વરસ વીતવામાં છે ત્યારે બીજું શું કહેવું, સિવાય કે આંબે આવશે મહોર ને વાત કરીશું પહોર …
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબહેન પોતપોતાનાં કાર્યકાળના પ્રથમ વર્ષ પૂરું થવાના ઉંબરદિવસોમાં આવતે અઠવાડિયે ચીનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યાં છે ત્યારે કમબખ્ત ‘વધામણી’ પણ કેવી મળે છે! વણઝારા બીજા લેટરબોમ્બ કે પત્રપ્રસ્ફોટ સાથે પડમાં હાજરાહજૂર છે અને કહે છે કે તમે (ગુજરાત સરકારે) આઈ.પી.એસ. જોહરીને એટલા વાસ્તે બઢતી આપી છે કે અમિત શાહ અને પી.સી. પાંડેને બચાવી શકો. વણઝારા અલબત્ત મોદી મહિમા મંડનને મોરચે ક્યારેક દંતકથાના તો ક્યારેક લોકગીતના નાયક રહ્યા છે. એમણે તે સારુ શો ઉજમ કીધો હશે તે જાણવાનું ગજું આ રાંક બાપડું નાગરિકડું ક્યાંથી લાવી શકવાનું હતું? માત્ર, તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે એમણે ‘ભગવાન ભગવાન ન રહા’ની તરજ ઉપર તેમ જ ગુરુ પણ ઝડપાયાની આક્રોશભરી વેદના સાથે પહેલો પત્રપ્રસ્ફોટ કર્યો હતો તે આપણે જરૂર જાણીએ છીએ.
રક્તરંજિત વિજયગાથા હવે અશ્રુસિક્ત બનવા લાગી છે, અને આ આંસુ તીખાં પણ છે. ભ્રમનિરસનની શક્યતાના એક દોરમાં તેઓ પસાર થઈ રહ્યા હોય એમ બને. બેશક, એ કોઈ ખાતરી નથી કે વીરનાયકવશ ગુજરાતને માટે એથી ભ્રમનિરસન અનિવાર્યપણે થશે જ. એક કાળે ગુજકોક, ગુજકોક એવું ડમરુ ત્રિકાળસંધ્યા પેઠે ધૂણતું હતું. હવે ગુજસીટોક નામે એક નવ્ય અવતારે દેખા દીધી છે. જો કે, વિધિવૈચિત્ર્ય એ છે કે પૂર્વે યુ.પી.એ. સરકાર ગુજરાતની ભા.જ.પ. સરકારના આ પ્રકારના કાયદાને તપાસલાયક માનતી હતી એવા જ હાલ કદાચ એન.ડી.એ. સરકાર હસ્તક પણ છે … આ કડક કાયદા કોવિદોની સૂઝબૂઝ વિશે તો શું કહેવું! અક્ષરધામ કેસમાં પરબારા પકડી પાડેલા લોકો અગિયાર અગિયાર વરસના કારાવાસ પછી ‘નિર્દોષ’ પુરવાર થઈને છૂટી શકે છે. અલબત્ત, કુદરત કને પણ કવિન્યાય સરખી સૂઝબૂઝ છે એ તો કહેવું જ પડે: નમોની શપથઘટના અને આ મુક્તિઘટના બેઉ સાથોસાથ બનેલી બીના છે.
અહીં કોઈ આ કલીમઘસીટુને રોકી શકે, ટોકી પણ શકે કે તમે જૂની ગતમાં જ ક્યાં સુધી ચાલશો. હશે ભાઈ, જૂનીનો છેડો પકડીને થોડી નવી વાત કરીએ. વીર વણઝારા જ્યારે જામીન પર છૂટ્યા ત્યારે પ્રાયોજિત ટોળું ખાસું જમા થયું હતું, અને ‘અચ્છે દિન આ ગયે’ની રણહાક સાથે એમણે એન્ટ્રી મારી હતી. ત્યારની ધડબડાટીથી ઈડિયટ બોક્સનો નાનો પડદો બચાડો ફાટુંફાટું હતો. ‘અચ્છે દિન’ની મોદી શૈલી અને વણઝારા શૈલી વચ્ચેનું સામ્ય અગર તો તત્રલુપ્તા સરસ્વતીનું રહસ્ય, ફરીથી કહું, રાંક બચાડું નાગરિકડું તો ક્યાંથી જાણી શકે. પણ આવું આવું ‘અચ્છે દિન’ની અસલિયત વર્ષાન્તની અણીએ શું છે એનો અચ્છો ઊહાપોહ આ દિવસોમાં ખુદ નમો ભા.જ.પ. છાવણીમાંથી જ ઊઠ્યો છે, અને તે પણ એ ત્રિમૂર્તિ મારફતે ઊઠ્યો છે જેણે ભા.જ.પ.ની સત્તાવાર જાહેરાતના ઠીક ઠીક સમય અગાઉથી વડાપ્રધાનપદે મોદી-પક્ષે પણની ખુલ્લંખુલ્લા હિમાયત બેબાકપણે કરવા માંડી હતી.
અરુણ શૌરિ, રામ જેઠમલાની અને સુબ્રમણ્યમ સ્વામીની આ ત્રિમૂર્તિ વિશે, બને કે, કોઈ કમારપટા તળેની ટીકા પણ કરે કે આ સાહેબોને દ્રાક્ષ ખાટી લાગે છે. જેઠમલાની અને સ્વામીનો ટ્રેક રેકોર્ડ સંમિશ્ર તરેહનો છે એમ કહેવામાં વાસ્તવકથન માત્ર છે. પણ શૌરિ જ્યારે ટીકાવચનો ઉચ્ચારે છે ત્યારે એને કેવળ ‘દ્રાક્ષામ્લ ન્યાય’ની રીતે ખતવી શકાય એમ સ્વાભાવિક જ નથી. ભલે, ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવી એમની સૂરતમૂરત તાજેતરનાં વરસોમાં રહી હોય, શૌરિની બૌદ્ધિક પ્રતિભા અને જેહાદી પત્રકારિતાની એક પૃષ્ઠભૂ ચોક્કસ જ છે. એમને કશું એડ્વાઈઝરું અગર એવુંતેવું ન અપાયું. એથી એ યદ્ધાતદ્ધા બોલે છે એમ કહેવું ઉતાવળું લેખાશે. આજની તારીખે પણ મોદી જ ‘ધ લીડર’ની ગુંજાશ ધરાવે છે તે વિધાનને એ પૂર્વવત્ વળગી રહ્યા છે. 2009માં અડવાણી સત્તાવાર ધોરણે ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગ’ હતા ત્યારે પણ શૌરિએ અમારી પાસે અડવાણી ઉપરાંત મોદીનો પણ સક્ષમ વિકલ્પ છે એવું કહેતાં સંકોચ નહોતો કર્યો. પણ શૌરિના મતે જેટલે ‘ગાજોવાજો’ છે એની સામે જમીન સચ્ચાઈ ખાસી ઓછી છે.
વચ્ચે એકના એક અરુણ જેટલી અને આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રણ્યન ભારતની સિદ્ધિઓ અને શક્યતાઓના નવ્ય નમો યુગના લોબીઈંગ વાસ્તે વોશિંગ્ટન જઈ આવ્યા ત્યારે જેટલીએ જે વાતો કરી એને શૌરિએ નકરી ‘લોયરલી’ એટલે કે વકીલબહાદુર એમને જે બાજુની ફી મળી હોય તેની બ્રીફ તથ્યનિરપેક્ષપણે ભારી જમાવટથી કરે એવી રજૂઆત તરીકે ઓળખાવી છે. જેટલીનું બજેટ, શૌરિના મતે, ચિદમ્બરમની પરંપરામાં કાતર ને ગુંદરના કસબ ઉર્ફે ‘કટ એન્ડ પેસ્ટ જોબ’થી વિશેષ નથી. ફાઈલોની થપ્પીઓ અને વિલંબાતા નિર્ણયો તેમ જ સિનિયર મંત્રીઓની નિ:સહાયતાનું દુર્દૈવ વાસ્તવ શૌરિએ બેબાક બોલી બતાવ્યું છે. આખું ચિત્ર, મેઘનાદ દેસાઈના શબ્દોમાં, ‘લુઝિંગ ધ પ્લોટ’ જેવું ઉભરી રહ્યું છે. બને કે હવેના દિવસોમાં ‘કલ્યાણ પર્વ’ પ્રકારનાં આયોજનો દરમિયાન વિશેષ નિરીક્ષા ને નુક્તેચીનીના નિમિત્તો મળી રહે પણ ઈવેન્ટ મેનેજમેન્ટ અને ઈમેજ પ્રોજેક્શન એ સુશાસનનો અવેજ નથી એટલું અવશ્ય કહેવું રહે છે.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 09 મે 2015