Opinion Magazine
Number of visits: 9449033
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્કલની શ્રેષ્ઠ વાર્તાઓ, ઉત્તમ ગુજરાતીમાં

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 December 2023

પુસ્તક પરિચય

‘શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ’ સંગ્રહમાં રેણુકા શ્રીરામ સોનીએ મૂળ ભાષામાંથી કરેલાં 49 વાર્તાઓના અનુવાદમાં વાચક કલિંગની કંગાલિયતની ઝાળ, ઉત્કલના પરિવેશની છાલક અને ગુજરાતી ભાષાની ભાવવાહિતા ત્રણેય અનુભવે છે.

સાહિત્યનાં અઢાર પુસ્તકોમાં જુદાં સ્વરૂપોની ઉડીઆ કૃતિઓ ગુજરાતીમાં લાવનાર રેણુકાબહેને પ્રસ્તુત સંગ્રહમાં ગયા દોઢસો વર્ષના ઉત્કલ-સાહિત્યના દરેક તબક્કામાંથી વાર્તાઓ પસંદ કરી છે.

એટલે અહીં ઓગણીસમી સદીના પાછલાં વર્ષોમાં લખનારા ફકીર મોહન સેનાપતિથી લઈને કોવિડકાળમાં આદિવાસીઓની દુર્દશા  પર ‘ઘરાક’ વાર્તા લખનાર સમકાલીન લેખક અનિલકુમાર પાઢી સુધીના સમયગાળાના સર્જકોની કૃતિઓ મળે છે.

‘આજની તારીખની વાર્તા’માં મ્યુનિસિપાલિટીના રોકડ ભથ્થાં વિતરણ કેન્દ્રની હરોળમાં ઊભેલો એક નેત્રહીન ભિખારી હાથ વગરની તેની સાથીની રાહ જોઈ રહેલા બાઘા નામના વિકલાંગ ભાઈબંધને પૂછે છે : ‘દરિદ્રતાની સીમારેખા શી છે, તને ખબર છે?’

થોડાંક જ કલાકના સમયગાળામાં સંપન્ન થતાં વસ્તુવાળી આ વેધક સમકાલીન કથાની જેમ આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ દરિદ્રતાની સીમારેખાની ઉપર, નીચે અને આસપાસ રહેતા લોકોના વીતકોનું બયાન છે.

અનુવાદક પ્રસ્તાવનામાં લખે છે :‘ઓડિશા ગરીબ પ્રદેશ છે. ત્યાંની આદિવાસી જનતાની હાલત વિશેષ કરીને દયાજનક છે. સાહિત્યકાર એક સંવેદનશીલ જીવ છે. એની કલમમાંથી શોષિત, નિરાધાર જનતાનાં દુ:ખદર્દની ચીસ સંભળાય એ સ્વાભાવિક છે. એ ચીસ કેવી હૃદયદ્રાવક છે તે આ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં દેખાશે.’

અનુવાદકના વિધાનની પ્રતીતિ સંગ્રહની પહેલી વાર્તા ‘રેવતી’થી થવા લાગે છે. ‘ઉત્કલના વેદવ્યાસ’ ગણાતા ફકીરમોહનની આ વાર્તા ‘ઉડીઆ ભાષામાં પહેલી ટૂંકી વાર્તા’ છે. કટક જિલ્લાના પાટપુર ગામમાં ગરીબી અને કૉલેરાને કારણે કરુણ રીતે નાશ પામતા પરિવારની આ કથામાં નાયિકાનો શિક્ષણ માટેનો તલસાટ પણ જોવા મળે છે.

આ જ નામની બીજી વાર્તા દાયકા પહેલાં નિવૃત્ત થયેલાં સનદી અધિકારી તરુણકાન્તિ મિશ્રાએ લખેલી છે. તેમાં કલાહાન્ડી જિલ્લાના સુરુગિવદર ગામનો ઘાતકી પિતા કુંટુંબની કંગાલિયતમાંથી બચવા સોળ વર્ષની દીકરીને કોલકાતામાં જઈને દેહવ્યવસાયમાં ધકેલી આવે છે.

શાંતિલતા મહાપાત્રની વાર્તામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ભાડુઆતની કુમળી વયની શાળામાં ઇનામો મેળવનાર દીકરી સુશ્રી મકાનમાલિકને ત્યાં આવેલાં કૃષ્ણ તરીકે પૂજાતા ‘મહારાજ’ની વાસનાનો ભોગ બનતા માંડ બચે છે.

રેણુકાબહેને જેમની વાર્તાઓનો આખો સંચય આપ્યો છે તે લેખક મનોજ દાસની ‘લક્ષ્મી’વાર્તા અહીં છે. તેમાં નિશાળમાં ભણતી લક્ષ્મીના પિતા એને નવું ફ્રૉક ન લાવી આપી શકે તેટલા ગરીબ છે.

એક દિવસ ભૂખી લક્ષ્મી, ગામના મંદિરમાં પૂજારી ઘોરતો હોય છે તેવા સમયે ભગવાનની સાથે મીઠા એકોક્તિની ઢબે વાત કરે છે. પછી પ્રસાદ તરીકેનાં કેળાંમાંથી બે લઈ લે છે, પૂજારી તેને પકડે છે, ગામલોક અપમાનિત કરે છે, આઘાતથી આવેલાં તાવમાં છોકરી મૃત્યુ પામે છે.

સમકાલીન લેખક, વિજ્ઞાની અને લોકવિદ્યાના જાણકાર કૈલાસ પટ્ટનાયકની વાર્તામાં ચાના ગલ્લાવાળો ખૂબ કંગાળ ગૌર મા વિનાની તેની એકની એક દીકરી હેમને મેળામાં ગુમાવી બેસે છે. તેને પાછી મેળવવા માટે ભૂવાએ આપેલો નુસખો અજમાવતાં માંદો પડે છે અને દીકરીની રાહમાં ‘કુદરતી દૃશ્ય’ જોવાની ભ્રમણામાં અસ્પતાલની પથારી પર સબડે છે. ‘યાજ્ઞસેની’ નવલકથા માટે જાણીતા પ્રતિભા રાયની ‘સજ્જન’ વાર્તામાં એક આદર્શ પણ ગરીબ શિક્ષકનું દેવાના બોજા તળે મોત થાય છે.

મહિલા લેખકોની નારીપ્રધાન વાર્તાઓમાં બીણાપાણિ મહાન્તિની ‘પાટદેઈ’ વાર્તામાં એ જ નામની નાયિકાની અત્યંત વ્યથિત જિંદગી છે. આ વાર્તાની ત્રણ સિદ્ધિઓ છે – તેના નામ સાથેના સંગ્રહને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, વાર્તાનો ‘ફેમિના’ માસિકમાં અંગ્રેજી અનુવાદ અને તેની દૂરદર્શન પર તેની નાટ્યપ્રસ્તુતિ.

પુષ્પાંજલિ નાયકની ‘પુપૂન પાછો આવ્યો નથી’માં નીચલા મધ્યમવર્ગની ખંડ સમયની અધ્યાપક માધુરીના પોતાના કુટુંબને અને પાણીદાર છતાં બેરોજગાર ભાઈ પુપૂનને સાચવવા માટેના સંઘર્ષની વાત છે.

‘કુરેઈફૂલ’માં પારમિતા શતપથી આંગણવાડી સંભાળતી આદિવાસી કન્યાની શહેરી યુવક દ્વારા પ્રેમના નાટક દ્વારા કરેલી છેતરપિંડીની વાત છે. સાથે વિકાસ ખાતર ગરીબોને આપવા પડતા ભોગનો સંદર્ભ પણ તેમાં છે.

‘સાસરીનું ગામ’માં અત્યારના ચિરશ્રી સિંહા એક સમાજસેવિકાની કથા મુખરતા વિના માંડે છે. બાળવિધવા બન્યા બાદ દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લાના ડુંગરાળ હલદીપદર પંથકમાં ગાંધી-વિનોબાનું તેમણે આદિવાસીઓ માટે અનેક પડકારોની વચ્ચે કામ કર્યું હતું.

આદિવાસીઓની તાકાત, તેમના ભોળપણ અને તેમના શોષણની વાત સ્વાતંત્ર્યપૂર્વ કાળના વાર્તા કાર ભગવતીચરણ પાણિગ્રાહીએ ‘ઇનામ’ વાર્તામાં કરી છે. આ વાર્તા ગુજરાતી માસિક ‘ઉદ્દેશ’માં  2002માં પ્રસિદ્ધ થયા બાદ ઘણી વખણાઈ હતી. 1973માં જ્ઞાનપીઠ મેળવનાર પહેલા ઉડીઆ લેખક ગોપીનાથ મહાન્તિની ‘કીડીઓ’ વાર્તામાં, ‘ખાલી હાડકાં, ચામડાં, આંખોની બખોલ’ દેખાતાં હોય તેવા કંધ જાતિના આદિવાસીઓની દુર્દશા જોઈને મહાત્ત્વાકાંક્ષી અધિકારી રમેશનું દિલ પીગળી જાય છે.

મહાન્તિ બાદ 1986માં ઉડીઆમાં જ્ઞાનપીઠ સન્માનિત સચ્ચિદાનંદ રાઉતરાય ‘સ્મશાનનું ફૂલ’ નામની વાર્તામાં ગામડામાં મડદા બાળવાવાળા જગુતિઆડીનું અજુગતું પાત્ર હચમચાવી દે તેવી વિગતો સાથે સર્જ્યું છે.

બીજું એક વિશિષ્ટ અને મનોહર પાત્ર અત્યારના લેખક વિષ્ણુ સાહુએ નારિયેળીનાં વૃક્ષોના જાણતલ શ્રમિક ચિન્તો રૂપે પ્રથમ વ્યક્તિ એકવચનની કથનરીતથી આલેખ્યું છે. ‘માની વાડી’ વાર્તામાં વાડી માટેના પ્રેમની ઉત્કટતા જેટલું જ અસકારક સંયુક્ત કુટુંબનું, અને ખાસ તો વાડીનું વર્ણન છે.

પાત્રના ચેતનાપ્રવાહનું નિરુપણ કરતી કે જુદી કથનરીતિ અપનાવવા ધારતી વાર્તાઓ પણ છે. પણ અનુવાદકે એકંદરે પ્રયોગશીલ વાર્તાઓને બદલે સમાજવાસ્તવનું આલેખન કરતી વાર્તાઓને પ્રધાન્ય આપેલું જણાય છે. વળી, ગુજરાતી ટૂંકી વાર્તાઓ કરતાં ઉડીઆ ટૂંકી વાર્તાઓ લાંબી હોવાની છાપ પણ 360 પાનાંના સંગ્રહમાંથી ઉપજે છે.

સમાજના અભાવોના ચિત્રણ જેટલું જ ઉત્કલના જાનપદનું આ વાર્તાઓમાં થયેલું ચિત્રણ રસપ્રદ છે. રેણુકાબહેને પસંદ કરેલી વાર્તાઓમાં મેળા, બજાર, ગામ, વેશ, વાનગીઓના ઉલ્લેખો / વર્ણનો તેમ જ વૃક્ષ, વનસ્પતિ, ફળ, ફૂલ જેવાં ઉલ્લેખોને કારણે ગુજરાતી વાચકને ઉત્કલના તળપદની ઝલક મળે છે.

અનુવાદક લખે છે : ‘પ્રસ્તુત ગ્રંથમાં લીધેલી વાર્તાઓમાં ઓડિશાના ધબકતા જીવનની છબી છે. તે ઓડિશાનું ગ્રામજીવન, નગરજીવન, ઓડિશાની સંસ્કૃતિ, ત્યાંની સામાજિક સમસ્યાઓ અને લોકોનાં નૈતિક મૂલ્યોનું ચિત્ર રજૂ કરે છે.’

વ્યવસાયે એનેસ્થેટીસ્ટ ડૉક્ટર રેણુકાબહેને સંચયની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘મૂળે હું ગુજરાતી છું, પણ ઓડિશામાં જન્મ, ઉછેર અને શિક્ષણ મેળવ્યાં છે. સને 1980માં લગ્ન પછી રવીન્દ્રતત્વાચાર્ય મુ. નગીનદાસ પારેખ, મારા શ્વશુર બાળસાહિત્યકાર-અનુવાદક રમણલાલ સોની અને ભોળાભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાતીમાંથી ઉડીઆમાં અનુવાદકાર્ય શરૂ કર્યું તે આજ  સુધી ચાલુ છે.’

પ્રસ્તુત પુસ્તક રેણુકાબહેને ‘મને અનુવાદની દીક્ષા આપનાર … વાત્સલ્યમૂર્તિ નગીનદાસ પારેખને’ અર્પણ કર્યું છે. ભોળાભાઈ પટેલે એક જગ્યાએ લખ્યું છે કે ‘માતૃભાષા ગુજરાતી કરતાં લગારેક વધારે અધિકાર તેમનો  ઓડિયા  ભાષા પર હશે.’

કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સન્માન પામેલાં રેણુકાબહેને કેટલાંક ગુજરાતી પુસ્તકોનો પણ ઉડીઆમાં અનુવાદ કર્યો છે. તેઓ માત્ર અનુવાદક જ નહીં, ઉડીઆ ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી પણ છે. આ હકીકત ‘ગુજરાતી વિશ્વકોશ’માં તેમણે ‘ઉડિયા ભાષા અને સાહિત્ય’ પર લખેલા વિસ્તૃત અધિકરણ પરથી સમજાય છે.

પ્રસ્તુત સંગ્રહનો વિશેષ એ વિકાસના અણસાર કે અંચળા વિનાના અભાવગ્રસ્ત સમાજનું સાહિત્યકારોએ કરેલું પ્રામાણિક ચિત્રણ  છે.

17 ડિસેમ્બર 2023

‌‌‌‌—————

શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ, પ્રકાશક : ગૂર્જર (2023), પાનાં10+368, રૂ.480/- 

પ્રાપ્તિસ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, સંપર્ક : 079-22144663 – મો. 9825268759

ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 079 -26582949, – મો. 9898762263

[960 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

17 December 2023 Vipool Kalyani
← Kashmir: Article 370 Abrogation and Vilifying Nehru
હીરો મોંઘો અને પાણી સસ્તું કેમ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved