Opinion Magazine
Number of visits: 9456205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનતાનો જય, જંગ જારી : કંઈકેટલાનો ક્ષય બાકી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

આશંકા અને અપેક્ષાથી વિપરીત, આધાર વગરના આશાવાદની લગોલગ, પંદરમી લોકસભાનો તેમજ નવી સરકારનો પથ પ્રશસ્ત થઈ રહ્યો છે ! જે લોકસભા ત્રિશંકુ તો શું, લ-ગ-ભ-ગ બહુશંકુ હોવા બાબતે પક્ષનેતાઓ અને પ્રજાવર્ગ તાજેતરના ગાળામાં કંઈક આશંકિત, કંઈક આતંકિત હતો તે 272ના જાદુઈ આંકડાને સરળતાથી અડી શકતા કૉંગ્રેસ-નીત ગઠબંધનની સ્થિતિએ કેમ કરતાં પહોંચી શકી હશે એ ઉખાણું છોડાવવાની કોશિશમાં જડતો એક જવાબ એ છે કે નાનાંમોટાં પ્રાદેશિક અને બીજાં પક્ષપક્ષડાં વચ્ચે પ્રજામતે, આ ચૂંટણી સ્થાનિક નહીં પણ અખિલ હિંદ સ્તરની છે એવો જાડો વિવેક પોતાની રીતે કરી લીધો હોવો જોઈએ. જેમ પ્રાદેશિક પક્ષોનું કે રાષ્ટ્રીય છતાં વાસ્તવમાં એકબેત્રણ પ્રદેશોમાં સમેટાઈ જતાં પક્ષપક્ષડાંનું એક લૉજિક અને એક ભૂમિકા હોઈ શકે છે તેમ આપણા સમવાયી પ્રજાસત્તાકને સુસંગતપણે અખિલ હિંદ અભિગમ માટેની તાકીદ અને તકાજો પણ સાફ છે. કંઈક પરિભાષિતપણે તો કંઈક અપરિભાષિતપણે, પંદરમી લોકસભા માટેની મતદાનીય રૂખનો કોઈ એક સંકેત હોય તો તે આ છે.

કૉંગ્રેસ-નીત ગઠબંધન (યુપીએ)નું પુનવિર્જયી થવું – અને તે પણ 2004 કરતાં વધુ અસરકારકપણે થવું – એક અર્થમાં, થોડા વખત પરની મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હી વિધાનસભાઓની ચૂંટણીમાં જોવા મળેલ વલણનું જ અગ્રચરણ છે. આ ત્રણે રાજ્યોમાં, સરકારોની કામગીરી ઠીકઠાક હતી અને પ્રજાએ ‘એન્ટિ-ઇન્કમ્બન્સી ફૅક્ટર’ દરકાર કર્યા વગર એમને ફરી ચૂંટી કાઢી હતી. મનમોહનસિંહની સરકારને અને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને પણ લોકોએ એ જ પ્રમાણે એક ઓર તક આપી છે. એટલું જ નહીં પણ, મુકાબલે સારા કામની કદર રૂપે હોય તેમ મત અને બેઠક બેઉ વધુ આપ્યાં છે. બહુમતી કુશાંદે ભલે નથી, પણ અલ્પમતે અદ્ધરજીવ રાખતી તો એ નથી જ નથી.

કદાચ, દેશ આખામાં જે નવો યુવજન મતદાર તરીકે ઉભરી રહ્યો છે અને મધ્યમવર્ગને વિસ્તારતી જે નવભરતી વિક્રમી વૃદ્ધિ દરના આ દાયકામાં થઈ છે ને એની બધી મર્યાદાઓ છતાં અખિલ હિંદ અભિગમની જરૂરત અને સ્થિરતા તેમ સુશાસન (ગવર્નન્સ) નો મુદ્દો ઠીક અપીલ કરી ગયો છે, અને તે વાનું આ પરિણામમાં પ્રતિબિંબિત થાય છે. નહીં કે આ નવ્ય મતદાર અને નવ્ય મધ્યમવર્ગી ભરતીને આ બધા મુદ્દા હસ્તામલકવત્ છે, અગર તો દીવા જેવા ચોખ્ખા દેખાય છે. પણ એનું અર્ધપરિભાષિત પણ વલણ એ દિશાનું જરૂર છે. ત્રીજા મોરચાની જાહેરાત થઈ ત્યારે અહીં એની સંભાવનાઓ સ્વીકારવાનું જરૂર બન્યું હતું. દેશને કૉંગ્રેસે અને ભાજપે ખંડી લીધેલ નથી, એમ ભારપૂર્વક કહેવાનું પણ બન્યું હતું અને હજુ પણ કહીશું. પરંતુ, એકબે પ્રદેશોમાં સીમિત રાષ્ટ્રીય પક્ષો કે પ્રાદેશિક પક્ષોને વટીને લોકસભાને મામલે કૉંગ્રેસ ગઠબંધન અને ભાજપ ગઠબંધન વાસ્તે મતદાન કરવામાં આપણા મતદારે કંઈક સૂઝબૂઝ ચોક્કસ દાખવી છે

અલબત્ત, મધ્યમવર્ગ અને એમાં પણ નવ્ય મધ્યમવર્ગનાં વલણો જેમ અર્ધપરિભાષિત તેમ અધકચરાં પણ હોઈ તો શકે છે – ગુજરાતનો શહેરી મધ્યમવર્ગ જેમ મોદી અને મનમોહનસિંહ પર એકસાથે પસંદગી ઉતારતો જણાય છે તેમ ! 2002ના ભયભુરાંટ મતદાન પછી એણે મોદીમાં સુશાસનનું આશ્વાસન જોયું છે : 9 ટકા વસ્તી ધરાવતા મુસ્લિમો એના મનોવાસ્તવમાં 25 ટકા જેટલા અનુભવાય અને ગોધરાની કોમી ઘટનામાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ દેખાય, અને પછી મોદીમાં સુશાસન ! પણ આ ક્ષણે માનસશાસ્ત્રીય ક્ષ-પરીક્ષણ છોડીને નોંધ એટલી જ લેવાની કે એને મોદીના વિકાસવેશમાં તેમ શાસન પર મનાતી પકડમાં કશુંક દેખાયું જરૂર. તે સાથે મનમોહનસિંહના નેતૃત્વમાં વૈશ્વિક મંદી વચ્ચે પણ સુશાસન અને ઓછાવત્તાયે વૃદ્ધિદર બાબતે એ અવશ્ય આશ્વસ્ત છે. એટલે એને મોદી-અડવાણી સંયોજનમાં નહીં એવો ને એટલો રસ કદાચ ગાંધીનગરમાં મોદી અને દિલ્હીમાં મનમોહન, એ ફોર્મ્યુલામાં પડી ગયો જણાય છે.

કૉંગ્રેસ, એને લાગેલ લૂણો અને આવેલ મોચ જોતાં, તાજેતરનાં વરસોમાં ઠીક હિસાબ આપ્યો એમ જ કહેવું જોઈએ. ખાસ કરીને રાહુલ ગાંધીએ (શરૂ શરૂમાં આ લખનાર સહિત ઘણાની ‘યુવરાજ’ તરીકેની વાજબી ટીકા વહોરીને પણ) એના કાકા સંજયના કિસ્સામાં અને પિતરાઈ ભાઈ વરુણના દાખલામાં અનપેક્ષિત એવી ઠાવકી પ્રતિબદ્ધતાથી કામ લીધું એમ પાછળ નજર કરતાં જણાય છે. યુવક કૉંગ્રેસમાં ચૂંટણીનું તત્ત્વ દાખલ કરનાર તરીકે, પક્ષના વડા ઝુંબેશકારો ને વ્યૂહકારો પૈકી એક તરીકે, આ ગાળામાં એમની પ્રતિભા ઠીક ઊંચકાઈ. અલબત્ત, મતદારને જેમ મોદી-મનમોહન તેમ વરુણ-રાહુલ બેઉ એક સાથે આકર્ષી શકે છે એ આપણી બલિહારી છે.

જ્યાં સુધી ભાજપ અને એના સાથી પક્ષોનો સવાલ છે, એમણે જનાદેશને માથે ચડાવવાનો જે પ્રારંભિક પ્રતિભાવ આપ્યો એ પ્રણાલિપૂર્વકનો ને ધોરણસરનો હતો. પણ અડવાણીને વડાપ્રધાનપદના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા ત્યારે ઘોડો જાણે ‘વિન’ માં હોય એવા તાન પછીના મહિનાઓમાં ક્યારેક સત્તા પર હતો અને વળી ક્યારેક હોઈ શકે એવા પક્ષ તરીકે એની ગરવાઈ-નરવાઈ ઉત્તરોત્તર ઊતરતાં ચાલ્યાં. વરુણ ગાંધી ભલે ચૂંટણી જીતી ગયા હોય, પણ આ આખા પ્રકરણમાં સલામત અંતરથી માંડીને ચાલુ ગાડીએ ચડી જવાનું વલણ દાખવીને અડવાણી અને સાથીઓએ તો જાગ્રત લોકમતની નજરમાં પોતાની વિશ્વસનીયતા કેટલેક અંશે ખોઈ તે ખોઈ જ.

2004ની ‘ઇન્ડિયા શાઈનિંગ’ પછડાટ પછી ભાજપ ગઠબંધનને એક ધોરણસરના વિપક્ષ તરીકે પોતની સૂરતમૂરત સંવારવાનો અવસર મળ્યો હતો. પણ સાંઢિયાનો લબડતો હોઠ હમણાં પડશે એ ખયાલે ટાંપીને બેસેલ શિયાળવા પેઠે એણે અકર્મણ્યતામાં કે દિશાદોર વગરની હિલચાલોમાં ખાસો સમય ગુમાવ્યો. હવે પાંચે વરસે વળી પાછો એક વગદાર વિપક્ષ તરીકેનો પરવાનો તાજો થયો છે ત્યારે જો એ પોતાને ધોરણસર ગોઠવી શકશે તો તે એના અને લોકશાહીના હિતમાં હશે. નહીં કે સ્વસ્થ દ્વિપક્ષ પ્રથા માત્રથી આપણું દળદર ફીટવાનું છે ; પણ એથી કંઈક લાભ તો અવશ્ય થઈ શકે. નમૂના દાખલ, વરુણ ઘટનામાં લાલકૃષ્ણ અડવાણી અને સાથીઓ સલામત અંતરના અભિગમનું સાતત્ય જાળવી શક્યા હોત અને કાં તો વરુણ સાથે છેડો ફાડવાનું કે વરુણને સંયમમાં રાખવાનું કૌવત દાખવી શક્યા હોત તો કેન્દ્રથી જમણે રહેતા પક્ષ તરીકેની પ્રતિભા ઉપસાવવાનો એક મોકો જરૂર હતો.
ભાજપની નજીક લેખાતા તેમ કોઈક તટસ્થ નિરીક્ષકોએ અને વિશ્લેષકોએ અખિલ હિંદ સ્તરે દ્વિપક્ષ પ્રથાના ઉદય બાબતે આશાવાદ અને આનંદનો ભાવ પ્રગટ કર્યો છે. પણ કૉંગ્રેસને મુકાબલે ભાજપને જે એક વણછો લાગેલો છે, મુસ્લિમદ્વેષમાંથી પોષણ મેળવતા રાષ્ટ્રવાદનો, એમાંથી જો આ પક્ષ ન છૂટી શકે તો છતી અખિલ હિંદ હાજરીએ તે સીમિત જ રહે એ દેખીતું છે.

માયાવતી અને જયલલિતાએ પોતાને માટે ધારી લીધેલી ચાવીરૂપ ભૂમિકાઓમાં તેઓ હમણાં તો પાછાં પડ્યાં છે. એવું જ ચંદ્રાબાબુ નાયડુનું તેમ ડાબેરી પક્ષોના કિસ્સામાં પણ બન્યું છે. માયાવતીની સર્વજન ફોર્મ્યુલા પૂર્વકની ઉત્તરપ્રદેશી ફતેહ જો રાષ્ટ્રીય તખતે એવી ને એટલી ઝિલાતી ન હોય અને ઘરઆંગણે પણ લોકસભાની ચૂંટણી સંદર્ભે પાછી પડતી હોય તો એનો માયનો સાફ છે. અને તે એ કે ‘મેનિફેસ્ટોની જરૂર નથી’ થી માંડીને ‘વડાપ્રધાનપદની દાવેદારી’ નો એક મુદ્દાનો કાર્યક્રમ ચોક્કસ તબક્કે, ચોક્કસ હદે પોતાની અપીલ ગુમાવે છે એટલું જ નહીં પણ વિપરીતપરિણામી સુદ્ધાં બની રહે છે.

ડાબેરી પક્ષોની કાર્યભૂમિકા વિશે, કૉંગ્રેસે પોતાને નવયોજવા વિશે તેમજ નાગરિક વકટલેંડ વિશે હવેના દિવસોમાં વિશેષ વાત કરીશું. દરમ્યાન, હમણાં તો પરિણામનું સ્વાગત, અને એની પાર્શ્વભૂમાં રહેલ લોકમતનું અભિવાદન !

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved