Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 10

સુમન શાહ|Opinion - Opinion|3 August 2023

હરારીએ એમના “21 Lessons for the 21st Century” પુસ્તકના “Artificial Intelligence : The Future of Humanity” તેમ જ ‘The Technological Singularity’ પ્રકરણોમાં જણાવ્યું છે કે મનુષ્યજીવન પર ‘એ.આઈ.’-નો ઘણો નિર્ણાયક પ્રભાવ પડી રહ્યો છે. કલાઓ અને સાહિત્ય પર પણ તેનો હકારાત્મક તેમ જ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.

હરારીએ એમની TED talks-માં અને અન્યત્ર કહ્યા કર્યું છે કે ‘એ.આઈ.’-થી માનવ્યની રક્ષા થવી જોઈશે, નાશ નહીં.

TED એટલે Technology, Entertainment, Design. ન્યૂયૉર્ક સિટીમાં સ્થપાયેલું આ એક નૉન-પ્રૉફિટ સંગઠન છે; વિજ્ઞાન, વાણીજ્ય અને સંસ્કૃતિથી માંડીને કોઈપણ ગ્લોબલ ઇસ્યુ વિશે વિચાર-વિનિમય તેમ જ વિચારોની સહભાગીતા અને પ્રસરણના હેતુથી દુનિયાભરમાંથી વિવિધ વિદ્યાશાખાના વિદ્વાનોને નૉંતરે છે અને ઇન્ટર્વ્યૂઝ, ટૉક્સ અથવા વાર્તાલાપો યોજે છે. વિશ્વ આખામાં એ વાર્તાલાપો ઝિલાય છે, કહે છે કે વ્યૂઅર્સની સંખ્યા કરોડોએ પ્હૉંચી છે.

એ TED interviews કે TED talks અથવા વાર્તાલાપનાં શીર્ષકો છે : ‘What Explains the Rise of Humans?’ (2011). ’21 Lessons for the 21st Century’ (2018). બન્ને વાર્તાલાપ ટેડ વેબ તેમ જ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે.

પહેલા વાર્તાલાપમાં, મુખ્યત્વે એમણે આપણી એટલે કે મનુષ્ય-પ્રજાતિની સફળતામાં કેવાં કેવાં પરિબળોએ ભાગ ભજવ્યો તેનો વિચારવિમર્શ રજૂ કર્યો છે. હરારી એવી દલીલ કરે છે કે આપણે મનુષ્યો વર્ચસ્વી છીએ તે સહયોગ અને કથાનકોને કારણે છે; તે માટે જરૂરી એવા આપણા સર્જકતાપરક સામર્થ્યને કારણે છે.

બીજા વાર્તાલાપમાં, મુખ્યત્વે એમણે ૨૧-મી સદીમાં મનુષ્યને ઉપલબ્ધ તકો અને તે સાથે ખડા થયેલા કેટલાક પડકારો અંગે વિચારવિમર્શ રજૂ કર્યો છે. વાર્તાલાપમાં સવિશેષે ચર્ચાયેલા મુદ્દા છે – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મનુષ્યજીવનના ક્રિયાકલાપોનું ભવિતવ્ય, મનુષ્યજીવનનો અર્થ અને તેની મૂલ્યવત્તા.

બન્ને વાર્તાલાપોથી એમનાં પુસ્તકોમાં પ્રવેશવાની ઠીક ઠીક ઠીક સગવડ મળે છે. બન્ને વાર્તાલાપોથી વિચારચિન્તનક્ષેત્રે ઘણી ઉત્તેજના જનમી છે. અનેક વિચારવન્તોએ ધ્યાનપૂર્વક તેની સમીક્ષાઓ કરી છે.

હરારીએ અન્યત્ર પણ વાર્તાલાપો આપ્યા છે, એમાં ખાસ તો એમણે ‘મનુષ્યજાતિનું ભાવિ’ અને ‘ઇતિહાસનો અર્થ’ વિશે વિસ્તારથી વાત કરી છે. એ વાર્તાલાપોનાં શીર્ષકો છે : ‘The Future of Humanity’ (2012). ‘The History of the World in 100 Words’ (2013). ‘Why We Should Care About History’ (2014). ‘The Sense of Meaning in a Technological Age’ (2015). ‘The Truth About Violence’ (2016). આ વાર્તાલાપો પણ વિચારોત્તેજક રહ્યા છે. એથી પણ એમનાં પુસ્તકોમાં પ્રવેશવાની ઠીક ઠીક સગવડ મળે છે.

માનવ્યની રક્ષાનો મુદ્દો લઈ એમણે વાત માંડી છે; કહ્યું કે ‘એ.આઈ.’ આપણા સંસ્કૃતિવિષયક વારસાનું અધ્યયન કરશે અને તેની સંભાળ રાખશે. ’એ.આઈ.’-ની સહાયથી સાહિત્ય અને કલાઓની અત્યાર સુધીમાં આપણે નથી કલ્પી શક્યા એવી વિધાઓ સરજાઇ હશે. પણ, કહ્યું કે, સાથોસાથ, એથી માનવ્યના વિનાશની નકારાત્મક દિશા પણ ખૂલી જશે. મૌલિકતા અને સર્જકતાનો છાંટો ય ન હોય એવું સામુદાયિક – માસપ્રોડ્યુસ્ડ – સાહિત્ય પણ સરજાશે; લોકોની લાગણીઓને વિષય બનાવતું અને તે સાથે મતલબી ચૅડાં કરતું પ્રચાર-સાહિત્ય પણ રચાશે.

“21 Lessons for the 21st Century” -ના ‘The Technological Singularity’ પ્રકરણમાં એમણે ‘ટૅક્નોલૉજિકલ સિન્ગ્યુલારિટી’-નો મુદ્દો છેડ્યો છે. ટૅક્નોલૉજિકલ સિન્ગ્યુલારિટી એટલે એકલી ટૅક્નોલૉજિના પક્ષે રહેવું તે, માત્ર એના સહારે થતો રહેતો વિકાસ. હરારી કહે છે, પણ એથી તો એવું વિશ્વ રચાશે જેમાં ‘એ.આઈ.’ સર્વેસર્વા હશે અને માણસની સહજ બુદ્ધિમત્તા દરેક બાબતે ગૌણ ગણાઈ જશે. કેવીક કલાઓ અને કેવાંક સાહિત્ય રચવાં અને તેનાં ભાવન કેવી કેવી રીતપદ્ધતિએ કરવાં તે ‘એ.આઈ.’ નક્કી કરશે.

આ બધાંને પરિણામે આપણા સંસ્કૃતિવિષયક વારસા વિશે અનેક પ્રશ્નો ઊભા થયા છે. 

કહે છે, એ વારસા વિશેના આપણા મનોજગતને ધરમૂળથી બદલી નાખવાનું સામર્થ્ય ’એ.આઈ.’ ધરાવે છે એ સાચું છે, પરન્તુ તે સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો પણ છે :

જેમ કે, ‘એ.આઈ.’ ઑલ્ગોરીધમ્સ ડેટા-બેઝ્ડ હોય છે પરન્તુ જો ડેટા પૂર્વગ્રહદૂષિત કે અપર્યાપ્ત હશે તો અનર્થઘટનકારી નીવડશે. જેવી સામગ્રી તેવો માલ ! એથી દુષ્ટ હેતુસર સંસ્કૃતિવિષયક કોઈપણ બાબતને બદલી શકાશે. પરિણામે, કાં તો એ બાબત સારી ગણાવા લાગશે અથવા ન-સારી કે ખરાબ.

હું દાખલો આપું : ધારો કે, એક ‘એ.આઈ.’ ઑલ્ગોરીધમ માત્રબૌદ્ધોએ કરેલા અમુક પાઠને રજૂ કરતો ડેટાસૅટ ધરાવતું હોય અને બીજું જો એ જ પાઠ માટે માત્રસનાતનીઓએ કરેલા પાઠને, તો સંભવ છે કે બન્ને પક્ષે દ્વેષ જનમે. ડેટા-બાયસ મોટી હાનિ સરજી શકે છે. તમે ધર્મ્યને અધર્મ્ય અને અધર્મ્યને ધર્મ્ય દર્શાવી શકો. સારાને વિસ્થાપિત કરી શકો અને નરસાને સ્થાપી શકો. કહેવાય છે કે માણસ ઑલ્ગોરીધમ્સને ઇચ્છાનુસાર ભણાવી શકે ને ‘કારીગરો’ એ કામમાં એમને મદદો કરતા રહે. મારી દૃષ્ટિએ આ મોટી હાણ છે.

સાંસ્કૃતિક બાબતો માટે ‘એ.આઈ.’-પાવર્ડ ઑજારોનો વિનિયોગ વધી રહ્યો છે. પરન્તુ વિનિયોગ કરવાની ફાવટ બધા માણસો પાસે નથી હોતી. તેથી એના નિષ્ણાતો ચડિયાતા ગણાય છે. શક્ય છે કે માનવ-સંસ્કૃતિમાં એથી નવી રીતનો ઊંચ-નીચ ભાવ ઊભો થાય. ઉપરાન્ત, એવી ખાતરી કોણ આપે કે એ ઑજારો સદર્થે જ પ્રયોજાશે -? ટૂંકમાં, સદાચારપરક નૈતિક પ્રશ્નો જનમશે. હરારી હરેક પ્રસંગે ‘સદ્ અર્થ’ પર ભાર મૂકે છે.

કાયદાકીય પ્રશ્નો પણ સરજાશે, જેમ કે, ’એ.આઈ.’ ઑલ્ગોરીધમ જો કોઇ ચિત્રકૃતિની રૅપ્લિકા – હૂબહૂ નકલ – સરજે, તો નક્કી નહીં કરી શકાય કે એના કૉપિરાઇટ કોના, ભલે એ ચિત્ર રવિ વર્માનું હોય ! ચર્ચાઓ જાગશે, કૉર્ટનો આશરો લેવાશે, પણ બધું વ્યર્થ નીવડશે. મોટે ભાગે પશ્ચિમના કલાકારોનાં જગવિખ્યાત ચિત્રોની હૂબહૂ નકલ કરવાનો એક ધંધો વરસોથી ચાલે છે. એ ભૂતિયા ચિત્રકારોને ‘એ.આઈ.’ ઘણી મદદ કરી શકે. સાહિત્યક્ષેત્રે પણ ચૌર્યકલા સરળતાથી ફાલી શકે છે.

ધર્મ અધ્યાત્મ કલા કે સાહિત્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ ‘એ.આઈ.’-ઑજારો પ્રયોજીને સંસ્કૃતિનું સરસ રક્ષણ-સંવર્ધન કરી શકે. પણ એ ઑજારો જો એમને માટે અનિવાર્ય બની જાય, માણસો જો એના ગુલામ બની જાય, તો એવી અધીનતા મોટું નુક્સાન ગણાશે.

એટલું જ નહીં, ઑજારોનો જો અતિ વપરાશ થશે તો ડેટા-લૉસ પણ થશે. માણસને પરેશાન કરી મૂકે એવી ટૅક્નોલૉજિકલ અડચણો પણ ઊભી થશે. જતે દિવસે સંસ્કૃતિવિષયક વારસામાં કે એવી કોઈપણ બાબતમાં  પ્રવેશ પણ અસંભવિત થઈ જશે. 

= = =

(08/02/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

3 August 2023 Vipool Kalyani
← ત્રણ ગીત
સત્તાની ગુરુકિલ્લી :  દલિતજન, બહુજન, સર્વજન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved