Opinion Magazine
Number of visits: 9506067
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ

ચંદુ મહેરિયા|Opinion - Literature|20 May 2015

બહુ નાની ઉંમરે મોટા થઈ જવાયેલું. એના કારણોમાં તો ગરીબી અને અભાવોને કારણે આવી પડેલી જવાબદારીઓ હતી. પણ એમાં મિત્રો પણ એક કારણ છે. મને નાની ઉંમરે મોટી ઉંમરના મિત્રો મળેલા. જુવાન હતો ત્યારે મારા કરતાં એક-દોઢ-બે દાયકા મોટા નીરવ (પટેલ), દલપત (ચૌહાણ), ઈન્દુભાઈ (જાની) અને હર્ષદભાઈ (દેસાઈ) સાથે ગાઢ દોસ્તી હતી. આજે વન વળોટી ચૂક્યો છું ત્યારે ઉર્વીશ (કોઠારી), સંજય (ભાવે) અને જિજ્ઞેશ (મેવાણી) જેવા મારા કરતાં ઉંમરમાં એક દોઢ-બે-દાયકા નાના છે એવા આત્મીય અને અંતરંગ મિત્રો છે. સમવયસ્ક મિત્રોનું હોવું એ વરદાન છે કે શાપ એ તો ખબર નથી પણ ઉંમરનું આ અંતર ગાઢ દોસ્તી છતાં અમુક અંતર બનાવી રાખે છે.

મિત્રો વિશે વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે સ્કૂલ કે કોલેજકાળના કોઈ મિત્રો પણ એવા રહ્યા નથી કે જેમની સાથે આજે દોસ્તી ટકી હોય. બહુ કાચી વયના, સાવ બાળપણના કે કિશોરાવસ્થાના જે બે મિત્રો ઘણીવાર સાંભરે છે તે સાયમન પાઉલભાઈ ગામડિયા અને રહેમતુલા અલ્લારખા મનિયાર. એક ખ્રિસ્તી અને બીજો મુસ્લિમ. પ્રાથમિક શાળામાં અમે સાથે ભણતા અને નજીકમાં રહેતા. સાયમન બહુ નાની ઉંમરે ગુજરી ગયો અને રહેમતુલાએ ભણવાનું છોડી દીધું. એટલે આજે ઝાઝો સંપર્ક રહ્યો નથી. પણ એમની અનેક સ્મૃિતઓ માનસપટ પર અંકિત થયેલી છે.

પૂર્વ અમદાવાદની રાજપુરની દલિત-ગરીબ શ્રમિક વિસ્તારની અબુકસાઈની ચાલીમાં, હીરાલાલની ચાલીના જાજરૂ સામે જ સાયમનનું ઘર. ઘર કહેતાં ભાડાનું ઝૂંપડું (છાપરું). સાયમનના પિતા પાઉલભાઈ અને માતા પ્રીતિબહેન. કુલ છ ભાઈ-બહેનોનાં વસ્તારી કુટુંબમાં સાયમન સૌથી નાનો. સાયમનના પિતા પાઉલભાઈ, જૉસેફ મૅકવાનના ગામ ગામડીના દેશી ખ્રિસ્તી. એમના બાપા કે દાદા કદાચ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બન્યા હશે. સાયમનના મમ્મી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં નર્સ તો સાયમનના પિતા અને તેના બે મોટાભાઈ મિલમાં કારખાનામાં નોકરી કરે.

નાના હતા ત્યારે અમારી ચાલીમાં મારી ઉંમરના ઘણાં લોકો માટે સુખી માણસના પહેરણ જેવું જે સુખી ઘરનું સરનામું હતું તે સાયમનનું ઘર. એ જમાનામાં સાવ જ મોર્ડન લાગે એવું એમના ઘરનું વાતાવરણ. સાયમન શાયદ એની માને ‘મમ્મી’ કહેતો. એના પિતા પાઉલભાઈ વર્કિંગ વુમન પત્નીનો હાથ બટાવવા સદા તત્પર રહેતા. એમને શાક સમારતા જ નહીં જાતભાતની રસોઈ કરતાં જોયા છે. દૂધી કે કારેલાનું શાક એ છાલ કાઢ્યા સિવાય સરસ અને સ્વાદિષ્ટ બનાવતા તો મચ્છી તો પાઉલના હાથની – એવી ચાલીમાં વાતો થતી રહેતી. એમના ઘરમાં હંમેશાં હળવું અને હસી-મજાકનું વાતાવરણ રહેતું. સાયમન ઘરમાં પણ સ્લીપર પહેરતો. હસી-મજાક કરતાં એ બધાં ભાઈ-બહેનો પિતાને ક્યારેક ધબ્બો પણ મારી લેતાં. એમના ઘરે બધા શુદ્ધ ગુજરાતી બોલતાં. સુખી માણસ, સુખી ઘર કેવું હોય તે સાયમનનું ઘર જોઈને, એના ઘરનું વાતાવરણ જોઈને લાગતું. એ વખતે ઘરની સામે જ ચાલીના જાજરાંની ગંધ છે એની કશી વિસાત જ નહોતી.

રોજ બપોરના સ્કૂલે જવાના સમય પહેલાં હું અડધો કલાક – કલાક વહેલા સાયમનના ઘરે પહોંચી જતો. એ ય મારી જ શાળામાં, મ્યુિનસિપલ સ્કૂલમાં ભણતો. સાયમનના ઘરે હું પહોંચું પછી અગિયાર-સાડા અગિયારે એ નાહવા બેસતો. સાયમન જે રીતે સુગંધીદાર સાબુ ચોળી ચોળીને બહોળા પાણીએ નાહતો, એના અલગ ટુવાલથી શરીર લૂછતો, શરીર પર પાઉડર છાંટતો, માથામાં તેલ નાંખતો. ધોયેલો-ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ અને પગમાં બૂટ પહેરતો – એ બધું હું ફાટ્યા ડોળે જોયા કરતો. ક્યારેક મને પણ સાયમન જેવું નાહવા-રહેવા-પહેરવા મળશે એના સપનાં જોયા કરતો. સાયમનના સુખનું, એના ઘરના વાતાવરણનું સાચું કારણ એના વડવાઓએ કરેલું ધર્માંતર છે એ તો બહુ મોડેથી સમજાયેલું. એમને એમની ખ્રિસ્તી ઓળખ બદલ મિશનરીઓની આર્થિક અને બીજી મદદ મળી રહેતી. એ એટલી હદની કે મસ્કા જેવી મોંઘી વસ્તુ વધે તો એ પાડોશીઓને પણ આપી દેતાં. સાયમન શરીરે હૃષ્ટપુષ્ટ અને ગોરો. પણ ભણવામાં સરેરાશ હતો. ઉંમર સહજ છેલબટાઉપણું પણ ખરું. એટલી કાચી વયે એ સ્કૂલની કોઈ છોકરીને ‘લવ’ કરે છે એમ કહેતો ને એના ફોટા ખિસ્સામાંથી કાઢી બતાવતો. પછી મોટી ઉંમરે ખબર પડેલી કે સાયમન મને જે છોકરીના ફોટા બતાવતો એ સ્કૂલની કોઈ છોકરીના નહોતા પણ ‘બૉબી’ ફિલ્મની ડિમ્પલ કાપડિયાના ફોટાની કાગળની છાપો હતી. સાયમનના ઘરે નાતાલમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું. આસપાસની સઘળી હિંદુ દલિત વસ્તીમાં એક સાયમનના ઘરે જ નાતાલનો તારો લટકાવાતો. સાયમન ઘરના ખ્રિસ્તી સંસ્કારો અને વાતાવરણને ‘મા’ અને ચાલીની બીજી સ્ત્રીઓ ચાલીના લગભગ દર લગ્ન વખતે યાદ કરતાં અને હસી હસીને બેવડ વળી જતાં. વાત એમ બનેલી કે સાયમના ભાઈ ડેવિડના લગ્ન હતા ત્યારે સાયમનનાં મમ્મી પ્રીતિબહેન ચાલીમાં બધે સ્ત્રીઓને બોલાવવા નીકળેલાં. શુદ્ધ ગુજરાતીમાં એ કહેતાં : ‘લો ચાલો મારા ઘરે. ડેવિડને કાઢવાનો છે.’ ખ્રિસ્તી સંસ્કારમાં રમમાણ પ્રીતિઆન્ટીના શબ્દકોશમાં જાન કે વર ઉઘલાવવા જેવો શબ્દ જ નહોતો. તો પછી ‘મગબાફણા’ જેવા શબ્દની તો એમને ક્યાંથી ખબર હોય.

રહેમતુલા ગોમતીપુરના મનિયારવાડામાં રહે. ગોરો ગોરો એનો વાન. એના અબ્બાજાન મનિયારવાડાના નાકે જ આવેલી મટનની દુકાને કામ કરે. નાનપણમાં એના ઘરે અનેકવાર ગયો છું. એનું ઘર મોટું અને કુટુંબ વસ્તારી. મનિયારવાડાની આ મુસ્લિમ વસ્તીમાં બકરીઓ અને મરઘાં વચ્ચેથી માર્ગ કાઢીને રહેમતુલાના ઘરે પહોંચવું પડે. એ વખતે ક્યારે ય હિંદુ-મુસ્લિમના ભેદ નથી લાગ્યા. રહેમતુલાના ઘરે ઈદના દિવસે ‘સેવૈયા’ ખાધા છે તો બકરીઈદના રોજ એના ઘરેથી કુર્બાનીનો પ્રસાદ પણ મારા ઘરે આવ્યો છે. રહેમતુલાને રોજા રાખતો અને નમાજ પઢતો પણ જોયો છે.

સાયમન અને રહેમતુલાના કારણે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના રીતરિવાજો-સંસ્કાર-વર્તનનો પરિચય થયો છે. બાઈબલ અને કુરાન, ચર્ચ અને મસ્જિદ, કબ્રસ્તાન અને મૈયત, કુર્બાની કી ખાલેં અને ફાડા, ઉર્સ, ઝિયારત અને સાન્તા ક્લોઝ, જુબાં અને નિયાઝ, સુન્નત, બાપ્ટિઝમ અને પ્રભુ ભોજન જેવા શબ્દો સંસ્કારો અનાયાસે મારા ભાવપ્રદેશમાં બહુ વહેલેરા પ્રવેશી ચૂક્યા હતા.

અમારા રાજપુર વિસ્તારમાં મરિયમબીબીની મસ્જિદ પાસે મુસ્લિમોની લગોલગ ખ્રિસ્તીઓનાં ઘરો. મારા ઘરથી ઊગમણા જઈ સહેજ ફંટાઈએ તો પહેલાં જથ્થાબંધ મુસ્લિમ વસ્તી અને પછી ગોમતીપુર ગામની ઉજળિયાત વસ્તી. તો આથમણે રાજપુરની ચાલીઓ વટાવી મરિયમબીબી મસ્જિદના ચોક આસપાસની ચાલીઓમાં ખ્રિસ્તી વસ્તી.

ખ્રિસ્તી ધર્મ સાથેનો મારો નાતો મારા જન્મ સમયથી છે. માત્ર મારો જ નહીં મારા સઘળાં ભાંડુરાંનો અને કદાચ આખા રાજપુરના મારી ઉંમરના દલિત-ખ્રિસ્તી-મુસ્લિમ બાળકોનો જન્મ જ ‘મધરનું દવાખાનું’ કહેતા સેન્ટ મેરિસ નર્સિંગ હૉમમાં થયો છે. મધરના દવાખાને લગભગ મફત પ્રસૂતિ થાય, સારી દેખભાળ લેવાય અને વળી ડિસ્ચાર્જ પહેલાં મધર બાળકને દવાખાનાના માતા મરિયમના દેવળે લઈ જઈ આશીર્વાદ અપાવે એનો ભારે મહિમા. દલિતોમાં ખ્રિસ્તી ધર્મની અસર એટલી તો વ્યાપક કે ‘બા’ એ (બાપાને અમે બા કહેતાં) એમના જમણા હાથના રામના છુંદણા પર ક્રોસ ચિતરાવી દીધેલો. અમારા વિસ્તારની દલિતોની ચાલીઓમાં હિંદુ દેવી-દેવતાના થાનકોને લોકો ‘મંદિર’ તરીકે નહીં, ‘દેવળ’ તરીકે જ ઓળખતા. બળિયા દેવનું ય દેવળ અને મહાકાળીનું ય દેવળ.

ચર્ચનો એક બીજો ય મહિમા મને યાદ છે. અમારી ચાલીઓમાં જુવાન છોકરા રોજ અડધો સૂરજ માથે આવે ત્યાં સુધી ઘોરતા રહે. પણ દર રવિવારે એ વહેલા ઊઠી, જબરી ટાપટીપ કરીને ચર્ચની બહાર ખડા થઈ જતા. એમનું આમ વહેલા ઊઠવું, બની ઠનીને ચર્ચ આગળ ઊભા રહેવાનું કારણ પણ પાછળથી સમજાયેલું. એમને રૂપાળી ખ્રિસ્તી છોકરીઓ જોવાનું, એમને સમયવસ્ક છોકરાઓ સાથે શૅકન્ડેન્ડ કરતી કે હગ કરતી જોવાનું અને લાળ ટપકાવવાનું બહુ ગમતું. ચર્ચ પૂરું થતાં જ મટનની દુકાનોએ ભારે ભીડ થતી. પ્રભુભક્તિ અને પ્રભુભોજન બાદ બપોરના લંચ માટે મટનની ખરીદી એ ખ્રિસ્તીઓનો રવિવારની સવારનો અતૂટ નિત્યક્રમ રહેતો.

રાજપુરમાં એ જમાનામાં હિંદુ-ખ્રિસ્તી-મુસ્લિમ તહેવારો ધામધૂમથી મનાવતા. પણ એમાં નાતાલના ગરબાનું જુવાનોને ભારે આકર્ષણ. રાજપુર મરિયમબીબી મસ્જિદના ચોકથી સેન્ટ જોસેફ સ્કૂલ સુધીના જાહેર રસ્તે એ દિવસોમાં ગરબા અને ડાન્સ થતા. આ ગરબા રાત્રે જ નહીં, ડિસેમ્બરની શિયાળુ બપોરે પણ થતા. ચાલીઓની હિંદુઓના નોરતાના ગરબામાં મોટે ભાગે સ્ત્રીઓ જ ગરબે ઘૂમતી પણ નાતાલના ગરબામાં સ્ત્રી-પુરુષ જોડાજોડ ઘૂમતાં. એમને જોવા હિંદુ દલિતોની ભારે ભીડ રહેતી. જુવાન ખ્રિસ્તી છોકરા-છોકરીઓને જોડાજોડ ગરબે ઘૂમતાં, ઠઠ્ઠામશ્કરી અને હસી-મજાક કરતાં જોઈને અમને અમારું પછાતપણું બહુ કઠતું. નાતાલના દિવસોમાં રાજપુરના ચાર રસ્તા ઉમંગ-ઉલ્લાસ અને રોશનીથી ઝગમગી ઉઠતા. આખાયે શણગારેલા રસ્તા પરથી નાતાલનું જુલુસ નીકળતું. શણગારેલી ટ્રકોમાં સાંતાક્લોઝ હોય, ભજનમંડળીઓ હોય, ડાન્સ અને ગરબા થતા હોય. માઈક પરથી એમ પણ કહેવાતું : ‘આજુબાજુ વસતાં હિંદુ ભાઈ-બહેનોને કદાચ ખબર નહીં હોય કે આ સાંતાક્લોઝ શું છે એટલે હું એમને જણાવું કે …’ આમ કહેનાર ખ્રિસ્તી જુવાનની આગલી પેઢી દલિત હિંદુ હતી એ વાત તે સાવ જ વિસરી ગયો હોય પણ આવું સાંભળનારા દલિતોને પણ એમાં કશું અજુગતું ન લાગતું !

રાજપુરની મ્યુિનસિપલ ગુજરાતી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પુરું થયું અને ગોમતીપુર ગામની સારી ગણાતી ડેમોક્રેટિક હાઈ સ્કૂલમાં દાખલ થયો. અમારા ઘરની સાવ નજીક ‘ફાધરની સ્કૂલ’ કહેતાં સેન્ટ જોસેફ હાઈ સ્કૂલ આવેલી હતી. દલિત-મુસ્લિમ વસ્તીની વચ્ચે આવેલી આ મિશનરી શાળામાં કદી ભણવાનું ન મળ્યું એનો વસવસો કાયમ રહ્યો છે. આ સ્કૂલમાં ભણવાનું એક આકર્ષણ તો ત્યાંના સારા અંગ્રેજી શિક્ષણનું અને ખાસ કરીને તો કર્સીવ હેન્ડરાઇટિંગનું હતું. અમને ડેમોક્રેટિકવાળાને આવા કર્સીવ હેન્ડરાઇટિંગ નથી આવડતા અને સેન્ટ જોસેફવાળાને આવડે છે એની કાયમ નાનમ લાગતી.

મારા શાળાકાળના ખ્રિસ્તી શિક્ષકોની પણ એક અમીટ છાપ કાયમ રહી છે. થેરસ્યાબહેન અને ઈમાનુએલસાહેબ સવિશેષ ઉલ્લેખનીય છે. થેરસ્યાબહેનનું ઘર બરાબર રાજપુર ચાર રસ્તા પર. એમના સસરા રેડિમેડ કપડાંની, ખાસ કરીને સ્કૂલ યુનિફોર્મની ફેરી કરતા તો પતિ સરકારી અધિકારી હતા. મારા તદ્દન ચિંથરા થઈ ગયેલા બુસકોટના બદલામાં થેરસ્યાબહેને મને એમના સસરા પાસેથી બે પહેરણ મેળવી આપેલા તે યાદ છે. જો કે એ પહેરણ મને બહુ મોટા પડતાં તે મોટાભાઈએ રાખી લીધેલા અને મેં લીંટાળી બાંયવાળો ચિંથરિયો બુસકોટ પહેરીને સ્કૂલે જવાનું ચાલુ રાખ્યું. અમને પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી એક ક્રિશ્ચયન મેમ ભણાવતા. અમે એમને ‘ઇંગ્લિશ ટીચરી’ કહેતા ! ડેમોક્રેટિક હાઈ સ્કૂલમાં મારા અંગ્રેજીના શિક્ષક પણ એક ક્રિશ્ચયન હતા. માતા મેરી જેટલા જ દયાળુ થેરસ્યાબહેને બાળપણમાં મારી ગરીબીની દયા ખાધેલી અને મને પહેરણ આપેલું. તો હાઈ સ્કૂલના ક્રિશ્ચયન ઈંગ્લિશ ટીચરે હું હજુ નવમા ધોરણમાં હતો ત્યારે જ એમનું ટ્યુશન નહીં રાખું તો નાપાસ થઈશ એવી બીક બતાવેલી. ‘બા’ના એકલાના મિલના પગારમાં વસ્તારી કુટુંબ માંડ નભતું હતું. ત્યાં ટ્યુશનના પૈસા ક્યાંથી કાઢવા. વાલીદિને જ્યારે ‘બા’ને મોઢામોઢ આ ટ્યુશનની વાત કરવામાં આવી ત્યારે એમણે એમની ગરીબી અને મજબૂરીના રોદણાં રળવાને બદલે ક્રિશ્ચયનસરને ટાઢકથી કહેલું : ‘સાહેબ મને મારા છોકરાની મહેનત પર ભરોસો છે. એ જરૂર અંગ્રેજીમાં સારા માર્કસ લાવશે.’ અને ક્રિશ્ચયનસરના ટ્યુશન વિના જ એ જમાનામાં (૧૯૭૭) અધધ કહેવાય એવા ૧૦૦માંથી ૭૦ માર્કસ અંગ્રેજીમાં લાવીને મેં ‘બા’ ને સાચા પાડેલા!

હું કે મારા બીજાં કોઈ ભાઈ-બહેન સેન્ટ જોસેફ હાઈ સ્કૂલમાં કેમ ન ભણ્યા એનાં કારણોની તો કોઈ પાકી ખાતરી નથી પણ કદાચ એ સમયમાં સેન્ટ જોસેફ કરતાં ડેમોક્રેટિક વધુ સારી સ્કૂલ ગણાતી હશે કે પછી દેખાદેખી પણ હોય. પછી અમારા નબળા અંગ્રેજી અને ડેમોક્રેટિક સ્કૂલની પડતીના લીધે ‘બા’એ મારા મોટાબહેનના દીકરા અતીતને મિશનરી સ્કૂલની નર્સરી, કે.જી. કે પ્રાઈમરીમાં જ ભણાવવાનું નક્કી કરેલું. અમીતને સેન્ટ આલોઈસ કે કદાચ હેપ્પી હોમ જેવા નામની નર્સરી – પ્રાઈમરીમાં એડમિશન મળે તે માટે ‘બા’એ અતીત સાવ નાનો હતો ત્યારથી જ તજવીજ હાથ ધરી દીધેલી. મિલમાં બાપાના એક દોસ્ત હતા દામાસ. એમનું હિંદુ નામ ડાહ્યો અને ખ્રિસ્તી નામ દામાસ. ખ્રિસ્તી મિશનરીઓની ધર્માદા પ્રવૃત્તિઓમાં દામાસકાકા સક્રિય કાર્યકર હતા. અમીતનું મિશનરી સ્કૂલમાં એડમિશન પાકું કરી લેવા ‘બા’ આર્થિક સંકડામણ વેઠીને પણ એમના મિત્ર દામાસને દર મહિને દાનપેટે રૂપિયો-બે રૂપિયા આપતા હતા. અતીત ત્રણેક વરસનો થયો અને ‘બા’એ એના એડમિશનની વાત કરી તો દામાસ ગલ્લાતલ્લા કરવા માંડ્યા અને આખરે અતીતને ત્યાં એડમિશન ન મળ્યું. એ પછી દામાસકાકા જ્યારે જ્યારે પણ ઘરે આવતા ત્યારે ‘બા’ એમને ‘ડાહ્યા’ તરીકે જ બોલાવતા !

મિશનરીઓની વટાળપ્રવૃત્તિ વિશે ઘણું વાંચ્યું સાંભળ્યું છે. આજે ખુદ સંઘસુપ્રીમો મધર ટેરેસાની સેવાપ્રવૃત્તિમાં ખ્રિસ્તી ધર્મ પ્રચાર ભાળે છે ત્યારે અને સાતમા દાયકાના અંત ભાગની અને આઠમા દાયકાના આરંભની મારી લેખન પ્રવૃત્તિનું તીવ્ર સ્મરણ થાય છે. મારી બાયલાઈન સાથે પ્રથમવાર કોઈ સામયિકમાં મારો લેખ છપાયો હોય તો તે મધર ટેરેસા વિશેનો હતો. એ સામયિક એક જ્ઞાતિપત્ર હતું, હિંદુ જ્ઞાતિપત્ર. ઔદિચ્ય બ્રાહ્મણોનું જ્ઞાતિપત્ર, નામે ‘ઔદિચ્ય સમાચાર’. એના તંત્રી-સંપાદક મારા એક બ્રાહ્મણ શિક્ષક મહેશ એમ. ત્રિવેદી હતા. એમણે જ મારી પાસે આ લેખ લખાવેલો. બ્રાહ્મણોના મુખપત્રમાં, દલિત વિદ્યાર્થીનો ખ્રિસ્તી મધર ટેરેસા વિશેનો લેખ.

આવું જ એક બીજું સ્મરણ. મારો પહેલવહેલો ફોટો કોઈ દલિત સામયિકમાં નહીં, સંઘ પરિવારના સામયિક ‘સાધના’માં છપાયેલો. પ્રસંગ હતો ૧૪મી એપ્રિલે અમદાવાદના સારંગપુર સર્કલે યોજાયેલી સંઘ પરિવારની વિદ્યાર્થી પાંખ ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ની આંબેડકર વંદના રેલીનો. આ વિદ્યાર્થી રેલીને એ વખતના અમદાવાદના પ્રથમ દલિત કૉંગ્રેસી મેયર જેઠાભાઈ પરમારે પ્રસ્થાન કરાવેલું. ‘સાધના’ના તંત્રી વિષ્ણુ પંડ્યાએ આંબેડકર પ્રતિમાએ કૌતુકવશ એ.બી.વી.પી.ની રેલીને નિહાળી રહેલા મને પણ વિદ્યાર્થી કાર્યકર તરીકે એ રેલી સામે ખડો કરી દીધેલો. પછી ‘સાધના’માં એનો અહેવાલ ફોટા સાથે છપાયેલો.

આજે ઔદિચ્ય બ્રાહ્મણોના મુખપત્રમાં દલિત વિદ્યાર્થીનો ખ્રિસ્તી મધર ટેરેસા વિશેનો લેખ કે એ.બી.વી.પી.ની રેલીને કોઈ કૉંગ્રેસી મેયર પ્રસ્થાન કરાવે તે સ્વપ્નવત્ લાગે છે પણ આ પણ હકીકત હતી !

વટાળ અને ઘરવાપસીના વર્તમાન માહોલમાં જે એક વસ્તુ, સ્પષ્ટપણે કહેવી છે તે એ કે મારી ચાલીમાં જ પાંચ-દસ ઘર એવા હતા જ્યાં ખ્રિસ્તી મિશનરીઓ નિયમિતપણે અનાજ અને બીજી મદદ પહોંચાડતા હતા. પરંતુ તેમાંનું કોઈ કુટંબ કે એકાદ વ્યક્તિ પણ કદી વટલાઈને ખ્રિસ્તી થઈ નથી. ઉપરથી મેં આસપાસની ચાલીના ખ્રિસ્તીઓને આપમેળે હિંદુ નામ-અટક-ઓળખ ધારણ કરી લેતા જોયા છે. એમાંનું એક કુટુંબ તો અહીં ગાંધીનગરમાં મારું પાડોશી છે અને હવે આટલા વરસે ‘મા’ એમને એમના ખ્રિસ્તી નામ-ઓળખે સંબોધે છે તો એમને એ કશુંક જૂદું જ લાગે છે.

એટલે ખ્રિસ્તી મિશનરીઓ સેવા અને મદદ કરી ધર્માંતર કરાવતા હોવાની વાત મને રાજપુરના ખુદના મર્યાદિત અનુભવે જરા ય સાચી લાગી નથી. હા, ખ્રિસ્તી મિશનરીઓની દયાવૃત્તિ દલિતો અને ઈતર ગરીબોના માનવ અધિકારની લડત બનતી મેં જોઈ નથી. મારા બાળગોઠિયા સાયમને ભણવાનું છોડી દીધું અને પાઈલોટ ડેરીમાં એ મજૂરીએ વળગી ગયો. ત્યાં તેની પર દૂધના કેનની ચોરીનું આળ મૂકાયું અને પોલીસના અસહ્ય મારથી અઠવાડિયું રિબાઈને તે મરી ગયો. સાયમન પરનો આ અત્યાચાર ન દલિતો માટે, ન ખ્રિસ્તી મિશનરીઓ માટે કોઈ મુદ્દો બન્યો હશે. સાયમનનું કુટુંબ જે ઝૂંપડામાં રહેતું હતું તેમાં એક – આડો રૂમ અને ઊભી પરસાળ હતી. જ્યારે ટી.પી. સ્કીમ આવી ત્યારે એમની પરસાળનો થોડો ભાગ જ કપાતમાં ગયો એટલે વિસ્થાપિત તરીકે એમને સ્લમ ક્વાર્ટસમાં મકાન ન મળ્યું. એમના મકાન માલિક મહીજીડોસાએ મકાન ભેળું છાપરું પણ વેચી દીધું અને નવા મકાન માલિક સાયમનના કુટુંબને ભાડે રાખવા રાજી નહોતા એટલે રડતાં કકળતાં એમણે ઘર છોડ્યું. રાન હાન અને પાન પાન થઈ ગયેલું એ કુટુંબ આજે તો વિખરાઈ ગયું છે અને મારું બચપણનું સાયમનના સુખી ઘરનું – સપનું યુવાની આવતા આવતાં જ મુરઝાઈ ગયું હતું.

કર્સીવ હેન્ડરાઇટિંગ અને કડકડાટ અંગ્રેજીનું સપનું સેન્ટ જોસેફ હાઈ સ્કૂલમાં ભણવાનું ન મળતાં પૂરું ન થઈ શક્યું પણ મોટાભાઈએ અમદાવાદની વિખ્યાત સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને વાચન અને વિચારની એક નવી દુનિયા અમારા સૌ માટે ખોલી આપી એ મોટું આશ્વાસન જરૂર છે.

e.mail : adhikar2005@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 12-14

Loading

20 May 2015 admin
← ચાલો, કવિતા માણીએ
અમે બીજા કરતાં જુદા અને અમે બીજા કરતાં ઊંચા આ બે ટિપિકલ ભારતીય બીમારીઓ છે →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved