સ્વાયત્ત અકાદમી સહીઝુંબેશ
છપ્પનમા ગુજરાત દિવસે ‘ઠપકાની દરખાસ્ત’
સ્વર્ણિમ શોરઉજવણે અને કથિત ગુજરાત મોડલના તથ્યનિરપેક્ષ ઢોલનગારે કંઈક બધિર, કંઈક અંજાપેઅંધાપે ગ્રસ્ત માહોલમાં ગુજરાત પંચાવન વરસ પૂરાં કરી છપ્પનમા વરસમાં પ્રવેશશે તે દિવસે [01 મે 2015] રાજ્યમાં ઠેકઠેકાણે સ્વાયત્ત અકાદમી આંદોલનના સંદર્ભમાં સહીઝુંબેશ ચાલતી હશે.
ગુજરાતના છપ્પનમા વરસમાં પ્રવેશ સાથે ‘નિરીક્ષક’ સ્વાયત્ત અકાદમીના મુદ્દાને સાંકળીને કેમ અગ્રલેખરૂપે મૂકે છે એવો સવાલ કોઈ ચાહે તો પૂછી તો શકે જ. વાચકનો એ અધિકાર પણ છે, અને અધિકારાયત્ત તંત્રી જ્યારે લખે છે ત્યારે એનું ય આ સંદર્ભમાં દાયિત્વ એટલે કે ઉત્તરદાયિત્વ બને છે. અને એ ધોરણે કહેવું જોઈએ કે ગુજરાત દિવસ અને સ્વાયત્તિ સહીઝુંબેશ બેઉની સહોપસ્થિતિ સાભિપ્રાય અધોરેખિત કરી છે.
સ્વાતંત્ર્યસંગ્રામના અનુસંધાનમાં પ્રજાસત્તાક સ્વરાજની લોકશાહી સાર્થકતા વાસ્તે ભાષાવાર રાજ્યરચનાને ધોરણે, ગુજરાતનું એકમ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું. લોકશાહી નીચે લગી, બહુજન સર્વજન લગી પહોંચે તે માટે સંખ્યાબંધ આર્થિક-સામાજિક વાનાં હાંસલ કરવાનાં રહે છે. તે જ ન્યાયે લિબરલ ડેમોક્રસી પાસે અપેક્ષિત આયોજન સ્વાયત્ત સંસ્થાનિર્માણનું પણ છે. કવિતાવનિતાલતા આશ્રય વિના નથી શોભતાં એવી સંસ્કૃત કહેતી, છેવટે તો, સામંતયુગ અને રાજાશાહીની દેણગી હતી. પ્રજારાજમાં આ આશ્રયની (પણ એથી ઓશિયાળાપણું નહીં, એવી) ભૂમિકા બાબતે સરકારે પરત્વે એક જુદા અભિગમની અપેક્ષા રહે છે. આ જુદી ભૂમિકાનો જનતંત્રજડ્યો એક જવાબ સ્વાભાવિક જ સ્વાયત્ત સંસ્થાઓ છે.
આજથી ત્રણ દાયકા કરતાં પણ વધુ વરસ પૂર્વે માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીકાળમાં સાહિત્ય અકાદમીનો પ્રથમ પ્રયોગ થયો ત્યારે કવિતાવનિતાલતા પરંપરામાં નિતાન્ત રાજ્યાશ્રયી માહોલ હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યવાહક સમિતિ બધું જ સરકારનિયુક્ત હતું, અને સરકારી માનસ એવું કે સ્થાપક પ્રમુખ તરીકે જડી રહેલા સન્માન્ય સાહિત્યસેવી મોહમ્મદ માંકડ જ્યારે જાહેર સેવા આયોગ પર ગયા ત્યારે રાજાને જડી રહેલ માઢવ્ય માહિતી નિયામક ભૂપત વડોદરિયા હતા. [એ રીતે, આ પદે (અને પદેન) પૂર્વ માહિતી નિયામકનું હોવું એ કોઈ એપ્રિલ ૨૦૧૫ની નવીનક્કોર નવાઈ નથી.]
અકાદમીની સરકારનિયુક્ત તરાહ અને તાસીરને પડકારવાનું શ્રેય ઉમાશંકર જોશીને નામે જમે બોલે છે. અકાદમીએ એમનું સન્માન કરવા વિચાર્યું ત્યારે એમણે સાભાર, સવિનય પણ સગૌરવ ઈનકાર કર્યો. આશ્રમી સુન્દરમને નહોતો સૂઝ્યો એવો ઈનકાર ઉમાશંકરને સૂઝ્યો, કારણ છેવટે તો એ ‘જાહેર જીવનના કવિ’ હતા. તે પછી તો અકાદમીના સરકારનિયુક્ત સાહિત્યકાર સભ્યોનાં રાજીનામાં સહિતનો એક આખો સિલસિલો હવે તો ઇતિહાસવસ્તુ છે.
તે પછીના દસકામાં, ચિમનભાઈના પુનઃ મુખ્યમંત્રીકાળમાં વળી અકાદમીનો મુદ્દો ઉપડ્યો ત્યારે દર્શકે આદર્શલક્ષી વ્યવહારકુશળતાપર્વક સ્વાયત્ત બંધારણનો કોઠો ભેદ્યો અને ચુંટાયેલા. પ્રમુખ ઉપરાંત લેખકીય મતદાર મંડળની લગભગ નવા જેવી જોગવાઈ સાથે નવરચના બની આવી. ઉપરાંત, સાહિત્યસંસ્થાઓના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ, સરકારી પ્રતિનિધિઓ વગેરેની જોગવાઈ જેમ દેશની અકાદેમીમાં તેમ અહીં પણ હતી. લેખકીય મતદાર મંડળ મારી સમજ પ્રમાણે સુવાંગ નવી વાત હતી, અને જો કોઈ ગુજરાત મોડલ જેવી ઘટના હોય તો તેના એક ઇંગિત રૂપ પણ એ હતી.
દર્શક-યશવંત શુક્લના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ એમ બે કાર્યકાળ પૂરાં થયાં પછી કાયદેસર ત્રીજા કાર્યકાળ માટે નવરચનાની (લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની) પ્રક્રિયા ઠીક ઠીક પાર પડી ગઈ હતી, પણ સાહિત્યરસિક મુખ્યમંત્રીએ સરકારને છેડેથી એ પૂરી ન કરી તે ન જ કરી અને એમ સ્વાયત્ત અકાદમી આજે દસકા કરતાં વધુ સમયથી સરકાર તાબેનો ઈલાકો એ જ સામંતી શૈલીએ બની રહેલ છે. જે અકાદમી વાસ્તવમાં રહી જ નહીં, સરકારી અખત્યાર માત્ર બની રહી, એમાં છેલ્લે છેલ્લે એકાએક અધ્યક્ષની નિયુક્તિ ખરું જોતાં સૌ સ્વાયત્તતાભિલાષી સહૃદયો સારુ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી બીના છે.
ભાઈ ભાગ્યેશ જહાને એમ લાગે છે કે બેતાલીસ વરસની સનદી અને સાહિત્ય સેવાને અંતે આ એમને સહજક્રમે મળી આવેલું પદ છે. ‘નિરીક્ષક’ તંત્રી એમના આ સેવાદાવા વિષયક ચર્ચાથી નિરપેક્ષપણે એટલું અને માત્ર એટલું જ કહેશે કે સરકારે પરબારા રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર અગર ચંદ્રકાન્ત ટોપીવાળાને બેસાડ્યા હોત તો પણ અમારે વિરોધ કરવાનું બન્યું હોત, કેમ કે હાંસલ કરેલ સ્વાયત્તતા પછી કોઈ સામંતી પીછેહઠ કબૂલ રાખી શકાય જ નહીં. લેખક તરીકે વિચારી શકે તો જહા પણ આમ જ વિચારશે, એવું ખાતરીભેર એમના સહિતના સર્વ લેખકો વિશે કહી શકું તો મને તો આનંદ જ આનંદ થશે. જહા સ્કૂલને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ ૨૦૧૪માં (જ્યારે આવું અધ્યક્ષટોચકું બેસાડવાની સરકારે ધૃષ્ટતા નહોતી કરી ત્યારે પણ) નિરીક્ષક તંત્રીએ, ચંદ્રકાન્ત ટોપીવાળાએ અને પ્રવીણ પંડ્યાએ હાલની કથિત અકાદમી સાથે અર્થસવલતી ફારગતી જાહેર કરી જ હતી.
આ ચર્ચામાં સાહિત્ય પરિષદનું નામ પણ સંમિશ્રપણે લેવાતું રહ્યું છે. મુનશીની આજ્ઞાંકિતા મટીને ઉમાશંકર આદિના સખીકૃત્યનો નવ્ય મુકામ હાંસલ કરનાર પરિષદ પરત્વે અપેક્ષા(અને તજ્જન્ય ટીકાભાવ)નુંયે એક લૉજિક નિઃશંક છે. આ સંદર્ભમાં બે’ક મુદ્દા લાજિમ છે. એક તો, પરિષદ ખુલ્લા સભ્યપદને ધોરણે ચુંટાતા તંત્રવાળી સાહિત્યસંસ્થા છે. અને એ અર્થમાં તે ગેરસરકારી છે. (વસ્તુતઃ સોલંકીને પક્ષે અકાદમીદાવ આ ગેરસરકારી અભિક્રમ સામે સરકારી મુખત્યારી ઉપક્રમથી પ્રેરિત હતો.) ખુલ્લી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી સક્રિય સહભાગિતાને ધોરણે કોશિશ કરવાનો અવકાશ છે. પાછા પડીએ, ઓછા ઊતરીએ પણ આ અવકાશ છે. અને એનો રચનાત્મક કસ કાઢવાપણું છે.
બીજો જે એક મુદ્દો પરિષદ સંદર્ભે પ્રસ્તુત જ પ્રસ્તુત છે તે તો એ કે લોકાયની નારાયણ દેસાઈના અધ્યક્ષકાળમાં તે સ્વાયત્ત અકાદમી માટેનો ઠરાવ કરી ચૂકી છે, અને ભલે તે શક્ય ન બન્યું હોય પણ હજુ સુધી તો એ ખુદ આ ઠરાવથી બંધાયેલ છે. (કારોબારી સભ્ય તરીકે આ લખનાર પણ જાત સહિત સૌને જવાબ-દાર પૈકી છે.) ગમે તેમ પણ, સ્વાયત્ત અકાદમી આંદોલન ઉપડ્યા પછી આ મુદ્દે અગાઉથી ઠરાવબદ્ધ લેખક મંડળ અને સાહિત્ય પરિષદ પરત્વે સીધી પહેલની નહીં તો પણ સક્રિય સહભાગિતાની અપેક્ષા તો રહે જ રહે.
ગુજરાતને ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાતું, ને વળી ઊર્વિસાર તરીકે પણ ઓળખાતું. આજકાલ ગુજરાત મોડલનો ચાલ છે. હશે ભાઈ, રાજ્યના હાકેમો અને આ તંત્રી જેવા કલમઘસીટુઓ સ્વાયત્તતાને મોરચે શું કરે છે અને શું નથી કરતા એના પરથી છપ્પનમા વરસે આ બધા ઓળખદાવાઓનું એક માપ મળી રહેશે. બાકી, ગુજરાત દિવસે આવી સહીઝુંબેશ અનિવાર્ય લાગે તે સત્તા-પ્રતિષ્ઠાન માટે કંઈ નહીં તો પણ એક ઠપકાની દરખાસ્ત તો છે જ.
એપ્રિલ ૨૯, ૨૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 01-02