Opinion Magazine
Number of visits: 9446329
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક વિદ્યાર્થી સંગઠનની વાત, સેનેટ ચૂંટણી પછી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 March 2015

શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ આર્ટસ કૉલેજ, અમદાવાદ                                

ગઈ બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં નૅશનલ સ્ટુડન્ટસ્ યુનિયન ઑફ ઇન્ડિયા અને  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વચ્ચે હોડ હતી. જો કે શિક્ષણના હિતચિંતકોને એમ પણ થાય કે ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટસ્ ઑર્ગેનાઇઝેશન (ડી.એસ.ઓ.) સંગઠને પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોત તો મતદારો માટે સારી પસંદગીની એક તક રહેતી.

ડી.એસ.ઓ.ગયા ત્રણેક દાયકાથી સાતત્ય, સમર્પણ અને સમજથી સર્વાંગી ગુણવત્તાવાળા શિક્ષણ દ્વારા સમૂળી સમાજક્રાન્તિ થાય તે માટે કામ કરતું રહ્યું છે. શાળા અને કૉલેજ શિક્ષણના પ્રશ્નો માટેની લોકલડત, વિદ્યાર્થીઓમાં સામાજિક અને રાજકીય સભાનતાનું નિર્માણ, બિનસાંપ્રદાયિક લોકશાહી દેશના મહેનતકશ નાગરિકો તરીકે વિદ્યાર્થીઓનું ઘડતર, વાલીઓ-શિક્ષકો સહિત સમગ્ર સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ એ ડી.એસ.ઓ.નાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. તદુપરાંત દેશભરમાં કુદરતી આપત્તિઓમાં રાહતકાર્ય માટે અને કર્મશીલોનાં જૂથોના કાર્યક્રમો માટે પણ ડી.એસ.ઓ.ના કાર્યકરો તનતોડ મહેનત કરે છે. તેઓ ઑલ ઇન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી, ઑલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ અસોસિએશન, કલ્ચરલ એજ્યુકેશન ફોરમ થકી પણ કામ કરે છે. શાળા-કૉલેજો અને શિક્ષણસંસ્થાઓ અને છાત્રાલયોમાં જઈને વિદ્યાર્થીસંપર્ક થકી વિદ્યાર્થી એકતા ઊભી કરવી, જાહેરસ્થળે ધરણાં-દેખાવ અને ચારરસ્તે ઊભા રહીને ડબ્બા ફેરવીને એકઠો કરવામાં આવતો લોકફાળો આ સંગઠનની કાર્યપદ્ધતિનો હિસ્સો છે. રાષ્ટૃીય સ્તરે તાજેતરમાં સાઠ વર્ષ પૂરાં કરનાર ડી.એસ.ઓ. અમદાવાદમાં 1986માં શરૂ થયું અને વડોદરા તેમ જ સૂરતમાં વિસ્તર્યું છે.

વિદ્યાર્થી કર્મશીલતાની એવી કેટલી ય બાબતો છે કે જેમાં અમદાવાદના મીઠાખળી વિસ્તારની નર્મદ-મેઘાણી લાઇબ્રેરીના મથકેથી ચાલતું આ સંગઠન ગુજરાતમાં અનન્ય હોય. ખરેખર તો તકવાદી અને કોમવાદી રાજકીય પક્ષોના હાથા બનીને, કોઇક અપવાદ બાદ કરતાં, મોટે ભાગે ગુંડાગીરી થકી રાજકારણમાં કારકિર્દી બનાવવા માગતા યુવા આગેવાનોથી દોરાતા વિદ્યાર્થી સંગઠનોની સાથે ડી.એસ.ઓ.ની કોઈ સરખામણી જ ન હોઈ શકે. ડી.એસ.ઓ.ના કાર્યકરો અને આગેવાનો માત્ર સંસ્કારી જ નહીં પણ અભ્યાસી પણ હોય છે. શિક્ષણના પ્રશ્નોને તેઓ દેશકાળના વિવિધ પાસાઓમાં સમજે છે. ડી.એસ.ઓ.ના કેટલાક કાર્યકર્તાઓ અને ટેકેદારો યુનિવર્સિટીઓ, કૉલેજો, સરકાર, પોલીસ, કૉર્પોરેટ જેવાં અનેક ક્ષેત્રોમાં લોકઆંદોલનનો વિચાર ફેલાવતા રહે છે. ડી.એસ.ઓ.ને મતે શિક્ષણ સાર્વત્રિક, સમાનતાવાદી અને માનવતાવાદી હોવું જોઈએ. તેનું ધ્યેય સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા આધારિત માનવસમાજના સર્જનનું હોવું જોઈએ. આવું શિક્ષણ સત્તાવાદ વિના આપવું એ રાજ્યની ફરજ છે.            

રાજ્યે અવિચારીપણે લાદેલી નિરર્થક સેમિસ્ટર સિસ્ટમ સામેની લડતમાં ડી.એસ.ઓ. અત્યારે સહી ઝુંબેશ ચલાવી રહ્યું છે. આ લડતની શરૂઆત સંગઠને છેક ત્રણ વર્ષ પહેલાં બે મોટા ચર્ચાસત્રોથી કરી હતી. ત્યાર પછી સતત કોશિશોને પરિણામે ગયાં વર્ષે બાવીસ જાન્યુઆરીએ મળેલા રાજ્યવ્યાપી સેમિસ્ટર હઠાઓ સંમેલનને કૉલેજોના આચાર્યો સહિત સમગ્ર સમાજનો બહુ મોટો ટેકો મળ્યો હતો. નજીકના ભૂતકાળમાં, ગરીબ પરિવારોની જ દીકરીઓ જ્યાં ભણતી હોય તેવા  સિદ્ધાર્થ કન્યા વિદ્યાલયને બિલ્ડરના પંજામાંથી છોડાવવા માટેની મોટા પાયે હિલચાલ માત્ર ડી.એસ.ઓ.એ કરી હતી. તે પહેલાં મીઠાખળીમાં આવેલી મ્યુિનસિપલ શાળાની ઇમારતમાં મોંઘીદાટ સ્કૂલ ન બને તે માટે શાળા નંબર વીસ બચાઓ નામે ઘણું જાણીતું બનેલું આંદોલન સવા વર્ષ ચાલ્યું હતું. વડોદરાની યુનિવર્સિટીમાં છાત્રાલયના બે બ્લૉક બંધ થતાં અટકાવવામાં સફળતા મળી હતી. કૉમન ઍક્ટને સામે સેવ એજ્યુકેશન સમિતિની લડતમાં આ સંગઠનનો ફાળો મહત્ત્વનો છે. પાટણની પી.ટી.સી. કૉલેજમાં અધ્યાપકોએ ગુજારેલ જાતીય અત્યાચારનો સામનો કરનારી વિદ્યાર્થિનીને ન્યાય અપાવનારી ચળવળમાં ડી.એસ.ઓ.એ ‘અવાજ’, ‘નવસર્જન’ અને યોગાંજલિ આશ્રમ,સિદ્ધપુર જેવાં જૂથોની સાથે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ‘નિર્ભયા તારી લડતને સલામ છે’ સૂત્ર સાથે ગયાં ત્રણેય વર્ષ સંગઠને ભાવવિભોર કરી દે તેવી રીતે ફૂટપાથ કાર્યક્રમો કર્યા છે. વળી તેણે ફી વધારો, પ્રવેશપ્રકિયા અને શિક્ષણમાં ભ્રષ્ટાચાર બાબતે સામાં વહેણે ચલાવેલી મથામણની ઢગલાબંધ હકીકતો પ્રેરણાદાયી છે. તાજેતરમાં કાશ્મિર અને તે પહેલાં કેદારનાથનાં પૂર, ઓરિસ્સાના સુનામી, ગુજરાતના કોમી રમખાણો, ધરતીકંપ અને દુષ્કાળમાં રાહત તેમ જ પુનર્વસન માટે ડી.એસ.ઓ.ના કાર્યકરોએ નાગરિક સભાનતા સાથેની ફરજપરસ્તીથી કરેલાં કામ જોવાનો મોકો મળ્યો છે.  

સમાનતાવાદી, સેક્યુલર, રૅશનલ અને ભાવનાશાળી સમાજ માટેનો સંદેશ ડી.એસ.ઓ. અનેકવિધ દૃષ્ટિપૂર્ણ કાર્યક્રમો થકી પણ પહોંચાડે છે. તે સૂત્રો,પોસ્ટરો સાથેના સાંસ્કૃિતક કે વિદ્યાકીય કાર્યક્રમો દ્વારા વ્યક્તિવિશેષોને યાદ કરે છે. આપણા જાહેર કાર્યક્રમોમાંથી અદૃશ્ય થતાં જતાં જનવાદી ગીતો ડી.એસ.ઓ.ના કાર્યક્રમોમાં અચૂક સાંભળવા મળે છે. હમણાં ત્રેવીસમી જાન્યુઆરીએ દર વર્ષની જેમ સુભાષબાબુની જયંતી પોસ્ટર પ્રદર્શન અને શાળા રમતોત્સવ દ્વારા ઊજવી. સત્યાવીસમી ફેબ્રુઆરીએ ચંદ્રશેખર આઝાદને શ્રદ્ધાંજલિ આપી.  પ્રેમચંદ, નર્મદ, મેઘાણી, રામમોહન રાય, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની જયંતીઓ કરનાર આ સંગઠન છે. વસંત-રજબ અને વિનોદ કિનારીવાલાની શહાદતને પણ તે યાદ કરે છે. ભગતસિંહની કુરબાની પરનું નાટક ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીની સામેના બગીચામાં દર ત્રેવીસમી માર્ચે ગયાં ત્રીસેક વર્ષથી વિદ્યાર્થીઓ જોતા આવ્યાં છે. શહીદે આઝમના જન્મશતાબ્દી વર્ષમાં સંગઠને ભગતસિંહ પર ગુજરાતભરમાં ખૂણે ખૂણે પોસ્ટર પ્રદર્શન કર્યું. સાડા સાત ચોરસ ફૂટનું એક એવા ફ્લેક્સિમટિરિયલનાં વજનદાર ચાળીસ પોસ્ટરો, પુસ્તિકાઓ અને પત્રિકાઓ લઈને કાર્યકર્તાઓ ગુજરાતમાં ઘૂમી વળ્યા. તેના પાંચ કાર્યકર્તાઓએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનના શહિદ સ્મારકથી પંજાબના હુસૈનીવાલામાં સુખદેવ-ભગતસિંહ-રાજગુરુના સમાધિસ્થળ સુધી કરેલી પાંચસો કિલોમિટરની સાયકલયાત્રા યાદગાર છે. ઑક્ટોબર 2011માં ઑક્યુપાય વૉલસ્ટ્રીટ આંદોલન અમેરિકા અને યુરોપના કેટલાક દેશોને ઝગઝોરી ગયું. તેમાં વધુ સારી દુનિયા માટેનો આદર્શવાદ હતો. ડી.એસ.ઓ.એ અમદાવાદના વિદ્યાર્થીઓમાં ઑક્યુપાય વૉલસ્ટ્રીટનો સંદેશ આપવા માટે આંદોલનને લગતી સાઠેક તસવીરોનું એક પ્રદર્શન કર્યું હતું.

સિનેમાને સમાજસંવેદનના માધ્યમ તરીકે ગણનાર આ જૂથ ‘રેનેસાં ફિલ્મ ક્લબ’ પણ ચલાવે છે. ડાર્વિનની દ્વિશતાબ્દી અને સાપેક્ષતાના સિદ્ધાન્તની શતાબ્દી નિમિત્તે વૈજ્ઞાનિક અભિગમની અને માનવતાવાદી વિજ્ઞાનની વાત પણ ડી.એસ.ઓ. લોકો સમક્ષ મૂકે છે. એટલે જ દીનાનાથ બત્રાના અભિગમથી તૈયાર કરવામાં આવેલાં પુસ્તકોના વિરોધ માટે શિક્ષણના અવૈજ્ઞાનિકિકરણના મુદ્દે ચર્ચાસત્ર યોજે છે. આવું કરનાર તે એક માત્ર વિદ્યાર્થી સંગઠન છે.  

ડી.એસ.ઓ.નો માર્ગ સ્વનિર્ભર શિક્ષણના જમાનામાં કપરો છે. તેને વેઠવાનું ન આવે તો જ નવાઈ. જેમ કે,  બીજાં સંગઠનો દર વર્ષે જેની અંદર બૅન્ડબાજા અને ફટાકડાનો ઘોંઘાટ કરતા હોય તેવી આશ્રમ રોડ પરની એક  કોલેજની બહાર, ડી.એસ.ઓ. તદ્દન શાંતિથી દેખાવ કરતું હોવા છતાં આચાર્યના ફોનથી પોલીસ આવી, કાર્યકરોની ધરપકડ કરી, તેમાંની વિદ્યાર્થિનીઓ સાથે વાંધાજનક વ્યવહાર કર્યો. ગયાં વર્ષે નજીવા કારણસર સેનેટની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક નકારવામાં આવ્યું. એ કારણ ટાળી શકાય તેમ હતું, પણ તેના માટે સહકાર કે માર્ગદર્શન આપવામાં ન આવ્યાં. આ કિસ્સામાં સંગઠનની કચાશ પણ સ્વીકારવી રહી. માતબર રાજકીય પક્ષના ટેકા વિના ટાંચા સંસાધનોની વચ્ચે લોકચળવળ માટે પ્રતિકૂળ મૂડીવાદી માહોલમાં સાધનશુદ્ધિથી  કામ કરવાનું છે. સંગઠનોની ખરડાયેલી છબી અને ઉપભોક્તાવાદી સ્પર્ધાત્મક કારકિર્દીલક્ષી વાતાવરણને  કારણે વિદ્યાર્થીઓની સામેલગીરી ઊભી કરવી કસોટીરૂપ બનતું જાય છે. જો કે નિસબત ધરાવતા વિદ્યાર્થીઓ,નાગરિકો અને જાહેરજીવનના મૂલ્યનિષ્ઠ અગ્રણીઓ અને સાથ છે. એ થકી ડી.એસ.ઓ.ના કાર્યકર્તાઓ ફનાના પંથ પર આગે કદમ કરતાં જાય છે.  ‘કિરતી’ના જૂન 1928 ના અંકમાં ભગતસિંહના શબ્દો તેમના હૈયે અંકાયેલા છે : ‘દુનિયાની વાત બાજુ પર રહી, પણ વિદ્યાર્થીઓ પોતાના દેશની સમસ્યાઓમાં પણ ભાગ લેતા નથી. તેમને આ બાબતમાં કશું જ્ઞાન જ હોતું નથી … જે યુવાનોએ કાલે દેશની ધુરા સંભાળવાની છે તેમને આજે બુદ્ધિહીન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે … વિદ્યાર્થીઓ ભણે, જરૂર ભણે. પણ સાથે સાથે રાજકારણ વિશે પણ જાણે, અને જ્યારે જરૂર પડે ત્યારે મેદાનમાં કૂદી પડે.’

3 માર્ચ 2015                                  

+++++

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

15 March 2015 admin
← Holy Cow-Beef and Indian Political Games
ઇન્દ્રિયોત્તેજનથી વિચારોત્તેજન : વિનોદ મહેતાને મારી શબ્દાંજલિ … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved