Opinion Magazine
Number of visits: 9449012
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અપ્રાપ્ય અને અમુદ્રિત … એક નહીં, અનેક કાન્તિલાલ મ. શાહ મળી આવે

કેતન રુપેરા|Opinion - Opinion|11 December 2023

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે–પાંચ–સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

પોર્ટ્રેઇટ સૌજન્ય : તુષાર પટેલ

ઇતિહાસનાં પીળાં પડી ગયેલાં પાનાં પર ભલે વંચાતું નામ, વિસ્મૃત નહીં તો ય થોડું વિસરાયેલું નામ—કાન્તિલાલ મ. શાહ. સૌપ્રથમ ૧૯૫૫માં પ્રકાશિત ઠક્કરબાપાના જીવનચરિત્રની દ્વિતીય આવૃત્તિ એના પ્રકાશિત થયાના વર્ષે, ૨૦૧૮માં વાંચવાની થઈ ત્યારે કાન્તિલાલ મ. શાહ લિખિત આ પુસ્તક વાંચીને અવાચક થઈ જવાયું હતું. એવું ન હતું કે ગુજરાતી સાહિત્યમાં આવું સુરેખ ચરિત્ર કોઈ લખાયું નહિ હોય, એવું પણ નહીં જ હોય કે ચરિત્ર લખવા માટે આટલું ઊંડું સંશોધન કદી થયું નહીં હોય, પણ આ બધું સુપેરે કર્યા પછી પણ ચરિત્રકાર કાન્તિલાલના ‘નિવેદન’ અને ‘ઋણ સ્વીકાર’માં જે કેફિયત ઊઘડી આવી છે, એ કોઈ સ્કોલરે લખેલી ‘અભ્યાસની મર્યાદા’ અને ‘આભાર’ની ઔપચારિકતા-અનિવાર્યતા ન રહેતાં ઠક્કરબાપા પ્રત્યેની તેમની અપાર લાગણી અને ગાંધીસેનાનીની નમ્રતા બની ઊભરે છે!

હકીકતે, આચારમાં ઘણો અઘરો એવો નમ્રતાનો આ ગુણ, ગાંધીયુગના અથવા ઓછામાં ઓછું ગાંધીપ્રભાવ હેઠળના લેખકોમાં સહજ હતો, તે એ અરસાના અન્ય કેટલાક લેખકોને વાંચીને પણ અનુભવી શકાય.

જીવનચરિત્રકાર તરીકે કાન્તિલાલની કર્મણ્યતા

‘ઠક્કરબાપા’નું જીવનચરિત્ર લખવા માટે કાન્તિલાલ મ. શાહે જાત પાસેથી પૂરાં ચાર વરસની મહેનત લીધી હતી. જે જે સંસ્થાઓ સાથે બાપા સંકળાયેલા રહ્યા એવી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી – પૂના, ભીલ સેવા મંડળ – દાહોદ, હરિજન સેવક સંઘ – દિલ્હી … આ બધી સંસ્થાઓનાં વાર્ષિક અહેવાલો જોઈ ગયા હતા. બાપા લિખિત અન્ય વિસ્તૃત અહેવાલો અને અનેક છાપાંના કટિંગો પણ જોઈ ગયા હતા. બાપાની છેલ્લાં વીસ વર્ષોની ડાયરી પર પણ‌ નજર ફેરવી ગયા હતા. આ સઘળું કરનાર ‘નવજીવન’, ‘હરિજનબંધુ’, ‘સૌરાષ્ટ્ર’ અને ‘ફુલછાબ’ જેવાં માતબર અખબારોની ફાઈલો‌ સ્વાભાવિક જ ન ચુકે … પણ આટલેથી ન અટકતા તેઓ ગુજરાતમાં સ્થાનિક સ્તરે પરીક્ષિતલાલ મજમુદાર, છગનલાલ જોષી, આભાબહેન ગાંધીથી માંડીને દેશમાં દાદાસાહેબ માવળંકર, રામેશ્વરી નેહરુ (જવાહરલાલનાં પિતરાઈ બહેન અને નારી ઉત્કર્ષમાં મોખરે), વિયોગી હરિ જેવાં દસ-પંદર નહીં, પચાસેક જેટલી વ્યક્તિઓની પણ મુલાકાત લે છે.

આ બરનાં સંશોધન તથા ક્ષેત્રકાર્ય પછી ભીલ સેવા મંડળ – દાહોદ પ્રકાશિત, ડેમી સાઈઝ (૫.૫ × ૮.૫ ઈંચ)નાં ૪૪૮, નામ-સૂચિ સાથે પૂરાં ૪૫૬ પૃષ્ઠનું ઠક્કરબાપાનું ચરિત્ર આપે છે અને આવા એ પુસ્તકમાં લેખક ‘નિવેદન’માં નોંધે છે શું? : “બાપાના જીવનચરિત્રની સામગ્રી માટે જેમને મળવું અનિવાર્ય ગણાય એવાં હજી કેટલાક ભાઈ બહેનો બાકી રહી ગયાં છે. … અમુક સ્થિતિ સંજોગોને લીધે છેવટ સુધી એનો મેળ જ ન ખાધો એટલે અંશે આ ચરિત્રમાં અધૂરાપણુ રહી ગયું છે અને એ અપૂર્ણતા મને ખટકે છે.” કાન્તિલાલની આ દૃષ્ટિ ‘મંગળપ્રભાત’માં ગાંધીજીએ લખેલી ‘નમ્રતા’ પ્રકરણની યાદ અપાવે : “નમ્રતા કેળવવાથી આવતી નથી. તે સ્વભાવમાં આવી જવી જોઈએ. … તેને વ્રતમાં સ્થાન નથી, છતાં વ્રતોના કરતાં કદાચ વધારે આવશ્યક છે.” (પ્રકરણ ‌: ૧૨). સ્વભાવમાં નમ્રતા લાવનાર કાન્તિલાલ નિવેદનમાં આગળ લખે છે, “આ બધા [સંશોધન] પછી ચરિત્ર લખવામાં મેં એક મુશ્કેલી અનુભવી છે તે એ કે બાપા પોતે મૂંગા, એમનું કામ મૂંગું, એમનો સ્વભાવ મૂંગો. આ કારણે એમનું વ્યક્તિત્વ એમના કાર્યમાં મળી ગયું. આથી એમના જીવનનું, એના વિધવિધ પ્રસંગોનું સ્થૂળ રૂપે જે દર્શન થવું જોઈએ એ એમનાં વિરાટ કામો‌ જોતાં પ્રમાણમાં બહુ ઓછું થયું છે.” આ ઉક્તિ વળી, “સ્વાભાવિક નમ્રતા છાની નથી રહેતી. છતાં નમ્ર મનુષ્ય પોતે તે દેખી શક્તો નથી.” એવા ગાંધીજીના વિચાર સાથે કાન્તિલાલના વ્યક્તિત્વનું સંધાણ કરી આપે.

ભીલ સેવા મંડળ-દાહોદ પ્રકાશિત જીવનચરિત્ર : ઠક્કરબાપા

આવા અનિવાર્ય છતાં આસાધારણ ગુણની સાથે વિચારની સ્પષ્ટતા, વિગતની પ્રચુરતા અને ભાષાની પ્રવાહિતાથી હર્યાંભર્યાં ઠક્કરબાપાના આ ચરિત્રને દેશના પ્રથમ અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની પ્રસ્તાવના પ્રાપ્ત છે એ પણ આ પુસ્તક માટેની લેખકની પરિશીલનતાનું દ્યોતક છે. 

ફરી યાદ કરવાનું અને હવે ન વિસરવાનું કારણ–ઉમેરણ

નવેમ્બર, ૧૯૧૧માં જન્મેલા અને ડિસેમ્બર, ૧૯૯૩માં અંતિમ યાત્રાએ‌ નીકળી ગયેલા, એટલે ન હીરક કે ન અમૃત જયંતી અને શતાબ્દી તો નહીં જ … છતાં, કાન્તિલાલ મ. શાહને ફરી યાદ કરી લેવાનું કારણ અથવા હવે ફરી ન વિસરી જઈએ એ માટેનું ઉમેરણ શું?

સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર, લેખક, સંશોધક, અનુવાદક, સામાજિક કાર્યકર અને કોઈક અરસામાં વળી કોઈ છાત્રાલયના ગૃહપતિયે ખરા, એવા કાન્તિલાલનાં બે-પાંચ-સાત નહીં, અંકે પૂરાં 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો ગત જૂન માસે એકી ક્ષણે પ્રકાશિત થયાં એ વિદ્યાવ્યાસંગી પ્રસંગ. 

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં સાહિત્યકાર રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, પ્રકાશ ન. શાહ, કુમારપાળ દેસાઈ, (લેફ્ટનન્ટ) સતીષચંદ્ર વ્યાસ, રાજુલ દવે, પ્રીતિ શાહ—અન્ય કોઈ સાહિત્ય સ્વરૂપ-વિષયનો કાર્યક્રમ હોત તો પોતે પણ મંચસ્થ હોઈ શકત એવા પણ કેટલાક મહાનુભાવો—સહિત અનેક સાહિત્યિક અગ્રણીઓ-રસિકોની હકડેઠઠ ઉપસ્થિતિમાં, એક નાનકડી આખી છાજલી ભરાઈ જાય એટલાં પુસ્તકોનાં અક્ષરસ: અનાવરણનો પ્રસંગ પાર પડ્યો. જાણીતા રસાયણવિજ્ઞાની અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અનામિક શાહનું, જાણે પિતાને કરેલું વિદ્યાકીય અર્પણ-તર્પણ બની રહ્યું. પ્રકાશનપુણ્ય હતું સંસ્કાર સાહિત્ય મંદિર – અમદાવાદને ફાળે.

મૂળે કાન્તિલાલના જ ભાઈઓ જયંતીભાઈ શાહ અને અનુભાઈ શાહે (સૌથી મોટા વજુભાઈ શાહ પણ સૌરાષ્ટ્રનાં સંસ્થાકીય અને રાજકીય ઇતિહાસનું અગ્રીમ નામ) મળીને ભાવનગરમાં સ્થાપેલી સંસ્કાર સાહિત્ય મંદિર (1945) નામે પ્રકાશન સંસ્થાએ પાંચ દાયકાથીયે વધુ વરસોના ગાળામાં નાનાભાઈ ભટ્ટ, મેઘાણી, ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ, ભૂપત વડોદરિયા, મોહમ્મદ માંકડ જેવા ગરવા લેખકો-સાહિત્યકારોનાં પુસ્તકો અને ટોલ્સટોય તથા પર્લ બક જેવાં લેખકોની કૃતિઓનાં અનુવાદો સહિત અનેક પ્રકાશનો કર્યાં હતાં. “સમાજશિક્ષણને પોષે તેવો સંસ્કારવારસો આપવાની છેવટ સુધી ટેક જાળવનારા પ્રકાશક તરીકે” ‘સંસ્કાર સાહિત્ય મંદિર’નું નામ ખૂબ જાણીતું હતું. પણ પછીનાં વર્ષોમાં વયમર્યાદાને ધ્યાનમાં રાખી આ સમગ્ર વારસો જીવંત રહે તે માટે મનુભાઈ શાહ-ગૂર્જર સાથે પરામર્શ કર્યો અને ગૂર્જરની ભગિની પ્રકાશન સંસ્થા તરીકે આ સંસ્થા કાર્યરત થઈ. એ પછી આ પ્રસંગે એકસાથે ત્રીસેક પુસ્તકો પ્રકાશિત થયાં તેમાં, “મનુભાઈના વ્યક્તિગત લાગણી સંબંધોની ઉષ્મા ભળેલી છે” એમ અનામિકભાઈ લખે છે. 

કાન્તિલાલ મ. શાહ લિખિત-અનુવાદિત 14 પૂર્ણ કદનાં પુસ્તકો, બે પુસ્તક શ્રેણીઓ અને સાથે જીવનસંગિની પ્રમીલાબહેન ભાવાનુદિત છ પુસ્તકોની શ્રેણી મળીને કુલ ત્રીસેક જેટલાં પુસ્તકો એક ક્ષણે પ્રકાશિત થયાં

સાહિત્યપ્રકાર અને પુસ્તકોની નામ-યાદી—શીર્ષકોનું વિષય વૈવિધ્ય આનંદ પમાડે એવાં છે.

Ø   અનૂદિત નવલકથા‌ :

૧. પદ્માને તીરે (હુમાયૂ કબીર) ૨. પ્રથમ પત્ની અને બીજી વાતો (પર્લ બક) ૩. આશાનું બીજ ૧-૨ (પર્લ બક) ૪. ચિત્રાની પ્રેમકથા (લીન યુ ટાંગ)

Ø    પ્રવાસકથા :

૫. હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે ૬. દુર્ભિક્ષ (વાર્તાઓ)

Ø   લોકકથા સાહિત્ય :

૭. બંગાળની લોકકથાઓ ૮. કાશ્મીરની લોકકથાઓ ૯. દક્ષિણ દેશની લોકકથાઓ

Ø   જીવનચરિત્ર :

૧૦. રાષ્ટ્રસપૂત બળવંતરાય મહેતા ૧૧. કવિવર રવીન્દ્રનાથ ઠાકુર ૧૨. સૌરાષ્ટ્રમાં ગાંધીજી : આશા અને પૂર્તિ ૧૩. મુસ્તફા કમાલ પાશા

Ø   કિશોરકથા : ૧૪. દરિયાની વેળ (પર્લ બક)

Ø   કિશોરસાહિત્ય : ૧૫. બલિદાન કથાઓ ભાગ ૧-૫

૧. રામપ્રસાદ બિસ્મિલ; ૨. કાકોરીના દેશભક્તો; ૩. અમર શહીદો; ૪. બાબા ગુરુદત્તસિંહ; ૫. ક્રાંતિના ઝંડાધારીઓ

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૬. ચક્રવર્તી રાજગોપાલાચારી લિખિત મહાભારત કથાવલિ ભાગ-૧-૪

Ø   બાળ-કિશોરસાહિત્ય :

૧૭. જાપાનની પરીકથા ભાગ ૧થી ૬ (પ્રમીલાબહેન શાહ ભાવાનૂદિત) ૧. યામાતો તાકેનાં પરાક્રમો, ૨. ચાંદકુમારી, ૩. જાદુઈ આરસ ૪. અક્ષયપાત્ર, ૫. બૂઢી કુભારજા, ૬. અમરલોક

… અને આ પુસ્તકોનાં અંતિમ પૃષ્ઠો પરની યાદીમાં નજર ફેરવીએ તો હજુ તેરેક પુસ્તકો અપ્રાપ્ય હોવાનું ધ્યાને ચઢે.

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યે કાન્તિલાલની દીર્ઘદૃષ્ટિ

‘સંસ્કાર સાહિત્ય મંદિર’ના છત્ર હેઠળ પુનઃપ્રકાશન પામેલાં આ પુસ્તકોનાં કાર્યક્રમ પ્રસંગે વિતરીત કરાયેલી પત્રિકામાં અનામિકભાઈ લખે છે, “૧૯૭૨થી [કાન્તિલાલને] અસ્થમાનો રોગ લાગુ પડ્યો અને પથારીવશ રહ્યા. અસ્થમાના રોગને કારણે કેટલા ય દિવસો સુધી ખોળામાં ઓશિકું અને તેના પર માથું રાખીને બેસવું પડે, પરંતુ જ્યારે જ્યારે તબિયત થોડી સ્વસ્થ લાગે ત્યારે એમની અંગત વિશાળ લાયબ્રેરીમાંથી પુસ્તકો મંગાવીને વાંચતા.” ૧૯૭૪માં કાન્તિલાલ પાસેથી ‘વિરમગામ સત્યાગ્રહ’ અને ૧૯૭૫માં ‘ધ્રાંગધ્રાની લોકલડત’ પુસ્તકો મળ્યાં. એ કદાચ આ રોગ દરમિયાનનો જ યોગ બની રહ્યો હશે?!

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ચંપારણ, બારડોલી કે દાંડી જેવાં ખરેખર જ વધુ વ્યાપક અને મોટા સત્યાગ્રહો, મોટા નેતાઓની આગેવાની હેઠળ થયેલા આ સત્યાગ્રહોની વચ્ચે ભૌગોલિક વ્યાપની દૃષ્ટિએ નાના એવા ધોલેરા, ધ્રાંગધ્રા, બરવાળા, માતર, વિરમગામ જેવાં અનેક સત્યાગ્રહો આઝાદી પછીનાં વર્ષોમાં સ્વાભાવિક જ લોકસ્મૃતિ અને રાજ્યવૃત્તિમાં ઓછાં રહ્યાં, પરંતુ સ્થળપ્રભાવની રીતે પ્રમાણમાં નાની એવી આ લડતો-સત્યાગ્રહોએ પણ‌ મોટી લડતો માટે પૂરાં પાડેલાં ઊંજણ અને ઈંધણ ઓછાં ન હતાં. આવી લડતો માટે વધુ મોડું થાય એ પહેલાં અને વેળાસર ઇતિહાસ આલેખી લેવો એ લેખકની—સમાજ અને રાજ્ય બંનેને ઓળખી શકવાની—દીર્ઘદૃષ્ટિ અને દસ્તાવેજીકરણની એમને મન રહેલી મહત્તા દર્શાવી જાય છે.

૧૯૪૩માં બંગાળમાં દુષ્કાળ પડેલો. ‘ગુજરાત સમાચાર’ના પ્રતિનિધિ તરીકે કાન્તિલાલને બંગાળ જવાનું થયું. તેના પરિણામસ્વરૂપનો આંખે દેખ્યો અહેવાલ ‘હરતાં-ફરતાં હાડપિંજરો વચ્ચે’ (૧૯૪૫) નામે પ્રાપ્ય થયો છે. દેશના પશ્વિમ છેડે આવેલા બંગાળના દુષ્કાળગ્રસ્ત માનવીની દારૂણતા પૂર્વ છેડાના ગુજરાતમાં ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થવી એ તો દસ્તાવેજકારની અને ત્યારના ગુજરાતની કેવી સંવેદનશીલતા!

કાન્તિલાલ મ. શાહ લિખિત ‘હરતાં-ફરતાં હાડપિંજર વચ્ચે’ (1945)માં બંગાળના જે દુષ્કાળ-1943નું વર્ણન છે એ દરમિયાનની એક કરુણ છબી

ઇતિહાસ અને દસ્તાવેજીકરણ પ્રત્યેની કાન્તિલાલની પ્રતિબદ્ધતાનો આવો પહેલો પુરાવો એમની માત્ર ૨૭ વરસની વયે, છેક 1938માં મળી જાય છે. તે ઇજિપ્તના ‘ક્રાંતિવીર મુસ્તુફા કમાલ પાશા’નું જીવનચરિત્ર. ‘ઇન્ડિયન ઓપિનિયન’માં ગાંધીભાઈ અવારનવાર જગત પર પ્રભાવ પાથરનાર વ્યક્તિત્વોનું ચરિત્રલેખન કરતાં રહેતાં. તેમાં કમાલ પાશા વિશે પણ લખ્યું હતું. મો.ક. ગાંધીના શબ્દોમાં, “મુસ્તુફા કમાલ પાશાને લોકો પોતાનો રખેવાળ અને ઉદ્ધારક ગણતા. … જ્યારે જ્યારે કોઈ કોમને (અંગ્રેજી) સરકાર સામે ફરિયાદ હોય ત્યારે તેઓ મુસ્તુફા કમાલ પાશાની છાપાંની ઑફિસને ઘેરી લેતા, અને વચ્ચે પડવા અથવા રસ્તો બતાવવા પાશા આગળ પોકાર કરતા. તે વખતે તેમને કેમ વર્તવું તેની પાશા શિખામણ આપતા.” (ઈ. ઓ., ૨૮-૦૩-૧૯૦૮).

ગાંધીયુગની સાહિત્યિક પ્રેરણા અને ગુજરાતી સાહિત્યમાં પૂર્તિ

કાન્તિલાલે આપેલું કમાલ પાશાનું કે મણિલાલ ભ. દેસાઈએ આપેલું એબ્રહામ લિંકનનું જીવનચરિત્ર કે વિઠ્ઠલદાસ કોઠારીએ આપેલો હેલન કેલરની આત્મકથા Midstream: My Later Lifeનો ‘મઝધાર’ નામે અનુવાદ … આ અને આવાં ઘણાં ચરિત્રોનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કે ઓગણીસમી અને વીસમી સદીમાં જગત આખાના ઘણા દેશોમાં વિવિધ યુરોપિયન હકુમતનું શાસન પ્રવર્ત્યું ત્યારે તેના વિરોધમાં કે તેના પ્રભાવ હેઠળ પણ તે તે દેશોમાં રાજકીય અને સામાજિક સ્તરે કેવી કેવી પ્રતિભાઓ ઊભરી આવી, વ્યક્તિગત-સામૂહિક સંઘર્ષ આદરીને તેમણે પોતાના દેશવાસીઓને કેવી રીતે નવી રાહ બતાવી તેનું ગુજરાતી ભાષામાં આલેખન-અનુવાદ એ ગાંધીયુગનું અને એ યુગના એકથી વધુ લેખકો-અનુવાદકોનું એક વિશેષ લક્ષણ બની રહ્યું હતું. એનાથી ગાંધીસાહિત્ય અને સરવાળે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું. ત્યારની અને એ પછીની પેઢીના વ્યક્તિગત ઘડતર અને એ વાટે સામાજિક ઘડતરમાં આ ચરિત્રોનું-આ સાહિત્યનું ચોક્કસ જ મહત્ત્વનું પ્રદાન રહ્યું હશે. કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા કે નરહરિ દ્વારકાદાસ પરીખ સરીખા સ્વાતંત્ર્યસેનાની-સાક્ષરો વચ્ચે નવી આવૃત્તિઓનાં ધોરણે જેનું સાહિત્ય લાંબો સમય અપ્રાપ્ય રહ્યું એવા અન્ય કેટલાક કાન્તિલાલ મ. શાહ પણ આપણને મળી આવે, એમનું ક્યાંક અપ્રાપ્ય તો ક્યાંક અમુદ્રિત રહી ગયેલું સાહિત્ય ગુજરાતની જનતાને મળે … અને આખરે તો બસ, ગાંધીને પગલે ચાલવામાં ગુજરાતને કોઈ બહાનું ન મળે!

Email : ketanrupera@gmail.com
(સાભાર : “ભૂમિપુત્ર”, 1 ડિસેમ્બર, 2023; પૃ. 08-10)

Loading

11 December 2023 Vipool Kalyani
← નીલેશ રૂપાપરાની આંચકાજનક વિદાય
આધુનિક લોકશાહીમાં સંવાદનું સ્થાન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved