમાં ચરી જાય છે. એટલે આ મેદાન પર ઢોર ચરાવવા માટે ફી વસૂલવાની જાહેરાત કરી. ઢોર ઢાંખર રાખનારા કહે કે અમે એવું તે શું રળીએ, કે દીવો લઈને દળીએ? આવી ફી આપવાનું અમને પોસાય નહિ. સર જમશેદજી જીજીભાઈ (૧૭૮૩-૧૮૫૯) એ જમાનાના બહુ મોટા વેપારી અને દાનવીર. જેટલા ઉદાર એટલા જ સમજુ. આવી બાબતમાં સરકાર સાથે લમણાઝીંક કરવાથી કશું વળે નહિ એ જાણે. આજના ઠાકુરદ્વાર નજીક, દરિયા કિનારાથી થોડે દૂર જમીનનો મોટો ખાલી પ્લોટ. ભરપૂર ઘાસ ઊગે. વીસ હજાર રૂપિયાને ખર્ચે સરસાહેબે તે ખરીદી લીધો, અને ઢોરઢાંખર ચરાવનારાઓને કહી દીધું : ‘આવો, લાવો તમારાં ઢોર. છુટ્ટાં મૂકો ચરવા. એક કાણો પૈસો પણ આપવાનો નહિ. સરકાર સાથે બળથી નહિ, કળથી કામ કાઢ્યું અને મૂંગાં પ્રાણીઓની અને તેમના રખેવાળોની દુઆ મેળવી. એક રીતે તો આ વાત સરકાર સાથે પંજો લડાવવા જેવી હતી. અને ૧૮૩૮ના વીસ હજાર એટલે આજના કેટલા કરોડ? હવે આ બધું ભૂલી જઈને નવું નામ અપાશે ગીરગાંવ. પણ ખાટલે મોટી ખોટ તો એ છે કે આજે ગીરગામ રોડ જેવું સત્તાવાર નામ ધરાવતો કોઈ રોડ છે જ નહિ. જે હતો તેનું નામ બદલીને ઘણાં વરસ પહેલાં રાજા રામમોહન રોય રોડ કરી નાખવામાં આવ્યું છે. 

સર જમશેદજી જીજીભાઈ

હા, કરી રોડ સ્ટેશનનું નામ ચાર્લ્સ કરી પરથી પડ્યું છે એ ખરું. પણ એ કાંઈ મોટા સરકારી હોદ્દેદાર નહોતા. ૧૮૬૫થી ૧૮૭૫ સુધી બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના મુંબઈ ખાતેના એજન્ટ હતા. એ પછી સ્વદેશ પાછા ગયા અને ૧૮૭૬માં આ જ કંપનીના સેક્રેટરી નિમાયા. ૧૮૭૮ના સપ્ટેમ્બરમાં અવસાન થયું ત્યાં સુધી એ પદ સંભાળ્યું. હવે, આ કરી રોડનું નામ બદલીને ‘લાલબાગ’ કરવાની દરખાસ્ત છે.

 

જેના પરથી ‘લાલબાગ’ નામ પડ્યું તે દરગાહ

રેલવે કંપનીના એક એજન્ટનું નામ ભૂંસાઈ જાય એનો તો આજે કોઈને હરખશોક હોય નહિ. પણ જે દિવસે અહમદનગરનું નામ બદલીને અહિલ્યાનગર રાખવાનું સરકારે જાહેર કર્યું તે જ દિવસે કરી રોડનું લાલબાગ કરવાનું ઠરાવ્યું! એક જમાનામાં સુતરાઉ કાપડની મિલોથી ધમધમતો આ વિસ્તાર. હવે એની સૂરત સાવ બદલાઈ ગઈ છે. આજે એ વિસ્તાર લાલબાગચા રાજા ગણપતિને લીધે મશહૂર બન્યો છે. પણ આ ‘લાલબાગ’ નામ? આ જ વિસ્તારમાં આવેલી છે હઝરત લાલ શાહ બાબાની દરગાહ. ૧૭મી સદીમાં આ સૂફી બાબા મક્કાથી મુંબઈ આવ્યા. દોરા-ધાગા કરતા. લોકો તેમની માનતા રાખતા. ૧૭૮૨માં જન્નતનશીન થયા પછી બંધાયેલી દરગાહ આજે પણ ઊભી છે. આ લાલ શાહ બાબાની દરગાહ પરથી આ વિસ્તાર લાલબાગ તરીકે ઓળખાય છે. 

લોર્ડ સેન્ડહર્સ્ટ

લોર્ડ સેન્ડહર્સ્ટ ૧૮૯૫થી ૧૯૦૦ સુધી હતા મુંબઈના ગવર્નર. જન્મ ૧૮૫૫, અવસાન ૧૯૨૧. તેઓ ગવર્નર હતા એ દરમ્યાન ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં વીસ હજાર કરતાં વધારે માણસો મરી ગયા હોવાનો અંદાજ છે. બીજા હજારો લોકો મુંબઈ છોડીને ‘દેશ’માં જતા રહ્યા. આ રોગને કાબૂમાં લેવા માટેનાં પગલાં લેવામાં શરૂઆતમાં સેન્ડહર્સટે થોડી ઢીલ કરી. કારણ સરકારી પગલાંનો લોકો વિરોધ કરશે એવી તેમને બીક હતી. પણ પછી જ્યારે સ્થિતિ કાબૂ બહાર જશે એવું લાગ્યું ત્યારે તેમણે ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં ‘એપિડેમિક ડીઝીઝ એકટ’ રાતોરાત પસાર કરાવીને આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું. થોડા વરસ પહેલાં જ્યારે કોરોના કે કોવિડનો રોગચાળો ફેલાયો ત્યારે જરૂરી એવાં બધાં પગલાં લેવા માટે સરકારે આ જ કાયદાનો આશરો લીધો હતો. હવે આ સ્ટેશનનું નવું નામ થશે ડોંગરી. આપણે જેને ટેકરી કહીએ તેને મરાઠીમાં ડોંગરી કહે. કેટલાંક અંગ્રેજી લખાણોમાં છેક ૧૭મી સદીથી આ ‘ડોંગરી’નો ઉલ્લેખ જોવા મળે છે. પણ આ ડોંગરી પહેલા કંપની સરકારના અને પછી અને પછી તાજની સરકારના લશ્કરની આંખમાં કણાની જેમ ખૂંચ્યા કરતી અને તેને ધરાશાયી કરવા વખતોવખત સરકારને અરજ ગુજારતી. પણ કેમ? કારણ ન કરે નારાયણ ને કોક દિવસ આ ટેકરી દુ:શ્મનના હાથમાં જાય તો ત્યાં પોતાની તોપો ગોઠવીને ફોર્ટ કહેતાં કોટ પર સીધા ગોળા વરસાવી શકે. કોઈ પણ સરકારની જીભ અને તેના કાન વચ્ચે બહુ લાંબુ અંતર હોય છે. ૧૮૬૫ના અરસામાં ફોર્ટ કહેતાં કિલ્લો સરકારે ધરાશાયી કરી નાખ્યો. હવે પેલી ડોંગરી જોખમરૂપ રહી નહોતી. પણ મુંબઈમાં જગ્યાની ખેંચ પહેલેથી રહે છે. એટલે નવી જગ્યા મેળવવા માટે બોમ્બે ઈમપ્રૂવમેંટ ટ્રસ્ટે છેવટે એ ડોંગરીને સમથળ બનાવી દીધી. છતાં આજ સુધી એ વિસ્તાર ઓળખાય છે ડોંગરી તરીકે. અને આજે હયાત નથી એવી ડોંગરીનું નામ અપાશે એક સ્ટેશનને.

બોમ્બે કોટન માર્કેટ 

૧૯મી સદીમાં મુંબઈમાં રૂ કહેતાં કપાસ કહેતાં કાપુસ કહેતાં કોટનનો વેપાર ધમધોકાર ચાલતો. આજના ગુજરાત અને મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશોમાંથી ગાડાં ભરી ભરીને કપાસ અહીં ઠલવાતો. કપાસને દાબીને ગાંસડીઓ બને. એને ચડાવે વહાણોમાં અને પોગાડે ગ્રેટ બ્રિટન. માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ બને. તે આવે મુંબઈ અને મોંઘા મૂલે વેચાય. અમેરિકન સિવિલ વોર (૧૮૬૧-૧૮૬૫) દરમ્યાન અમેરિકાનું રૂ મળતું બંધ થયું એટલે ગ્રેટ બ્રિટનની મિલોએ હિન્દુસ્તાનથી મોં માગ્યા દામે રૂ ખરીદવા માંડ્યું. મુંબઈની બજારમાં રૂના ભાવ આસમાને. ઘણા લોકોએ તો ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખ્યું! પહેલાં કોટનની નિકાસ કોલાબાથી થતી એટલે પહેલું કોટન ગ્રીન હતું કોલાબામાં. પછી એપોલો બંદરથી નિકાસ થવા લાગી ત્યારે આજનું હોરનીમન સર્કલ બન્યું બોમ્બે ગ્રીન. અને હાર્બર લાઈનના જે સ્ટેશન પાસે લીલા રંગનું કોટન એક્સચેન્જનું મકાન આવેલું હતું એ સ્ટેશન બન્યું કોટન ગ્રીન. એટલે કે આ ‘કોટન’ એ કોઈ અંગ્રેજ અફસરનું નામ નથી. પણ હા, હવે રૂનો નિકાસ વેપાર રહ્યો નથી અને એટલે કોટન એક્સચેન્જ પણ કામ કરતું નથી. હા, તેની ઈમારત હજી ઊભી છે. કોટન ગ્રીન સ્ટેશનને નવું નામ અપાવાનું છે કાળા ચોકી. કારણ આ વિસ્તાર એ નામે ઓળખાય છે. પણ કેમ? કારણ અહીં આવેલી પોલીસ ચોકીની બહારની દીવાલો એક જમાનામાં કાળા રંગે રંગેલી હતી! એટલે એની આસપાસનો વિસ્તાર ઓળખાયો કાળા ચોકી તરીકે. 

કાલા ચૌકી પોલીસ સ્ટેશન 

વિમાનો નહોતાં ત્યારે પરદેશની, ખાસ કરીને ગ્રેટ બ્રિટનની મુસાફરી દરિયા માર્ગે, પહેલાં વહાણોમાં અને પછી સ્ટીમરોમાં કરવી પડતી. હિન્દુસ્તાન અને બ્રિટન વચ્ચેની મુસાફરી માટે પી.એન્ડ.ઓ. કંપનીની દાયકાઓ સુધી મોનોપોલી હતી. આ કંપનીનો મોટો ડોકયાર્ડ હતો અને તેની નજીક આવેલા સ્ટેશનનું નામ પણ ડોકયાર્ડ રોડ. હવે તેનું નામ પડશે મઝગાંવ. એક જમાનાનો એ ‘પોશ એરિયા.’ મઝગાંવ એટલે વચલું કે મારું ગામ. અહીં આવેલા ઘણા બંગલામાંનો એક તે શેઠ અરદેશર ખરસેદજીનો બંગલો. વ્યવસાય વહાણવટાનો. ૧૮૩૪ના માર્ચની દસમી તારીખની સાંજે આ આખો બંગલો ગેસના દીવાના અજવાળાથી ઝગમગી ઊઠ્યો. આખા મુંબઈમાં પહેલી વાર ગેસના દીવા પ્રગટ્યા એ જોવા માટે એ વખતના ગવર્નર જોન ફિટગીબોન પધાર્યા હતા. આ રોશની જોઇને ગવર્નરે અરદેશરશેઠને હળવેકથી પૂછેલું : આજે અહીં જે થયું તે આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? પી. એન્ડ ઓ. કંપની આ દેશમાંથી ગઈ એમ હવે ડોકયાર્ડ રોડ નામ પણ જશે. પણ એથી કાંઈ મઝગાંવે ગુમાવેલી રોશની પાછી આવશે? 

એક જમાનામાં આવું હતું મઝગાંવ 

એક નવાઈની વાત એ છે કે કીન્ગ્ઝ સર્કલ જેવું પાક્કું અંગ્રેજ રાજાશાહી નામ કેમ કરીને આજ સુધી બચી ગયું? બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટની ૧૯૧૧ના એપ્રિલની ૨૦મી તારીખની મિટિંગમાં ચેરમેને દાદર-માટુંગા સ્કીમની વિગતવાર ચર્ચા કરી. વિન્સેન્ટ રોડ પર એક ગોળાકાર બગીચો બનાવવા અંગે, ત્યાંથી છેક ક્રાફર્ડ માર્કેટ સુધી ૧૫૦ ફૂટ પહોળો રસ્તો બાંધવા વિષે, જણાવ્યું. અને પછી દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તા સાથે નામદાર મહારાજા પંચમ જ્યોર્જનું નામ જોડવું. પણ કોઈએ સવાલ કર્યો કે મહારાજાની અનુમતિ વગર આપણે આ રીતે તેમનું નામ કોઈ રસ્તા અને ગાર્ડન સાથે જોડી શકીએ ખરા? એટલે ‘પ્રોપર ચેનલ’ દ્વારા પંચમ જયોર્જની અનુમતિ માટે અરજ ગુજારવામાં આવી. નેક નામદારની પરવાનગીની રાહ જોઈ જોઈને ટ્રસ્ટ તો થાક્યું. છેવટે વિચાર્યું કે આપણે તો નેક નામદારને માન જ આપવું છે ને! એટલે આગળ વધો. ૧૯૧૬માં સરસ મજાનો ગોળ બગીચો બનાવ્યો તેને નામ આપ્યું કિંગ્સ સર્કલ ગાર્ડન. ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીનો રસ્તો તો નહિ, પણ એલ્ફિન્સ્ટન રોડ પરના જૂના ટ્રામ ટર્મિનસ સુધીના રસ્તાને નામ આપ્યું કિંગ્ઝ વે. એ વખતની જી.આઈ.પી. રેલ્વેની હાર્બર લાઈન પરના નજીકના સ્ટેશનનું નામ પણ કિંગ્ઝ સર્કલ.  

જેમના પરથી કિન્ગ્ઝ સર્કલ નામ પડ્યું તે શહેનશાહ પાંચમાં જ્યોર્જ

૧૯૪૭ પછી ધીમે ધીમે અંગ્રેજોનાં નામ હટાવવાની અને નવાં નામ આપવાની શરૂઆત થઈ. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કિંગ્ઝ ગાર્ડનનું નવું નામ પડ્યું, બી.એન. માહેશ્વરી ઉદ્યાન. આ નવા નામની તકતી મોરારજી દેસાઈને હાથે મૂકાઈ હતી. એ વખતે તેઓ કેન્દ્રીય સરકારમાં નાણાં મંત્રી હતા. એ વાતને લગભગ ૬૦ વરસ થયાં, પણ આજે ય મુંબઈના ઘણા લોકો તો આ જગ્યાને કિંગ્ઝ સર્કલ તરીકે જ ઓળખે છે. અને અત્યાર સુધી તો સેન્ટ્રલ રેલ્વેએ સ્ટેશનનું નામ બદલ્યું નહોતું. પણ હવે બદલાઈને થશે તીર્થંકર પાર્શ્વનાથ સ્ટેશન. એક કાંકરે બે પક્ષી. અંગ્રેજ રાજાનું નામ આઉટ, અને મુંબઈના જૈન મતદારો ખુશ. 

જો કે સત્તાવાર રીતે ભલે નામો બદલાય. લોકજીભે તો મોટે ભાગે જૂના નામ જ તાકી રહે છે. કોઈ ટેક્સી ડ્રાઈવરને કહી જોજો : ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બલવંત ચોક લઈ જા’ ‘એ વળી ક્યાં આવ્યો? મને તો ખબર નથી.’ ‘મેટ્રો સિનેમા પાસે.’ ‘અરે તો ધોબી તળાવ જવું છે એમ કહોને. ખાલી પીલી હેરાન શું કામ કરો છો? રસ્તાનાં કે સ્ટેશનનાં નામ બદલવાની વાતો સાંભળીને મુંબઈના નાગરિકો પણ મનમાં તો આવું જ કૈક બોલતા હોય છે : નામ બદલવાથી અમને શો લાભ? તમારાં કામ બદલો ને! 

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 16 માર્ચ 2024 

Loading

16 March 2024 Vipool Kalyani
← भाजपा शासन और भारतीय प्रजातंत्र व संविधान को खतरे
દયાનંદ સરસ્વતીનું જે મૌલિક યોગદાન હતું તેની ઉપેક્ષા કરવામાં આવી છે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved